ઈસુ વર્ષ ૨૦૧૯ થોડાક દિવસમાં જ તમને ભેટવા આવી રહ્યું છે. વિદેશથી ભારત અને આપણાં પ્રિય ગુજરાતમાં પહોંચવા તમારો જીવ થનગનતો હશે, ખરુંને? આપણે ક્યાં જન્મભૂમિ-વછોયાં છીએ? આ લંડનથી વિમાન પકડ્યું અને આ પહોંચ્યા સલામ શહેર અમદાવાદ કે મોહમયી મુંબઈ! કે પછી વડોદરા - સુરત – રાજકોટ – ભાવનગર – જામનગર – મહેસાણા - આણંદ – ભૂજ – પાલનપુર – અમરેલી...
મિત્રોને મળીશું. નિવાસી બંગલાની સફાઈ થશે. સ્વજનોનાં મહેમાન બનીશું. ગાંધીનગર આંટો મારીશું. આ વખતે યાત્રા-આયોજનમાં કેવડિયા કોલોનીએ રચાયેલી સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનાં દર્શન પણ હશે જ. કેટલાક વળી કચ્છનાં રણોત્સવને માણવા જશે. આ ઉત્સવમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિનો વિષય છે, ‘કણ કણમેં રામ!’
અયોધ્યાના રામનો કચ્છમાં વળી અંદાજ સા-વ અનોખો છે. કેરાના રાજમહેલમાં ‘રામરાંધ’નાં સુંદર ભીંતચિત્રો છે. આ ‘રામરાંધ’ કચ્છી બોલીનું રામાયણ છે. કચ્છી ખેડૂતનો પહેલો પાક ખેતમાં નીપજે ત્યારે અને બીજા પ્રસંગે અહીં ‘રામરાંધ’ ભજવાય છે, આખી રાત કડકડતી ઠંડીમાં આખું ગામ પાદરે ભેગું થાય અને રામાયણને નજરે જુએ. કચ્છી બોલીમાં હોય. તુલસીદાસમાં જેમ બાલકાંડ, કિષ્કિધાકાંડ અને વાલ્મીકી રામાયણમાં પ્રથમ – દ્વિતીય – તૃતીય અધ્યાય છે તેમ કચ્છી રામાયણમાં ‘મામલો’ છે - પહેલો મામલો. બીજો મામલો. ત્રીજો મામલો. પવનસૂત હનુમાન તેમાં ઢોલ વગાડે છે! હવે બોલો, આ ‘સેક્યુલરો’ - અયોધ્યામાં રામમંદિર ન બને એટલા માટે - રામાયણને કપોળકલ્પિત કહે તો સામાન્યજન માને કેમ? ‘રામ વસે ઘટ ઘટમાં...’ એ તો સંજીવની સૂત્ર છે, ભારતવર્ષનું! કચ્છમાં તો પળેપળ રામ સામા મળે. દરિયાઈ ખેડૂતો સમુદ્ર સફર આરંભે ત્યારે ‘હે માલી જામશા, રામે રામ!!’ ગીત આકાશ સુધી ગજાવી મૂકે છે. એક કચ્છી પંખીનું તો નામ જ રામતેતર છે. ગ્રીનીચ ટાઇમ પ્રમાણે ભૂજમાં બાર વાગે તોપ ફૂટે ત્યાં યે રામનો લલકાર હોય. સૂફી લતીફથી દાદા મેકરણ અને સતી તોરલદેનાં ભજનોમાં રામ તો સદા હજાર હોય જ. કચ્છી કહેવત ‘કડી મન માકુડી...’માં રામ-નસીબનો જ રણકાર છે! હવે સિંધ-પાકિસ્તાનમાં છે તે ‘રામ કી બજાર’ જાણીતી હતી, ત્યાં તે ‘રહીમ કી બજાર’ બની ગઈ છે. એક સંસ્કૃતિ - સજ્જન સ્વ. રામસિંહ રાઠોડે ભૂજમાં મ્યુઝિયમ પણ બનાવ્યું છે.
કહેવાનો અર્થ એ છે કે આ વખતે તમે આવાં ‘અલગ ગુજરાત’ને માણવાનું આયોજન કરજો. કદાચ, નામો પણ અ-જાણ્યાં લાગે પણ છે બધાં સંસ્કૃતિ - ઇતિહાસ – ભાષાનાં છડીદાર! ગુજરાત સાહિત્ય અકાદમીએ એક યોજના બનાવી છે ગુજરાતનાં સોએક ગામ-નગરનાં પાદરે એક પાટિયું લગાવવુંઃ ‘આ ગામે ખ્યાત કવિ - લેખક – ચિત્રકાર – સંગીતકાર જન્મ થયો હતો, તમારું સ્વાગત છે...’ જુઓ તો ખરા, કેટલાં નામો હોઠ પર આવે છે? ઓમકારનાથ ઠાકુર જન્મ્યા હતા ખંભાતમાં. ‘ભાભીના ભાવ મને ભીંજવે રે...’ના કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર બોટાદના. એ જ ગામમાં અંતિમ શ્વાસ લીધો ઝવેરચંદ મેઘાણીએ. કચ્છનું રોહા તે કલાપી-પ્રિયતમા શોભનાનું પિયેર. ચૂનિલાલ મડિયા ધોરાજીના, પાજોદ દરબાર ગઝલકાર રુશ્વા મજલુમી પાજોદના. ગંગા સતીનું સમઢિયાળામાં સ્થાનક, તેજસ્વિની રાણકદેવીનો રાજમહેલ – ઉપરકોટ – જૂનાગઢમાં અને સતી સ્થાન વઢવાણ. ધાધલપુરમાં જન્મ્યો હતો સિદ્ધરાજ સોલંકી અને શ્રીમન્નુરામ શર્માનું બિલખા. ચાવંડ એટલે મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાંત’ની જન્મભૂમિ. કલાપી લાઠીના મણિલાલ નભુભાઈ દ્વિવેદી - ગોવર્ધનરામ ત્રિપાઠી - ઇન્દુલાલ યાજ્ઞિક સાથે નડિયાદનો અનુબંધ. ભરૂચ તે કનૈયાલાલ મુનશીની જન્મભૂમિ અને મોહમ્મદ અલી જિન્નાહની પિતૃભૂમિ મોટી પાનેલી. વસોમાં યાદ આવે ભક્તિબા - દરબાર ગોપાળદાસ. ને ફિલસૂફ રાજવી જસવંતસિંહ લીંબડીના રાજવી. ક્રાંતિકાર બેરિસ્ટર સરદારસિંહ રાણા કંથારિયાના અને દલપતરામ વઢવાણના.
ઘુમલી અને જૂનાગઢ તો મોટાં પાટનગર હતાં. લોથલ ૫૦૦૦ વર્ષે પૂર્વેની સંસ્કૃતિનું સ્થાન. તેવું જ કચ્છમાં ધોળા વીરા. જેસલ–તોરલની સમાધિ અંજારમાં, અને મૂળુ માણેકનો પાળિયો વછોડામાં. છેક બેટ દ્વારિકામાં - ગુરુ ગોવિંદ સિંઘના ‘પંજ પ્યારે’ પાંચ વીર વૈરાગી બંદાઓમાંના એક ભાઈ મોહકમ સિંઘનો જન્મ થયો હતો. છીપા કોમમાં તેનો ઉછેર. દ્વારિકામાં વૈષ્ણવ હવેલી ભલે જાઓ, પણ બાજુનાં ગુરુદ્વારામાં ગ્રંથ સાહેબને માથું ટેકવવાનું ભૂલશોમાં. એક સોમનાથ વેરાવળ પાસે તો ઘેલા સોમનાથ વળી બીજું. એટલું જ મહત્ત્વનું, જ્યાં નવાબની મુસ્લિમ દીકરી, એક વણિક અને એક ક્ષત્રિય એમ ત્રણેયે સોમનાથનાં શિવલિંગને બચાવવા ભારે યુદ્ધ ખેલ્યું હતું. સોમનાથ જાઓ તો હમીરજી ગોહિલ અને વેગડા ભીલનાં બલિદાન – સ્થાનોએ જવાનું ભૂલશો મા.
આવું જ મહાનગરોમાં છૂપાયેલા સ્થાનોનું છે. વડોદરામાં શ્રી અરવિંદનું સ્મારક દાંડિયા બજારમાં છે, બંગાળી ક્રાંતિકારોને ત્યાંથી પ્રેરિત કર્યા હતા. ચાંદોદ – કરનાળીમાં અરવિંદના ભાઈ સહિત ત્રણ ક્રાંતિકારોએ અડ્ડો જમાવ્યો હતો અને બધા કાળાપાણીની સજા મળી હતી. આણંદમાં ૧૮૫૭ના મુખી ગરબડદાસની યુદ્ધભૂમિ હયાત છે અને અમદાવાદમાં વિઠ્ઠલરાયનું મંદિર. સમોની શાળામાં વીર વણિક ભૂખણચંદ સૂતો છે - ફાંસીએ ચડ્યો હતો ૧૮૫૭માં. આવું જ ઇડર પાસેના ચાંડુપમા કોળીઓની કથાનો રણકાર છે.
શિહોર જઈએ એટલે જૂના-જાણીતા પેંડા અચૂક યાદ આવે. પણ અહીં નદીકિનારે ૧૮૫૭ના સ્વાતંત્ર્યયોદ્ધા નાના સાહેબ પેશવા સાધુવેશે રહ્યા અને ત્યાં જ શ્વાસ છોડ્યા હતા. સ્વામી વિવેકાનંદ તેમને ૧૮૯૨માં શિહોર મળવા ગયા હતા. વાંસદા ડાંગનું રળિયામણું નગર છે, તેના રાજવી દિગ્વિરેન્દ્રસિંહજી હમણાં અવસાન થયું. ગુજરાતમાં ૧૯૪૭માં ભારત સાથે પહેલવેલું જોડાણ વાંસદા-રાજવીએ કર્યું હતું અને હરિપુરા કોંગ્રેસમાં અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝને માટે ‘શોભા-રથ’ આપ્યો તે સુરક્ષિત છે. સુરતમાં નર્મદનું ઘર છે, નવસારીમાં દાદાભાઈ નવરોજીનું. જમશેદજી તાતાની એ પ્રિય ભૂમિ. મહીસાગરના કાંઠે ફાંસિયો વડ છે, ૨૫૦ ગ્રામજનોને ૧૮૫૭માં ત્યાં ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા. વઢવાણ નજીક શિયાણી શાને માટે જાણીતું? ગુજરાતી ગદ્યકાર સ્વામી આનંદનો જન્મ ત્યાં થયો હતો અને મેડતાથી દ્વારિકા જતી મીરા-મંડળી અહીં એક રાત રોકાઈ હતી. ચોટીલા - ચામુંડાભૂમિ ઝવેરચંદ મેઘાણીનાં જન્મનો ડેલો જાળવીને બેઠું છે...
આ બધું એક ‘બીજું ગુજરાત’ છે, હજુ તેવાં સ્થાનોની યાદી ઘણી મોટી છે. મોજમઝા સાથે આવાં સ્થાનકો પણ પ્રવાસ-એજન્ડામાં ઉમેરજો!