ઘટના તો ૧૩૦ વર્ષ પહેલાની, પણ ડિસેમ્બરના આ ઠંડા દિવસોમાં સાહિત્યના મહોત્સવો યોજાઈ રહ્યા છે ને હું શોધું છું કે કોઈ મંચ પરથી ભરૂચમાં મુનશીના ટેકરે જન્મેલા ગુજરાતના એક વિલક્ષણ લોકપ્રિય સાહિત્યકારનું સ્મરણ કરાય છે કે નહીં?
હા. હું કનૈયાલાલ માણેકલાલ મુનશીની વાત કરું છું.
જન્મ્યા હતા ૩૦ ડિસેમ્બર, ૧૮૮૭ના દિવસે, બ્રાહ્મણ વસતી ધરાવતા ભરૂચના મુનશીના ટેકરે. માણેકલાલ નરભેરામ મુનશીના ઘરે આ બાળ જન્મ થયો. છ બહેનો વચ્ચે એક જ ભાઈ એટલે લાડકો કનુ બધાના સ્નેહનું કેન્દ્ર. બધા જ બધા એક તરફ વળે ત્યારે તે સંતાન સ્વૈરવિહારી બની જાય એવું કનુભાઈનું થયું. ભણ્યા વડોદરામાં. ૧૬મા વર્ષે પિતાએ વિદાય લીધી. ૧૯મા વર્ષે બી.એ. થયા, અને વકીલાતનો અભ્યાસ મુંબઈમાં કર્યો. એડવોકેટ મુનશી ભુલાભાઈ દેસાઈની ઓફિસમાં જોડાયા અને જોતજોતામાં નામી વકીલ બની ગયા.
વકીલાત અને જાહેરજીવનની જુગલબંધી બધે એકસરખી હોય છે. મોતીલાલ, જનાબ જિન્નાહ, જવાહરલાલ, ગાંધીજી, વિઠલભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ... આ યાદી ઘણી લાંબી થઇ શકે. મુનશી પણ તત્કાલીન હોમ રુલ આંદોલન અને પછી રાષ્ટ્રીય મહાસભામાં નેતૃત્વ કરતા થયા. સ્વતંત્રતાના અનેક રંગ અનુભવ્યા. ભારત વિભાજીત ના થાય તેવો રણકાર કરતું ‘અખંડ હિન્દુસ્તાન’ પુસ્તક લખ્યું. કોંગ્રેસમાં મતભેદો થયા, છુટા થયા. વળી, હૈદરાબાદ મુક્તિ માટે વલ્લભભાઈએ તેમને કેન્દ્રના પ્રતિનિધિ બનાવીને મોકલ્યા તે નિઝામને પસંદ ના પડ્યું. નજરકેદ જેવી દશા પણ ભોગવી. અંતે હૈદરાબાદમાં સેના મોકલીને જ આઝાદ કરી શકાયું. એ જ રીતે જૂનાગઢના નવાબે પાકિસ્તાનની સાથે જોડાણ કરતા આરઝી હકુમત રચાઈ તેનું બંધારણ મુનશીની કલમનો પ્રતાપ હતો. જૂનાગઢ મુક્ત થયું ત્યાર બાદ સરદાર સોમનાથ ગયા અને તે ભગ્ન દેવાલયનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો તેમાં મુનશીની ‘જય સોમનાથ’ નવલકથાનો પડઘો પડતો હતો.
મુનશી થોડો સમય કેન્દ્રમાં કૃષિ પ્રધાન હતા ત્યારે વૃક્ષારોપણનું અભિયાન દેશવ્યાપી બનાવ્યું. જલ્દીથી તેમનું કોંગ્રેસ વિષે ભ્રમનિરસન થતા રાજાજીની સાથે નવો સ્વતંત્ર પક્ષ સ્થાપ્યો અને છેલ્લા દિવસોમાં ભારતીય વિદ્યાભવન જેવી સંસ્કૃતિક સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ ભારતીય સ્વાતંત્ર્ય જંગનો અનેક ગ્રંથોમાં ઈતિહાસ પ્રકાશિત કર્યો તે ઘણું મોટું પ્રદાન છે.
ભરૂચથી મુંબઈ... મુનશી જીવનયાત્રાના કેટલા બધા પડાવો છે? ૧૯૦૫માં બંગભંગવિરોધી આંદોલનના શુક્રતારક સરખા અરવિંદ ઘોષ વડોદરામાં અધ્યાપક હતા. સુરતમાં કોંગ્રેસનું અધિવેશન થયું તેમાં જહાલ અને મવાળ એવી બે છાવણી વિભાજીત રહી તેનું વર્ણન મુનશીની ‘સ્વપ્ન દૃષ્ટા’ નવલકથામાં મળે છે. વડોદરાના અભ્યાસ દરમિયાન અરવિંદ ઘોષ અને જગજીવન શાહ જેવા અધ્યાપકોએ તેમના મનોજગતનું ઘડતર કર્યું હતું.
મુનશી તેમની જિંદગીમાં ક્યારેય શુષ્ક રહ્યા નહીં. સામાજિક બગાવતનો અસલી સ્વભાવ પણ ખરો. પ્રેમ તેમના જીવનનો પ્રાણ હતો, પણ તે જમાનામાં જલ્દીથી થતા લગ્નને લીધે પ્રથમ લગ્ન નિભાવ્યું. લીલાવતી સાથે પરિણયનો તંતુ બંધાયો. બન્નેના પોતાના ઘરસંસાર હતા એટલે અતિલક્ષ્મી અને લીલાવતીના પતિ લાલભાઈ અવસાન પામ્યા પછી મુનશી-લીલાવતી લગ્ન સંબંધે જોડાયા. આ સંવેદનશીલ ઘટનાનું વર્ણન તેમની આત્મકથા સીધા ચઢાણ અને અડધે રસ્તેમાં મળે છે.
‘ગુજરાત’ સામયિકનું સંપાદન કર્યું તે પહેલા જ નાટક, વાર્તા, નવલકથા અને વિવેચનમાં તેમની કલમનો વિહાર શરૂ થઇ ગયો હતો. સોલંકી યુગની નવલકથાઓ - ‘રાજાધિરાજ’, ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘જય સોમનાથ’ - તો ગુજરાતના સાહિત્યમાં ઝગમગી ઉઠી. તેના પાત્રો દરેક સાંસ્કારિક પરિવારોમાં માનીતા થઇ ગયા. પોતાના પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રેમ અને પુરુષાર્થને વ્યક્ત કરતા પાત્રોથી ગુજરાત મુનશી-રંગમાં રંગાઈ ગયું. કાક અને મંજરી તો વાચકોમાં એટલા એકાકાર થયા કે લેખકે મંજરીનું મૃત્યુ આલેખ્યું તેનાથી અનેકો દુઃખી થયા અને કેટલાકે તો લખ્યું કે અમારી મંજરીને વિખુટા પાડવાનો તમને શો અધિકાર છે?
આ નવલકથાઓ અને ગ્લોરી ધેટ ગુર્જર દેશ જેવા સંશોધનોની પાછળ મુનશીનો હેતુ ખાલી સાહિત્યનો નહોતો, વિસરાતી જતી ગુજરાતીતાની ભાવના જગવવાનો હતો. ‘યોગસુત્ર’ના પાના પર હજાર વર્ષ પૂર્વે એક શબ્દ સ્થાપિત હતો તે ‘અસ્મિતા’નો. મુનશીએ તેને ગુજરાતની અસ્મિતા સાથે જોડી દીધો, તેમનું મોટા ભાગનું સાહિત્ય, વિવેચન, સામયિક સંપાદન અને ગુજરાતી સાહિત્ય પરિષદનું સંચાલન... આ બધું ગુજરાતની અસ્મિતા સાથે જોડાયેલું હતું. સોમનાથના જીર્ણોદ્ધાર પાછળ પણ આ સ્વપ્ન હતું, કોઈ એક વ્યક્તિ તેની સમગ્ર સજ્જતાને ગુજરાતના ગૌરવ સાથે અસરકારક રીતે જોડી દે તેની કથા એટલે મુનશીનું જીવન.
આજે દુનિયાના તમામ દેશોમાં ગુજરાતી વ્યક્તિ પોતાના ગુજરાતનું સ્વાભિમાન અને ગૌરવ વ્યક્ત કરે છે તેમાં કનૈયાલાલ મુનશીની શબ્દ-સેવા અને વિચારમંથન બન્નેનું પ્રદાન છે. ગુજરાત વિધાનસભાના પરિસરમાં તેમની પણ એક પ્રતિમા સ્થાપિત થવી જોઈએ જેથી નવી પેઢીને તેમનો અંદાજ આવે.
સાહિત્યિક ઉત્સવોમાં મનોરંજનને ભલે અધિક મહત્ત્વ આપવામાં આવે, પણ ગુજરાતી સાહિત્ય, સંશોધન, ઈતિહાસ, સમુદ્ર ભ્રમણ, પુરુષાર્થ... આ બધું પણ રસપ્રદ રીતે પ્રસ્તુત થવું જોઈએ. આની વિશેષ જવાબદારી સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી, વિશ્વકોષ અને બેશક, ખાબોચિયું બની ગયેલી યુનિવર્સિટીઓની છે.