ઇતિહાસ માત્ર પાઠ્યપુસ્તકો પુરતો મર્યાદિત હોતો નથી, આપણા દિલ અને દિમાગને દેશ, સમાજ અને સંસ્કૃતિ તરફ પ્રેરિત કરનારી સંજીવની છે. લંડનમાં બેઠેલા ગુજરાતીઓએ હાઈ ગેટ પર આવેલું ‘ઇન્ડિયા હાઉસ’ જોયું છે? ના જોયું હોય તો બાળકો અને યુવા પેઢીને સાથે લઈને જજો અને કહેજો કે અહીં, માંડવી કચ્છમાં જન્મેલા એક વિદ્વાન ભણશાળીએ હિન્દુસ્તાનની આઝાદી માટે આ જગ્યાએ, આ ઈમારતમાં બેસીને દુનિયા આખીને જાગતી કરી હતી!
ચોથી ઓક્ટોબર તેમનો જન્મદિવસ છે. ૧૮૫૭માં માંડવીની લીમડાવાળી શેરીના નાનકડા મકાનમાં માતા ગોમતીબહેન અને પિતા ભુલા ભણશાળીને ત્યાં, સાવ ગરીબ માબાપની છાયામાં શામુ જન્મ્યો. શેરીના નાકે મ્યુનિસિપલ બત્તીના થાંભલા નીચે બેસીને ભણ્યો. મા કોઈના ઘરકામ કરે અને પિતા સમુદ્રકિનારે આવતા વહાણમાં માલસામાન ઉપાડવાની મજૂરી કરે. માતા શ્યામજીનાં દસમા વર્ષે અવસાન પામી પિતાએ એક વિધવા સ્ત્રી સાથે બીજાં લગ્ન કર્યાં. માંડવી, ભુજ અને છેવટે મુંબઈની વિલ્સન કોલેજ.
મથુરાદાસ લવજી મુંબઈમાં મોટા શ્રીમંત અને સુધારક. એક વાર ભુજ આવ્યા અને આ તેજસ્વી તરુણને મુંબઈ લઇ ગયા, ત્યાં તેની વિદ્યા પ્રાપ્તિના તમામ દરવાજા ખુલી ગયા. કોલેજ ઉપરાંત વિશ્વનાથ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો અને સમગ્ર દેશમાં સંસ્કૃત વ્યાખ્યાન આપવા માંડ્યા.
૧૮૭૪માં સ્વામી દયાનંદ સરસ્વતીનો મેળાપ થયો, બ્રિટીશ વિદ્વાન મોનીયેર વિલિયમ્સ સંસ્કૃત વિશ્વકોષ તૈયાર કરી રહ્યા હતા, તેની નજર આ યુવક પર પડી. તેને છાત્રવૃત્તિ મળશે એવું મોનીયેર વિલિયમ્સનું વચન હતું એટલે લંડન જવા તૈયાર થયાં, પણ આટલી મામુલી રકમથી લંડનમાં રહેવું ભારે મુશ્કેલ હતું, પ્રસંશા તો ભારતભરમાં મળી. પણ આર્થિક સહયોગ ક્યાંય નહીં. ઘરમાં એવી કોઈ આશા નહોતી.
પિતા ભુલા ભણશાળીની આંખો ગઈ અને અવસાન પામ્યા. વિધવા અપર માતા અને તેની કુખે જન્મેલી બહેન ડાહી પોતે જ માંડ જીવન ગુજરાન કરી રહ્યા હતાં. ત્યાં એક ચમત્કાર થયો.
છબીલદાસ શેઠની નજરમાં આ યુવક વાસી ગયો હતો, તેની પુત્રી ભાનુમતી માટે હાથ માંગ્યો. લગ્ન થયાં. દરમિયાન ગોપાલરાવ દેશમુખ, હરિશ્ચન્દ્ર ચિંતામણી, મહાદેવ ગોવિંદ રાનડે, ભોલાનાથ દિવેટિયા, કૃષ્ણ શાસ્ત્રી ચીપલોણકર, કર્નલ ઓલ્કોટ જેવા તે સમયના જ્ઞાની સમાજસેવકોએ શ્યામજીની વિદ્વત્તા માટે ભારોભાર વખાણ કર્યા હતાં. છેવટે પત્ની ભાનુમતીએ પોતાના અલંકારો આપીને તેમણે પ્રોત્સાહિત કર્યા, લંડન ગયા. મોનીયેર વિલિયમ્સે બહાનું કાઢ્યું કે તમે મોડા પડ્યા એટલે છાત્રવૃત્તિ નહીં મળે! છેવટે દરેક સપ્તાહે સવા પાઉન્ડ આપવાનું નક્કી કર્યું.
શ્યામજી અહીં ઓક્સફર્ડમાં બેરિસ્ટર એટ લો થયાં, અને સ્વાતંત્ર્ય સંઘર્ષમાં સક્રિય રહ્યા એટલે ડિગ્રી રદ પણ થઇ. કચ્છના રાજવીની, મુંબઈના ગવર્નરની ભલામણથી શિષ્યવૃત્તિ મળવા માંડી. ઇનર ટેમ્પલે બેરિસ્ટરની પદવી આપી. બેલીઅલ કોલેજના અધ્યાપક બન્યા. અને મુંબઈ પાછા ફર્યા.
એક રસપ્રદ ઘટનાનું સામ્ય જાણવા જેવું છે. આપણા બે એનઆરજી - એક આફ્રિકામાં મોહનદાસ કરમચંદ ગાંધી ને બીજા ઈંગ્લેન્ડમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા. બન્ને લંડનથી બેરિસ્ટર. પણ બન્નેને વકીલાત ફાવી નહિ. શ્યામજી મુંબઈથી લંડન ગયા, ગાંધી મુંબઈથી દક્ષિણ આફ્રિકા. બન્નેએ ત્યાં રાષ્ટ્રીય સંગ્રામનું નેતૃત્વ કર્યું. એકે અહિંસાને માધ્યમ બનાવ્યું, બીજાએ કહ્યું કે ગુલામ દેશના લોકોએ હથિયાર ઉઠાવીને સંહર્ષ કરવાનો અધિકાર છે.
શ્યામજીએ ૧૯૦૫થી ૧૯૩૦ સુધી ધૂણી ધખાવી. લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. ભારતના ક્રાંતિકારી યુવાનોને શિષ્યવૃત્તિ આપીને બોલાવ્યા, એક શરત સાથે કે અભ્યાસ કર્યા પછી ભારતમાં વિદેશી નોકરી નહીં કરે. એક અખબાર પ્રકાશિત કર્યું ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’, અને સમગ્ર દુનિયાનું ધ્યાન ભારતની ગુલામી તરફ દોર્યું. આયર્લેન્ડ, ઈજિપ્ત, ફ્રાંસ, જાપાન, રશિયા, અફઘાનિસ્તાન, જર્મની, ચીન સુધી આ અવાજ પહોંચ્યો. લેનિન પણ એક પરિષદમાં સામેલ થયા હતા. ગોર્કી તો શ્યામજીને ભારતના મેઝિની કહેતો.
‘ઇન્ડિયા હાઉસ’ના સ્વાતંત્ર્ય સંઘર્ષની દીર્ઘ દાસ્તાન છે. માદામ કામા, સરદારસિંહ રાણા, ઉદારવાદી નેતા વેડરબર્ન, પી. ગોદરેજ, એચ. એમ. હિંડમે, જે. એમ. પારેખ, દાદાભાઈ નવરોજી, દીપચંદ ઝવેરી, જ્ઞાનચંદ વર્મા, સેનાપતિ બાપટ, મદનલાલ ધીંગરા, ગાય-દ-એલ્દ્રેદ અને વીર સાવરકર! આ બધાં તે સમયના બ્રિટીશ સામ્રાજ્યને તેની જ ભૂમિ પર પ્રચંડ સ્વાધીનતા સંઘર્ષ કરનારા થોડાંક નામો છે. આવાં બીજાં ઘણા છે.
મહારાજા સયાજીરાવ જયારે યુરોપ-અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે તેમને બ્રિટીશ સરકારે ૫૦ નામો આપીને કહ્યું હતું કે આ લોકો પારીસ, લંડન, અને બીજે બ્રિટીશવિરોધી પ્રવૃત્તિ કરે છે, તેમને મળવું નહી. તેમ છતાં મેડમ કામા તો સાહસપૂર્વક બન્નેને મળ્યા અને રાજમાતા ચીમનાબાઈ સાથે વિચારવિમર્શ પણ કર્યો.
આમાંના મોટા ભાગના હતા જલાવતન દેશભક્તો. તેમની જિંદગી અને મૃત્યુ ભારતની બહાર જ રહ્યાં. પંડિત શ્યામજી લંડન, પારીસ અને જિનિવા, એમ ત્રણ સ્થાનોએ સ્થળાંતર કરીને બ્રિટીશ સામ્રાજ્યવાદ સામે અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કર્યો. ૧૯૩૦ની ૩૧મી માર્ચે સાંજના છ વાગે જિનિવાની હોસ્પિટલમાં જયારે આંખો મીંચી ત્યારે તેમની પાસે ધ્રુસકે ધ્રુસકે રડતાં પત્ની ભાનુમતી સિવાય કોઈ નહોતું.
સંજોગવશાત્ તે દિવસે એક પ્રતિનિધિ મંડળમાં કાશી વિશ્વ વિદ્યાલય સાથે જોડાયેલા, મોટા ગજાના નેતા, બાબુ શિવ પ્રસાદ ગુપ્તા તે શહેરમાં હતાં. શ્યામજીને મળવાની ઉત્સુકતાથી તેમના નિવાસ સ્થાને ગયા તો ખબર પડી કે હોસ્પિટલમાં છે. ત્યાં પહોંચ્યા તો નજર સામે સ્વર્ગસ્થ કૃષ્ણવર્મા અને રુદન કરતાં ભાનુમતી! ગુપ્તાજીએ પારીસ સરદારસિંહ રાણાને ખબર આપી. રાણાજી આવ્યા. સ્મશાનગૃહે અંતિમ વિધિ કરી.
શ્યામજીએ એક વસિયતનામું તૈયાર કરવી રાખ્યું હતું. તેમાં પોતાના મૃત્યુ પછી અસ્થિ સાચવી રાખવા એક સમિતિ બનાવી હતી ને જણાવ્યું હતું કે આ અસ્થિ ભારત સ્વતંત્ર થાય ત્યારે મારાં દેશ લઇ જજો. અસ્થિ તો સચવાયા પણ સ્વાધીન ભારતની પહેલી સરકારે કશું કર્યું નહીં. જેવું સુભાષચન્દ્ર માટે ઉપેક્ષાનું કૃત્ય થયું તેવું જ શ્યામજી માટે થયું, કારણ બન્ને દેશભક્તો ગાંધી, અહિંસા અને કોંગ્રેસથી અલગ રસ્તે સશસ્ત્ર સ્વાતંત્ર્ય જંગનાં વિપ્લવીઓ હતાં!
૧૯૩૦માં જયારે શ્યામજીનાં મૃત્યુના સમાચાર ભારત પહોંચ્યા ત્યારે લાહોરમાં ફાંસીની સજાની રાહ જોઈ રહેલા સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ બીજાં ક્રાંતિકારોએ લાહોર જેલમાં તેમને અંજલિ આપી.
આ ક્રાંતિકારીની કથાનો એક અંતિમ અધ્યાય પણ એવો જ રોમાંચક છે. આઝાદીના સિત્તેર વર્ષ પછી, ૨૦૦૩ના સપ્ટેમ્બરની ચોથી તારીખે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જીનિવાથી અસ્થિનાં બે મોટા કુંભ ખભે ઉપાડીને વતન લઇ આવ્યા. માંડવીમાં આખું કચ્છ ઉમટી પડ્યું, ને પછી ક્રાંતિ તીર્થનું શીલારોપણ અને ૨૦૧૦માં ૧૨ ડિસેમ્બરે, ભવ્ય સ્મારકનું નિર્માણ! આ ત્રણે ઘટનાઓનો હું સાક્ષી છું. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભુજમાં મારાં પુસ્તક ‘લંડનમાં ઇન્ડિયન સોશિઓલોજિસ્ટ’નું લોકાર્પણ કર્યું હતું. તે પછી તેમનું બૃહદ્દ જીવનચરિત્ર ‘ક્રાંતિની ખોજમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા’ મેં અને સ્વ. આરતીએ લખ્યું.
એક સંવેદનશીલ, સ્વાતંત્ર્યપ્રેમી, પરમ વિદ્વાન, ઓક્સફર્ડનાં પ્રથમ ભારતીય સ્નાતક, સેવાવ્રતી પત્રકાર શ્યામજીનું સ્મૃતિસ્થાન લંડનમાં ઉભું છે, ને બીજું માંડવી પાસે મસ્કા ગામે. ઇતિહાસ બોધને પામવા ત્યાં જરૂર જજો.