કચ્છી બોલીઃ આટલી બળકટતા નષ્ટ કઈ રીતે થઈ શકે?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 24th September 2018 07:51 EDT
 
 

ભાષા અને બોલીઃ આપણા સમાજની સૌથી અધિક વિવિધતા જો ક્યાંય હોય તો ભાષા અને બોલીઓમાં છે. તમે સૌરાષ્ટ્રના સોરઠમાં જાઓ, ઝાલાવાડી જમીન પર વિહાર કરો, હાલાર (જામનગર) ને છેક ઓખાઈ – બરડાઈ વિસ્તાર ફરો, સમુદ્રકિનારે વેરાવળ – સિક્કા - સલાયા - દ્વારિકા - ઓખા - પોરબંદર – અને કચ્છના મુન્દ્રા, બેડી, કંડલા, કોટેશ્વર સુધીની રેતીમાં ફરો... દરિયાઈ બોલીના જ કેટકેટલા રૂપ છે!

સમુદ્ર ખેડૂ - આજનાં અદ્યતન સાધનો નહોતાં ત્યારે - સામુદ્રી દેવીની ઉપાસના કરીને હલેસાં હાથમાં લેતો ત્યારે ‘હે માલી જામસા, રામો રામ!!’ ગીતથી સફરની શરૂઆત કરતો. આવું જ દક્ષિણ ગુજરાતના દરિયાનું છે, અને દાંડી? એ તો આધુનિક ભારતની ગાંધી-પહેચાન! પણ ત્યાં યે તમારા માટે સામુદ્રિક શબ્દો હાજર છે. દરિયાઈ ખેડૂની વિવિધ જાતિ છે. વાઘેર છે, કોળી છે, મુસ્લિમ છે, પણ બધાંનો સમુદ્ર-દેવતા રામ છે! તેની ધજા પર તે ઝળહળે છે.

સોમનાથનો કીર્તિસ્તંભ જોયો છે? ત્યાંથી સીધેસીધા - કોઈ જ ભૂમિ વિના - ધ્રુવ સુધી જઈ શકાય તેની શોધ અર્વાચીન નથી, અતિ પ્રાચીન છે! દ્વારિકાના યવનાચાર્યે ગ્રીક-યાત્રા કરીને ‘સમુદ્રશાસ્ત્ર’ રચ્યું તેનો સંદર્ભ અર્વાચીન સમુદ્રશાસ્ત્રીઓ પણ લે છે. કચ્છી કાનજી માલમ ના હોત તો વાસ્કો-દ-ગામા સમુદ્રના ભંવરમાં જ ક્યાંક સમાપ્ત થયો હોત યા પોતાના દેશે પાછો ફર્યો હોત. ગુજરાતી સમુદ્રનું લોકસાહિત્યમાં અ-વિચલ સ્થાન છે.

રવિવારે હું કચ્છ-મુલાકાત દરમિયાન અંજાર હતો. અહીં જેસલ-તોરલની સમાધિ છે. દંતકથા તો એવી છે કે બન્ને સમાધિ વર્ષે ચોખાભાર એકબીજા તરફ ખસે છે ને જે દિ’ ભેગી થાશે તે દિ’ પ્રલય થશે! મને તોરલદેમાં ભારતીય નારીનાં સશક્તિકરણનું, માતૃશક્તિનું, સ્વરૂપ દેખાય છે. આ સ્ત્રી કઈ રીતે પરપુરુષ (અને તે પણ ડાકુ, હત્યારો) જેસલ જાડેજાની સાથે નીકળી હશે અને સમુદ્રનાં પ્રચંડ તોફાનમાં ખૂલ્લાં આકાશે મુક્તિગીત ગાયું હતુંઃ

પાપ તારુ પરકાશ જાડેજા,

ધરમ તારો સંભાળ રે,

તારી બેડલીને બૂડવા નહીં દઉં!

આ જે બોલીનું લોકગીત છે તેમાં બળકટ અવાજ છે. તમે કચ્છનાં આશાપુરા જાઓ, કોટેશ્વરની નિશ્રામાં રહો, કેરાના રાજમહેલને તરાશો, કચ્છી રામાયણ ‘રામરાંધ’ને માણવા તો ચોમાસામાં પહેલો પાક ઉતરે ત્યારે પાદરે ભજવાતું આ રામાયણ નિહાળવું પડે. સ્તબ્ધ વિરાન નગર લખપતના મજુરોની બોલી સાંભળો અને રાપર – નખત્રાણા - અંજાર – ભૂજ – ગાંધીધામ જાઓ તો ભાષા, ઉચ્ચાર અને શબ્દોની નજાકત અને બળકટતા બન્નેનો અનુભવ થાય.

બન્ની અહીંનો ખાસ મુલક છે, ‘છાડ બેટ’ તો ઘાસચારાનું સ્વર્ગ હતું. ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી તપાસ પંચના અહેવાલ મુજબ તે પાકિસ્તાનને સોંપી દેવાયું તેની સામે ૧૯૬૮માં મહિનોમાસ સત્યાગ્રહ થયો હતો. ભૂજમાં કચ્છી સાહિત્ય અકાદમીએ કવિઓને – કચ્છી અને સિંધી બોલીના - એકઠા કર્યા, ૨૫ જેટલા કવિ - લિપિ વિનાની બોલીમાં - કાવ્યપઠન કરતા રહ્યા. હશે કાચું-પાકું સર્જન, પણ છેવટે તો બોલીના ગર્ભમાં એક સજ્જતા રહી છે તેને જન્મ આપવા માટે કુશળ સૂયાણી (કે હવે ડોક્ટર) જોઈએ, માતાના પિંડની તાકાત જોઈએ તો ઉત્તમ કૃતિ પણ અવતરે. માત્ર નગર-ભાષાનો તે ઇજારો નથી!

આ બન્ને બોલી - કચ્છી અને સિંધીમાં બહેનપણાં છે, કારણ સિંધ અહીંથી સાવ નજીક છે. ગઈકાલની ‘રામ કી બજાર’ હવે કચ્છના છેડે શરૂ થતાં પાકિસ્તાનની ‘રહીમ કી બજાર’ બની ગઈ છે. નામરૂપ જૂજવાં...

બનાસકાંઠાથી નજીકના થરપારકર-નગરપારકરમાં હિન્દુ સોઢા રાજપૂતોનો નિવાસ હતો. તેમાંના કેટલાક હજુ ત્યાં જ છે, એસેમ્બલીમાં ચૂંટાયા છે, નગરપાલિકાઓ સંભાળે છે, કરાચીમાં ગુજરાતી છાપાં બહાર પડે છે, ગુજરાતી-ઉર્દુ મુશાયરા જામે છે, સ્વામીનારાયણ મંદિરે જન્માષ્ટમી - દીપોત્સવીએ લોકો ઊમટે છે. હિંગળાજ માતા એટલે દક્ષના યજ્ઞમાંથી પાર્વતીના મૃતદેહને લાવનાર ભગવાન શિવની કૃદ્ધ યાત્રાનું એક ધામ. એક ઈશાન ભારતમાં કામાખ્યામાં છે, બીજું હાલનાં પાકિસ્તાનમાં, તે ‘હિંગળાજ.’ ત્રીજું ગુજરાતમાં અંબાજીનું - આરાસુરનું. આવા ૮૧ સ્થાનો દેશમાં - તેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, પણ આવી જાય છે - માતૃપીઠો - શક્તિપીઠ છે. કચ્છમાં ધોળાવીરા અને પાકિસ્તાનમાં મુંએ-જો-દરો અને ગુજરાતમાં લોથલ-રંગપુર... આ બધાં પ્રાચીન સંસ્કૃતિ સભ્યતાનાં સ્થાનકો!

આ છે આપણી શક્તિઓ

આમાંથી જન્મતી ભાષા (ગુજરાતી) અને બોલી (હાલારી, બરડાઈ, સોરઠી, કચ્છી, આદિવાસી, ભીલી, ચરોતરી, સમુદ્રી...) કઈ રીતે નષ્ટ થાય, ભલા? ભૂજમાં પ્રબુદ્ધ સાહિત્યકારો સમક્ષ મેં કહ્યું હતુંઃ ‘બળવાન સમાજની ભાષા-બોલી મરતી નથી, રૂપાંતરિત ભલે થાય પણ નષ્ટ થતી નથી’ આનું મથાળું કચ્છી અખબારે છાપ્યું તો કેટલાંક ભાષાવિદ્વાનો ગુસ્સે થયા. ભાષા-સંશોધનના અહેવાલો અને કોઈ એક ગણેશ દેવીના અહેવાલો રજૂ કરાયા કે જુઓ, કેટકેટલી બોલી મરવા પડી છે, નષ્ટ થઈ ગઈ છે. આંદામાનના આદિવાસીની બોલી તો તેના છેલ્લા માણસ સાથે ખલાસ! તો તમે એવું કેમ કહી શકો કે બોલી નષ્ટ નથી થતી?

આ કાર્યક્રમમાં કચ્છી નેતા વાસણ આહીર, નીમાબહેન આચાર્ય, વ્રજભાષા સંવર્ધક ગઢવીના પુત્ર પુષ્પદાન ગઢવી, કુલપતિ જાડેજા, પૂર્વ કુલપતિ સાહિત્યકાર કાંતિ ગોર, સર્જક ધીરેન્દ્ર મહેતા, કચ્છી ભાષા નિષ્ણાત કારાયલ અને બીજા ઘણા સિંધી કવિ-શિક્ષણકારો પણ હાજર હતા, બોલ્યા, કાવ્યપઠન કર્યાં... કોઈના યે ચહેરા પર પોતાની બોલી નષ્ટ થઈ રહી છે તેવો ડર નહોતો! શું બોલીઓ ભાષાશાસ્ત્રીઓના પુસ્તકોમાં જ મરતી હશે?

બળવાન સમાજ, બળવાન બોલી

ખરી વાત એ છે કે ભાષા અને બોલી તેના સમાજની પ્રબળ ઇચ્છાશક્તિ, સાહસ અને સંવેદના પર આધાર રાખે છે. અમારો કચ્છી (જેણે શ્યામજી કૃષ્ણવર્મા, યુસુફ મહેરઅલી, કે. ટી. શાહ, જયંત ખત્રી, બકુલેશ, ચંદ્રશંકર બૂચ ‘સુકાની’, કારાણી, કવિ નિરંજન, મેકણ દાદા, કવિ-રાજવી લાખો ફુલાણી, મોહમ્મદ કરીમ ચાગલા, હરીન્દ્ર દવે જેવા વ્યક્તિઓ આપ્યાં અને ૬૦ જેટલા દેશોમાં કચ્છીમાંડુ બહાર ભલે જે ભાષામાં વ્યવહાર કરે, ઘરમાં ‘અચો અચો..’ કહીને મીઠડી કચ્છીમાં જ બોલે, હવે તો તેનું કચ્છી સાહિત્ય પણ સર્જાવા માંડ્યું છે. અકાદમી દ્વારા પ્રકાશિત ‘કચ્છી ભાષા ઔર સાહિત્ય’નું લોકાર્પણ પણ થયું... એટલે આપણી શ્રદ્ધા તો યથાવત્ છે - કચ્છીમાંડુની જીવનશૈલી અને કચ્છી બોલીના ચંદરવાની! કચ્છમાં કેટલાંક લગ્નમાં ચોરી ફેરા ચારના મંત્રો સંસ્કૃતમાં નહીં, કચ્છીમાં પ્રયોજાય છે.

શ્રી કારાયેલે માહિતી આપી કે માહેશ્વરી સમાજ આ વિશેષતાને વળગી રહ્યો છે. ત્યાંની યુનિવર્સિટીમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ થોડાક કલાક કચ્છી બોલે તેવા વર્ગ લેવાય તો કેવું સારું? આવું જ શાળાઓમાં પણ થવું જોઈએ. બ્રિટિશ-કચ્છીઓ, સાંભળો છો ને?


comments powered by Disqus