સંમેલનો, સભાઓ, મેળાવડાઓ, પરિસંવાદો, ગોષ્ઠી, ઉત્સવો, પારાયણ, કથા, કવિ સંમેલનો, સાહિત્યિક કાર્યક્રમો, સંગીત સંધ્યાઓ, નાટકો, અભ્યાસ વર્ગો... અત્યારે ગુજરાતમાં આની મોસમ ચાલે છે. હવે તેમાં શાળા-કોલેજો ઉઘડતા પ્રવેશ પછીની દોડધામ શરૂ થઇ ગઈ.
આમ તો કશું નવું નથી, રાબેતા મુજબનું લાગે. પણ રાજકીય મોરચે ભાજપ અને કોંગ્રેસના કાર્યક્રમો ૨૦૧૭ની ચૂંટણી પૂર્વેની તૈયારીનો જ ભાગ છે. આનંદીબહેન અને વિજય રૂપાણીએ ચોતરફ ઘુમવા માંડ્યું છે. શક્ય બનશે તો વડા પ્રધાન પોતાના પૂર્વ રાજ્યની મુલાકાતે આવી જશે. રાષ્ટ્રીય સ્તરના નેતાઓ તો છાશવારે આવે જ છે.
કોંગ્રેસમાં આશાવાદ જાગ્યો છે, પણ સંગઠન સ્તરે હજુ મેળ પડતો નથી. રાહુલ ગાંધીએ એક બેઠક બોલાવીને સૂચનાઓ આપી, પરિસ્થિતિ જાણી, પણ પછી ખાસ કઈ થયું નહી. શંકરસિંહ વાઘેલા પ્રજાની વચ્ચે જવાની વ્યૂહરચના પ્રમાણે ચાલે છે એટલા બીજા નેતાઓ દેખાતા નથી. મુદ્દાઓ બન્ને પાસે છે. મોંઘવારી સહુથી મોટો પ્રશ્ન છે. બીજી તરફ, વિકાસની વાત ભાજપના નેતા અને કાર્યકર્તા ઘૂંટે છે. સંગઠને અનેક કાર્યક્રમો આપી દીધા. તેમાં પક્ષની સરકારી કામગીરી, કટોકટીનો વિરોધ, અખંડ ભારત દિવસ, વિકાસ પર્વ, વ્યક્તિગત સંપર્ક વગેરે સામેલ છે. જૂના નેતાઓ અને કાર્યકર્તાઓ સક્રિય થાય તેવું પણ નક્કી થયું છે. વિજય રૂપાણીએ તેની શરૂઆત પ્રમુખપદ સંભાળતી વખતે જ કરી દીધી હતી.
હમણાં મહેસાણામાં કારોબારી મળી ત્યારે ડો. એ. કે. પટેલનું સન્માન કરાયું. ડોક્ટર પટેલ સમગ્ર દેશમાં ભાજપને લોકસભાની બે જ બેઠકો મળી તેમાંના એક હતા. પ્રદેશ પ્રમુખ બન્યા હતા, પણ પછી અળગા થયા અને કેશુભાઈ પટેલે સ્થાપેલી પાર્ટીમાં ગયા. એ પક્ષ સંકેલાઈ ગયો. તેમાંથી લગભગ બધા ભાજપમાં જોડાઈ ગયા. એ.કે.ના સન્માનની પાછળ આવો જ હેતુ હોય તે સ્વાભાવિક છે.
જોકે સુરેશ મહેતા હજુ અડગ છે. જૂના જનસંઘી અને બળવંતરાય મહેતાની સામે દહેગામમાં ૧૯૭૪ની પેટા-ચૂંટણી લડનારા ગાભાજી ઠાકોર થોડોક સમય નારાજ રહ્યા પછી ભાજપમાં પાછા આવી ગયા છે. કોંગ્રેસમાં હમણાં અલગ પ્રકારની ઘરવાપસી થઇ. ગુરુદાસ કામત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા, ઉપરના નેતાઓથી નારાજ હતા એટલે રાજીનામું આપ્યું અને અઠવાડિયા પછી પાછા વળ્યા અને પ્રભારી બન્યા!
આમાં હવે આમ આદમી પક્ષની સક્રિયતા શરૂ થઇ. સ્થાનિક સ્તરે ક્યાંક ક્યાંક તેનું કામ ચાલે છે અને ખેડૂતોના પ્રશ્ને પૂર્વ ભાજપી કનુભાઈ કલસરિયા મહેનત કરતા રહે છે. હવે કેજરીવાલ ગુજરાતમાં આવીને પક્ષને જાગતો કરે તેવા પ્રયાસ ચાલે છે. કોંગ્રેસ કે ભાજપમાં ગોઠવાઈ શક્યા ના હોય તેઓ અને રાજકીય ઈચ્છા ધરાવનારા તેમાં જોડાય તો કૈંક વાત બને એવું તેઓ વિચારી રહ્યા છે. કેજરીવાલ ગુજરાતમાં કર્મચારીઓ અને નાગરિક સંગઠનના પાટિયા લગાવીને બેઠેલા કેટલાકને ઉપરાંત કોંગ્રેસ ભાજપમાંના અસંતુષ્ટોને સાથે લઈને તીર નહીં તો તુક્કાનો ખેલ કરવા આવશે. હવે તેઓ ક્યાય અન્નાસાહેબને તો યાદ પણ કરતા નથી!
ગુજરાતમાં અન્ય પ્રદેશોની જેમ જૂનના ત્રીજા સપ્તાહ દરમિયાન એકથી વધુ સ્થાનોએ ૪૦ વર્ષ પહેલાની કાળી અને કલંકિત ઘટના યાદ કરવામાં આવી, ૨૫-૨૫ જૂન, ૧૯૭૫થી બે વર્ષ સુધી ચાલેલી આંતરિક કટોકટી અને સેન્સરશિપ સામેના સંઘર્ષને યાદ કરવા સભા-સંમેલનો થયા. ભાજપ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરના ‘લોકતાંત્રિક સ્વાતંત્ર્ય સેનાની સંઘ’ની મોટી સભા અમદાવાદમાં થઇ તેની રસપ્રદ વિશેષતા એ હતી કે તેમાં બે વર્તમાન રાજ્યપાલો હાજર રહ્યા અને કટોકટીની આલોચના કરી. આ બન્ને રાજ્યપાલો - કર્ણાટકના વજુભાઈ વાળા અને ગુજરાતના ઓમ પ્રકાશ કોહલી - બન્ને કટોકટીમાં મીસાવાસી હતા, ત્રીજા વિજય રૂપાણી તે સમયે વિદ્યાર્થી પરિષદના પ્રચારક હતા તે પણ મીસા હેઠળ પકડાયા હતા.
ગુજરાતમાં લગભગ ૩૦૦૦ લોકો એક યા બીજી રીતે જેલમાં હતા તેમાં બાબુભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ - એ ત્રણ તો પછીથી મુખ્ય પ્રધાન બન્યા. બીજા કેટલાક રાજ્ય અને કેન્દ્રમાં પ્રધાન અને અધ્યક્ષ બન્યા. એક રાજ્યપાલ બન્યા અને ભૂગર્ભ લડાઈ કરનાર વડા પ્રધાન!
મહત્વની વાત એ રહી કે પૂર્વ સાંસદ ડો. કે. ડી. જેસ્વાણીએ એક ઠરાવ મૂક્યો તેમાં લોકશાહીના આ રાષ્ટ્રીય સ્તરે થયેલા સંઘર્ષનો ઈતિહાસ શાળા, મહાશાળા, કોલેજ, યુનિવર્સિટીમાં પ્રભાવી રીતે અભ્યાસક્રમમાં સમાવવામાં આવે તેવી માંગ છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ વખતે મંચ પર ઉપસ્થિત હતા. મેં ભૂમિકા આપતા કહ્યું કે રાજ્ય શાસ્ત્ર, ઈતિહાસ, સાહિત્ય અને પત્રકારત્વના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરાય. પીએચ.ડી. કરવા માંગતા વિદ્યાર્થીઓને સુવિધા અપાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારા એક વિદ્યાર્થી દર્શન મશરૂએ આ વિષય પર સંશોધન કરીને ડોકટરેટની પદવી પ્રાપ્ત કરી છે તો ગુજરાત યુનિવર્સિટી અને બીજી યુનિવર્સિટીઓ હજુ કેમ જાગતી નથી?
વજુભાઈ વાળા, ઓમ પ્રકાશ કોહલી અને વિજયભાઈએ આ વાતને મહત્વની ગણાવી હતી. બીજો ઠરાવ સ્વાતંત્ર્ય સેનાનીઓની જેમ ૧૯૭૫-૭૬ના લોકશાહી સ્વાતંત્ર્ય માટે લડનારાઓને તેવું જ ગૌરવ આપવામાં આવે તેવો આગ્રહ કરવામાં આવ્યો. સંઘના ગુજરાતના સંયોજક જયંતીભાઈ બારોટે તમામનું સ્વાગત કર્યું હતું. જયારે દત્તાજી ચીરંદાસે સ્વર્ગસ્થ મીસવાસીઓની નામાવલિ જણાવી ત્યારે સામે બેઠેલા પરિવારો અને સાથીઓની આંખોમાં તેમની સ્મૃતિ સળવળી ઉઠી હતી. આવું જ રાષ્ટ્રીય સ્તરનું સંમેલન ૨૬ જૂને નવી દિલ્હીમાં યોજાઈ ગયું. તેમાં આ ઠરાવો મૂકાયા. આ ઉપરાંત ચુંટણી સુધારાનો એક પ્રસ્તાવ પણ પસાર થયો.
બન્ને સંમેલનો અને દેશવ્યાપી બીજા ૧૦૦ સંમેલનોએ લોકતંત્ર પરના આઘાતને સ્મરતા એવો નિશ્ચય પણ કર્યો કે દેશ પર આવા કોઈ પણ સંકટ સમયે અમે અને અમારી ભાવિ પેઢી સંઘર્ષ માટે તૈયાર છે અને રહેશે.