સાતમી જુલાઈની વરસતી રાતે, અમદાવાદના ટાગોર સભાખંડમાં બે કલાક સુધી ‘નૃત્યોત્સવ-૨૦૧૭’ની પ્રસ્તૂતિ થઈ તેમાં કથક નૃત્યો જ કેન્દ્રમાં હતાં, પણ આપણા ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો ‘આત્મા’ જ એટલો ઝળહળતો હોય છે કે તેમાં તે ક્ષણો પોતે પણ એક ઉત્સવ બની જાય!
ગુજરાતને માટે નૃત્ય તે અ-જાણ્યું શાનું હોય? ભગવાન સોમનાથને શ્રદ્ધાપૂર્વક બીલીપત્ર ચઢાવતો ભક્ત ‘શિવ-તાંડવ’ નૃત્યથી સુપરિચિત છે. સોમનાથથી દ્વારિકા જાઓ તો શ્રીકૃષ્ણના ‘મહારાસ’નો આનંદ અંકિત થઈ જાય. દયારામ તો સ-સ્મિત, પૂછી પણ લે કે ‘ક્યાં રમી આવ્યા રાસ જી...’ શરદ પૂનમે ગુજરાતનાં નાનકડાં ગામડાંથી મહાનગરો રાસ-ગરબાની રમઝટથી તરબતર થાય છે. નવ-રાત્રિ, શક્તિપૂજા સાથેનાં રાસ-નૃત્યો એ વિશ્વનો સૌથી વધુ ચાલતો પર્વાધિરાજ છે!
પણ આની પોતાની એક પરંપરા છે, ઇતિહાસ છે તેમાં ‘કથક’નું આગવું સ્થાન. હરપ્પા અને સિંધુ સંસ્કૃતિનાં ખોદકામમાં પ્રાપ્ત પ્રતિમાઓમાં એક નર્તકી પણ છે. આનો અર્થ એ કે મનુષ્યનો સ્વભાવ જ નર્તન છે! સભ્ય સમાજના અતિક્રમણથી હવે આપણે નાચતાં અચકાતાં હોઈશું પણ મનમાં તો મત્ત મયુર નાચતો જ હશે! શિવ અને શ્રીકૃષ્ણને એવો છોછ નહોતો.
અરે, હમણાં થોડાંક વર્ષ પૂર્વે સાહિત્ય પરિષદનાં જૂનાગઢ-અધિવેશનમાં સમાપન ટાણે કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીનું ‘સોરઠ કરે સામૈયું!’ ગીત પર મંચ આખો નાચી ઉઠ્યો. તેમાં મોરારી બાપુ પણ હતા! જૂનાગઢને આની નવાઈ ના લાગે કેમ કે નરસિંહ મહેતા જીવનભર નાચ્યો જ હતો ને? મશાલ પકડીને નૃત્યમાં સામેલ થયો અને હાથ સળગતો લાગ્યો તેની યે ખબર ક્યાં રહી? દ્વારિકાના વિરાટ દ્વારિકાધીશ દેવાલયનાં પગથિયાં પર હજુ મીરાંની નૃત્ય ભક્તિ - ‘પગ ઘૂંઘરુ બાંધ, મીરા નાચી રે!’ સાથે પડઘાય છે.
પણ, થોડોક ઇતિહાસ તપાસીએ તો ઇસવી સન પૂર્વે ૨૦૦માં ભરતમૂનિનાં નાટ્યશાસ્ત્રમાં જે ૬ પ્રકરણ છે તેમાં નૃત્યની છણાવટ છે. આમ તો ભારતીય શૈલીના નૃત્ય પ્રકારો આઠથી અગિયાર ગણાયા છે, અને જુઓ, તે વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ પણ કરે છે! તમિળનાડુનું ‘ભરત નાટ્યમ’, ઉત્તર-પશ્ચિમ ભારતનું ‘કથક’, કેરળનું ‘કથકલી’, ઓરિસાનું ‘ઓડિશી’, અસમનું ‘સત્રિયા’, મણિપુરથી ‘મણિપુરી’ અને કેરળનું ‘મોહિની અટ્ટમ’ - આટલા આપણા નૃત્યો, અને તેનો મૂળ હેતુ ‘આધ્યાત્મિક મુક્તિ’ સુધીનો! જિંદગીનો આનંદ સીમિત હોઈ જ ન શકે. તેમાં આનંદ-વિષાદ, મિલન-વિરહ, કરુણ-શૃંગાર... બધું જ આવે, ઉત્તમ ‘વાચિકમ્’ અને ‘આંગિકમ’થી આવે, પણ તેનો છેલ્લો મુકામ તે ‘બાવન અક્ષરની પેલી પાર’ની આરાધનાનો! બસ, આ જ હેતુ પૂર્વે અને પશ્ચિમની નૃત્યશૈલીનો ભેદરેખા સ્પષ્ટ કરે છે.
આમાંનું કથક? ‘કલાનિધિ’ કથક અકાદમી બે બહેનો - ડો. અમી ઉપાધ્યાય અને નીતિ ઉપાધ્યાય-ના કળાપ્રેમનું પરિણામ છે. ડો. અમી બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અધ્યાપક અને રજિસ્ટ્રાર છે. નીતિ પણ અધ્યાપક છે, પણ અધ્યાપનની તેમની એક દિશા - ગુજરાતમાં કથકનો વૈભવ સ્થાપિત કરવાની - છે તેનું પ્રમાણ આ કાર્યક્રમમાં પ્રાપ્ત થઈ ગયું!
કથક શબ્દ વિશે હું વિચારતો હતો કે તેમાં ક્યાંક ‘કથા’નું તત્ત્વ હોવું જ જોઈએ. મંચ પરથી જે પ્રસ્તુત થયું તેમાં ગણેશ સ્તુતિ, મોહે રંગ દો લાલ, મૈં રાધા તેરી, કવિત જુગલબંદી, અંદાજે-નિકાસ, મધુર ષટકમ્, ઠૂમરી, બ્લેંડેડ બિટ્સ - કથક ફ્યુઝન, દ્રૌપદી અને છેવટે સીતા કા પ્રશ્ન. આ શીર્ષકો પરથી જ ખ્યાલ આવે કે અહીં કથાનો માહૌલ છે. ‘સીતા કા પ્રશ્ન’ અને ‘દ્રૌપદી’- બંનેમાં ભલે રામાયણ અને મહાભારતની ઘટના હતી, પણ સા-વ અલગ અંદાજ સાથે! ભગવાન રામનું ધનુષ્ય તોડવાથી વનવાસ, રાવણ-સંહાર અને સીતાની અગ્નિ પરીક્ષાને નૃત્યમાં ઢાળીને, દરેક ઘટનામાં તેજતણખા જેવો સવાલ મંચ પરની સુસજ્જિત તેજસ્વિની અમી પૂછે છે - રામ, તુમ્હેં યે જવાબ દેના હોગા!’ એ ધ્રૂવવાક્ય અને તે પૂર્વેનો આર્તનાદ સાથેનો પૂણ્યપ્રકોપઃ આ અદભુત પ્રસ્તુતિ હતી. વિશ્વના સમગ્ર સમાજની નારીનો સનાતન ચિત્કાર – પણ ક્યાંય આશ્રિતાની મજબૂરી નહીં. તેમાં કથા - કથક સ્વરૂપે છલકાયો, ત્યારે ‘કલાનિધિ’ની સાર્થકતાનો તમામ શ્રોતાઓને ય પરિચય થઈ ગયો.
કથકનો ઇતિહાસ પણ કંઈક આવો જ છે. જયપુર, વારાણસી, લખનૌમાં તે વિકસિત થયો. મહાભારતના આદિપર્વ સુધી નૃત્ય મહિમાનું અજવાળું પથરાયેલું છે. વારાણસીની શૈલી અલગ તો લખનૌની પણ અનોખી ‘ઇશ્વરી’ નામે ગામડાંથી ઉછરેલી કથક શૈલીમાં ભક્તિનું અખંડ તત્ત્વ રાધા - કૃષ્ણ – ગોપીના માધ્યમ સાથે વ્યક્ત થતું રહ્યું. મુઘલ દરબારમાં તેમાં શૃંગારનો પ્રભાવ રહ્યો. આંખ – ચરણ – ઘૂંઘરુ તો ‘કથક’ના માધ્યમો! દેહથી વિ-દેહ સુધીની આ નૃત્યયાત્રા... બિચારા બ્રિટિશ મિશનરીઓને તેમાં અનૈતિકતા દેખાઈ હતી એટલે ૧૮૯૨માં કથક-વિરોધી ચળવળ પણ ચાલી હતી! સ્વાધીન ભારતમાં વળી પાછાં કથક સહિતનાં તમામ નૃત્યોએ સરહદ વિનાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે તેનો એક અંદાજ ‘કલાનિધિ’એ આપ્યો. નૃત્યશાળામાં શિક્ષણ મેળવતી કન્યાઓ તો ઠીક, તેમની માતાઓએ પણ પ્રસ્તૂતિ કરી. ‘તેઓ પોતાને માટે પણ જીવે છે તેવો અહેસાસ’ તેમાં હતો!
ગુજરાતમાં સાંસ્કૃતિક આબોહવાને સાચવી રાખનારા આવા પ્રયોગો નિહાળવા મળે છે તેની ખુશી ‘ગુજરાત સમાચાર’ના વાચકો સુધી પહોંચાડું છું. તમારે ત્યાં આવા કાર્યક્રમો થાય છે ને?