‘ભલેને કોરોના આવે કે તેનો બાપ, અમે તો મોજમાં જ રહેવાના છીએ!’
સૌરાષ્ટ્રના ગામડાને ગોંદરે, સીતારામના મંદિર પાસે, વડલા નીચે ખાટલો ઢાળીને બેઠેલા એક ગ્રામવાસીની આ જબાન છે. તે એકલાની નથી, લગભગ બધા લોકોની છે.
કારણ?
એક કારણ તો એ કે નગર-મહાનગરોનો ચેપ અહીં લાગ્યો નથી.
બીજું, આકાશ ફાટી પડ્યું હોય તેવા અહેવાલો, મીડિયા પર એન્કરોની બૂમરાણ, પ્રવક્તાઓની સાચીખોટી ખેંચતાણ, તબીબો-અર્ધતબીબોની સલાહ, ‘જીવન કેવું હકારાત્મક હોવું જોઈએ’ તેની સૂફિયાણી સલાહો, ઢંગ-બેઢંગી સંગીતની મહેફિલો, સરકારી આંકડા અને બિનસરકારી આંકડા, સોશિયલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી કરનાર, રસ્તા પર નીકળી પડતા નાગરિકો, ભૂખે મરતા કે ન મરતા મજૂરોની પોતાના પ્રદેશમાં પહોંચવાની જિદ, સૂમસામ રસ્તા, ન ગાડી, ન બસ, ન જહાજ, ન ટપાલ... તેનું અંતરિયાળ ગામડાંને કશું સ્પર્શતું નથી. છાપું પણ ગરમ લૂથી બચવા પંખાની ગરજ સારે છે.
આ કારણો તો ખરાં જ, પણ સૌથી મોટી વાત ગામડાં મોટા ભાગે કુદરતના ખોળે બેઠેલાં બાળકો જેવાં છે. ગંદકી તો અહીં પણ છે પણ અહીં કોઈ આડેધડ ઝાડ કાપતું નથી. અહીં હજુ વાવ-કૂવા-તળાવ છે. ચોમાસે ધસમસતી નદી છે, લીંપણ-ગૂંપણથી ચોખ્ખા માટીનાં ઘર છે. ‘પાદરનાં તીરથ’ જેવાં હરિયાળાં વૃક્ષો છે અને વૃક્ષો છે એટલે પંખીઓ છે, ધણને માટે વિસામો છે. ધણ ચરાવવા જતા ગોવાળને બીજી કોઈ સ્પર્ધા નથી. રોજ શીરામણ, રોંઢો, વાળુ તેમનાં ભોજનનું પાક્કું ટાઈમટેબલ છે. અતિથિ કે પકવાન જેવી ઢગલાબંધ વાનગીઓથી ભરપૂર વાટકીઓ નથી અને માથા પર વાઘની જેમ ઊભેલા પીરસનારાઓ નથી, જેમની નજર ગ્રાહક ઝટ પતાવે એના પર હોય છે. આધુનિક ડાઈનિંગ હોલમાં મેક્સિકન અને એવાં એવાં નામે બનાવાતી વાનગીઓની યાદી જ એવી વિચિત્ર હોય છે કે તે વાંચ્યા વિના જ ચલાવી લેવું પડે.
આવું આ ગામડાંના શીરામણ, રોંઢા, વાળુ નામે દિવસના ત્રણ વારની પેટપૂર્તિમાં ના હોય. ચૂલા પર તાવડીમાં બનાવેલા રોટલા કે રોટલી, એકાદ શાક - જે પાછલા વરંડામાં ઊગે છે અને લસણની ચટણી, છલોછલ છાશ... આ તેનો વૈભવ. કૃષ્ણ પણ ‘છાશ પર’ નાચ્યા હતા ને, છાછ પર નાચ નચાયો... જીવનસંગીતથી જોડાયેલાં ગીતો અને જો સ્વાર્થી ભીડ હોય તો ‘સોશિયલ ડિસ્ટન્સ’ની ચિંતા હોયને? ઘરમાં પણ તેઓ સહજપણે અંતર રાખે છે. ઘરે પણ એકબીજાને વળગતાં નથી, મહેમાન પણ ‘એ... રામ રામ’ કહે, હાથ જોડે. હસ્તધૂનન પણ ભાગ્યે જ હોય. અતિ લાગણીને વ્યક્ત કરવા પીઠ-ખભો થાબડશે.
પણ હવે શહેરીકરણથી આ બધી કુદરતી વ્યવસ્થા તરડાવા લાગી છે. કેટલાંક પ્રદૂષણો - બહારનાં અને વહેવારનાં - કોરોનાની જેમ જ ઘૂસી ગયાં! વૈદ્યનું નાનકડું ફળિયું, લુહારની ધમણ, ઘાંચીનું તેલ અને ઘાણી, મોચીનાં જાતે બનાવેલાં પગરખાં, દરજીની દુકાન, કરિયાણાનો વેપાર, દૂધ અને છાશનો વૈભવ, એકાદ કંદોઈની દુકાને મળતી ભેળસેળ વિનાની મીઠાઈ અને ફરસાણ, નશો માત્ર ચાનો, એટલે મળે રામભરોસે હિન્દુ હોટેલ. તળાવ એમનું સ્નાનાગાર. પશુઓ માટે કૂવા પાસે બનાવવામાં આવતો ‘અવેડો’ પહેલી વાર શેરડી પાકે એટલે ખેતરમાં જ ‘કોલાના ગરમગરમ ગોળ’ની જ્યાફત, લીંબુડી-આંબો-જામફળી-બોરડી અને આમલીનાં ઝાડ-છોડ પર તરોતાજાં ફળ અને મહાદેવ કે રામજી મંદિરે વરસે બે-ત્રણ મહોત્સવ. ક્રમશઃ આ અદૃશ્ય થઈ રહ્યું છે.
આધુનિક મેડિકલ સારવાર માણસને જીવાડે તો છે પણ બીજા અનેક ‘સાઈડ ઈફેક્ટ્સ’ સાથે. અંધાપો, બહેરાશ, માથાના વાળ ખરી જવા, આંખે કાળા કુંડાળા હોવા, ડાયાબિટિસ અને બી.પી., એડી અને ઘૂંટણનો દુઃખાવો... આ બધું આધુનિક ચિકિત્સામાં ઉંમેરાતાં રહે છે. ડોક્ટરો ‘નિષ્ણાત’ હોય પણ એકાદ બાબતના. કાનની સારવાર કરે તેને નજીકની આંખનું નિદાન ના ફાવે! ટુકડે ટુકડે વર્ગીકૃત તબીબી વિજ્ઞાને કેટલીક વાર રેઢિયાળ અને મોટા ભાગે મોટી રકમ પડાવનારા ઉદ્યોગને જન્મ આપ્યો છે. જુઓને કોરોના-કોરોના કરીને આપણે પેલા કાયમી ખાંસી-શરદીના દર્દીઓને ય ‘પોઝિટિવ’ ગણી લીધા તેની સંખ્યા ઘણી મોટી છે. અત્યારે જે આંકડા બહાર પડે છે તેનાં પચાસ ટકા તો આવા, રોજિંદા મૃત્યુનાં છે!
ગામડાં સુધી આ રોગનું સંક્રમણ થાય એ જરૂર ભયાવહ છે અને માટે આપણે ‘કન્ટ્રી-સાઈડ’ને બચાવી લેવી પડશે. તેના કુદરતી જીવનની જાળવણી કરવી જ પડે. ‘ગ્રામલક્ષ્મી’ એ ભાન ભૂલી ગયેલા નાગરિકને માટે સૌથી કાયમી ઈલાજ છે. ‘કુદરત તરફ પાછા વળો’ એ ગામડાંમાં સહજ છે પણ મહાનગરોમાં એવું બની શકે તેવું આયોજન થઈ શકે? કોરોના અને લોકડાઉનમાં લોકોએ પહેલી વાર ચંદ્ર અને ગુરુને નજીકથી જોયા, માણ્યા. કહે છે કે નદીઓના જળ શુદ્ધ થવા લાગ્યા છે. પણ આ બધું કાયમી નથી રહેવાનું. જેવો રોગનો ભય ના રહ્યો કે આધુનિક સ્પર્ધાનો યોગ હાવી થઈ જવાનો!
મહાનગરોમાં ટ્રાફિકના વાહનોનો ધૂમાડો, એરકન્ડીશન્ડ ઓફિસોથી બગડતું પર્યાવરણ, આડેધડ કપાતાં ઝાડ, આ બધું તો જ અટકી શકે જો લોકોનું માનસ બદલે. કાયદો કશું ના કરી શકે, લોકશાહીમાં તો બિલ્કુલ નહીં. એટલે ખાલી ‘વ્યવસ્થા’ મજબૂત બનાવવાથી કંઈ વળે નહીં, ‘વ્યક્તિ’ને પણ બદલાવવી જોઈએ, સંસ્કારિત કરવી જોઈએ. આ કામ ૧૯૪૭માં આઝાદ થયા ત્યારે પ્રાથમિક્તા આપીને કરવું જોઈતું હતું, શિક્ષણ-ધર્મ-સમાજને તેમાં જોતરવાં જરૂરી હતાં. આમાનું કશું ના થયું. તેના અભાગી દૃશ્યો આપણી નજરની સામે છે.
ઋષિ દયાનંદે ‘વેદ તરફ પાછાં વળો’ એવું સૂત્ર આપ્યું હતું, આપણે તે તરફ વળ્યાં નહીં અને સંપ્રદાયોના વાડામાં વહેંચાઈ ગયાં. ‘કુદરત તરફ પાછા વળો’ની ઉપેક્ષા કરશું તો...
એકબીજાને પૂછીશુંઃ ‘અચ્છા, તું ‘મનુષ્ય’ છે? ખરેખર?!’