એનઆરજી ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે છે. વતનની મહોબ્બત તેને અહીં દોરી લાવે છે એટલે છોટાઉદેપુરના ગૌરવવંતા વનવાસીની ઓળખ કરવા તેઓ ત્યાં જાયઃ પ્રવાસનો પ્રવાસ અને ગરવી ગુજરાતનો અહેસાસ. છોટાઉદેપુર, જેતપુર પાવી, ક્વાંટ, નસવાડી, સંખેડા, બોડેલી આ છે વનવાસી - વૈભવનાં સ્થાનો.
પૃથ્વીરાજ ચૌહાણના પરાક્રમી વંશજોનું સ્મરણ એટલે છોટાઉદેપુર.
માંકણી ગામે લાખા વણઝારાની રમ્ય લોકકહાણી નીપજી હતી તે સંખેડાની નજીકનું સ્થાન. ‘માંકણી તો સોનાની ઢાંકણી!’ આ ઉક્તિ આજેય સાંભળવા મળે.
નસવાડીમાં રાઠવા વનવાસીઓનો દબદબો. અહીં મેળો ભરાય અને જીવનભરનો સાથી-સંગાથી પસંદ કરાય.
ક્વાંટ, તેજગઢા છગતલા, રંગપુર, ચાંદપુર, ઝાંઝ, પાનવડ... કેવાં રળિયામણાં સ્થાનો! દરેક ઘરે ‘ખાણ અને ખાણિયો’ મળે!
એવાં જ બહાદૂરપુર, બોડેલી, હાંફ, જોજવા, કાંસિદ્રા, સોનગીર, તંખાલા...
હા, આ તંખાલાના પત્થરોની મુંબઈના ગેટ-વે-ઓફ ઇન્ડિયા અને વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસની ઇમારતો બની છે.
છોટાઉદેપુર જૂની રાજધાની છે. ૧૮૧૩માં રાયસંગજીએ કિલ્લો બાંધ્યો. ગંગેશ્વર, પંચેશ્વર, જગન્નાથ, કાલિકા, ગણપતિ, સ્વામીનારાયણ, ગોવર્ધનાથની પૂર્ણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને શાસનનો પ્રારંભ થયો. આસપાસનાં જંગલોમાં લીલોતરીનો વૈભવ છે. ડોલમાઇટ ખનીજનાં કારખાનાં પણ છે.
નર્મદાકિનારે આવ્યું છે હાંફ. ત્યાં ત્રણ રાજ્યો (ગુજરાત – મહારાષ્ટ્ર – મધ્ય પ્રદેશ)ની સરહદો મળે છે. અદભુત પર્વત-સૌંદર્યને જાળવીને તે બેઠું છે. ‘હિડિમ્બાની ઘંટી’ જોવા મળશે! અને આ શું? બે ફૂટના વડલા અને કેવળ સાત જ પાંદડાં?
ક્વાંટની ‘હાટ’માં ચીજવસ્તુઓ મળે એટલે આસપાસનાં ગામોની પ્રજા આવે. (અમે ગયા ત્યારે હાટમાં વનવાસી બાઈએ આરતીને આખી ટોપલી મરચાંની આપી, તે ફ્રીજ વિના બે મહિના સુધી એવાં ને એવાં રહ્યાં હતાં!) બાજુમાં કડી પાણીની જગ્યા છે, જીએમડીસી હસ્તક છે. આસપાસ પોટરીકામ ચાલે. લોકો હોળીની અચૂક રાહ જુએ કેમ કે તેના ત્રણ દિવસ પછી રંગબેરંગી મેળો ભરાય.
માનકણી ગામ નાનું, અતીત અનોખો. મૂળ નામ માનકનિકા. કલચુરી સામ્રાજ્ય (એડી ૫૯૫), રાષ્ટ્રકુટ (૮૧૬)ના શિલાલેખો અતીતની ઝાંખી કરાવે છે નસવાડી તો લોકકથામાં વર્ણવાયેલા ‘નિષુજભ’ રાક્ષસનું સ્થાન! પાલામાં રણછોડરાય વિરાજે છે, સંખેડા ઓરસંગ નદીના કિનારે આવ્યું, સાંખવ (સંખાસુરથી જાણીતું) નદીઓનું સંગમ સ્થાન છે. અહીં પત્થરયુગના અવશેષો પ્રાપ્ત થયા હતા. આ વિસ્તારમાં નાગર-દેસાઈઓ મુઘલ-મરાઠાઓમાં માનીતા ‘મહેતા’ રહ્યા. રમણિકલાલ મહેતા અહીંના જાણીતા વૈષ્ણવ નાગર કવિ.
આ ભૂમિનું ભ્રમણ કરો ને લોકમોતી સાંપડતા રહે. એવી એક છે ‘ભારથ કથા’ અને બીજું વનવગડાની બોલીમાં રામાયણ. રામ વસે ઘટ ઘટમાં, કચ્છમાં જાઓ તો ‘રામરાંધ’ સાંભળવા-નિહાળવા મળે.
મેવાસના બે ભાગલા પાડ્યા અંગ્રેજોએ. આમે ય અંગ્રેજોએ ભારતમાં શાસન કરવા ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવી હતી. સંખેડા મેવાસ અને પાંડુ મેવાસ. પણ અહીંનો વનવેગીલો મિજાજ અદ્દલ રહ્યો. વિન્ધ્યાચલની પૂર્વ દિશાનો સુરજ ઉગે ત્યારે તળપદા કોળી બારિયા, ભીલ, વસાવા, રાઠવા, તડવી, નાયકા - બધાંના હોઠ પર જિંદગીનું નરવું ગીત સંભળાય, તે પણ મૃત્ય સ્વરૂપે.
બીજી ઓળખ થાય ‘પાલ’ની. સંખેડા - બોડેલી - પાળી જેતપુર સુધી તે પહોંચે છે. પાલ એટલે પાલો, ઝાડપાન. મૂળ સંસ્કૃત શબ્દ ‘પલ્લવ’. અહીંનો રાજા ‘મહાપલ્લવપતિ’ ગણાતો, ‘પલ્લ’ શબ્દ વધુ પ્રચલિત. બ્રિટિશરોએ ગુજરાતની ઘણી જાતિઓને ‘લૂંટારો’ ગણાવી હતી, તેવું ‘પલ્લિ’નું પણ બન્યું તેમને ડામવા માટે બ્રિટિશ ફોજની ટુકડીઓ રાખવામાં આવી. (છેક પાલ-ચિતરિયા જઈને ત્યાં બીજો જલિયાંવાલા બાગ સર્જ્યો). પાલ – રાઠવા - તડવી. તડવી એટલે લશ્કરનો ઉપરી. રાઠવા તે ‘રાઠ’ પ્રદેશના રહેવાસી રાઠ-વા. તેના મૂળિયાં રાષ્ટ્રકુટ રાજ વંશ સુધી જાય છે.
લોકજીવનને કોઈ સરહદ નડતી નથી. રા’નવઘણ તો સુદૂર જૂનાગઢનો રાજવી હતો. તેની લોકવાર્તા અહીં પહોંચી છે. સૌરાષ્ટ્રના પૂર્વ કાંઠાના સમુદ્ર માર્ગે પીરમ બેટ આવે, ત્યાંથી આ વાર્તાઓ પ્રવેશી. ‘કોલ’ એટલે કોળી. સૌરાષ્ટ્રમાં અને અહીં પણ ખરા. આગમન, નિવાસ, હિજરતની આ લીલા ચાલતી જ આવી છે એટલે તો સદેવંત સાવળિંત્રા અને ઢોલા-મારુની વાર્તાઓ અહીં છે. વાડાના ગામડાંમાં મોડી રાત સુધી ચાલે. ‘કુંકણા’ મૂળ ફારસી શબ્દ ‘કાનારીમ’ પરથી આવ્યો તે અહીં વનવિસ્તારે વસેલો સમૂહ છે. તેઓ ‘રામકથા’ ભજવે છે. રાવણહથ્થો વાદ્ય તેને પ્રિય છે. રાવણે ગર્વથી આખ્ખો કૈલાસ પર્વત ઊંચક્યો પછી તેની નીચે દબાયો એટલે શિવ પ્રાર્થના કરી. પોતાના હાથના સ્નાયુથી ‘યલ’ નામે વાદ્ય બનાવ્યું તે જ રાવણહથ્થો! જો શિવ રીઝે તો સામાન્ય જન તો પૂરેપૂરો વારી જાય ને? અહીં ‘રામાયણ’ની સીતા કેવી છે?
કનકા કટોરામાં કેસર ઘોળ્યા
તેમાંથી સીતા પેદા થયાં
બાર વરસનાં સીતા થયાં,
લૈ પાટી ને, ભણવા ગયાં
ભણી ભણીને નવ સિદ્ધ થયાં
વનમાં જઈને મઢી રચી,
મોરને પીંછે મઢી રચી.
રામ-લખમણ કોદાવે કૂવા
સીતાએ વાવ્યો અમરો-ડમરો.
જેમ જેમ સીતા પાણીડાં ખીંચે
તેમતેમ ડમરો લે’રે જાય!
તેમ તેમ મરઘો હરી-ચરી જાય!
મરઘો હરીચરી જાય તે આ જીવનની વાસ્તવિકતા. આમ જ પછી આસક્ત રાવણ આવ્યો લખમણ જતિ મરઘાને બચાવવા દોડ્યા. રાવણ સાધુ રૂપે હતો. ‘ભૂખી ભીક્ષા તારી નહીં રે લઉં, પાવડીએ પગ દે, વહાલા!’ સીતાએ પાવડીમાં એક પગ મૂક્યો, બીજો ઉંબરે ને થયું સીતાહરણ! પાછા ફરેલા રામે જોયું ‘કાળા કાગ કરે નિવાસ!’ ‘રામ રુવે, લખમણ ધીરવે...’ કહેઃ એક સીતામાં શું રુવો છો, રામ? બીજી સીતાઓ લાવશું... રામનો જવાબઃ ‘વનવન ચંદન ક્યાંથી હોય? ઘર ઘર સીતા ક્યાંથી હોય?’
રામ રોયા, હનમાન રોયા, ખીસકોલી, બાવળિયો, હડિયો, ગીધ... બધાં રસ્તે મળ્યા. ખિસકોલી કહેઃ હે રામ, સેતુબંધ વખતે તમે મારા પર હાથ ફેરવ્યો ને મારો સોનાવરણો દેહ થયો. લોક સોના માટે મને મારી નાખશે તો? રામે તેના શરીર પર હાથ ફેરવ્યો, સોનાની છાપ ચાલી ગઈ પણ ત્રણ આંગળાની મુદ્રા રહી ગઈ!
અહીં પ્રચલિત લગભગ તમામ લોકગીતોમાં વન અને તનનો મહિમા છે. ‘પંખીડાનો વિવાહ’ એવું ગીત છે, તેમાં ‘કાગડાની કોટે કંકોતરી’, ‘ભમરાને મોકલ્યો ડુંગરે’, ‘હોલાભાઈએ વેલડી જોતરી’, ‘કિડી-બાઈને મોકલી પાલમાં’, ‘મંકોડાને મોકલ્યો માળવે’, ‘મારે તે મંડપ રચિયો’, ‘સમડી લાવી સંદેશો’, ‘સીમ શેઢે તલાવડી’, ‘સસલો લૂંટે છે જાન’, ‘કાચીંડાની કોટે છે ઢાલડી’, ‘હોલોની કેડે તરવાર’, ‘ભીંડો ભણે છે વેદ’ ને ‘ઝાડે ઝાડે જગ નોતર્યું, નોતર્યું રે વૃન્દાવન!’
કેવી સ-જીવ છે આ કથાગીતની સૃષ્ટિ? ને આ હનુમાન? અંજની માતાએ કહ્યું કે ભૂખ્યો થા તો જે લાલ દેખાય એ ખાજે. રાતોમાતો સુરજ જોયો, હનુમાને મોઢું ઊઘાડ્યું, સુરજ તેના પેટમાં. ‘દિ હતો તે રાત બની ગઈ’ - નારદે વિષ્ણુ ભગવાનને માહિતી પહોંચાડી. વિષ્ણુ રુપાળી સ્ત્રી બનીને આવ્યા. પણ આ તો બજરંગબલી. હનુમાન માન્યા નહીં એટલે કંટાળીને વિષ્ણુએ તેને ચોંટિયો ભર્યો... હનુમાન હસી પડ્યા એટલે સુરજ બહાર!
આવું જ સુંદર વર્ણન શ્રીલંકા-દહનનું છે. લંકાદહન પછી હનુમાને પાછું વાળીને જોયું. મા અંજનીએ કહ્યું હતુંઃ પાછું વળીને જોઈશ તે સ્થાન સોનાનું બની જશે. શ્રીલંકા સ્વર્ણમયી બની ગઈ!
આધુનિક રણસંગ્રામની તવારિખ
છોટાઉદેપુરની તવારિખમાં આધુનિક રણસંગ્રામની ઘટના પડી છે તે ૧૮૫૭ના વિપ્લવની. પશ્ચિમ ભારતમાં વિપ્લવ જગવવા આવ્યો હતો તાત્યા ટોપે. એક વાર ગુજરાત જાગે તો દેશમાં ફરી વિપ્લવની આગ ફેલાઈ શકે એવું તેનું માનવું હતું. છોટાઉદેપુર કબજે કરીને તેણે ગુપ્ત બેઠક કરી. પચાસ માઇલ દૂર જ વડોદરા છે. ત્યાં પહોંચ્યા તો ભાઉસાહેબ ગાયકવાડ છે. વડોદરાથી આણંદ થઈને અમદાવાદ સુધી કંપની સરકારને સમાપ્ત કરવા લોકો તૈયાર છે, પટેલ, ભીલ, સંધિ, કોળી, બ્રાહ્મણ, ચારણ... બધા. પંચમહાલે તો ક્યારના હથિયારો હાથમાં લીધાં... તાત્યાને ગુજરાત સુધી ન પહોંચવા દેવો તે બ્રિટિશ સેનાની મુરાદ હતી. નર્મદા પાર કરીને અહીં આવી શકાય એટલે મિચેલ, ચેમ્પિયન, ક્લેવ, સ્મિથ, બેનરમેન, મૂર ન્યુટન અને બ્રિગેડિયર પાર્ક – આટલા જગત જાણીતા સેનાપતિ નર્મદાની ચારે તરફ ગોઠવાઈ ગયા...
અને છતાં તાત્યાએ રણકૌશલ સાથે ગુજરાત-પ્રવેશ કર્યો. માત્ર ૪૦૦૦ સૈનિક વિપ્લવીઓ તેની સાથે હતા. તાત્યાએ ફિરોજશાહને દેવગઢ બારિયા, લીમડી, ઝાલોદ તરફ મોકલ્યા, કારણ પાર્ક મોટી સેના સાથે છોટાઉદેપુર આવી રહ્યો હતો. તાત્યાએ રણનીતિ જ બદલી નાખી. છોટાઉદેપુર તો અંગ્રેજોએ જીત્યું, પણ તાત્યારાવ ફરી એક વાર આંખમાં ધૂળ નાખીને નીકળી ગયો!
વનવાસીઓની આવી અસંખ્ય કથા અને કથાગીતો આ જમીનમાં ધરબાયેલાં પડ્યાં છે, ક્યાંક તેને કંઠ મળ્યો છે, ક્યાંક થનગનતાં પગલે નૃત્ય!