રાજકોટના ક્રિકેટ મેચને પાટીદાર વિરુદ્ધ સરકારમાં ફેરવવાનો ખેલ ચાલ્યો નહીં. આમેય ૨૬ ઓગસ્ટ પછીના પાટીદાર અનામત આંદોલનમાં કોઈ સાતત્ય રહ્યું નથી, હાર્દિકમાં શરૂઆતમાં આંદોલનના જાં-બાઝ નેતા થવાની કેટલાકને આશા-અપેક્ષા હતી. પણ ભારતનાં સાર્વજનિક જીવનની કડવી વાસ્તવિકતા એ છે કે તેનાં તમામ આંદોલનના નેતાઓ મીડિયોકર (મીડલ ક્લાસના માત્ર નહીં, તમામ - દલિત, સંપન્ન અને સવર્ણ પણ) માનસિકતા છોડી શકતા નથી, સંઘર્ષશીલ ઊંચાઈ સુધી પહોંચી શકતા નથી માટે તો તે સુભાષચંદ્ર, ભગતસિંહ, ચે ગુવેરા, લેક વાલેસા, આંગ સેન સૂ કી કે ટિનાનમેન સ્કવેરના ચીની યુવકો જેવા - જેટલા કદ ધરાવતા નથી. એકાદ-બે મુદ્દે આવે છે, રોષ-આક્રોશનાં મોજાં પર સવાર થઈ જાય છે અને પછી એટલી જ ઝડપથી તેનો અસ્ત થઈ જાય છે! અસમ-આંદોલન, નકસલવાદ, નવનિર્માણ, જે. પી. આંદોલન, અણ્ણા-ચળવળ... આ બધાંને તપાસો એટલે આ સચ્ચાઈનો અંદાજ મળી જશે.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વિશે હમણાં ૧૧ ઓક્ટોબરે મારે પૂર્વ મુખ્ય પ્રધાન - અને દીવમુક્તિ, મોંઘવારી-વિરોધ, નર્મદા બચાવ, કટોકટી વિરોધ જેવા આંદોલનોના અનુભવી પટેલ નેતા - કેશુભાઈ પટેલ સાથે નિરાંતે વાતો થઈ. નિમિત્ત તો અમરેલી જિલ્લાના બગસરામાં ‘ક્રાંતિકથા’નું હતું. મોહનભાઈ ડાહ્યાભાઈ પટેલ લોકકલ્યાણ ટ્રસ્ટ-રફાળાના પ્રમુખ સવજીભાઈ વેકરિયાએ આ કાર્યક્રમ યોજ્યો હતો. લગભગ બે હજાર જેટલા શ્રોતાઓ તેમાં બપોરની ગરમી વચ્ચે હાજર રહ્યા. ૪૦ સમાજો અને સંસ્થાઓના સહયોગ હતો. કારગિલ વિજેતા, મહાવીરચક્ર એનાયત કરાયો હતો તે દિગેંદ્ર સિંહે મોરચાની કહાણી સંભળાવી પછી દોઢ કલાક અ-જાણ ઇતિહાસની આ ‘ક્રાંતિકથા’ મેં કહી હતી. આ પૂર્વે પટેલ વાડીનું ભવન લોકાર્પિત થયું. તેમાં કેશુભાઈએ કહ્યું કે સામાજિક-સાર્વજનિક પરિવર્તનને ગુણાત્મક બનાવવા માટે આ પ્રકારની ક્રાંતિકથાઓ ઠેર ઠેર થવી જોઈએ.
પૂર્વ મુખ્ય પ્રધાનની ચિંતા અને ચિંતન
રફાળા નાનકડું, પણ ધમધમતું ગામ છે. ઘણા સમયે તેની ઉબડખાબડ ગલી, સુઘડ મકાનો અને સ્નેહાળ ગ્રામજનોના ડોકાતા ચહેરાનો અનુભવ થયો. મને બચપણમાં જે ગામડાં ખૂંદવા મળ્યાં હતાં તે કોડવાવ, જાંબુડા, દગડ, સરદારગઢ, વેકરી, લીંબુડા, મીતડી, ખાંભલા, પાટણવાવ, દેવકી ગાલોળ વગેરેનું સ્મરણ થઈ આવ્યું!
રફાળામાં સવજીભાઈએ કેશુબાપાનાં ભવ્ય સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. બાપા ૮૦ની વય વિતાવી ચૂક્યા પછી, પગથી કમર સુધીની અપાર તકલીફો છતાં દિલોદિમાગથી એવા ને એવા ચુસ્ત છે. ભોજનની થાળીથી, સભામંચ પરનાં ભાષણ સુધી તેવો અંદાજ જોવા મળ્યો! રાતે યોજાયેલા કાર્યક્રમમાં કલાક સુધી તો પટેલ - વણિક - દલિત - દેવીપૂજક - સોની - લુહાર - સુતાર - મોચી અને બીજા સમાજો આવી આવીને તેમના પર ગુલાબની પાંદડીઓ વરસાવતા રહ્યા. ‘પાંદડી’ શબ્દથી બહુ ખ્યાલ ના આવે, તેમનું ૧૦૦ કિલોગ્રામનું દળદાર શરીર આખું ફૂલોથી ઢંકાઈ ગયું, માત્ર ડોકું જ બહાર હતું!! લગભગ કલાક સુધી એ લગાતાર બોલ્યા. ગુજરાતના ખેડૂતોને પાણીની જરૂર છે એના અનુભવો વર્ણવ્યા. પોતે ખેતરમાં કૂવાના પાણી માટે હાથેથી પથ્થર પર સારણી ફેરવીને મોટા ખાડા કરીને, તેમાં વિસ્ફોટ કરી પાણી મેળવવાના પ્રયાસોની વાત કરી. એવા ત્રણ-ત્રણ પ્રયાસો નિષ્ફળ ગયા હતા તે ય યાદ કરાવ્યું અને નવી જુવાન પેઢી પાણીદાર બને તેવી આશા વ્યક્ત કરી. ‘વ્યવસ્થા બદલાય તો જ ગુણાત્મક પરિવર્તન દેખાય’ એમ તેમણે કહ્યું ત્યારે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’નો આત્મા તેમને બોલાવતો હોય એમ લાગ્યું.
અજંપો છે, દિશા નથી!
અમારી નિરાંતની વાતચીતો કેટલાં બધાં વર્ષો પછી થઈ! પરિસ્થિતિમાં અજંપો છે અને તે લાંબા ગાળાનો છે, આ એકલા પાટીદાર અનામતનો નથી. એ તેમણે સ્વીકાર્યું અને સમાજજીવનનું ચિંતન નિરાશ થયા વિના, હાર્યા વિના ચાલુ રાખવું જોઈએ તેમ પણ કહ્યું.
યોગ્ય ચિંતન અને કર્મના અભાવમાં, આક્રોશ પેદા થયા પછી તેને લાંબા ગાળાના મજબૂત પરિવર્તનનું માધ્યમ બનાવી શકાતું નથી. પાટીદાર અને ઓબીસીની ખેંચતાણમાં સદ્ભાગ્યે દલિત અને વનવાસી સમૂહ હજુ આમાં સામેલ થયો નથી. તેમને ડર જરૂર છે કે તેમને મળતી અનામત જોગવાઈમાં ક્યાંક ઘટાડો ન થાય. અત્યારે તો પાટીદાર અનામતનું છેલ્લું છમકલું રાજકોટમાં થયું. ક્રિકેટ મેચ દરમિયાન ટિકિટ લઈને પ્રવેશ કર્યા પછી વિરોધ પ્રકટ કરવાનો પ્રયોગ નવો ગણાય, પણ પોલીસે તેને નાકામિયાબ બનાવી દીધો. અલબત્ત, કીડી પર કટક જેવો ખેલ બની રહ્યો. આના કરતાં આ મેચ જ બંધ રાખી દીધો હોત બે-ત્રણ દિવસ સુધી જુદે જુદે બોલાવાયેલી પોલીસના કાફલા, આઇબીની રાતદિવસ દોડધામ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ, સ્ટેડિયમ પાસે સખત બંદોબસ્તઃ આમાં થયેલા મોટા ખર્ચ અને માનવ-દિવસ વેડફાઈ ગયાની હાલાકી ના થઈ હોત. આમેય ભારતમાં રમાતા દરેક ક્રિકેટ મેચ હવે તો ‘ફિક્સિંગ’ જ હશે એવી આશંકાથી તરફડતા હોય છે. રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટનાં એસોસિએશનો અને પ્રદેશ સ્તરે તેના એકમો નાણાંકીય અફરાતફરી અને પદ મેળવવાની કાતિલ હરિફાઈના મેદાન બની ગયાં!
હાર્દિક અને તેના સાથીદારો જેટલા જલદી સમજીને રચનાત્મક પ્રવૃત્તિમાં લાગી જાય એટલું તેમનું ભલું થશે કારણ કે આંદોલનની કોઈ ખાસ અસર હવે દેખાતી નથી. જેટલો ગુસ્સો છે એ પોલીસે ક્યાંક બેરહમ ત્રાસ ગુજાર્યો તેની પ્રતિક્રિયારૂપે દેખાય છે. કમનસીબી એ છે કે લોકશાહી રાજ્યમાં આંદોલનો તો થાય, પણ જ્યારે તેનો અકારણ ભોગ સામાન્ય નાગરિક બને અને સરકારી જાહેર મિલકતો સળગાવાયઃ તેવું વારંવાર બન્યા કરે છે.
સાહિત્યકારોનો અણગમો
બીજો ‘વિરોધ’ સાહિત્યકારોનો છે તેને ‘ચાના પ્યાલામાં તોફાન’ ગણાવાયું છે. ગુજરાત સિવાયના કેટલાક પ્રદેશોમાં જે ત્રણ-ચાર હત્યા થઈ (દાદરી તેમાં વધારે ચમક્યું.) તેમાં એક-બે સાહિત્યકારો અને સમાજકર્મીઓ હતા એટલે સાહિત્યકારો દુઃખી છે એવું દર્શાવવા માટે કેન્દ્રની સાહિત્ય અકાદમીએ આપેલા પારિતોષિકો પાછા વાળવાનો ‘ઉદ્યોગ’ શરૂ થઈ ગયો. જવાહર લાલ નેહરુ પરિવારના નયનતારા સહગલથી તેની શરૂઆત થઈ. કાશીનાથ સિંહ અને સારા જોસેફ વગેરે તેમાં ભળ્યાં. હમણા મુનવ્વર રાણાએ એવોર્ડ પરત કર્યા. ગુજરાતમાં આની પહેલ કવિ અનિલ જોશી અને ભાષા-સંશોધક ડો. ગણેશ દેવીએ કરી.
લાગે છે કે આમાં ‘આંધળે બહેરું’ કૂટાયું છે! જે ૪૦ જેટલા સાહિત્યકારોએ ઇનામને પરત કર્યાં તેમાંના મોટા ભાગના ડાબેરી (લેફિટસ્ટ) છે અને તેમને ૨૦૧૪થી કેન્દ્રમાં જમણેરી (હિન્દુ) વિચારધારાવાળા શાસન કરે છે તેનો અણગમો છે. જેના અનુભવનું ઉદાહરણ કલબુર્ગી નામના લેખકે પોતાના લેખમાં છાપ્યું અને ગુસ્સૈલ બે-પાંચ લોકોએ તેમને મારી નાખ્યા એ કિસ્સો આંખ ઊઘાડે તેવો છે. કલબુર્ગીએ કન્નડ સાહિત્યકાર અનંતમૂર્તિની એ વાત ટાંકી હતી કે બચપણમાં એક પવિત્ર સ્થાન ગણાતા પત્થર પર પોતે પેશાબ કર્યો હતો! આ ‘પરાક્રમ’ જાહેર કરીને અનંતમૂર્તિ શું સાબિત કરવા માગતા હશે? આ જ ‘મહાન’ સાહિત્યકાર ૨૦૧૪ની ચૂંટણી પહેલાં એવું ઓચર્યા હતા કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે તો હું આ દેશમાં નહીં રહું!
ગુજરાતમાં પોતાની આજીવિકા મેળવનાર ગણેશ દેવી ૨૦૦૨ના રમખાણો પછી એવું કંઈક બોલ્યા હતા કે મને ગુજરાતી પડોશી પાસે રહેવામાં શરમ આવે છે... હું તેની સાથે વાત કરવા માગતો નથી! આ વિધાનોનો વિરોધ સીતાંશુ યશશ્ચંદ્ર સહિતના સાહિત્યકારોએ લેખો લખીને કર્યો હતો. હવે આ ગણેશ દેવીએ કેન્દ્રમાં ‘અસહિષ્ણુ વિચાર’ ધરાવનારા શાસન કરે છે અને સાહિત્ય અકાદમી તેનું કહ્યું કરે છે એવા કારણે સન્માન પાછું વાળ્યું છે.
નયનતારા અને ગાંધીકુટુંબ
નયનતારાએ ઇમર્જન્સીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીનો વિરોધ કર્યો હતો. એ વાત જેટલી જાણીતી છે એટલી એ નથી કે નેહરુ-પરિવારમાં કમલા નેહરુ પર અનેક પ્રકારની ઉપેક્ષાનો ત્રાસ કરવા માટે કેટલાક સક્રિય હતાં તેમાં વિજયાલક્ષ્મી પંડિત પણ હતાં. વિજયાલક્ષ્મીને સઇદ નામના એક દેખાવડા અને તેજસ્વી મુસ્લિમની સાથે પ્રેમ થયો અને લગ્ન કરવા તૈયાર થયાં, પણ નેહરુ-કુટુંબે તેનો વિરોધ કર્યો, સંબંધ માન્ય ન કર્યો એટલે વાત ગાંધીજી સુધી પહોંચી. ગાંધીજીએ પણ સઇદને કહ્યું કે તારે વિજયા સાથે લગ્ન ન કરવા જોઈએ. ભગ્નહૃદયી સઇદ - મોતીલાલ નેહરુનાં અખબારને છોડીછાંડીને - અમેરિકા જઈને વસી ગયો.
વિજયાલક્ષ્મીનાં લગ્ન સૌરાષ્ટ્રવાસીની સાથે થયાં. પણ કમલાને નેહરુ-પરિવારમાં સાનુકૂળ બનવા ન દેવાયાં તેની અસર કમલા-પુત્રી ઇન્દિરા પર પડી. વિજયાલક્ષ્મીની બે પુત્રીઓ - નયનતારા અને ચંદ્રલેખા - હતી. ઇન્દિરાજીના સાર્વજનિક વિદ્રોહી વ્યક્તિત્વની પાછળ આ કૌટુંબિક પરિસ્થિતિ હતી.
નયનતારાએ કટોકટી દરમિયાન ઇન્દિરાજીનો વિરોધ કરતાં લેખો લખ્યા પછી જનતા સરકારે તેમને રાજદૂત બનાવ્યા હતા. ઇન્દિરાજી સત્તા પર આવ્યા એટલે તેમનું રાજદૂત પદ સલામત ના રહ્યું... આમ નયનતારા ઇમર્જન્સીની સામે સૈદ્ધાંકિ રીતે લડ્યા હતા કે પછી ઇન્દિરા (અને તેમની માતા કમલા) પ્રત્યેના અણગમાનું કારણ હતું?
સાહિત્ય અકાદમી અને પરિષદ
ખરી વાત એ છે કે મોટા ભાગના સાહિત્યકારોનો વિરોધ હાલની કેન્દ્રીય સાહિત્ય અકાદમી પર છે. જવાહરલાલ નેહરુએ તેની સ્થાપના તો કરી હતી, પણ સમય જતાં તે પ્રતિષ્ઠિત સાહિત્યકારોનાં રાજકારણનો અડ્ડો બની ગઈ. કેટલાક ડાબેરીઓએ તો જેએનયુ (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)ની જેમ અકાદમીને ય ‘પ્રગતિશીલોનો મંચ’ બનાવી દીધો. આમાં બિચારા મહાદેવી વર્મા જેવા હિન્દીનાં શ્રેષ્ઠ કવિએ બળાપો વ્યક્ત કરવો પડ્યો કે તેઓ મને પ્રગતિશીલ નથી ગણતા એટલે એવોર્ડ આપતાં નથી! ગુજરાતમાંથી સુરેશ જોશીએ એવોર્ડ એટલા માટે પરત કર્યો કે સર્જકને વધુ ભાવકો સુધી સુપ્રતિષ્ઠ કરવા માટેનું કોઈ માળખું અકાદમીની પાસે નથી.
ગુજરાતમાં સાહિત્ય અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એવી પીપૂડી થોડોક સમય વાગી તેમાં ઉત્સાહના અતિરેકમાં એવું પણ કહેવામાં આવ્યું કે કેન્દ્રની અકાદમીની જેમ ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ! આવું કહેવા નીકળેલાઓ પોતે એવાં સંસ્થાનો સાથે જોડાયેલા હતા કે જ્યાં તેમના સિવાય બીજાની સ્વાયત્તતા હયાત નથી! આ તો ડાહી સાસરે જાય અને ગાંડી શિખામણ આપે તેવો ખેલ થયો! હવે દડો ચંદ્રકાંત ટોપીવાળા તરફ છે, જે અકાદમીની સ્વાયત્તતાના મુખ્ય મુદ્દા સાથે સાહિત્ય પરિષદની ચૂંટણી જીત્યા અને પ્રમુખ બન્યા છે. પહેલાં તો તેમણે પોતાના સમર્થકોની ‘સ્વાયત્તા’થી બચવું પડશે અને પછી ખરા અર્થમાં ગુજરાતી સાહિત્ય પરિષદનો ગુણાત્મક આકાર ધારણ કરવાની સફળ મથામણ કરવી પડશે.