ગઢ ગિરનારથી જય સોમનાથ!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 27th January 2016 08:54 EST
 
 

મૌસમ જાન્યુઆરીના રંગારંગ ઉત્સવોની છે. મહિનાના પ્રારંભે યુનિવર્સિટીનો સાહિત્ય-ઉત્સવ (જેણે કોઈ પ્રભાવ દેખાડ્યો નહીં) જીએલએફનો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (કનોરિયા સેન્ટરમાં ભારે ઉત્સાહપૂર્વક ત્રણ દિવસ સુધી નવી-જૂની પેઢીએ સમાન રીતે તેનો અહેસાસ કર્યો. લોર્ડ મેઘનાદથી મધુ રાય સુધીનાએ તેમાં ચર્ચા કરી.) અને સાબરમતી ફેસ્ટિવલ (તેમાં મુખ્ય પ્રધાનના પુત્રી અનાર પટેલે મહત્ત્વનો ભાગ ભજવ્યો.) થયા. પછી ઉત્તરાયણ આવી. પતંગની મૂળ મઝા તો સુરતી લાલાઓની. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવેએ ‘અમે બધાં’માં લખ્યું છે કે અગાશીમાં આકાશે પતંગ ચગવે વહુ અને ફીરકી પકડે સાસુજી! હવે તો અમદાવાદ સહિત સર્વત્ર પતંગોત્સવ થાય છે. આકાશ તુક્કલથી ઉભરાય છે. અતિ ઉત્સાહમાં એ ય ભૂલી જવાય કે આકાશપંખીઓ આ ધારદાર દોરીને લીધે પૃથ્વી પર પટકાય છે. અગાઉ કેટલાક સુલતાનો મેદાનમાં ખૂંખાર પશુઓ અને મનુષ્યોનાં ‘યુદ્ધ’ની રમતમાં મઝા માણતા. પતંગબાજી એવી ના થઈ જાય તેની ‘સામાજિક સમજ’ તો લાવવી જ પડશે.

જય સોમનાથ

૨૬ જાન્યુઆરીનો પ્રસાજત્તાક દિવસ આ વખતે પ્રાદેશિક ઉત્સવ તરીકે ગીર-સોમનાથ જિલ્લામાં ઊજવાયો. પૂર્વ મુખ્ય પ્રધાનની પરંપરા વર્તમાન મુખ્ય પ્રધાને ય નિભાવી જાણી છે. આ નવા જિલ્લામાં પાંચ તાલુકાઓ છે. ગીરના જંગલ અને સોમનાથ ઉપરાંત તાલાળા અને બીજા તાલુકાઓનો સમાવેશ થાય છે.

૨૫મીએ સાંજે રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં ‘જય સોમનાથ!’ સાંસ્કૃતિક મેગા-ઇવેન્ટ-શો થયો. વીસેક હજાર લોકોએ પોતાની જમીન પરના ઇતિહાસને માણ્યો. ‘જય સોમનાથ!’ની કથા - પટકથા લખતી વખતે મને ય અહેસાસ થયો કે અરે, આપણે ત્યાં હજુ કેટલો બધો વાચાહીન અતીત પડ્યો છે! અમદાવાદના ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના પ્રારંભ પૂર્વે ડો. મેઘનાદ દેસાઈની સાથે ગપસપ થઈ તેમાં તેમણે પણ શ્યામજી કૃષ્ણવર્મા સહિતના ગુજરાતી ક્રાંતિપુરુષોને યાદ કરીને કહ્યું કે આ બધું બહાર આવવું જ જોઈએ. સોમનાથ ઉત્સવમાં તેમાંથી કેટલુંક - સ્થાનિક ઇતિહાસ વિશે - અભિનિત થયું.

અને સુભાષ-કનેકશન

આ દિવસોમાં દિલ્હીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશેની ૧૦૦ ફાઇલો સાર્વજનિક બનાવી તે પ્રસંગ ગુજરાતમાં મુખ્યત્વે ટીવી ચેનલો માટે મહત્ત્વની ચર્ચાનો બની રહ્યો. એબીપી-અસ્મિતા હમણાં શરૂ થયેલી નવી ગુજરાતી ચેનલ છે. ચારેક કલાક તેમાં આ મુદ્દે ચર્ચામાં ભાગ લેતાં યાદ કરાવ્યું કે સુભાષનું ગુજરાત-કનેકશન મજબૂત હતું.

બોઝબાબુની કાર્યશૈલીથી સરદાર વલ્લભભાઈ અલગ મત ધરાવતા હતા, પણ વિઠ્ઠલભાઈ સુભાષ સાથે રહ્યા અને વસિયતનામામાં એક લાખ રૂપિયાથી વધુ રકમ તેમને દેશકાર્ય માટે જાહેર કરી હતી. સરદાર અને તેમના કુટુંબીજનો તે માટે કોર્ટમાં ગયા અને જીત્યા. પણ ૧૯૪૫ પછી આઝાદ હિન્દ ફોજનો મુકદમો ચાલ્યો ત્યારે સરદારે અને ભૂલાભાઈ દેસાઈએ ફોજના મુકદમા માટેના ફંડ માટે ભારે મહેનત કરી. જવાહરલાલ તો ખાલી કાળો કોટ પહેરીને હાજર રહ્યા, પણ ભૂલાભાઈ તેમના કથળેલા સ્વાસ્થ્ય છતાં છેક સુધી ફોજની ફિલસૂફીનો બચાવ કરતા રહ્યા. તેમણે કહ્યું કે ત્રિપૂરી મહાસભા વખતે સુભાષનો વિરોધ કરવાની મેં ભૂલ કરેલી તેનો પશ્ચાતાપ કરી રહ્યો છું.

સુભાષબાબુના પત્ની એમિલી શેન્કલને સ્વાતંત્ર્ય સેનાનીની આર્થિક મદદ મળવી જોઈએ એમ જણાવીને સરદારે નેહરુને પત્ર લખીને સૂચવ્યું કે આઇએનએ ફંડનો તેમાં ઉપયોગ કરવામાં આવે. નેહરુએ વાત માની નહીં અને ૨૮૫ રૂપિયાનું માસિક પેન્શન જાહેર કર્યું. સુભાષ પત્નીએ તે ક્યારેય સ્વીકાર્યું નહોતું.

ગુજરાતના તેજસ્વી અને તેજાબી પત્રકાર અમૃતલાલ શેઠે બર્મા જઈને જીવના જોખમે આઝાદ હિન્દ ફોજના દસ્તાવેજો મેળવ્યા તેનું ‘જયહિન્દ!’ નામે પુસ્તક તે વર્ષોમાં ભારે લોકચાહના પામ્યું હતું. કાર્ટુનિસ્ટ ‘શનિ’એ પણ સચિત્ર પુસ્તક લખ્યું. ગુણવંતરાય આચાર્યે જીવન લખ્યું. થોડાક વર્ષ પર ‘ગાંધી- સરદાર-સુભાષ’ મૂલ્યાંકન કરતું મારું પુસ્તક આવ્યું અને હવે ‘સુભાષ કથાઃ અંતિમ અધ્યાય’ નવલકથા જન્મભૂમિ પત્રો પ્રકાશિત કરશે.

એક એ ઘટના પણ રસપ્રદ છે કે પત્રકાર હરીન શાહે જાપાન જઈને રેંકોજી દેવળમાં સુભાષના અસ્થિ છે અને તાઇકોહ વિમાનમથકે થયેલા વિમાન અકસ્માતમાં તે મૃત્યુ પામ્યા હતા તેવાં ‘પ્રમાણો’ સાથે અંગ્રેજીમાં પુસ્તક લખેલું પણ છેલ્લા ઘણા સંશોધનોથી તે વાતનો છેદ ઊડી ગયો છે.

અમ્માની વિદાય

જાન્યુઆરી આવે તે પહેલાં કચ્છમાં સાહિત્ય પરિષદનું અધિવેશન થયું તે ‘રાબેતા મુજબ’નું હતું. પરિષદે અકાદમીની સ્વાતંત્ર્યતાનો ઝંડો હાથમાં લીધો તેનો વિવાદી પડછાયો આ અધિવેશન પર હતો, પણ તે વિશે બોલે કોણ?

જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં મૃણાલિની સારાભાઈનાં અવસાનથી ગુજરાતે સાંસ્કૃતિક અસ્મિતાના પ્રતીક સરખાં મૃણાલિનીને ગૂમાવ્યાં. નૃત્ય-નાટક ક્ષેત્રે તેમણે ગુજરાતમાં ચેતના જગવી હતી. પુત્રી મલ્લિકા જાહેરજીવનના બીજાં ક્ષેત્રોમાં કૂદી પડવાને બદલે અમ્માના કલાજગતની સમૃદ્ધિને વધુ સંવર્ધિત કરે તો કેવું સારું!

જાન્યુઆરી આમ ગઢ ગિરનારથી જય સોમનાથ સુધીની ચેતનાનો રણકાર કરતો ગયો. તેમાં બીજું ઘણું ઉમેરાયું - ઉત્સવો, પુસ્તક પ્રકાશનો, મેળાઓ, ચર્ચાઓ, પરિસંવાદો, ગોષ્ઠિઓ...

અને, બેશક, રાજકીય ગણગણાટ તો ખરો જ! ‘રાષ્ટ્રીય’થી માંડીને ‘પ્રાદેશિક’ પ્રમુખની પસંદગી ભાજપ માટે મોટો પડકાર બની રહી, હવે તેના પડછાયા ફેબ્રુઆરીમાં મળશે.


comments powered by Disqus