ગુજરાત, મ્યાંમાર અને પૂર્વોત્તરઃ વિચારવાજોગ વાતો...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 17th June 2015 07:03 EDT
 
 

ગુજરાત, મ્યાંમાર અને પૂર્વોત્તરઃ વિચારવાજોગ વાતો...

મ્યાંમારમાં ભારતીય સૈનિકોનું ઓપરેશન... તેને વળી ગુજરાત સાથે શો સંબંધ?

છે ભાઈ છે. ઘણી બધી રીતે છે. પાકિસ્તાનના આતંકીઓ વાયા સૌરાષ્ટ્ર મુંબઈ પહોંચ્યા હતા અને ભારે વિસ્ફોટો કર્યા તે સેંકડો મોતનું સ્મરણ થાય છે ને? સરહદી વિસ્તારોની એકસરખી નિયતિ હોય છે અને એક સરખી સાવધાની કેળવવી પડે છે.

બીજી રસપ્રદ વાત તો મ્યાંમાર(બર્મા)માં બે પેઢીથી રહેલા અને - બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન હિજરત કરીને - અમદાવાદમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસી મનુભાઈ ઉપાધ્યાય પાસેથી સાંભળવા મળી. સરહદ પરના આ ગામડાંઓનો તેમનો અનુભવ વ્યવસાય ઉપરાંતનો હતો. તેમણે કહ્યું કે મુખ્યત્વે જે ચાર-પાંચ જનજાતિઓ છે તેમનું વર્ચસ્વ અહીં છે અને ભૂગર્ભ સશસ્ત્ર ચળવળ કરનારાઓની ત્યાં છાવણી રહે છે.

મ્યાંમારની સરહદે જે ત્રાસવાદીઓનો ખુરદો બોલી ગયો તે અને એનએસસીએન-કે નામના જૂથના હતા. મણિપુરમાં થોડાક જ દિવસ પહેલાં તેમણે હત્યાનો માહૌલ સરજ્યો હતો, આ વખતે સૈન્યે તે વાતને ગંભીરતાથી લીધી અને સરહદે જઈને તેમની છાવણી પર તૂટી પડવાનું નિમિત્ત મેળવી લીધું.

ઈશાન ભારતના – મણિપુર, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ, નાગાલેન્ડ અને અસમ – આ સાતેય રાજ્યોનો આંતરિક ઉત્પાત સમજવા જેવો છે. ‘ગુજરાત સમાચાર’ના વાચકોને એ જાણીને ખુશી થશે કે તમારો આ લેખક ઈશાન ભારતના છેક વિદ્રોહીઓના થાણા અને અસમિયા આંદોલનકારીઓ તેમ જ નેલ્લીના કારમા હત્યાકાંડ સુધી જાતે જઈને માહિતી મેળવનાર પત્રકાર રહ્યો છે. ગુજરાતી ભાષામાં તેના આ વિષય પરનાં પુસ્તકો – ‘ભારેલો અગ્નિ’, ‘સળગતી સરહદોની સમસ્યા’, ‘ઓહ, આસામ!’ હજુ સુધી ગુજરાતી લેખનમાં સર્વપ્રથમ આલેખન ગણાયું છે. પત્રકારત્વનો આ પાઠ સ્વ. કૃષ્ણલાલ શ્રીધરાણી અને સ્વ. ઝવેરચંદ મેઘાણીના પત્રકાર-જીવન પરથી મેં લીધો છે તેની વિગતે નોંધ સ્મરણકથા ‘શબ્દની રણભૂમિ’માં આપી છે.

આજે વાત આ વિદ્રોહીઓની છાવણીઓની કરવી છે. જે મરાયા તે આતંકીઓનો નેતા શાંગવાંગ શાંગયુંગ ખાપલાંગ છે. અત્યારે તે ૭૫ વર્ષનો છે. માથે લશ્કરી ટોપી, શર્ટ અને તેના પર ક્યારેક નેક ટાઈ, ચૂસ્ત પાટલુન, સરહદી બૂટ અને આંખો પર ચશ્માઃ એ તેની ઓળખ છે. ૧૯૮૩માં જ્યારે મારે અસમ-પ્રવાસ કરવાનું થયું ત્યારે મણિપુરનો વિદ્રોહી વિજય રાંખાલ એક છાવણીમાં મળ્યો હતો. એ તો એક અખબાર પણ ચલાવતો હતો. પણ આ એસ. એસ. ખાપલોંગનો ધમાકાભેર ઉદય બાકી હતો. તેનો બીજો સાથીદાર નેતા સાથીદાર ઈઝાક ચિશી સ્વૂ ભારે દમદાર હતો. કોંગ્રેસની કેન્દ્ર સરકારો તેને સમજાવવા અને સમજૂતી કરવા ગૃહ વિભાગના સચિવને અને વિદેશ ખાતાના સલાહકારને મોકલે. (આ બાબુસાહેબોમાં અપવાદ સિવાયના બાકીના સિગારેટના ખાલી ખોખાં જેવા જ રહ્યા છે. નામ બડે ઔર દરશન છોટે. રાબેતા મુજબ મંત્રણાઓ કરે, લોલીપોપ આપે, ભાગલા પડાવે, મોટી સરકારી સગવડો સાથે રહે અને પાછા વળે.)

એ વર્ષોમાં અંગામી ઝાપુ ફીઝો (જે પછીથી બ્રિટિશ નાગરિક બની ગયો હતો)ની સાથે મંત્રણા કરવા માટે એક પાદરી મિસ્ટર સ્કોટ – અને જયપ્રકાશ નારાયણને આ સરકારી બાબુઓએ કેવી રીતે સફળ થવા જ ન દીધા તેનું બયાન એ સમયના એક જાણકારી અફસરે કર્યું છે.

ફીઝો મોટો બળવાખોર નેતા હતો. ભારતથી અલગ ‘નાગાલેન્ડ’ની તેની માગણી હતી, પણ એ વાતનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે કે ફીઝો તેના જીવનના પૂર્વાર્ધમાં એવો નહોતો. તેણે તો ૧૯૪૩માં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજમાં ભાગ લીધો હતો અને ઈમ્ફાલ-મુક્તિમાં તે સામેલ હતો!

તો પછી તે પાછલા વર્ષોમાં રાષ્ટ્રવાદી મટીને અલગાવવાદી કેમ બની ગયો? ઐઝવાલમાં એક રાજકીય વિશ્લેષકને મેં આ પ્રશ્ન ૧૯૮૦માં પૂછ્યો હતો. અસમની મારી એ પહેલી મુલાકાત. બીજી રાષ્ટ્રીય પત્રકાર કુલદીપ નાયર અને પીયુસીએલના સૂત્રધાર જસ્ટિસ વી. એમ. તારકુંડેની સાથે અસમ-યાત્રા ૧૯૮૩માં થઈ. ત્યારે અસમ આંદોલનથી આખો પ્રદેશ ગાજતો-ગરજતો હતો. જુવાન છોકરા-છોકરીઓ અને ગૃહિણીઓ રસ્તા પર નીકળી પડ્યા હતાં.

અરુણ શૌરીએ તે સમયે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં નોંધ્યુ છે કે આઝાદી પૂર્વે અને પછીનું આ સૌથી લાંબા સમયનું અહિંસક આંદોલન હતું. તેમાં ‘વિદેશી’ અને ‘બહિરાગત’ની ખિલાફ જનજુવાળ હતો.

‘ઉલ્ફા’ (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ)નો ત્યારે હજુ જન્મ જ થયેલો. કોઈ ખાસ અસર નહોતી, પણ નાગાલેન્ડ–મણિપુરમાં નાગ બળવાની ચરમસીમા હતી. ખાપલાંગ તેમાંનો એક. ભૂગર્ભ પ્રવૃત્તિનો તે નિષ્ણાત છે. બાંબુના બનેલા એક નાનકડા ઘરમાં, મ્યાંમારના જંગલોમાં રહેતો અને બધી દેખરેખ રાખતો. હવે તેણે સ્થાન બદલ્યું છે. અત્યારે તે નવેસરથી ઊભી કરાયેલી સંસ્થા ‘યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ વેસ્ટર્ન સાઉથ–ઈસ્ટ એશિયા’નો સર્વેસર્વા છે!

૧૯૪૦માં મ્યાંમારના પૂર્વ વિભાગમાં વાકથામ ગામડામાં તે જન્મ્યો હતો. અસમથી ચીન જવાના રસ્તે તે ગામ આવ્યું છે. પહેલા તે માર્ગરીતા ગામડાંની શાળામાં ભણ્યો. પછી કાચીનની બાપ્ટિસ્ટ મિશન સ્કૂલમાં પ્રવેશ કર્યો. (આ ઈસાઈ મિશનરીઓનું ઈશાન ભારતમાં જેટલું શિક્ષણ–આરોગ્યનું મહત્ત્વનું પ્રદાન છે એટલું જ વટાળપ્રવૃત્તિ દ્વારા અલગાવવાદનું પણ છે. નાગાલેન્ડમાં તમે જાઓ તે પહેલો પ્રશ્ન અથડાય – તમે તો ઈન્ડિયાથી આવો છોને?) કાચીન પછી કાલેમ્યોમાં ભણ્યો. તેને એક દીકરો અને એક દીકરી છે. વિદ્રોહ સાથે આ સંતાનોને કોઈ લેવાદેવા નથી, પણ ખાપલાંગને તો આ લડાઈમાં અરધી સદી વીતી ગઈ.

તેની નાત્રા ઉપ-જાતિ ‘હેમી’ નાગા છે. ૧૯૬૪માં તેણે – બીજા વિશ્વયુદ્ધને નજરોનજર નિહાળીને લીધેલા બોધપાઠ મુજબ ‘નાગા ડિફેન્સ ફોર્સ’ બનાવ્યો. પછી ઈસ્ટર્ન નાગા રિવોલ્યુશનરી કાઉન્સિલનો અધ્યક્ષ થયો. તે ઇએનઆરસી નામે જાણીતી થઈ. આ કાઉન્સિલે ખ્યાત બળવાખોર અંગામી ઝાપુ ફીઝોની નાગા નેશનલ કાઉન્સિલને સાથ આપ્યો. તેણે ચીનમાં જઈને સશસ્ત્ર તાલીમ પણ લીધી. ગુવાહાટી યુનિવર્સિટીનો થુઈંગા લેંગ મૂઈવાહ તેનો ખાસ મિત્ર બન્યો. મુઈવાહે આ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવીએ મેળવી હતી. ૧૯૬૪માં તે એનએનસીનો મહામંત્રી બન્યો.

૧૯૭૫માં સિલોંગ કરાર પ્રમાણે એનએનસીએ પહેલી વાર ભારતીય બંધારણની સર્વોપરિતાનો સ્વીકાર કર્યો અને ભડકો થયો. મૂઈવાહ અને ખાપલોંગ, બન્નેએ કહ્યું કે નેતાઓ કેન્દ્ર સરકારથી ખરીદાઈ ગયા છે. તેઓ છૂટા પડ્યા અને ૧૯૮૫માં ‘એનએસસીએન’ની રચના કરી. મણિપુર-અરુણાચલ-નાગાલેન્ડ સુધી તેની પ્રવૃત્તિનો વિસ્તાર થયો. નાગાલેન્ડમાં તો તે સમાંતર સરકાર પણ ચલાવે છે અને લોકો પાસેથી કરવેરા વસુલે છે!

૧૯૮૮માં ખાપલાંગ અને મૂઈવાહની વચ્ચે ખાઈ પેદા થઈ, છૂટા પડ્યા એટલે ખાપલાંગે એનએસસીએન-આઈએમ નામે સંગઠન ઊભુ કર્યું. તેણે છેક થાઈલેન્ડમાં પણ થાણું નાખ્યું. તેની ગાઢ દોસ્તી ‘ઉલ્ફા’ના પરેશ બરુઆની સાથે થતાં હથિયારોનું મોટું બજાર પણ સર્જાયું. તેની સાથે એનડીએફબી (સોંગબિજિત જૂથ), કામતાપુર લિબરેશન ઓર્ગેનાઇઝેશન, કાંગલિપેક ક્મ્યુનિસ્ટ પાર્ટી, કાંગલેઈ યાવોઈ કુન્નાલુપ પણ સામેલ થયા.

ખાપલાંગ પોતાને ‘ગવર્ન્મેન્ટ ઓફ ધ પિપલ્સ રિપબ્લિક ઓફ નાગાલિમ’નો રાષ્ટ્રપ્રમુખ ગણાવે છે. આવો જ હોદ્દો તેના વિરોધી એનએસસીએન–આઈએમનો વડો મૂઈવાહ પણ ધરાવે છે. એનએસસીએન-કેના ત્રાસવાદીઓએ ૧૯૯૨થી ૨૦૦૦ની વચ્ચે ૬૨ નાગરિકો અને ૨૬ સુરક્ષાકર્મીઓની હત્યા કરી નાખી છે. અને પોતાના ૨૪૫ બળવાખોરો પણ ગૂમાવ્યા છે.

અહીંની મંત્રણાઓની યે કરુણ કહાણી છે. ૧૯૯૭ની ૩૧ જુલાઈએ ભારત સરકારે માત્ર એનએસસીએન-આઈએમ (એટલે કે મૂઈવાહની છાવણી) સાથે ‘યુદ્ધવિરામ’ના કરાર કર્યા અને શાંતિમંત્રણાઓની શરૂઆત થઈ. ૨૭ એપ્રિલ, ૨૦૦૧ના આ કરારનો અમલ શરૂ થયો. ૮૦ જેટલી બેઠકો થઈ અને ૧૪ વર્ષ સુધી આ ખેલ ચાલ્યો. ખુદ ઘણાએ ૨૦૧૨ની ૯ એપ્રિલે આ કરાર પર સહી કરી એટલે નાગાલેન્ડમાં કાયદેસર રીતે આવવાનો પરવાનો મળ્યો. ખાપલાંગ તે સમયે પણ મ્યાંમારનો જ નાગરિક હતો તે વાત બહાર આવી.

ખાપલાંગને ય આ લડાઈ મોંઘી પડી છે. તે થાકી ગયો છે મંત્રણા માટે દિલ્હી તેને આમંત્રિત કરે તેની રાહ જુએ છે. ૨૦૦૭ અને તે પછી તેના દમદાર સાથીદાર અઝેતો ચોપેઈ અને ખોલે કોન્યાક તેમ જ કિતોવી ઝિમોનીએ તેની સાથે છેડો ફાડી નાખ્યો તેનો આઘાત લાગ્યો તેમાંથી તે ઊભો થઈ શક્યો નથી. આ હતાશામાં જ તેની છાવણીએ ગયા સપ્તાહે મણિપુરના ચંદેલ જિલ્લા પર હુમલો કર્યો તે પહેલાં નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલમાં પણ છ હુમલા કરી ચૂકી છે.

અસમ અને પૂર્વોત્તરમાં મ્યાંમારના ભારતીય સૈન્યના ઓપરેશને હવા ઊભી કરી છે, પણ યાદ રહે કે સાતે ય પ્રદેશોમાં ૩૫ જેટલા આતંકવાદી સંગઠનો હયાત છે. તેનો ઉપાય રાજકીય કૂનેહ અને સૈનિકી રણનીતિનો તાલમેલ કરીને જ થઈ શકે.


comments powered by Disqus