ગુજરાત દિવસ ઊગશે અને ઇન્દુચાચા અચૂક યાદ આવશે!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 24th April 2018 07:26 EDT
 
 

અઠવાડિયા પછી મે મહિનો બેસી જશે. કાળઝાળ ગરમી તો રહેવાની જ, ગુજરાતને તેની આદત પડી ગઈ છે. પણ, આવા જ માહોલમાં, ૧૯૬૦ની પહેલી મેના દિવસે ગુજરાત રાજ્યની રચના થઈ અને ગરવા ગુજરાતીને પોતાનું રાજ્ય મળ્યું. દાદા રવિશંકર મહારાજે સાબરમતી આશ્રમમાં સંકલ્પ વિધિ કરાવી. દાક્તર જીવરાજ મહેતા મુખ્ય પ્રધાન બન્યા. મહેંદી નવાઝ જંગ રાજ્યપાલ તરીકે નિયુક્ત અને વિરોધ પક્ષે સ્વતંત્ર પક્ષ, જનતા પરિષદ. પ્રથમ વિધાનસભામાં જનસંઘ હજુ પ્રવેશ્યો નહોતો. ૧૯૫૨થી તેના પ્રયાસો ચાલુ હતા. હા, મહેસાણાના એક સાંસદ તેમનામાં જોડાયા હતા પણ ચૂંટણીમાં - કેશુભાઈ પટેલ, હરીસિંહજી ગોહિલ, ચીમનભાઈ શુક્લ, સૂર્યકાંત આચાર્ય, હરિપ્રસાદ પંડ્યા, ચીમનલાલ શેઠ, બાબુભાઈ પટેલ વગેરે ઊભા રહે, અવાજ વ્યક્ત કરે અને પછી સંગઠનનાં કામમાં વળી જાય. જગન્નાથરાવ જોશી, દીનદયાળ ઉપાધ્યાય, બચ્છરાજ વ્યાસ, બલરાજ મધોક, અટલ બિહારી વાજપેયી જેવા રાષ્ટ્રીય નેતાઓ પ્રચારસભાઓ માટે પણ આવતા. પણ જનસંઘનો સૂર્યોદય થવાને હજુ વાર હતી. ભાઈકાકા જેવા સ્વતંત્ર પક્ષના પીઢ નેતાને આશા હતી કે ‘પ’ (પટેલ) વત્તા ‘ક્ષ’ (ક્ષત્રિય) ભેગ કરીને આપણે ગુજરાતને સર કરીશું, પરંતુ ૧૯૬૭ સુધીમાં તો પક્ષપલટાની મૌસમ બેસી ગઈ!

અણબૂઝ સિતારો

આ રાજકીય ચિત્રમાં એક અણબૂઝ સિતારો હતા ઈન્દુલાલ યાઞ્જિક. ફક્કડ ફકીર, ઝૂઝારુ વ્યક્તિત્વ, ભાષા એકદમ સોંસરવી ઊતરી જાય તેવી. ખાદીનું ખમીશ કે ઝભ્ભો અને લેંઘો. પોલિશ કર્યા વિનાના દેશી ચંપલ. હા, ઝભ્ભાના ખીસામાં ચણા-સીંગ હોય અને એક તાજ સિગારેટનું પાકિટ. ૧૯૩૫માં વિદેશેથી ભારત પાછા ફર્યા ત્યારે રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રીય ચીજવસ્તુ અને કિસાન-આંદોલનનો સંકલ્પ લીધો. પહેલા વિદેશી સિગારેટ પીતા, હવે એક મિત્ર દેશી તાજ બનાવે તેનો ઉપયોગ શરૂ કર્યો.

પહેલી વાર અમદાવાદની ટ્રેનમાં સરદાર વલ્લભભાઈને મળવા ગયા. બેરિસ્ટર પટેલ તો અંગ્રેજી પહેરવેશમાં, શર્ટ-ટાઈ-કોટ-પેન્ટ, માથે હેટ. ઇન્દુલાલ પંચમહાલના આદિવાસીઓની વચ્ચે કામ કરતા. તે પહેલાં ૧૯૩૦માં લંડનની ગોળમેજી પરિષદ વખતે ગાંધીજીની આકરી ટીકા કરતા લેખો મુંબઈના ‘ક્રોનિકલ’ અને રણછોડલાલ લોટવાળાના ‘હિન્દુસ્તાન પત્રો’માં લંડનમાં બેસીને લખ્યા હતા. પહેલી વારની સરદાર-મુલાકાત તો તેનીયે પહેલાં. ઇન્દુલાલ તો લેંઘા-ઝભ્ભામાં સજ્જ હતા. થયું ‘ભારે કરી’. આમની સાથે શું બોલી શકાશે? સરદારે ઇન્દુલાલના આકાર લેખો-વિચારો જાણતા હતા એટલે જરા કરડાકીથી પૂછ્યુંઃ અચ્છા, તમે જ ઇન્દુલાલ?’ નડિયાદનો આ બ્રહ્મદેવ દવે ચૂપ રહે? તેણે કહ્યુંઃ અચ્છા, તમે જ વલ્લભભાઈ પટેલ?

સરદાર-ઇન્દુલાલ

પછી તો બે વજ્રોનો મેળ પડી ગયો. હમણાં એક સાહિત્ય સભામાં મારે ઇન્દુલાલની આત્મકથા વિશે બોલવાનું હતું. ખ્યાત ઇતિહાસકાર મકરંદ મહેતા તેમાં હાજર હતા. મને પૂછ્યું, ‘સરદાર-ઇન્દુલાલ વચ્ચેના સંબંધો વિશે તમે શું માનો છો?’

મારો જવાબ હતો, ‘કેટલાકની સાથે ‘લવ એન્ડ હેઈટ’નો સંબંધ હોય છે. ગાંધી-આંબેડકરનો તેવો હતો. ઇન્દુલાલ-સરદાર પણ એકબીજાની સામે આખડતા-બાખડતા પણ હૃદયથી એકબીજાને ચાહતાં. ઇન્દુલાલે કોંગ્રેસ છોડી ત્યારે સરદારની આંખો ભીની થઈ ગઈ હતી, હવે ઇન્દુલાલ કરશે શું?’

વાત તો સાચી હતી. કોઈ કમાણી વિના તેનું ગાડું ગબડતું. લંડનમાં તો જુદી જુદી ભાષા ભણાવીને રોજગારી મેળવી હતી. સામયિકો અને છાપાં ચલાવ્યાં. ‘નવજીવન અને સત્ય’ મૂળ તેમનું સામયિક, પછી તે ગાંધીજીને સોંપ્યું. ‘યુગદર્શન’ શરૂ કર્યું. ‘જન્મભૂમિ’માં લખ્યું. ‘બોમ્બે ક્રોનિકલ’માં લેખો લખ્યા. લંડનમાં બેસીને સરદારસિંહ રાણાની મદદથી (‘બે ટ્રંક ભરીને સામગ્રી હતી’) શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત્ર ૧૯૩૫માં લખ્યું, પણ છપાયું ૧૯૫૦માં. સુભાષબાબુના ભાઈ શરદચંદ્રે તેની પ્રસ્તાવના લખી હતી.

બિરાદર સકલાતવાલા લંડનમાં તાતા કંપનીમાં સલાહકાર હતા. ઊંચા ગજાના વક્તા. ઇન્દુલાલના મિત્ર. એક વાર તેમણે કહ્યું. ‘અરે, તમે શ્યામજીનું જીવન લખો છો? એ તો બ્રિટિશરોનો એજંટ છે!’ (આ સામ્યવાદીઓ ૧૯૪૨માં ગાંધીજી અને સુભાષબાબુને ય ગાળો આપતા, સુભાષ ‘હિટલરની કઠપૂતળી’ છે એમ કહેતા.) ઇન્દુલાલે ફટ કરતું પરખાવ્યુંઃ ‘શ્યામજી દેશભક્ત હતા. તેમનું જીવનચરિત્ર હું લખીશ જ.’

ઇન્દુલાલના અનુગામી આ બાબતમાં નરેન્દ્ર મોદીને ગણી શકાય? પોતાના જીવનપર્યંત ઇન્દુલાલ માંડવી જતા, ખડખડપાંચમ જેવું શ્યામજીનું નિવાસસ્થાન હતું ત્યાં ફૂલ ચઢાવતા.

૧૯૬૮માં ભટ્ટની બેકરી પરના મેડામાં એક નાનકડા ઓરડામાં પથારી પર સૂતેલા ‘ચાચા’ને મળતા ગયો ત્યારે હું બાવીસની વયનો. પણ શ્યામજી પ્રત્યે અસીમ પ્રેમ. તેમનું સ્મારક થવું જોઈએ એમ કહેવા ગયેલો, એમણે નિરાશા વ્યક્ત કરી કે કોઈ કશું કરશે નહીં. હું તો થાક્યો છું. આ ઘટનાના ૨૫ વર્ષ પછી નરેન્દ્ર મોદી જિનિવાથી શ્યામજીનાં અસ્થિ લાવ્યા અને ભવ્ય સ્મારક ‘ક્રાંતિતીર્થ’નું નિર્માણ કર્યું. એને વારસદારી જ કહેવાયને?

અધધધ! આવડી આત્મકથા?

ઇન્દુલાલની આત્મકથાના ૬ ભાગ છે. ૨૦૦૦ પાનામાં તેમની આ કથા ૧૯૧૫ પછીનાં ગુજરાતના સાર્વજનિક જીવનનો અદભૂત પરિચય આપે છે. માત્ર ફૂટનોટની નોંધોમાં જ ૫૦૦ જેટલા તે સમયના મહાનુભાવોનાં નામ-પરિચય છે. કિસાન આંદોલન, પંચમહાલમાં ભીલોનું સંગઠન, રાજકીય પરિષદો, સત્યાગ્રહો, ખેડા-બારડોલી-બોરસદ આંદોલનો, વિદેશોમાં ક્રાંતિકારો, આઇરિશ ડી વેલેરાની મુલાકાત, આઇરિશ આંદોલનમાં લીધેલો ભાગ, ગાંધી-ચળવળ, અસહકારના પ્રયોગો, ખીલાફતનો વિરોધ, વારંવાર જેલવાસ, અખિલ ભારતીય ખેડૂત આંદોલનમાં સક્રિયતા, સુભાષબાબુ સાથે કામ, વિઠ્ઠલભાઈ પટેલ સાથેની વિદેશોમાં પ્રવૃત્તિ, કનૈયાલાલ મુનશી - રણજિતરામ સાથે સાહિત્યનો પ્રયોગ, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપનામાં સહયોગ, નૈનપુર આશ્રમ, મહાગુજરાત આંદોલન અને જનતા પરિષદનું વિભાજન, છેલ્લા વર્ષોમાં ઇન્દિરાજીમાં જાગેલી આશા, જયકૃષ્ણ હરિવલ્લભદાસ જેવા શ્રીમંત સામે લોકસભામાં વિજય, ૬૧ દિવસ સુધી બેભાન રહ્યા પછી વિદાય... આ તેમના જીવનના થોડાક પડાવો!

તેમણે સ્ત્રીમૈત્રી અને બાળવિવાહને લીધે આંતરવિયોગની વાત પણ લખી છે. છેલ્લે કહ્યુંઃ મારી જિંદગી જાણે ભમતો ભમરડો’ બીજી વાર કહ્યુંઃ ‘મારે માટે લવ એન્ડ લાઇટ (પ્રેમ અને પ્રકાશ) મારા જીવન કેન્દ્રો છે.’ આ આત્મકથાના પ્રકાશન માટે સનત મહેતા અને ધનવંત ઓઝા (બંને હવે સ્વર્ગસ્થ)નું મૂલ્યવાન પ્રદાન નોંધવું જોઈએ.

પહેલી મે ‘ગુજરાત દિવસ’ ઇન્દુચાચા (દેશચાચા જવાહરલાલની સામે ગુજરાતે ૧૯૫૬માં પોતાના ચાચા ઘડ્યા તે ‘ઈન્દુચાચા’)ને લંડનનાં આપણા સાપ્તાહિકના સાદર પ્રણામ!


comments powered by Disqus