ભારતની જેમ ગુજરાતને માટે પણ વીત્યું સપ્તાહ ભારે ગમગીન રહ્યું. અરુણ જેટલીનું ૬૭ વયે અવસાન થયું, એ વય કંઈ જવાની નહોતી અને જેટલી માટે તો હજુ ઘણું કામ કરવાનું બાકી હતું. ૨૦૧૪થી ભાજપને કેન્દ્ર સરકારમાં શાસનની તક મળી છે તે એકલા વિપક્ષોને જ નહીં, બીજા કેટલાક સ્થાપિત હિતોને પણ ગમી નથી. પાકિસ્તાનનો હુમલો, પુલવામા અને સર્જિકલ સ્ટ્રાઇક, નોટબંધી, જીએસટી અને કાશ્મીરમાં ૩૭૦મી કલમની નાબુદી, મુસ્લિમ મહિલાઓમાં ત્રિ-તલાક... આ એવી ઘટનાઓ હતી કે કેટલાક રાહ જોઈને બેઠા હતા કે આમાં ક્યાંક મોદી-સરકારની મોટી પીછેહઠ થશે, લોકોનાં આંદોલન થશે ને ભાજપે સત્તાથી વંચિત થઈ જવું પડશે.
આવું માનનારાઓએ ભરચક પ્રયાસો પણ કર્યા. ૨૦૧૯ની ચૂંટણીમાં તો કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોએ સરકાર બનાવવાનો તખતો તૈયાર કરી દીધો હતો. રાહુલ ગાંધીએ જાહેરમાં ભવિષ્યવાણી ઉચ્ચારી કે હવે મોદીની સરકાર નહીં હોય!
હવે મુદ્દો મંદીનો ચગાવવામાં આવ્યો છે. વિદેશોમાં મોટી નોકરી અને વેતન મેળવનારા નિષ્ણાતોની નબળાઈ એ છે કે તે પોતાને જ ‘મોટા ઉદ્ધારક’ માને છે. રઘુરાજનનો - હોદ્દો છોડી દીધા પછીનો - દોષદર્શનનો ખેલ તેવો જ છે. સામ પિત્રોડાએ વળી બીજી રીતે ભાગ ભજવ્યો અને મેગેસેસ એવોર્ડ વિજેતા ડો. અમર્ત્ય સેનને આ સરકાર ઉદારવાદી લાગતી નથી. બંગાળમાં ‘કાલી’માતા - દુર્ગામાતા હોય, રામ સાથે નિસબત કેવી? એવો બેહૂદો સવાલ જાદવપુર યુનિવર્સિટીના ભાષણમાં તેમણે કર્યો હતો.
એક હવા ઊભી કરવામાં આવી છે અને તેમાં ભારતના ‘બુદ્ધિમાનો’ને સાથે રાખવામાં આવ્યા છે કે આ સરકાર ઉદારવાદી નથી, લોકશાહી મૂલ્યોને ખતમ કરી રહી છે, ફાંસીવાદી તોરતરિકા અપનાવે છે. ભારત ‘લિંચિસ્તાન’ બની રહ્યું છે, અસહિષ્ણુતા વધી ગઈ છે. આવું કહેનારાઓમાં જેએનયુ અને જાદવપુર યુનિવર્સિટીના ડાબેરી અધ્યાપકો - જે મોટા ભાગે સીપીએમના કાર્ડહોલ્ડર છે - અને કન્હૈયાકુમારથી સાહેલા જેવા ‘વિદ્યાર્થી નેતાઓ’, મીડિયાના કેટલાક પત્રકારો, ‘રાજકીય સમીક્ષકો’, ‘અર્બન નકસલ’ની ફેશનના ઝંડાધારીઓ, પશ્ચિમ બંગાળ – તમિળનાડુ - ઉત્તર પ્રદેશ – આંધ્રના પ્રાદેશિક વિપક્ષો, પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સીપીએમના નેતાઓ, કોંગ્રેસમાં મણિશંકર – શશિ થરુર, અધીર રંજન જેવા નેતાઓ અને કાશ્મીરમાં અલગાવના પરાપૂર્વથી કામ કરતા રાજકીય પરિવારો. આટલાં પરિબળો તો દેખીતી રીતે વર્તમાન ભાજપ-સરકારના વિરોધીઓ છે. મોકો ચૂકતા નથી! તેમાં કેટલાક સિનેમા-કલાકારો હઇસો, હઇસો કરે છે. કેટલાક માત્ર તોફાની વિધાનો કરીને અટકી જાય છે. જાવેદ અખતર તેનો નમૂનો છે. બીજા રવીશ કુમાર છે.
આવા સંજોગોમાં હવે કેટલાક ‘અર્થશાસ્ત્રી’ ફૂટી નીકળ્યા છે. રોજેરોજ તે નાનીમોટી બાબતોને કેન્દ્રમાં રાખીને ‘અરેરેરે’, દેશ પર મહા-મંદીની, બેરોજગારીની આફત આવી પડી છે. કેટલાકને તેઓ ચીલો છેક નોટબંધી સુધીનો લાગે છે. કેટલાક વળી એવો સવાલ ઊઠાવે છે કે આપણે વળી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે શા માટે વાતચીત કરવી જોઈએ?
આ પરિસ્થિતિમાં અરુણ જેટલી ઘણી રીતે યાદ આવે એ સ્વાભાવિક છે. કેન્દ્ર સરકારના નિર્ણયો ઉપરાંત પક્ષના આંતરિક પ્રશ્નો પર તેમની પકડ હતી. અડવાણીનો હવાલા કેસ હોય કે ગોધરાકાંડ યા ફર્જી એન્કાઉન્ટરના મુકદમા અને તપાસ હોય. જેટલી બધામાં સક્રિય રીતે ભાજપને માટેના રસ્તા શોધી આપતા. જનતા દળ (યુ) સાથેના સંબંધોમાં તકલીફ પેદા થાય કે છત્તીસગઢમાં ધારાસભ્યોની અફરાતફરીમાં અજિત જોગી ભાગ ભજવે, અરુણ જેટલીએ સર્વત્ર નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
આમ અરુણ જેટલી આવ્યા ‘સ્ટુડન્ટ પોલિટિક્સ’માંથી, દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા હતા, વિદ્યાર્થી પરિષદમાં યે સક્રિય રહ્યા. ૧૯૭૫માં કટોકટી ખિલાફ વિરોધનો ઝંડો ઊઠાવતાં ૧૭ મહિના જેલમાં રહ્યા. વાજપેયીથી મોદી સરકાર સુધીમાં જુદા જુદા ખાતાંના પ્રધાન બન્યા. રાજ્યસભામાં વિપક્ષી નેતા પણ રહ્યા. આજે - ૨૬ ઓગસ્ટના - ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં બે લેખ છે. એક, નિર્મલા સિતારામનનો છે, જેમણે પોતાને ‘ગુરુ’ અરુણના રાજકીય ‘શિષ્યા’ ગણાવ્યાં છે. બીજો લેખ, કોંગ્રેસ-નેતા કપિલ સિબ્બલનો છે, જેમણે જેટલીના ભરપેટ વખાણ કર્યા છે.
નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે હતા અને યુએઇમાં તેમને પ્રાપ્ત સન્માન અને સ્વાગત તો ભારતની કુટનીતિના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એક આરબ દેશમાં ભારતીય નેતાને આવડો ખિતાબ અપાય, મોટું મંદિર રચાય. આ ઘટનાથી પાકિસ્તાન તો સ્તબ્ધ છે જ, ભારતમાં ‘સેક્યુલરો’ ભારે પરેશાન છે, ‘અરે, આ પક્ષ તો આરએસએસ પ્રેરિત હિન્દુ રાજ્યનો પુરસ્કર્તા છે એમ આપણે કહેતા આવ્યા છીએ, આ તો...’ હવે તેઓ રાહ જોઈ રહ્યા છે કે વિશ્વ હિન્દુ પરિષદના અમુકતમુક નેતાઓ વિરોધ કરે છે કે નહીં?
પણ મોદીની વ્યૂહરચના સહજ-સરળ છે ‘સબકા વિકાસ’ સાથે ‘સબકા વિશ્વાસ’ જોડ્યો છે. ભારતના નાગરિક સમગ્રને નજરમાં રાખીને તે વિકાસ-નીતિ ઘડવાનું કામ કરી રહ્યા છે. તેમાં મુસ્લિમ મહિલાઓને ય લાગ્યું છે કે પુરુષપ્રધાન ‘તીન તલાક’ના નર્કાગારથી અમને આ માણસે છોડાવી છે. આરિફ મોહમ્મદ ખાન – પૂર્વ કોંગ્રેસીની ટીવી મુલાકાતો સાંભળતાં ખ્યાલ આવે છે કે ભારતીય મુસ્લિમ પણ ધીરે ધીરે વિચારતો થયો છે કે તેનું ભલું શામાં છે.
જેટલી આવા સમયે સ્વસ્થ અને સક્રિય હોત તો સરકાર અને પક્ષ બન્નેને અત્યંત ઉપયોગી બન્યા હોત. પ્રતિક્રિયા નરેન્દ્રભાઈની છે. વસ્તુતઃ તે વાત સાચી છે. ૧૯૬૫ પછીથી તેમની બન્નેની મૈત્રી છે, મુખ્ય પ્રધાનથી વડા પ્રધાન સુધીની રાજકીય સફરમાં જેટલી કાયમ તેમની સાથે રહ્યા હતા.
ભાજપે આ પૂર્વે ડો. મુખરજી, ડો. રઘુવીર, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, સુષ્મા સ્વરાજને ગુમાવ્યા ત્યારે પણ અસામયિક વિદાયના આઘાત સહન કર્યા છે. પણ આ પક્ષની માટી જ એવી છે કે તેમાં આપત્તિમાંથી નવા સર્જન થતાં રહ્યાં છે. એ તેનું મોટું નસીબ અને પુરુષાર્થ છે, જેનાથી કોંગ્રેસ તદ્દન વંચિત છે એટલે તો ‘ગાંધી પરિવાર’ સાથે ના હોય તો શું એવી કલ્પનામાત્રથી તે ગભરાઈ જાય છે, બહાવરા બની જાય છે.