ગુજરાત સરકારઃ ત્રણ વર્ષનો સહિયારો અંદાજ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 06th August 2019 07:54 EDT
 
 

સાતમી ઓગસ્ટે બે મોટી ઘટનાઓ તરફ સૌની નજર પડશે. એક, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે, જેમાં સંસદ અને સરકારે લીધેલા કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-એ કલમની નાબૂદી અને બીજા નિર્ણયોની ચર્ચા કરશે.

બીજો પ્રસંગ, ગુજરાતમાં ઘરઆંગણે છે. વિધાનસભા ચૂંટણી પછી અહીં વિજય રુપાણીના મુખ્ય પ્રધાનપદે રચાયેલી સરકારને ત્રણ વર્ષ પૂરાં થયાં તે છે.

સરકારો એક, બે કે ત્રણ અથવા પૂરા સમય સુધી ચાલે તે રાજકીય રીતે મોટી ઘટના છે. ગુજરાતમાં સ્થિર-અસ્થિર, પૂરો સમય કે તેનાથી ઓછા સમય સુધી શાસનનો ઇતિહાસ રસપ્રદ છે. એક વાર તો હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર સૌથી ટૂંકા સમય માંડ મહિનો ટકી હતી! ડો. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ જ. પટેલ, કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા, દિલીપ પરીખ, નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ... આ બધા મુખ્ય પ્રધાનો હતા, છતાં ક્યાંક રાજીનામા, રાષ્ટ્રપતિ શાસન અને ફેર ચૂંટણીના સંજોગો નિર્મિત થયા. ઘણા ઉતાર-ચઢાવ આવ્યા.

૧૯૬૭માં તો એવું પણ મનાતું હતું કે સ્વતંત્ર પક્ષ રાજ્યારોહણ કરશે. એવું બન્યું હોત તો ગુજરાતને ભાઈકાકા કે એચ. એમ. પટેલ જેવા મુખ્ય પ્રધાન મળ્યા હોત. કોંગ્રેસમાં જોડાયા પછી સનત મહેતાની શક્યતા જોવામાં આવી હતી, આ બ્રાહ્મણે (આ તેમના શબ્દો છેઃ આપણે કારભારું કરીએ એટલે ઘણું!) નાણા ખાતાંથી આગળ જવાનું બન્યું નહીં. ભાજપમાં સજ્જતા ધરાવનારા એવા નેતાઓ ઘણા હતા. જે મુખ્ય પ્રધાન બની શક્યા હોત. મકરંદ દેસાઈ, અરવિંદ મણિયાર, કાશીરામ રાણા એવા નામો હતાં, પણ ભાજપની શિસ્તપ્રથા એવી કે વરિષ્ઠ નેતાઓ નક્કી કરે તે વિનમ્રતાપૂર્વક સ્વીકારવું. શંકરસિંહ વાઘેલાએ તેવું ન કર્યું. તેમાં અસંતોષ પેદા થયો અને ભાજપથી અલગ થઈને નવો પક્ષ રચ્યો, સરકાર બનાવી. કોંગ્રેસના સમર્થનથી ચાલતી સરકારનું અલ્પજીવી આયુષ્ય હતું એ તો સ્પષ્ટ હતું અને તેમ બન્યું.

૨૦૧૬ની સાતમી ઓગસ્ટે નવી સરકાર બની. તેમાં પડકારો તો ઘણા હતા અને છે, પણ વિજય રુપાણી - નીતિન પટેલની રાજકીય સંગીતની જુગલબંધી બરાબર ચાલી! તેના પરિણામે પાટીદાર અનામત, દુષ્કાળ અને પાણીની અછત, કાનૂન અને વ્યવસ્થા, પ્રચંડ વરસાદમાં તબાહી જેવા પ્રશ્નો પર પગલાં લેવાયાં. સારાં પરિણામો પણ આવ્યા. શિક્ષણ, ખેતી, સમુદ્રના ખારા પાણી મીઠા બનાવવાના પ્રકલ્પ, ઊર્જા, યુવા વર્ગ માટેની યોજનાઓ, આરોગ્ય, મહિલા-વિકાસ, રોજગાર ભરતી મેળા, (જેમાં ૧૧ લાખને રોજગારી મળી એવું જણાવાયું છે.) પોષણક્ષમ આહાર (૧૪ લાખ કિશોરી, ૧૨ લાખ બાળકો અને ૭.૫ લાખ સગર્ભા યુવતીઓને સ્વાસ્થ્યપ્રદ આહાર અને દવા અપાઈ, પ્રાથમિક શાળાના બાળકો માટે દુધ-સંજીવની યોજના (૩૦ લાખ બાળકો, માતાઓને તેનો લાભ મળ્યો), ૮.૫૦ લાખ ગર્ભવતી માતાઓને આર્થિક સહાય, ૧૦.૫૦ લાખ વિધવા બહેનોને અપાતી સહાયમાં રૂ. ૧૦૦૦નો વધારો, ૨૭૦ મહિલા અદાલતો, કન્યાને શાળા-પ્રવેશ મળે ત્યારે રૂ. ૪૦૦૦, નવમા ધોરણમાં આવે ત્યારે રૂ. ૬૦૦૦ અને ૧૮મા વર્ષે એક લાખ રૂપિયા સહાયની ‘વહાલી દીકરી’ યોજનાનો પ્રારંભ (તેને માટે રૂ. ૧૩૩ કરોડની જોગવાઈ), વનવિકાસ, બરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, ૨૮ લાખ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ડેરી ઉદ્યોગમાં મહિલાઓને ૧.૪૦ લાખ દૂધાળા પશુઓનું વિતરણ, દેશમાં પ્રથમ – આયુષ્યમાન યોજના હેઠળ ૨.૫ કરોડ લોકોને વીમા યોજનાનું કવચ, ૪૫ લાખ શૌચાલયોનું નિર્માણ, શહેરોમાં ગરીબોને ૩.૩૨ લાખ પાકાં મકાનો, સરકારી દસ્તાવેજો માટે ગાંધીનગર ધક્કા ન ખાવા પડે તેવી ‘સેવા સેતુ’ યોજના (તેના અંતર્ગત ૧.૬૫ કરોડ લોકોને રેશનકાર્ડ, આધારકાર્ડ,ના વાત્સલ્ય કાર્ડ ઘરે બેઠાં અપાયા), ૧.૩૮ લાખ વિકલાંગ શિષ્યવૃત્તિ, અને સીએમ ડેશબોર્ડ હેઠળ ૩,૦૦૦ પેરામીટર્સ ઇન્ડિકેટર્સથી મહેસૂલ - કૃષિ - આરોગ્ય - શિક્ષણ - માર્ગ - મકાન જેવા ૧૬ સેક્ટરને આવરી લઈને રોજિંદી સમીક્ષાની વિશિષ્ઠ પદ્ધતિ.

આ યાદી હજુ લાંબી છે એવું માહિતી ખાતાનું ‘ગુજરાત’ કહે છે, પણ મને બીજો જ રસ પડ્યો. ત્રણ વર્ષમાં મુખ્ય પ્રધાને ગુજરાતનો કેટલો પ્રવાસ ખેડ્યો હશે? ગુરુ નરેન્દ્ર મોદીના પગલે શિષ્ય બરાબર ચાલ્યો લાગે છે.

કેટલો પ્રવાસ કર્યો?

૧૨૪૭ પ્રવાસ-એકમ

અન્ય રાજ્યોમાં ૧૩૧ સ્થાનો.

કેટલા કિલોમીટર થાય?

૨.૬૦ લાખ કિ.મી. ગુજરાતમાં,

૧.૭૦ લાખ કિ.મી. અન્યત્ર.

કાર્યક્રમો કેટલા યોજાયા?

૨૧૦૪.

૨.૪૦ કરોડ લોકોનો સંપર્ક.

૯૮૧ બેઠકો.

૬૦૦ જનહિતલક્ષી નિર્ણયો.

બીજા પ્રધાનો પણ પાછળ રહ્યાં નહીં હોય. આ પ્રવાસોનું એક પરિણામ એ આવ્યું હશે કે જુદાં જુદાં વિસ્તારોની યોજનાઓમાં અમુક અંશે ગતિ આવી હશે, ઉદ્ઘાટનો થયા હશે. એક વાર તેમની સાથે સરદાર પટેલ પ્રતિમા - કેવડિયા મારે જવાનું થયું હતું, સવારે હેલિકોપ્ટરમાં ગયાં, રાતે પાછાં ફર્યા ત્યાં મેં તો બપોરે ઊંઘ લઈને વિરામ મેળવી લીધો. મુખ્ય પ્રધાન એ દરમિયાન અધિકારીઓની સાથે બેઠકમાં વ્યસ્ત રહ્યાં! મેં તેમને યાદ અપાવ્યું કે ૧૯૭૫-૭૬ના જેલવાસ દરમિયાન ભાવનગરમાં કેટલી બધી નિરાંત મળતી હતી!

વિજય રુપાણીની કર્મભૂમિ રાજકોટ, વિદ્યાર્થી પરિષદના સંગઠનથી શરૂઆત કરી. અમદાવાદમાં તેમની સાઈકલ, સ્કૂટર સફર ઘણાએ જોઈ હશે. વિદ્યાર્થી પરિષદમાં સક્રિય બીજા કાર્યકર્તા અંજલિ બક્ષી સાથે પરિચય થયો, પરિચય લગ્નમાં પલટાયો. ખમાસા ગેટ પાસેના એક નાનકડા ઉત્સવ ખંડમાં તેમના લગ્ન થયાં, ત્યારે શુભેચ્છા-આશીર્વાદ આપનારાઓમાં નરેન્દ્ર મોદી સામેલ હતા.

વિજય રુપાણીએ સરકાર અને કોર્પોરેશનમાં વરિષ્ઠ જવાબદારી નિભાવી છે. ક્યારેક વધારે પડતા ઢીલા (સોફ્ટ) લાગે, ક્યારેક વધારે દૃઢતા પણ દર્શાવે છે. ગુજરાતમાં વિકાસની પ્રતિબદ્ધતા તેમના હૈયે અને હોઠે છે. નીતિન પટેલ તેમના સહયોગી છે. બીજો કોઈ પક્ષ હોત તો ક્યારનો બખેડો થયો હોત પણ આ બધા હજુ સંઘ-જનસંઘ- ભાજપના માહોલની પરંપરા જાળવે છે. અઘરું છે પણ પૂરા પ્રયાસો કરે છે.

ત્રણ વર્ષ પૂરાં થયાં, હજુ બીજાં બે બાકી છે. અમારા ગાંધીનગર કાર્યાલય વચ્ચે પાંચ મિનિટનું અંતર છે. સ્વર્ણિમ સંકુલ મુખ્ય પ્રધાન કાર્યાલયમાં તેમની સક્રિયતાનો અહેસાસ કરાવે એટલાં ટૂંકાં અંતરે સાહિત્ય અકાદમીઓ (હિંદી, ગુજરાતી, સંસ્કૃત, ઊર્દુ, સિંધી, કચ્છી)નું કાર્યાલય છે. મૂળ પુરાતત્ત્વ વિભાગનું એટલે જર્જરિત પણ સ્થાપત્ય નજરે ચડે તેવું, અકાદમી ત્યાં બેસે છે. નવા અકાદમી ભવનની પ્રતીક્ષા છે, તે જલદી પરિણામ લાવશે એવું લાગે છે.

ગુજરાત સરકાર સ્થિર છે, સરહદી રાજ્યની હોવા છતાં કાશ્મીરના જેવું વિભાજન-અલગાવ નથી. બે પાકિસ્તાની આક્રમણોનો સામનો કર્યા પછી અડીખમ છે. સરદાર - શ્યામજી - સોમનાથની પરંપરા છે. ગાંધીના આશીર્વાદ છે. પછી બીજું શું જોઈએ?


comments powered by Disqus