નવા વર્ષનું એક સપ્તાહ શુક્રવારે પૂરું થશે. પછીના ૩૫૮ દિવસો કેવા જશે તેના રાજકીય અને સામાજિક ભવિષ્યનો સામાન્ય અંદાજ એટલા માટે મેળવવો જોઈએ કે દેશ અને દુનિયાની ઘણી બાબતોમાં ગુજરાત તરફ નજર હોય છે. એક સમયે આંદોલનમાં એવું કહેવાતું કે આજે જે ગુજરાતમાં થાય તે આવતીકાલે દેશમાં થશે. ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનમાં એવું જ થયું હતું. જયપ્રકાશ નારાયણનું બિહાર આંદોલન જે રીતે દેશવ્યાપી બન્યું તેમાં ગુજરાતની શરૂઆત હતી. એવું જ ૧૯૭૫માં વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે ૧૯૬૭ પછી પહેલીવાર કોંગ્રેસ વિરોધી રાજકીય પક્ષો મોરચા સ્વરૂપે એકત્રિત થયા અને બહુમતી મેળવી. તેનું અનુસંધાન દિલ્હીમાં આંતરિક કટોકટી વિરુદ્ધ સંઘર્ષ અને પછી તમામ પક્ષોના વિલીનીકરણથી જનતા પક્ષ બન્યો અને ૧૯૫૨ પછી પહેલી વાર કેન્દ્રમાં સત્તા મેળવી.
વિડંબના એ હતી કે તેના પ્રથમ વડા પ્રધાન મૂળભૂત રીતે તો કોંગ્રેસી જ હતા, જે કોંગ્રેસ વિભાજન પછી સંસ્થા કોંગ્રેસનાં વડા હતા. તે સમયે વડા પ્રધાન પદના બીજા દાવેદાર જગજીવનરામે તો થોડાક દિવસો પહેલા ઇન્દિરા કોંગ્રેસમાંથી છેડો ફાડીને જનતાંત્રિક કોંગ્રેસ સ્થાપી હતી. આ બેમાં ત્રીજા કિસાન નેતા ચૌધરી ચરણસિંહનો ગજ વાગ્યો નહીં. પણ તેની પ્રતિશોધની ઘડી જલ્દી આવી, અને મોરારજી સરકારને ગબડાવીને એક વાર તો વડા પ્રધાન બની ગયા!
તે સમયે ગુજરાતનું એક જ પ્રદાન હતું તે આંદોલન અને તેમાંથી ઊભા થયેલા જનતા મોરચાનું. દિલ્હીની રાજકીય લડાઈમાં ચૂપચાપ નિરીક્ષણ પછી જનતા પક્ષમાં વિલીન જનસંઘને તત્કાલિન સમજવાદીઓએ બેવડા સભ્ય (જનસંઘ અને આરએસએસ) પદના નિમિત્તે અલગ કરવાની કોશિશ કરી તેમાંથી ભારતીય જનતા પક્ષનો જન્મ થયો તે પછી ગુજરાત પરિવર્તનનું કેન્દ્ર બન્યું.
વિધાનસભામાં એકલા હાથે બહુમતી મેળવવાની ભાજપની ગતિ રહી અને એવો સમય આવ્યો કે ગુજરાતના મુખ્ય પ્રધાનને કેન્દ્રમાં વડા પ્રધાનપદનું સિંહાસન એક વાર નહિ, બે વાર પ્રાપ્ત થયું. અગાઉ કોંગ્રેસમાં જવાહરલાલનું આવું નસીબ હતું તે નરેન્દ્ર મોદી નામે ગુજરાતી, ભાજપ નેતા અને આરએસએસના પ્રચારક દ્વારા પુનરાવર્તન થાય તે હજુ ઘણાના દિમાગમાં ઉતરતું નથી. તેનું તાજું ઉદાહરણ બંગાળનું રાજકારણ છે.
મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સહિતના નેતાઓ આગામી ચૂટણીમાં ગુજરાતના નેતા, મોદી અને શાહ, સત્તા સર કરી જાય તેવા વિચાર માત્રથી ફફડે છે. કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે મળીને ચૂંટણી લડશે એવી હવા છે, પણ જે રીતે તૃણમૂલમાંથી નેતા-કાર્યકર્તા ભાજપ તરફ વળવા માંડ્યા છે તે એક વધુ પ્રાદેશિક પક્ષને તેના વિસર્જન તરફ લઈ જાય એવું બની શકે. તો પછી મહબૂબા મુફતી, ઓમર અબ્દુલ્લા, ચંદ્રાબાબુ નાયડુ અને બીજા અનેકની સાથે મમતા દીદીનું નામ પણ જોડાઈ જશે.
ગુજરાતમાં લાંબા સમયથી ભાજપનું શાસન છે. કેશુભાઈ પટેલથી તેની શરૂઆત થઈ તે હવે વિજય રૂપાણી સુધી પહોંચી છે. મુખ્ય પ્રધાનની ભૌગોલિક રાજનીતિ હોય છે તે ધ્યાનમાં લઈએ તો પહેલા અને અત્યારના મુખ્ય પ્રધાન રાજકોટના છે.
સૌરાષ્ટ્રનો હિસાબ મેળવીએ તો જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, છબિલદાસ મહેતા અને ઘનશ્યામ ઓઝા કોંગ્રેસમાં સૌરાષ્ટ્રથી આવ્યા હતા. બીજા ઉત્તર, મધ્ય અને આદિવાસી વિસ્તારના હતા. કચ્છના ભાગે એક વાર સુરેશ મહેતા આવ્યા. સનત મહેતા, જશવંત મહેતા, મકરંદ દેસાઇ, અરવિંદ મણિયાર વગેરે મુખ્ય પ્રધાન બનવાની સજ્જતા ધરાવે તેવા નેતા હતા. ૧૯૬૭ની આસપાસ કોંગ્રેસ - સ્વતંત્ર પક્ષ વચ્ચે ગજગ્રાહ ચાલ્યો અને મોટેપાયે પક્ષાંતર થયા ત્યારે સ્વતંત્ર પક્ષ તેમાં ફાવ્યો હોત તો ભાઈકાકા કે એચ.એમ. પટેલ મુખ્ય પ્રધાન બન્યા હોત.
૨૦૨૦નું વર્ષ ભાજપ માટે તેની રાજકીય પરંપરાનો એક વધુ પડાવ છે. કેશુભાઈ, નરેન્દ્ર મોદી, આનંદીબહેન અને હવે વિજય રૂપાણી મુખ્ય પ્રધાન છે. આ વર્ષોમાં ખેડૂત આંદોલન થયું તે જેટલા જોરથી આવ્યું એટલું જ જલ્દી સમાપ્ત થયું તેમાં ગુજરાતી પ્રજાની કોઠાસૂઝ કારણરૂપ છે. મહાગુજરાત આંદોલન સમયે પહેલી વાર ગુજરાતમાં કોંગ્રેસ હાંસિયા પર ધકેલાઇ જાય તેવી પરિસ્થિતિ હતી છતાં સરકાર તો તેની જ બની. ગુજરાત જનતા પરિષદ પ્રાદેશિક પક્ષમાં પરિવર્તિત એટલા માટે ના થઈ કે તેમાં સમાજવાદી અને સામ્યવાદી બંને રાષ્ટ્રીય પક્ષો પોતાનો પ્રભાવ પેદા કરવા માટે પરિષદમાં હતા. પછી તે વિખરાઈ ગયા.
નેહરુ ચાચાની સામે આંદોલન દરમિયાન ઇન્દુ ચાચા ગુજરાતે સર્જયા હતા, પણ આ ફકીર નેતા મુખ્ય પ્રધાન બને તેવો કોઈ અવકાશ નહોતો. છેલ્લા દિવસોમાં તો તેમણે કોંગ્રેસમાં પ્રવેશ મેળવી લીધો હતો. કૃષ્ણકાન્ત વખારિા જે કોઈ સમયે પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખપદની ચૂટણી લડ્યા હતા, તેમણે તેમની સ્મૃતિકથામાં નોંધ્યું છે કે ઇન્દિરાજી ગુજરાતનાં મુખ્ય પ્રધાન કોણ બને તેને માટે ઇંદુલાલ યાજ્ઞિકની સલાહ લેતા હતા.
ગુજરાતનો આત્મા તેની સમૃદ્ધિના વિકસિત ઈરાદામાં વસે છે એટલે વાઈબ્રન્ટ ગુજરાતનાં આયોજનથી તેમાં બેવડી ગતિ આવી. ઉદ્યોગ અને ખેતી સાથોસાથ હરણફાળ ભરી રહ્યાના ઉદાહરણમાં ગુજરાતનું નામ આગળ આવે છે. નર્મદા ગુજરાતની વિકાસયાત્રાનો મોટો પડાવ. તેને અનેક સ્થાપિત હિતોએ, તે પણ વિસ્થાપિતોના નામે, અવરોધવાના પ્રયત્નો કર્યા પણ છેવટે આ યોજના સાર્થક બની તે ગુજરાતનાં વિકાસની રાજનીતિનો બહુ મોટો ભાગ છે.
પશ્ચિમ બંગાળમાં હેરાનપરેશાન થઈને ટાટાએ ગુજરાત તરફ નજર કેમ દોડાવી હતી તે પ્રશ્નમાં આ જવાબ આવી જાય છે. ગુજરાતની અસ્મિતાની પરંપરામાં આ લક્ષણ છે. અમદાવાદમાં મહામુસીબતે રણછોડલાલ રેંટિયાવાળા પ્રથમ મિલ સ્થાપિત કરવામાં સફળ થયા કે પછી આખા દેશમાં ડાબેરી વિભાજનવાદના તંદુરસ્ત વિકલ્પ તરીકે ગાંધીજીની સલાહ લઈને કામદાર અને મિલ માલિકને એક સાથે બેસાડવાનો ‘મજૂર મહાજન’ પ્રયોગ થયો તે મોટા ઉદાહરણ છે. જોકે તેમાં પછીથી નિષ્ફળતા જોડાઈ તે પણ હકીકત છે.
હાલની સરકારે ખેડૂત સહિત ઘણા વર્ગોને રાજી રાખવાના કલ્યાણમાર્ગી આયોજન કર્યા. ક્યાંક અનિર્ણાયકતા આવી હશે પણ તેને સુધારી લેવાની માનસિકતા એ જમા પાસું છે. પેટા-ચૂંટણીમાં બધી બેઠકોમાં જીત સામાન્ય ઘટના નથી, ભલે તેના પાયામાં કોંગ્રેસની એક પક્ષ તરીકે શિથિલતા અને ભાજપની સંગઠન સાથેની નેતાગીરી બંને હોય.
હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે અને થોડાક સમય પછી વિધાનસભાની. પ્રશાસનમાં અપવાદોને બાદ કરતાં બીજી નબળાઈ ઓછી છે અને પક્ષ તરીકે વિસ્તરતો જતો પક્ષ જેમ તેની શક્તિ છે તેવી જ રીતે ક્યારેક મર્યાદા પણ બની જાય છે. સત્તાપ્રાપ્તિની સાથોસાથ કાર્યકર્તા અને નેતામાં એક વૈચારિક સ્પિરિટ સાથે સમાજમાં સક્રિય રહેવાની માનસિકતા નિર્માણ કરવી પડે. આવી તાલીમ પક્ષ, સરકાર, સમાજ અને સરવાળે ગુજરાતને માટે ખૂબ જરૂરી છે. તેને પડકાર તરીકે સત્તા પક્ષે સૌથી વધુ સજ્જતા પ્રાપ્ત કરવી રહી. એ જ વાત વિપક્ષને પણ લાગુ પડે છે.