ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના વડા પ્રધાન વચ્ચેના સંયુક્ત નિવેદનને ગુજરાતની સાથે કોઈ સંબંધ?
હા. ગુજરાત સરહદી પ્રદેશ છે. બે વાર પાકિસ્તાની આક્રમણનો સામનો કરી ચૂક્યું છે. યુનોની ટ્રિબ્યુનલમાં, કચ્છનો લીલોછમ છાડ બેટ ગૂમાવી ચૂક્યું છે. તેને માટે ૧૯૬૮માં સંયુક્ત વિપક્ષોનો સત્યાગ્રહ કર્યો છે. ભારત-પાક. યુદ્ધમાં બનાસકાંઠાની સરહદે સૂઈ ગામથી આગળ નાનું રણ પાર કરીને જીતેલા નગરપારકરને પાછું વાળ્યું છે, તે પણ મંત્રણાઓ બાદ.
સિરક્રિક ભૂલાયું?
હજુ એક મુદ્દો પાકિસ્તાનની સાથે ઉકેલવાનો બાકી છે તે સિરક્રિકનો. તમે તેને ‘સર ક્રિક’ કહી શકો, કેટલાક તેને ‘સિર ક્રિક’ કહે છે. તેની મંત્રણા અનેકવાર થતી રહી છે, પણ હજુ કોઈ ઉકેલ આવતો નથી. કારણ એ છે કે આ વિસ્તાર પર પાકિસ્તાનની છાડબેટ જેવી જ નજર છે. રશિયન ભૂસ્તરશાસ્ત્રીઓ ૩૦ વર્ષ પહેલાં શોધી આવ્યા કે તેની જમીન હેઠળ પેટ્રોલિયમનો જથ્થો છે. આ વિસ્તાર પાકિસ્તાની દાવા પ્રમાણે રેખાંકિત નથી થયો! ક્રીક એ સમુદ્રના પાણી અને જમીનના કાદવની વિચિત્ર ભૂગોળથી બનતો વિસ્તાર છે. ત્યાં અમુક સમયે પાણી હોય છે, બાકીના મહિનાઓમાં કાદવવાળી જમીનમાં બદલાઈ જાય છે.
૧૯૮૫માં ‘ગુજરાત બિરાદરી’ના ઉપક્રમે એક સીમા અભ્યાસ સમિતિ બની હતી. પૂર્વ મુખ્ય પ્રધાન બાબુભાઈ જ. પટેલ તેના અધ્યક્ષ હતા અને આ લેખક તે સમિતિનો સંયોજક. એટલે એક આખું વરસ કચ્છ - બનાસકાંઠા - જામનગરની સરહદો પર ભ્રમણ કરવાનું બન્યું. તરેહવારના વિસ્તારો જોયા. એવાં ગામડાં પણ ખરાં કે જે આ વર્ષે વસેલા હોય, બીજાં વર્ષે ત્યાંથી ઊખડી ગયાં હોય! એ વર્ષો ઘૂસણખોરી અને દાણચોરીનાં હતાં. કચ્છ જનારા દરેકને ખબર કે રાતે એજન્ટો ઊંટ પર પાકિસ્તાનની સરહદની અંદર લઈ જાય ને સવારે પાછા આવી જાય! રામ કી બજાર (હવે પાકિસ્તાને તેને ‘રહીમ કી બજાર’ નામ આપેલું છે) અને કચ્છના અંતરિયાળ રસ્તાઓની વચ્ચે ક્યાંય આવનજાવનની (અલબત્ત, ગેરકાયદે) તકલીફ નહીં. ૧૯૬૮માં છાડબેટ સોંપી દેવા સામેના સત્યાગ્રહમાં છેક આસામથી સમાજવાદી નેતા હેમ બરુઆ આવેલા. તેમની સાથેની વાતચીતમાં તેમણે મને કહ્યું હતું કે અસમ જેવી જ પરિસ્થિતિ કચ્છમાં પેદા થઈ શકે છે.
મંત્રણાની લાંબી તવારીખ
આપણા સદ્ભાગ્યે એવી પરિસ્થિતિ પેદા તો ના થઈ, પણ સિરક્રિક જેવા સવાલો, કેફી દ્રવ્યોની દાણચોરી અને હથિયારોની હેરાફેરી તો રહ્યાં જ. મુંબઈ વિસ્ફોટની બોટ અહીંથી જ નીકળી હતી એવું બીજે પણ થતું રહ્યું છે.
પરંતુ સિરક્રિકનો મુદ્દો - જલદીથી ઉકેલાય તેવો, પરદા પાછળનો નિર્ણય અને ઇરાદો હોવાની ખબર મીડિયામાં આવી છે. રશિયામાં મોદી-શરીફે વધુ એક વાર હાથ મેળવ્યાની ચર્ચા તો બે-ત્રણ દિવસ સુધી ટીવી-અખબારો પર છવાયેલી રહી. તેમાં જી. પાર્થસારથી જેવા વિદેશનીતિ-નિષ્ણાતે સિરક્રિકની જિકર પણ કરી.
પાકિસ્તાન તેની ‘દાનત’નો અંદાજ આપશે કે ખેલને પલટાવશે - એ સવાલ સમગ્ર ભારત-પાકિસ્તાન મંત્રણા પૂરતો મર્યાદિત નથી, સિરક્રિકની સાથે ય સંબંધ ધરાવે છે.
છેક ૧૯૮૮માં સમુદ્રની જળ-સીમા આંકણીનો મુદ્દો ભારત-પાકિસ્તાનની મંત્રણામાં આવ્યો ત્યારે ‘સિરક્રિક’ નામથી બાકી લોકો પરિચિત થયા. બે મંત્રણામાં જ પાકિસ્તાને જણાવ્યું કે કચ્છમાં જખૌની નજીક સિરક્રિક તરફનો જળ-વિસ્તાર વિવાદાસ્પદ છે. આ પ્રકારના ભૂ-સમુદ્ર વિસ્તારો વિશે આજ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણયો લેવાયા નથી કે ન તેની મંત્રણા થઈ છે!
પાકિસ્તાનની ચાલબાજી
મેં આ મુદ્દો કચ્છ રાજવી પરિવારના મોભી અને પૂર્વ સાંસદ મ. કુ. હિંમતસિંહજીના ભૂજ સ્થિત નિવાસે જઈને ૨૦૦૩માં ચર્ચ્યો હતો. તેમણે તમામ પુરાવા સાથે દૃઢતાપૂર્વક કહ્યું કે તત્કાલીન કચ્છ રાજ્ય અને સિંધ પ્રાંતની વચ્ચે તેની સમજૂતી છે જ. સિરક્રિક ભારતનું અવિભાજ્ય અંગ છે તેને માટે કોઈ પણ પ્રકારની મંત્રણા થવી જરૂરી નથી.
પણ આપણા દિલ્હી-સ્થિત સરકારી બાબુઓ! તેમને ઇમ્ફાલ કે તીનસુખિયા કે બેરબારીની ખબર નથી હોતી છતાં મંત્રણાઓ કરવા દોડી જાય છે અને સાચા ખોટા નિર્ણયો લે છે. (આ વાત મને વિદ્રોહી નેતા એ. ઝેડ. ફીઝો વિશેની મંત્રણાઓમાં જયપ્રકાશ નારાયણને કેવા ફસાવી દેવાયા હતા તેની રસપ્રદ વાત, ત્યાંના ભારતીય અધિકારી નિષ્ણાતે કરી હતી. એ બિચારાનો ગુનો ત્યાંની કોઈ નાગ-પરિવારની કન્યાને પરણવાનો હતો, એટલે તેની બદલી પણ કરી નાખવામાં આવી હતી!) તેવું જ આ ‘સિરક્રિક’ માટે ય બન્યું! મુદ્દો અને મંત્રણા ચાલુ જ રહ્યાં છે કોઈ પરિણામ વિના!
સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાની મરિન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને અકારણ પકડી લેવાની ઘટનાઓ પણ થતી રહી છે. ૧૯૮૮માં કચ્છમાં ભારતીય સુરક્ષા દળે તેની સમુદ્ર પાંખને વધુ મજબૂત કરી. ૧૯૮૭માં મંત્રણાનો શૂન્યાવકાશ હતો તે ૧૯૯૪માં ફરી શરૂ થઈ. ૧૯૯૪માં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મંત્રણા દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે ઇસ્લામાબાદમાં બેઠક યોજવામાં આવે. ચોથી જાન્યુઆરીએ સચિવ કક્ષાની એ બેઠકમાં ભારતના વિદેશ સચિવ જે. એન. દીક્ષિત ગયા તો ખરા, પણ ખાલી હાથે પાછા વળ્યા. ૨૪ જાન્યુઆરીએ ભારતે નવી દરખાસ્ત રજૂ કરી. જે. એન. દીક્ષિતે દિલ્હીમાં જણાવ્યું કે કચ્છના સિરક્રિક વિસ્તારમાં દરિયાઈ સરહદોની આંકણી કરવાનું એક ‘પોઝિશન પેપર’ પાકિસ્તાનને સુપરત કરવાનો નિર્ણય લેવાયો છે, પણ તેને છ-આઠ સપ્તાહ થશે.
સરહદી ગુજરાતનો પ્રશ્ન
પાંચમી જાન્યુઆરીના સીમા સુરક્ષા દળ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના જનરલ પ્રકાશ સિંહ કચ્છ આવ્યા હતા. તેમણે સાફ સાફ કહ્યું કે આ વિસ્તાર ભારતનો જ છે. ‘પોઝિશન પેપર’માં અમારો અભિપ્રાય માંગવામાં આવશે તો અમે એ જ જણાવીશું.
જાન્યુઆરી, ૧૯૯૪ના અંત ભાગમાં ફરી વાર મંત્રણાઓ થઈ. ભારત તરફથી વિદેશ સચિવ દીક્ષિતે તે દરખાસ્તો પાકિસ્તાની રાજદૂત રિયાઝ ખોખરને હાથોહાથ સોંપી તેમાં પણ બીજા અનેક પ્રશ્નોની જેમ સિરક્રિકનો મુદ્દો પણ હતો. તેમાં મેરીટાઇમ બાઉન્ડરીની સરહદી-આંકણી પછીની નવી દરખાસ્ત હતી. પાકિસ્તાને તેને માટે કોઈ ઉમળકો જ ન દાખવ્યો!
આ મંત્રણાઓ પછી પણ અનેક વાર થઈ. ૨૦૧૫ સુધીમાં આવી ત્રીસેક બેઠકો તો થઈ જ છે. સિરક્રિકનો સવાલ ઉકેલાય નહીં તો યુનોએ તેને ઉકેલ લાવવો પડે તેવો સામુદ્રિક કાયદો હોવાનો એક મુદ્દો પણ વચ્ચે આવ્યો હતો. પછી શું થયું તેની દેશના નાગરિકને કોઈ ખબર નથી.
વધુ સજ્જતા જરૂરી છે
સરહદી ગુજરાતે દેશનાં વડા પ્રધાન આપ્યા છે, અને વડા પ્રધાને ‘કુટનીતિક માનસિક યુદ્ધ’ ખોલીને પાકિસ્તાનના નવાઝ શરીફ સાથે હસ્તધૂનન કર્યું, કેટલાક પારસ્પારિક હિતના મુદ્દા તારવ્યા, સંમતિ સાધી. બાકાત રહ્યું તે કાશ્મીર, એ જ રીતે આપણું ગુજરાતી સિરક્રિક પણ છે.
આગામી દિવસો આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરશે. સિંધમાં તો સામાન્ય પ્રજાની એવી ઇચ્છા ખરી કે ભારત-પાકિસ્તાન વચ્ચેના સવાલો ઉકેલવા જોઈએ. અટલ બિહારી વાજપેયીનો પાકિસ્તાન પ્રવાસ એ દૃષ્ટિએ આશાનાં કિરણ લાવ્યો હતો.
મોદી-શરીફની મુલાકાત વિશે ભાજપના નવા પ્રવક્તા એમ. જે. અકબર વધારે પડતા આશાવાદી હતા એટલે તેમણે ‘નવી રોશની’નું નામકરણ કરી દીધું! ભાજપના એક નેતાએ ખાનગીમાં કહ્યું કે રાજીવ ગાંધીના કહેવાથી કોંગ્રેસના સક્રિય રાજકારણમાં જોડાઈને અકબર લોકસભાની ચૂંટણી લડ્યા હતા. ભાજપમાં તેમનો પ્રવેશ તેમને પોતાને માટે જ એક નવો અનુભવ છે. આગે આગે ગોરખ જાગે! અમિત શાહ તેમને ભાજપના પ્રચાર તંત્રના અધ્યક્ષ બનાવવા ઇચ્છે છે તેવા અહેવાલો પણ અખબારોમાં આવ્યા છે. પણ આ મીડિયા! તેમાં કોણ કોના ક્યાં સુધી મિત્ર રહે છે એનો અંદાજ મેળવવો મુશ્કેલ છે.
રાજીવ શુકલા આજકાલ કોંગ્રેસની મોટી હસ્તી ગણાય છે તે પૂર્વે પત્રકાર હોવાથી ‘મીડિયાના કેટલાક મારી ખિલાફ કામ કરે છે’ તેવું તેમના મનમાં થાય તો નવાઈ નહીં. આવું જ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના વડા તરીકે ગજેન્દ્ર ચૌહાણ લેવાયા તેનું કમઠાણ છે. આપણી અભિનેત્રી પલ્લવી જોશી સહિત ઘણાએ સભ્યપદેથી રાજીનામા આપી દીધાં. અનુપમ ખેર, અમોલ પાલેકર, ઋષિ કપુર વગેરે પણ સવાલ ઊઠાવ્યા છે. શ્યામ બેનેગલ જેવા અગાઉ જે ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ રહી ચૂક્યા હોય ત્યાં બીજી-ત્રીજી કક્ષાની ફિલ્મો-સિરિયલો અને ‘મહાભારત’માં યુધિષ્ઠિર બનેલા ચૌહાણની નિમણૂકના મુદ્દે પ્રશ્નો ઊભા થાય ત્યારે વહેતી ગંગામાં હાથ ધોવા ડાબેરીઓ તો તૈયાર જ હોય! તેમણે વિદ્યાર્થીઓની હડતાળને વધુ આગળ લઈ જવાના ખેલ શરૂ કરી દીધા. શ્યામ બેનેગલ ધીરગંભીર ફિલ્મ નિર્માતા છે. તેમણે કહ્યું કે ગજેન્દ્રને થોડો સમય તો સજ્જતા બતાવવા આપવો જોઈએ.
આવું ચાલે?
આ ઇન્સ્ટિટ્યૂટના વડા તરીકે ગુજરાતી ફિલ્મ અભિનેતા અને હવે સંસદ સભ્ય પરેશ રાવળનું નામ પણ હતું, પણ ખબર નહીં, તેમણે પોતે ના પાડી કે તેમને બાજુ પર રખાયા - કંઈક રંધાયું ખરું! ખરી વાત એ પણ છે કે આવાં મહત્ત્વનાં સ્થાનો પર બદલાવ આવે એ જરૂરી છે, પણ ત્યાં વધારે સજ્જતા ધરાવનારને પસંદ કરી શકાય તેવા ઘણા લોકો હશે.
એવું બનતું નથી અને વિચારધારાના સમર્થકોમાંથી જ બીજી-ત્રીજી કક્ષાની વ્યક્તિને પદ આપી દેવાય તેની સારી અસર ન જ થાય. સેન્સર બોર્ડના ચેરમેન પદે પણ આવું જ બન્યું છે. આવી બાબતોમાં વધુ ઊંડાણપૂર્વક વિચારીને જ પદ આપવાં જોઈએ. નહીંતર મોટા ભાગે યુનિવર્સિટીઓના કુલપતિઓમાં જે હાલત થાય તેવી અન્યત્ર થશે. સાંસ્કૃતિક - શૈક્ષણિક આબોહવામાં આનું ધ્યાન રાખવું જોઈએ.
મને વડા પ્રધાન વાજપેયીનો એક કિસ્સો યાદ આવે છે. તેમના એક વિદેશ પ્રવાસમાં સામેલ થવાની ઇચ્છા સાથે, અગાઉ જનસંઘ સાથે જોડાયેલા એક પત્રકાર તેમની પાસે ગયા ત્યારે અટલજીએ પ્રેમપૂર્વક તેમને કહ્યુંઃ મેરે ભાઈ, અભી કુછ ઓર સાલ સજ્જ હો જાઓ, બાદ મેં દેખેંગે! આવશ્યકતા આવી જાગૃતિ અને સજ્જતાની છે, ખાસ કરીને પક્ષના સંગઠનના સ્તરે. એક વાર આવું થાય તો સરકાર પણ તેમ કરવા પ્રેરિત થશે.