ગુજરાતનું ગણિત એકલી જાતિ પર કામ નથી કરતું

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 15th April 2019 11:07 EDT
 
 

(ચૂંટણી ડાયરી-૪)

ગુજરાતનું ગણિત જરા અટપટું લાગે છે ઘણાને. મધ્યકાળમાં એક વિદેશી મુસાફરે નોંધ્યું હતું કે અહીં ગુજરાતમાં બાળકો ભણવા બેસે ત્યારે ક-ખ-ગ-ઘથી શરૂ નથી કરતા, ‘એકડે એક, બગડે બે...’થી શીખવાનું રાખે છે!’ આનો અર્થ એ ખરો કે મૂળમાં આવડા મોટા દરિયાકિનારાને લીધે દેશ-વિદેશોમાં જવાનું બને, અને ‘વેપાર-વાણિજ્ય’નો અનુભવ થાય! ‘ગણતરી’ કરવી અને ‘ગણતરી’ રાખવી એ ગુજરાતી પ્રજાનું લક્ષણ છે. હમણાં કોઈકે એક રસપ્રદ કિસ્સો કહ્યો કે પારસી-ગુજરાતી રતન તાતા મોટા ઉદ્યોગપતિ ખરા, પણ રહે છે ભાડાનાં ઘરમાં! (જોકે તે પૂરતી સુખસુવિધાવાળું હશે પણ પોતાનાં મકાનથી થનારું રોકાણ અને ભાડે રહેવાની સવલત – બન્નેનો વિચાર તેમણે કર્યો હશે.)

૨૦૧૯ની ચૂંટણીમાં ‘ગણતરીબાજ ગુજરાત’ કેવો અંદાજ આપશે? અત્યાર સુધી નાના-મોટાં છમકલાં તો ઘણાં થયાં અને અમારા પોલિટીકલ પંડિતો તેના આધારે ભવિષ્ય લખે છે ખરા, પણ આ ઘટનાઓ આંશિક પ્રભાવી હોય છે. છેલ્લા કેટલાક સમયની આવી અફરાતફરી જુઓ.

જસદણના કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં પહોંચ્યા, પ્રધાન બન્યા અને કોળી પટેલોના ‘ખેમા’ને સાબદો કરવા પ્રવાસ કરી રહ્યા છે. કુંવરજીના પગલે બીજો વિસ્ફોટ જવાહર ચાવડાનો થયો. માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય, પિતા પેથલજીભાઈ આયર જ્ઞાતિના અડીખમ આગેવાન. જૂનાગઢમાં મોટું શિક્ષણ સંસ્થાન આયર સમાજને માટે મોટી બાબત રહી છે. જવાહર ચાવડાના સ્થળાંતર પછી ત્રીજો કિસ્સો સાવ તાજો છે.

પહેલાં ઠાકોર સેનાના નેતા તરીકે સમાજમાંથી દારૂની કુટેવ છોડાવવાની સામાજિક પ્રવૃત્તિમાં અસરકારક કામ કર્યું. પછી રાજકારણમાં. રાહુલ ગાંધીએ પીઠ થાબડી એટલે કોંગ્રેસમાં દાખલ થઈને ધારાસભ્ય બન્યા. આ દેખીતું ‘બાર્ગેનિંગ’ હતું. કોંગ્રેસમાં ઠાકોરોને વધુ હોદ્દા મળે તેનું. તે પણ અલ્પેશ-તરફી હોય તે સ્વાભિવક હતું. પણ કોંગ્રેસ જ નહીં, કોઈ પણ પક્ષ કંઈ મૌસમી ધંધાર્થી નથી હોતો કે ઉનાળો આવે ત્યારે શેરડીનો રસ ધંધો કરે કે દીવાળી આવતાં ફટાકડાની દુકાન ખોલે. પક્ષના ગઢમાં નવાજૂના કાર્યકર્તા કાંગરા બને છે અને દરવાજા તેની વ્યૂહરચના! ક્યારે - કેટલા - કેવા - કોના માટે ખૂલે ને બંધ થાય તેની યે વ્યૂહરચના હોય છે. અલ્પેશને ‘ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે’ એવું મીડિયામાં આવ્યું કે ભાઈ આકાશે ઊડવા લાગ્યા. ગુજરાત કોંગ્રેસમાં હવે પોતે ધારે તે થશે એવી માન્યતાનો જલદીથી ‘ઢકોસલો’ થઈ ગયો. રાહુલને ફોન કર્યો તો ત્યાં યે એવો જ જવાબ મળ્યોઃ અભી ચુનાવ હૈ, આપ ગુજરાતમેં જ્યાદા સીટ મિલે ઐસે કામ કો પ્રાથમિકતા દીજીયે!

પરપોટાનાં પરાક્રમો

પત્યું. અલ્પેશ વત્તા બે-ત્રણ ઠાકોર ધારાસભ્યોએ પક્ષમાંથી તો રાજીનામાં આપ્યાં પણ ધારાસભ્ય તરીકે ચાલુ રહ્યા. ‘અમે ભાજપ-કોંગ્રેસ બન્નેનો વિરોધ કરીશું.’ આ તર્ક, હમણાં બહાર પડેલા એક કાવ્યસંગ્રહના શીર્ષક જેવો છેઃ ‘આલ્લેલ્લે!’ કોંગ્રેસ એવું કંઈ કરવા દે તેટલી મુરખ સંસ્થા નથી.

ભાજપ આ મનોરંજનને દૂર બેસીને નિહાળી રહ્યો છે પણ નિષ્ક્રીય નથી. તેનેય ઠાકોર સમાજના મત તો જોઈએ જ છેને? દરમિયાન મોટે ઉપાડે કોંગ્રેસમાં જઈને ‘બાવાના બેઉ બગડ્યાં’નો ઘાટ હાર્દિકને માટે રહ્યો છે. આ ત્રણ ‘યુવક’ નેતાઓ ક્ષણિક પરપોટા જેવા આંદોલનોના મોજાં પર સવાર થઈને આવ્યા હતા, કેટલાક ને એવું યે લાગ્યું કે અરે, આ તો ગુજરાતનું નવું - પરિવર્તનશીલ – નેતૃત્વ છે! પણ ૧૯૫૬ અને ૧૯૭૪નાં બે જનાંદોલનોના નેતાઓનું શું થયું? ‘કોઈ યહાં ગિરા, કોઈ વહાં ગિરા!’ આજે રાજકારણમાં તેમાંના એકાદ – નરહરિ અમીન – જેવા સિવાય કોઈનાં નામ દેખાય છે ખરાં? હોય તોયે સાદાં-સીધાં પાટિયામાં ચીતરાયેલા હશે!

‘આપ’ આંદોલનની યે એ જ હાલત થઈ. હાર્દિકભાઈ કોંગ્રેસમાં ગયા, ભાજપમાં આવેલી રેશમા પટેલે પક્ષથી છેડો ફાડીને એનસીપી પક્ષ પસંદ કર્યો, પોરબંદર – માણાવદરની ચૂંટણીમાં ઉમેદવાર છે (તેનું એક કારણ રેશમાનો જન્મ વાડાસડા નામના આ વિસ્તારના એક ગામડાંમાં થયો તે પણ છે.)

માણાવદરના ખેતરમાં ભેગા થયેલા ખેડૂતોની સભામાં ૧૯૭૪માં કોંગ્રેસ-નેતા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ડો. વલ્લભભાઈ પટેલે નવો પક્ષ સ્થાપ્યો તે કિમલોપ. તેના મુખ્ય નેતા ચીમનભાઈ પટેલ હતા. થોડી બેઠકો ૧૯૭૫ની ધારાસભાની ચૂંટણીમાં જીત્યા તો ખરા પણ ચીમનભાઈનું લક્ષ્ય મુખ્ય પ્રધાન બનવાનું હતું. તેને માટે તે વી. પી. સિંહના જનતા દળની સાથે બેઠા, કોંગ્રેસને ટેકો આપ્યો, ફરી પાછા કોંગ્રેસમાં ગયા, કિમલોપનું વિસર્જન કર્યું અને ફરી વાર મુખ્ય પ્રધાન પણ બન્યા!

...અને હાર્દિક?

પરંતુ હાર્દિક આવી કોઈ ઇચ્છા રાખતો હોય તો તેણે પાછલા આંદોલનોના સફળ અને નિષ્ફળ ‘નેતા’ઓની રાજકીય કારકિર્દી જોઈ લેવી જોઈએ. જિજ્ઞેશ મેવાણી ઉના-ઘટનાથી પ્રકાશમાં આવ્યો તેણે તો ગુજરાતની વાત બાજુ પર રાખીને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ‘ટૂકડે ટૂકડે ગેંગ’ના નાયક કન્હૈયાને જીતાડવા માટેની કોશિશ કરવા પહોંચી ગયો છે. કન્હૈયા સીપીએમનો ઉમેદવાર છે.

આમ તો એકલું જ્ઞાતિ ગણિત હવે ચૂંટણીમાં કામ આવતું નથી. ગુજરાતમાં પણ પટેલ, ક્ષત્રિય, ઓબીસી, દલિત, આદિવાસી વગેરે ‘વોટ બેન્ક’ની ટકાવારી જરૂર થાય છે અને એવું પણ લાગે કે નાત-જાતના આધારે ઉમેદવારો પસંદ કરાયા છે. મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠામાં હારજીત માટે એવા દાવ અજમાવવામાં આવ્યા છે. અમરેલી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, છોટાઉદેપુરની બેઠકો તરફ નજર દોડાવવામાં આવી છે. આમાં સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, ભરૂચ, રાજકોટ અને સુરતમાં કોંગ્રેસને પોતાના જ પક્ષના અસંતુષ્ટોની મુશ્કેલી છે.

રાજકોટ મુખ્ય પ્રધાનનો વિસ્તાર છે મોહનભાઈ કુંડારિયા ફરી ભાજપ-ઉમેદવાર તરીકે ઊભા છે. જિલ્લાની સાતમાંથી પાંચ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે. જામનગરમાં ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમ છે, કોંગ્રેસે મૂળુ કુંડારિયાને ઉતાર્યાં. બન્ને આહિર ઉમેદવારો છે. જૂનાગઢની ખબર એવી છે કે રેશમા પટેલ માણાવદર-પોરબંદરમાં કોંગ્રેસને નડે એટલા મતો લઈ જશે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય પ્રમુખને મેદાનમાં ઉતારીને ભાજપે અટલજી-અડવાણીની પરંપરામાં અમિત શાહને સામેલ કરી દીધા તે વ્યૂહરચનાનો એક ભાગ છે. કોંગ્રેસના સી. કે. ચાવડા આગેવાન ખરા પણ, અમિત શાહ સામે ટકી શકે તેવા નહીં. કોંગ્રેસનો વ્યૂહ શંકરસિંહ વાઘેલાને લાવવાનો હતો પણ બાપુ પીંજરામાં ફસાયા નહીં. તે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં છે. આ પક્ષ ગુજરાતમાં એક વિચિત્ર તિકડમ છે.

અગાઉ શરદ પવારે આવીને સનત મહેતાને પક્ષનું સુકાન લેવા સમજાવ્યા હતા. પણ બીજા એક સમાજવાદી નેતા - અને પૂર્વ મુખ્ય પ્રધાન - છબીલદાસ મહેતા હાજર થઈ ગયા! હવે શંકરસિંહ વાઘેલા નેતા તો છે પણ ઉમેદવાર પસંદગી અને બીજાં બધામાં બીજા લોકોનો હાથ ઊંચો રહે છે તેવી ગુસપુસ ચાલે છે. બાપુને માટે એનસીપી ગાજરની પીપુડીથી અધિક કંઈ ન હોય તે સમજી શકાય તેવી વાત છે.


comments powered by Disqus