ગુજરાતનું રાજકીય ચિત્ર સમજવા માટે આટલું તો જાણીએ જ!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Saturday 19th May 2018 07:40 EDT
 
 

આપણા ગુજરાતના અત્યારના નેતાઓ વિશે તો અમારી પેઢી જાણે છે પણ તે પહેલાં - પુરોગામી નેતાઓ – કેવા હતા? તેમની રાજકીય કારકીર્દીમાં વિશેષતા શી હતી? શું અત્યારના નેતાઓ તેવી પરંપરાને અનુસરી રહ્યા છે ખરા?

આ સવાલ પત્રકારત્વ સાથે જોડાયેલા, રાજ્યશાસ્ત્રના એક વિદ્યાર્થીનો હતો. મંચ હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ઉંછરંગરાય નવલશંકર ઢેબર (ઢેબરભાઈ નામે જાણીતા) રાજકોટવાસી હતા. તેમના વિશે વાતચીત દરમિયાન આ પ્રશ્ન આવ્યો.

સવાલ સાચો છે

તેની વાત સાચી છે. લોકશાહીમાં નેતા અને કાર્યકર્તા - બન્નેની એક પરંપરા હોય છે. એવું નથી કે પહેલાંના નેતાઓ ઉત્તમ હતા અને અત્યારના નથી. પણ ખૂબી-ખામીનો અભ્યાસ કરવા માટે પ્રજા સમક્ષ તેવું રાજકીય સાહિત્ય પણ જોઈએ. ઢેબરભાઈ, ડો. જીવરાજ મહેતા, દરબાર ગોપાળદાસ દેસાઈ, રતુભાઈ અદાણી, મોરારજીભાઈ, બાબુભાઈ જ. પટેલ, જામસાહેબ, ઇશ્વરલાલ દેસાઈ, હરીસિંહજી ગોહિલ, પુષ્પાબહેન મહેતા, રસિકલાલ પરીખ, હિતેન્દ્ર દેસાઈ, મંજુલાબેન દેસાઈ, ભાઈકાકા, બ્રહ્મકુમાર ભટ્ટ, સનત મહેતા, જયંતી દલાલ, બળવંતરાય મહેતા વગેરે વિશે જીવનચરિત્ર, સંસ્મરણો અને સ્મરણિકાઓમાંથી છૂટીછવાઈ માહિતી મળે છે.

મણિબહેન પટેલ વિશે પણ એ રીતે લખાયું છે અને ભક્તિબા દેસાઈની પણ માહિતી મળે છે. રાજમોહન ગાંધીએ દરબાર ગોપાળદાસ વિશે અંગ્રેજીમાં લખેલું જીવનચરિત્ર કોઈ ગુજરાતી રાજનેતા વિશે લખાયેલું પ્રામાણિક માહિતી પૂરી પાડતું એકમાત્ર પુસ્તક છે. મોરારજીભાઈની આત્મકથાનો પણ ઉલ્લેખ કરવો પડે. એ જ રીતે ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા પણ મહત્ત્વની છે.

પરંતુ ગુજરાતની આટલી યુનિવર્સિટીઓ, આટલી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓએ એક સળંગસૂત્રમાં ગુજરાતના રાજકીય નેતાઓના જીવન, કાર્ય અને સંઘર્ષો વિશે અભ્યાસ કરીને તેનું પ્રકાશન કરવું જોઈએ જેથી ગુજરાતની નવી પેઢીની ઉત્સુકતાને સંતોષ થાય અને રાજકીય ઇતિહાસ પ્રાપ્ત થાય.

ખૂબી અને ખાસિયત

પૂર્વ નેતાઓની પોતાની ખાસિયતો હતી અને પ્રવૃત્તિ હતી. તેઓ આઝાદી પૂર્વેના સમયથી સક્રિય હતા અને આઝાદી પછી પણ જાહેરજીવનથી જોડાયેલા હતા. તેના બે ભાગ સ્પષ્ટ દેખાયા. એક મોટો વર્ગ કોંગ્રેસમાં રહ્યો અને સત્તા મેળવી. બીજો વર્ગ કોંગ્રેસના જ વિદ્રોહીઓ તેમજ હિન્દુસભા, રામ રાજ્ય પરિષદ, સમાજવાદી પક્ષ, સામ્યવાદનો હતો તે વિરોધ પક્ષે રહ્યા.

સમય જતાં તેમાંના ઘણા ખરા સમાજવાદીઓ (અને સામ્યવાદીઓ પણ!) કોંગ્રેસમાં જોડાઈ ગયા. એવાં મોટાં નામોમાં સનત મહેતા, જશવંત મહેતા, હરુભાઈ મહેતા, કૃષ્ણકાંત વખારિયા, વગેરે હતા. બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા શામળદાસ ગાંધીએ જૂનાગઢ-મુક્તિ માટે આરઝી હકુમતની રચના કરી પણ પછી કોંગ્રેસવિરોધી બન્યા અને ચૂંટણી લડીને હાર્યા.

શામળદાસના એક સાથી ‘જન્મભૂમિ’ (અને પહેલાં રાણપુરનું ‘સૌરાષ્ટ્ર’)ના અમૃતલાલ શેઠ રાજ્યમંડળ પરિષદના નેતા હતા. સરદાર વલ્લભભાઈને તેમણે સંભળાવી દીધું હતું કે અમે તમને અમારા નેતા ગણતા નથી. અમૃતલાલ વધુ સમય ગુજરાતમાં રહ્યા હોત તો મોટા રાજકીય નેતા બન્યા હોત. એવા જ બીજા વામનરાવ મુકાદમ હતા, પંચમહાલમાં કામ કરતા. ગુજરાતની પ્રથમ રાજકીય પરિષદ ગોધરામાં મળી અને તેમાંથી કોંગ્રેસે આકાર લીધો, તેનાં આયોજનમાં વામનરાવ હતા. પ્રખર અભ્યાસી પણ ખરા. ગુજરાતમાં છત્રપતિ શિવાજી મહારાજનું પ્રથમ જીવનચરિત તેમણે આપ્યું હતું.

ત્રીજા ઇન્દુલાલ તોફાની વાવાઝોડું બનીને ૧૯૫૬માં મહાગુજરાત આંદોલનમાં કૂદી પડ્યા તે સ્વતંત્રતા પૂર્વે ગાંધી-સરદારની સાથે અને સામે રહ્યા. કિસાન પરિષદ ઊભી કરી, છપ્પનથી ૧૯૬૦ સુધી ગુજરાત રાજ્ય રચના માટે જવાહરલાલ – મોરારજીભાઈને સખત લડત આપી. છેલ્લા દિવસોમાં ઇન્દિરાજીની સાથે રહ્યા અને કોંગ્રેસને સ્વીકારી લીધી.

ગુજરાતમાં રાજનીતિક આરોહણ કરનારા બીજા મહારાષ્ટ્રીયન દાદાસાહેબ માવળંકર હતા. સ્વાધીન ભારતમાં તેઓ પ્રથમ અધ્યક્ષ બન્યા અને તેમના પુત્ર પુરુષોત્તમ ગણેશ માવળંકર ૧૯૭૪માં કોંગ્રેસ–વિરોધી ઉમેદવાર તરીકે ઊભા રહ્યા અને લોકસભામાં ચૂંટાયા હતા.

સરદાર વલ્લભભાઈનાં બે સંતાનો ડાહ્યાભાઈ અને મણિબહેન – લાંબા સમય સુધી કોંગ્રેસની ખિલાફ રહ્યા. ડાહ્યાભાઈ સ્વતંત્ર પક્ષના નેતા હતા અને મણિબહેને ૧૯૭૫માં કટોકટી - સેન્સરશિપની સામે અમદાવાદમાં સત્યાગ્રહ કર્યો હતો.

મુખ્ય પ્રધાનોની વિશેષતા

ગુજરાતના મુખ્ય પ્રધાનોમાં પણ દેખીતી બે છાવણી રહી. એક કોંગ્રેસને વળગી રહી. પ્રથમ મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાની ખિલાફ તો પક્ષની અંદર માછલાં ધોવાયાં હતાં. ‘દસ વર્ષના નિયમ’ની ખિલાફ તેમણે રાજીનામું આપ્યું. તેમની સાથે રતુભાઈ અદાણી - રસિકલાલ પરીખ હતા. આમાંના રતુભાઈએ તો કોંગ્રેસથી અલગ થઈને રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થાપી હતી, જેમાં પૂર્વ સંસ્થા કોંગ્રેસી દિનેશ શાહ પણ હતા. એ પક્ષ લાંબા સમય સુધી ચાલ્યો નહીં. હિતેન્દ્ર દેસાઈ, બળવંતરાય મહેતા, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી કોંગ્રેસી રહ્યા પણ છબીલદાસ પૂર્વે સમાજવાદી ગોત્રમાં હતા. ચીમનભાઈ પટેલ મૂળ કોંગ્રેસમાં, પછી કિમલોપની સ્થાપના, પછી વી. પી. સિંહના જનતા દળ અને જનતા દળ (ગુજરાત)માં, પરંતુ છેવટે કોંગ્રેસમાં વળી પાછા જોડાયા અને બીજી વાર મુખ્ય પ્રધાન બન્યા હતા.

મુખ્ય પ્રધાન બનનારી બીજી છાવણી સંસ્થા કોંગ્રેસ (પછી જનતા પક્ષ) અને ભાજપની ગણાય. આમાં બાબુભાઈ જ. પટેલ સંસ્થા કોંગ્રેસ વત્તા જનતા પક્ષના નેતા રહ્યા. કેશુભાઈ પટેલ, આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી, ભાજપના નેતા તરીકે મુખ્ય પ્રધાન બન્યા અને નરેન્દ્ર મોદી તો વડા પ્રધાન પદે પહોંચ્યા. પરંતુ સુરેશ મહેતા ભાજપમાં હતા ત્યારે મુખ્ય પ્રધાન બન્યા હતા, હવે તેના કડક ટીકાકાર છે. શંકરસિંહ વાઘેલા જનસંઘ – ભાજપના રસ્તેથી રાજપા નામે નવા પક્ષના સૂત્રધાર હતા ત્યારે મુખ્ય પ્રધાન બન્યા હતા. પરંતુ પછી કોંગ્રેસમાં જોડાયા અને હવે તેમાંથી પણ અલગ થયા છે. દિલીપ પરીખ રાજપામાં હતા ત્યારે અકસ્માતે મુખ્ય પ્રધાન બન્યા, હવે ક્યાંય કોઈ રાજકીય મંચ પર દેખાતા નથી.

વિરોધ પક્ષના લડવૈયા

વિપક્ષના ધૂરંધરોનું સ્મરણ ગુજરાતના રાજકીય ઇતિહાસનું અલગ પ્રકરણ બની રહે તેવું છે. ઇન્દુચાચા, ભાઈકાકા, એચ. એમ. પટેલ, પીલુ મોદી, ચીમનભાઈ શુકલ, વસંતરાવ ગજેન્દ્ર ગડકર, હરીસિંહજી ગોહિલ, મકરંદ દેસાઈ, અરવિંદ મણિયાર, સૂર્યકાંત આચાર્ય, હેમાબહેન આચાર્ય, મીઠાભાઈ પરસાણા, નીરુબહેન પટેલ, સુબોધ મહેતા, વજુભાઈ શુકલ, ધ્રોળ ઠાકોર ચન્દ્રસિંહજી, ભાડવા દરબાર, બાબુભાઈ શાહ, બાબુભાઈ વૈદ્ય, નારણદાસ પાઉં, અમુલ દેસાઈ (પછીથી કોંગ્રેસી બન્યા અને થોડા સમય પછી પાછા વળ્યા), ઇશ્વરલાલ દેસાઈ, કનુ ઠક્કર, જયંતી દલાલ, કચ્છના મહારાવ.... આ અને આવાં સો એક નામોએ ગુજરાતમાં વિપક્ષનો મહિમા વધાર્યો હતો.

ગુજરાતની રાજકીય શૈલીમાં અનેક ઉતાર-ચઢાવ આવતા રહ્યા. તે પોતે જ સંસદીય લોકશાહીની તડકી-છાંયડીનો અંદાજ આપે છે. નવા રાજકીય નેતાઓની પંક્તિ ૧૯૭૦ પછી ઉદિત થઈ છે. ૧૯૯૦ પછી તેમાંયે ફેરફારો થયા અને એકવીસમી સદીનાં ગુજરાતી નેતાઓ? તેના વિશે ઉપરોક્ત રાજકીય ચિત્રની સરખામણી કરવાની જરૂર નથી. દેખીતી રીતે હાલના ગુજરાતી રાજકારણની પાસે પણ થોડાક (ભલે થોડાક) એવા નેતાઓ તો છે જ, જે ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં છે, તેની ચર્ચા વળી ક્યારેક કરીશું.


comments powered by Disqus