નરસિંહ મહેતાનું મૂલ્યાંકન કરવું હોય તો તેના ચમત્કારો, તેમની અસીમ ભક્તિ, તેનું ભક્તિ-વલોવણ... આ બધું બાજુ પર રાખીને ‘સામાન્ય નરસિંહ’ સુધી જવું પડે. એ તદ્દન મુશ્કેલ એટલા માટે છે કે નરસિંહનું ‘સામાન્ય’ હોવું અને ‘અસામાન્ય’ બનવું, તે અલગ-અલગ બાબતો નથી. એ એક પ્રક્રિયા હશે તેનો કદાચ, અભ્યાસ કરી શકાય. પણ સામાન્ય-અસામાન્યને મૂલવી શકાય તેવું ‘દ્વૈત’ નથી, ‘અ-દ્વૈત’ છે તેનું.
શું નરસિંહ મહેતા ‘નાગર-રત્ન’ હતા? ના. એ કોઈ પણ નાતમાં જનમ્યા હોત, તેનું નાગરત્વ એવું જ હોત. જાતિ-વિશેષ નરસિંહ એ સર્જન-સાતત્યથી વિખૂટા પડવાની ભૂલ ગણાશે. સોરઠના સંતોની સૂચિ તપાસીએ એટલે સ્વાભાવિક સત્ય પ્રાપ્ત થાય છે કે જન્મ સાથે જોડાયેલી નાત-જાતથી ઉપર ઉઠેલા આત્માઓ હતા, પછી તે બ્રાહ્મણ, રાજપૂત, ચમાર કે નાગર હોય.
નરસિંહનાં ‘વૈષ્ણવજન’ને વિશ્વ નાગરિક (ગ્લોબલ સિટીઝન) માનવો એ મુગ્ધતા છે. વૈષ્ણવજન પાંચ કડીમાં છે. તેમાં તેની વ્યાખ્યા આપી છે કે તે બીજાની પીડાને આત્મસાત કરે છે, ઉપકાર કરે છે, અભિમાન રાખતો નથી, બધાંની વંદના કરીને નિંદા કરતો નથી, ‘વાચ-કાછ’થી મનને નિશ્ચલ રાખે છે, દૃષ્ટિમાં તે સમાન જુએ છે, તૃષ્ણા તો રાખતો જ નથી, દરેક પરસ્ત્રી તેને માટે માતા સમાન છે, જીભથી અસત્ય કહેતો નથી, બીજાનું નાણું અનુચિત રીતે ઝૂંટવતો નથી, મોહ કે માયા તો છે જ નહીં, વિરાગી છે તે. બસ, રામ-નામ લે છે અને તેના દેહમાં જ તમામ ‘તીરથ’ વસેલાં છે. તે લોભિયો નથી, કપટ કરતો નથી, કામ અને ક્રોધનું વિગલન કર્યું છે... તેનાં દર્શનથી તમારાં એકોતેર કૂળ તરી જશે!
ગાંધીજીએ પોતાની પ્રાર્થનાવલિમાં અને પ્રાર્થના સભામાં આ ભજનને મહત્ત્વ આપ્યું એટલે તે વિશ્વખ્યાત બન્યું. એક અમેરિકન સંશોધક તેનાં અંગ્રેજી અનુવાદની સાથે કેટલાક શબ્દો સમજવા આવ્યો તેની સાથેની વાતચીતનું સ્મરણ થાય છે. તેના પ્રશ્નો હતાઃ શું સમગ્ર જગતની આટલી ભીડમાં મૂંઝાતા-કુંઠિત થતા તમામની પીડા આત્મસાત્ થઈ શકે? શું બધે જ બધે ઉપકાર કરવો આ યુગમાં શક્ય છે? અભિમાન – સ્વાભિમાન તો મનુષ્યને જીવાડે છે તે સા-વ છોડી દેવું જોઈએ? નિંદા અને ટીકા વિનાનું વ્યવહાર-જગત હોય ખરું? શું દુષિતની આલોચના અને તેની સામેનો સંઘર્ષ બિનજરૂરી છે? જો એમ હોય તો સર્વત્ર માલિકો જ રહે, સામ્રાજ્યવાદ દ્વારા શોષણ થતું રહે, ગુલામી કાયમ રહે. એવું ના બને? તમારી ગીતામાં શ્રીકૃષ્ણ સ્વયં કુરુક્ષેત્રમાં સંહાર માટે સારથિ બન્યા હતા. તો પછી કૃષ્ણ સાથે - વિષ્ણુ સાથે જોડાયેલો ‘વૈષ્ણવજન’ તેવા કસોટીના સમયે શું કરશે? ‘વાચ-કાછ’નો અર્થ ‘વાણી અને કાછડી’ થાય, તે ‘નિશ્ચલ’ રહે ખરાં? સ્ત્રી-પુરુષ જાતીયતા જો તદ્દન સ્વાભાવિક અને સહજ હોય તો બ્રહ્મચર્ય (અહીં તેમણે ગાંધીજીનાં પ્રયોજન વિશે પણ પ્રશ્નો કર્યા.)નો અત્યાગ્રહ યોગ્ય કહેવાય કે તેનું દમન કર્યું કહેવાય? હિન્દુ સમાજમાં તો વાત્સાયનનું ‘કામશાસ્ત્ર’ અને કાલિદાસ સહિતનું સાહિત્ય રચાયું છે તેમાં શૃંગારની સહજતા આલેખિત થઈ છે, ‘વૈષ્ણવજન’ તેને પ્રતિબંધિત ગણશે? આધુનિક બજારવાદ, વિજ્ઞાન અને ટેક્નોલોજીની સાથે જોડાયેલા એકવીસમી સદીનો આ નાગરિક ‘વૈષ્ણવજન’ના ગુણોનો આદર તો કરતો હતો પણ તેને મનુષ્ય સમાજનો ‘આદર્શ’ માનવાની સાથે જ અવ્યવહારુ ગણાવતો હતો, અશક્ય અને નિરર્થક પણ માનતો હતો! તેણે કહ્યું કે માનવની સામાજિકતા સાથે મોહ એટલા માટે જોડાયેલો છે કે તેમાં આશા અને ઉત્કંઠાનો નિવાસ છે. માણસ જો આશા જ ન રાખે તો તેનો વિકાસ કઈ રીતે થાય?
‘વૈરાગ્ય’નો સીધો-સાદો અર્થ છે, સ્વાભાવિક વ્યવહાર, વૃત્તિ અને વિશેષતાઓથી દૂર રહેવું. સંતોને માટે તેવું સ્થિતપ્રજ્ઞપણું શક્ય છે, પણ સામાન્યજનને માટે? તેણે ‘કામ’ને ‘મારી નાખ્યો હોવો જોઈએ’ આવું આ ભજનમાં છે. ખરેખર આવું બની શકે? જો તેનો જવાબ ‘ના’માં આવતો હોય તો આ ભજનને ‘વૈશ્વિક નાગરિક’ની વિશેષતા સાથે જોડવાનો અતિરેક ન કરીએ. નરસિંહથી ગાંધીજી - અને તેની વચ્ચેના અનેક સંતો - ભજનિકો - સદગૃહસ્થો આવો આદર્શ જીવ્યા હતા તેની માનવંદના જરૂર કરીએ પણ આવી કોઈ ‘આચારસંહિતા’ વિશ્વ પર થોપી શકાય નહીં.
દરેક સંત સાથે કેટલાક ચમત્કારો આપોઆપ જોડાયેલા રહે છે. ભક્તિ અને શ્રદ્ધાની સરિતાના બે કિનારાની વચ્ચે આ પ્રસંગોની નૌકા વહે છે. સમાજ-વિચારક વિમલાજી (ઠકાર)ની સાથે મારો આ વિશે અનેકવાર વાર્તાલાપ થયો હતો. નિમિત્ત હતું તેમની જીવનકથાનાં આલેખનનું. વિમલાજીના જીવનમાં અનેક પ્રસંગો એવા રચાયા, જેને ‘અહો બત્, કિમાશ્ચર્યમ્!’થી વ્યક્ત કરી શકાય. ત્યાં તર્ક અને બૌદ્ધિકતાનો વિરામ આવી જતો હતો. કડકડતી ટાઢમાં, યજમાને પોતાને ત્યાંથી વિદાય કરતાં, સ્ટેશનની બેન્ચ પર લગભગ મૃત્યુના દરવાજે પહોંચેલા વિમલાજીની સમક્ષ કોઈ એક વ્યક્તિનું રહસ્યમય રીતે પ્રકટ થવું અને ‘જીવતદાન’ પ્રાપ્ત થવું, તે જ વ્યક્તિની ઓળખ પછી ભારતમાં પંડિત કવિરાજ સાથે થવી, આબુમાં કોઈના મંત્રપ્રયોગોથી વિષાક્ત દેહની પીડા ભોગવતી સમયે કોઈ સાધુપુરુષનું ‘ઠાકુરે’ મોકલ્યા હોવાનું જણાવીને જબાકુસુમ અર્પિત કરવાં, વિમલાજીનું સાજા થવું, માધવપુરના સમુદ્રે બાલકૃષ્ણનો સાક્ષાત્કાર થવો... આ અને આવી બીજી ઘટનાઓનું ભાષ્ય અને વિશ્લેષણ થઈ શકે તેવાં નહોતાં.
‘જીવનસાધકની વિમલયાત્રા’ ગ્રંથમાં આ વિષે કોઈ એક પ્રકરણ લેવું કે કેમ તેની દ્વિધા હતી તેમાંથી આ સવાલો સરજાયા હતા. તાઈએ કહ્યું કે જો વાચકના ચિત્તમાં અનર્થકારી શ્રદ્ધાનો ભાવ પ્રકટે તો આ પ્રસંગો લેવા જોઈએ નહીં. ‘મને તે ચમત્કાર લાગ્યા નહોતા, જીવનનાં સહજ કર્મ સ્વરૂપે તેને અનુભવ્યાં હતાં.’ આવી વાત તેમણે કહી હતી. (આ પ્રસંગો જીવનકથામાં લીધા છે.) અહીં નરસિંહ વિશે પણ ચમત્કારોને માત્ર તેનાં ‘પરમ વ્યક્તિત્વ’ના આનુષંગિક પ્રસંગો તરીકે જ નિહાળવા જોઈએ. હા, એક વાત નક્કી કે પછીથી ભટ્ટ પ્રેમાનંદે જે રીતે - આક્રમણ અને ભયના વાવાઝોડાં ઝીલતા સમાજની વચ્ચે જઈને - સામાન્ય ભાષામાં નરસિંહ અને તેમના ચમત્કારોને વર્ણવ્યા તેનાથી હતાશ – નિરાશ – થાકેલી પ્રજામાં અસ્મિતાભાવ પેદા થયો, મનોબળ મજબૂત થયું એ નોંધવા જેવી ઐતિહાસિકતા છે. એટલે નરસિંહ – જીવનની ઘટમાળ – રાસ મહારાસ, શિવ-સાક્ષાત્કાર, કુંવરબાઈનું મામેરું, હૂંડી સ્વીકાર, અબુધમાંથી વાણીવરદાન મળ્યાનો પ્રસંગ, સદેહે વૈકુંઠગમન, ઋણમુક્તિ વગેરેને ‘ચમત્કાર’ તરીકે નહીં, પણ વૈશ્વિક બ્રહ્મસત્તા (કોસ્મિક)ની સ્વાભાવિક લીલા ગણવાં જોઈએ.
નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજનભક્તિ માટે જતા એ ઘટનાને - તેના દસ્તાવેજી પુરાવા પ્રમાણમાં બહુ મોડા આવ્યા છતાં - આપણે વ્યાપક રીતે સ્વીકારી છે તે એક નોંધપાત્ર ઘટના છે. નરસિંહના પોતાના અને તેમના વિશેના જીવનની પ્રારંભિક રચનામાં ક્યાંય હરિજન, દલિત, અસ્પૃશ્ય એવા શબ્દોનો નિર્દેશ નથી તેની વિગતે વાત એક મહાનિબંધ (‘નરસિંહ – ચરિત્ર–વિમર્શ,’ ડો. દર્શના ધોળકિયા)માં આપવામાં આવી છે. આવા નિર્દેશ ન હોવાનું મુખ્ય કારણ ભારતીય સંસ્કૃતિમાં ‘જીવ અને શિવ’ વિશેની અધ્યાત્મયાત્રામાં તમામ વર્ગો - વર્ણો - વ્યક્તિઓ સમાન હતા તે છે. મેકરણ દાદાએ તો તેમના પ્રિય સ્વજનો જેવા પશુપ્રાણીને ય સાથે જ રાખ્યાં હતાં ને? કાળે કરીને જે ભેદ-વિભેદ રચાયો તેનો બીજો છેડો, સદભાવક સંત સમાજનો છે. એવો એકાદ સંત પણ જાણ્યો નથી, જેણે ભેદ દર્શાવ્યો હોય. નરસિંહ મહેતા પણ તેવા સ્વનામધન્ય સંતકવિ છે.
ગુજરાતી ભાષાના ગૌરવ-ગોખનું દર્શન મહેતાજી પણ કરાવે છે. અસીમ ભક્તિ તો તેમનો પ્રાણ છે પણ તેની અભિવ્યક્તિમાં ગુજરાતી ભાષા-ગરિમા છલકાય છે તેવી અજર અમર પંક્તિઓ કેટલી વિપુલ માત્રામાં છે?
‘પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર
સમદૃષ્ટિને સર્વ સમાન.’
•
એવા રે અમો એવા રે એવા
વળી તમે કહો છો તેવા રે!
•
પ્રેમના તંતમાં સંત ઝાલે
•
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
•
સબળ શ્યામા હરિ દે ભમરડી!
•
બાવળ કેરાં ફૂલ અતિ સુંદર
પણ શીશ ન ધરે કોયે રે
•
કીધો મલ્હાર તે સાંભળ્યો શામળે
થયો ઘનઘોર ને ધનુષ તાણ્યું
વાય છે વાવડો વીજ ચમકા કરે
ગાજિયો ગગન તે જગતે જાણ્યું
•
છેલ ચંચળ! અહંકાર નવ કિજિયે
જાય અહંકાર તે જોત જોતાં,
ભણે નરસૈયોઃ ‘મેલ મમ નાથને,
નીકળશો કાદવ કોઠી ધોતાં’
•
ચરણ ચાંપી, મૂછ મરડી
નાગણે નામ જગાડિયો
‘ઊઠો રે બળવંત!’ કોઈ
બારણે બાળક આવિયો!
•
અતિ રૂડું વૃન્દાવન શોભતું
રૂડું તે જમુનાતીર,
અતિ રૂડી ગોવાળની મંડળી
રૂડો તે હળધર-વીર
•
યોગ વિયોગ વિમુખને આપ્યો
ભોગ ભક્ત-ભગવાન રે,
તપ તપસ્યા કર્મજડને આપિયા
નરસૈયાંને ગુણગાન, રે!
•
સાંજ સમે શામળિયો વ્હાલો,
વૃન્દાવનથી આવે
આગળ ગો-ધન, પાછળ સાજન
મનમાં મોહ ઉપજાવે.
•
મેહૂલો ગાજે ને માધવ નાચે
રૂમઝૂમ વાજે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વગાડે ગોપી
વહાલો વજાડે વેણુ વાંસલડી રે!
•
કીધું કીધું કીધું મુખે કાંઈક કામણ કીધું રે
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે!
•
ભૂતળ ભક્તિ પદારથ મોટું
બ્રહ્મલોકમાં નાહી રે!
•
વેદ વેદાંત ને ઉપનિષદ ખટ મળી
જે મથીને રસ પ્રગટ કીધો,
તે રસ ભોગવે ભાગ્યનિધિ ભામિની
અહર્નિશ અનુભવ સંગ લીધો
•
જોગિયા હોય તેણે જોગ સંભાળવા
ભોગિયા હોય તેણે બોગ તજવા,
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા
•
સંતો! એમ વહેવારિયા રામનામના!
•
દેહમાં દેવ તું,
તત્ત્વમાં તેજ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે!
પવન તું, પાણી તું,
ભૂમિ તું ભૂધરા!
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે!
વિવિધ રચના કરી અનેક રસ લેવાને
શિવ થકી જીવ થયો એ જ આશે!
•
વેદ તો એમ વદે
સ્મૃતિ-શ્રુતિ શાખ દે,
‘કનક કુંડળ વિષે ભેદ ન્હોયે’
ઘાટ ઘડિયા પછી
નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે!
•
જ્યાં લગી આત્મતત્ત્વ ચીન્યો નહીં
ત્યાં લગી સાધના સર્વ જૂઠી
•
ચિત્ત ચૈતન્ય છે
વિલાસ તદ્રુપ છે
બ્રહ્મ લટકાં કરે
બ્રહ્મ પાસે!
•
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું
તેહને તે સમે તે જ પહોંચે