ગુજરાતમાં દરેક ચૂંટણી સમયે મીડિયાનું જાણીતું વિધાન હોય છે કે આ વખતે ગુજરાતના નાથ કોણ બનશે? આમ તો લોકશાહીમાં કોઈ નાથ હોતા નથી પણ રાજ્યના સર્વોચ્ચ પદે કોઈ આવતું હોય તેના વિશે આમ કહેવાય છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તેમની સોલંકી સમયની નવલકથાઓમાં એકને ‘ગુજરાતનો નાથ’ નામ આપ્યું ત્યારથી આ પ્રયોગ ચાલે છે તે ડો. જીવરાજ મહેતા હોય કે છબીલદાસ મહેતા... નરેન્દ્ર મોદી અને આનંદીબહેન, શંકરસિંહ વાઘેલા કે વિજય રૂપાણી બધા માટે એક સરખો પ્રયોજવામાં આવે છે. પણ એક રસપ્રદ અનુભવ કહેવો છે.
સુરત યુનિવર્સિટીમાં એક મુનશી ચેર છે, તેના ઉપક્રમે હમણાં મુનશીની સ્મૃતિ અને મૂલ્યાંકન થયા. આપણા ભુલાયેલા અને ભૂલતા જતા સાહિત્યકારોનું સ્મરણ આ કોલેજો, વિશ્વવિદ્યાલયો, અને સાહિત્ય સંસ્થાઓ કરતાં રહે એ સારું છે. મુનશી તો અનેક રીતે યાદ કરી શકાય તેવા અસ્મિતા-નાયક હતાં. સિદ્ધરાજ, મુંજાલ, કીર્તિદેવ, કાક, મંજરી, મીનળદેવી, ચૌલાદેવી... એમ અનેક પાત્રોનું આલેખન તેમણે આ નવલકથાઓમાં કર્યું છે પણ તેના મૂળમાં અસ્મિતાભાવ છે, ‘હું’થી શરૂ કરીને મારો પ્રદેશ અને દેશ... આ ઉર્જા મુનશીમાં ભારોભાર હતી એટલે અનેક સીધા ચઢાણનો રસ્તો પસંદ કર્યો. તેમાં પ્રેમ, રાજકારણ, પત્રકારત્વ, ઇતિહાસ, શિક્ષણ, વકીલાત... બધે તેમની શક્તિ એક યા બીજી રીતે પ્રભાવી રહી.
એ વાત બહુ જાણીતી નથી કે તેમના નસીબે ત્રણ વાર બંધારણ ઘડવાનું આવ્યું હતું. ભારતીય સંવિધાનમાં આંબેડકરની જેમ જે પાંચ-સાત મહાનુભાવોએ અપાર જહેમત લીધી તેમાં મુનશી પણ હતાં. પાકિસ્તાન ના થયું હોત તો બેરિસ્ટર જિન્નાહ પણ આપણા બંધારણને સમૃદ્ધ કરવામાં સક્રિય હોત. જુનાગઢના નવાબે પાકિસ્તાનની સાથે જોડાણ જાહેર કર્યું ત્યારે જુનાગઢ મુક્તિની લડત કેવી હોવી જોઈએ તેની ચર્ચા થઇ હતી.
ગાંધીજી અને સરદારના આશીર્વાદ મળ્યા અને નેતાજી સુભાષ ચન્દ્ર બોઝે સિંગાપુરમાં રચેલી આઝાદ હિન્દ સરકારમાંથી પ્રેરણા લઈને આરઝી હકુમત રચાઈ. તે ભારતની સ્વતંત્રતા સંગ્રામનો અંતિમ, પણ અસરકારક અધ્યાય રહ્યો. શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ જેવા બે પત્રકાર તંત્રીઓએ તેમાં નેતૃત્વ લીધું, અને બંધારણ રચી આપ્યું મુનશીએ! આ તેમનો એક વધુ પ્રયોગ.
એમ તો સાહિત્ય સંસદ ચલાવતા મુનશી અને રણજીતરામ મહેતાને એક વ્યાપક સાહિત્ય સંસ્થા રચવાના કોડ હતાં એટલે સાહિત્ય પરિષદ રચાઈ તેના તે સમયના બંધારણમાં મુનશીનો ફાળો હતો. પણ આ માણસ એકલા શબ્દનો મહારથી ના રહ્યો, તેણે ઇતિહાસ લખ્યો અને ઇતિહાસ રચવામાં યે ભાગ ભજવ્યો.
ભરૂચના મુનશીના ટેકરાનો કનુ કનૈયાલાલ બન્યો અને તત્કાલીન નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ સાથે સક્રિય થયો તે કથા તેમની નવલકથાઓ જેટલી જ રોમાંચક છે. ઇન્દુલાલ યાજ્ઞિક અને મુનશી - બન્ને ગુજરાતી અસ્મિતાના પ્રતિનિધિ. ‘નવજીવન અને સત્ય’ ઇન્દુલાલનું સામયિક પણ મુનશીની શબ્દભૂમિ બન્યું. પછી તે અખબાર ગાંધીજીને સોંપ્યું અને માત્ર ‘નવજીવન’ બન્યું. પોતાને સાચું લાગે તે લખવું અને કહેવું એ આ બન્નેનો સ્વભાવ. ઇન્દુલાલ સરદાર અને ગાંધીજીના પણ ટીકાકાર હતાં. શ્યામજી કૃષ્ણવર્માનો ક્રાંતિ પંથ ગાંધીજીને ઠીક નહોતો લાગ્યો, તો ઇન્દુલાલે લંડનમાં બેસીને સરદારસિંહ રાણા પાસેથી તમામ સામગ્રી મેળવીને આ મહાન ક્રાન્તિકારનું જીવનચરિત લખ્યું હતું.
૧૯૫૬માં ગુજરાતના રાજ્યની માગણી સાથે તે મહાગુજરાત આંદોલનમાં કુદી પડ્યા ત્યારે ભાષાવાર પ્રાંત રચના રાષ્ટ્રીય ભાવનામાં અવરોધ પેદા કરશે એવું વિચારનારા ઘણા હતાં, મુનશી પણ તેમના એક હતા. તેમનો સહયોગ આ આંદોલનમાં ના મળ્યો તેનો અફસોસ ઇન્દુલાલે આત્મકથામાં કર્યો છે. મુનશી ભારતના વિભાજનના વિરોધી હતાં અને અખંડ હિન્દુસ્તાન વિશે પુસ્તક પણ લખેલું.
હૈદરાબાદ સંઘર્ષમાં સરદારે તેમને ત્યાં મોકલ્યા તે એક અદ્દભુત અધ્યાય છે. રઝાકારો અને સામ્યવાદીઓ આ બે વિભાજક પરિબળોનો ત્યાં તેમને અનુભવ થયો, મુનશીની ‘તપસ્વિની’ નવલકથામાં ભારતીય સામ્યવાદીઓની તેમને ઠેકડી ઉડાવતા પાત્રો આલેખ્યા છે. કુલપતિના પત્રોમાં ચીની આક્રમણ સમયે સામ્યવાદની આલોચના કરવામાં તે આગળ રહ્યા અને પછીથી રાજાજીએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરીને જમણેરી રાજનીતિને સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો તેમાં મુનશી તેમની સાથે હતાં.
રાષ્ટ્રવાદ અને સંસ્કૃતિ એ મુનશીના તમામ જાહેર કાર્યોનો અવાજ હતાં. એટલે તો તેમણે વિદ્યા અને સંસ્કૃતિ માટે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને દેશના ૧૦૦ જેટલા ઈતિહાસકારોને બોલાવીને ખરા અર્થમાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસ ગ્રંથો માટે પ્રેરિત કર્યા. આ ગ્રંથો ગુજરાતી અને બીજી ભાષાઓમાં અનુવાદિત થવા જોઈએ, નહિતર જે.એન.યુ. પ્રકારના વિક્ષિપ્ત ઇતિહાસથી નવી પેઢી ભ્રમિત થતી રહેશે.
મુનશીને સમજવા માટે એક વાત મહત્વની છે - તે વિસરાઈ જાય છે. આ માણસ એકલા સાહિત્યનો જીવ નહોતો. ઇતિહાસ બોધનું સંધાન હતું. છેલ્લા કેટલાંક વર્ષથી જે ગુજરાત ગૌરવની પ્રતિષ્ઠા માટે ગુજરાતી નાગરિક દેશે-વિદેશે સક્રિય થયો અને ભારતીય રાજનીતિમાં અસરકારક ભાગ ભજવીને એક ગુજરાતીને વડા પ્રધાન પદે પહોંચાડવાની સિદ્ધિ પ્રાપ્ત કરી તેનો પડછાયો ગુર્જર અતીતની સુધીનો છે. માળવા સામ્રાજ્ય કરતાં ત્યાંના વિદ્યાકીય માહોલની સિદ્ધરાજને ઈર્ષા થઇ તે પ્રકરણ તેનો સંકેત છે.
મુનશીના ગુજરાતમાં સોલંકીકાળ ભલે હોય પણ તેની ચૌલા દેવી સહિતના પાત્રોનો મિજાજ ગુજરાતીપણાનો છે. મુનશીએ ઈતિહાસની વેદનાને પારખી, તેનો અહેસાસ કરાવ્યો અને વીરતા, સરસતા, અસ્મિતા ત્રણેનું સુભગ મિલન કરાવ્યું. તેનો સાચો પુરોગામી નર્મદ હતો, જેણે કુંતેશ્વર મહાદેવની નિશ્રામાં જય જય ગરવી ગુજરાત ગીતનું નિર્માણ કર્યું. અત્યાર સુધીમાં ગુજરાત વિશે અનેક ગીતો રચાયા હશે, પણ ગુજરાતીપણાનો અને તેની ખુમારી સહિતની સંભાવનાઓનો પ્રાણ આ ગીતમાં અનુભવાય છે તે અલગ અને વિરલ છે. સુરતમાં કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા, ગુજરાતી વિભાગના વડા શરીફા વીજળીવાળા, ડો. પન્ના ત્રિવેદી, ભરત ઠાકર, વિવિધ વિષયના વક્તા ડો. ઉષા ઉપાધ્યાય, નરેશ વેદ, મીનળ પટેલ, જશુભાઈ પટેલ સહિત ઉત્સાહી વિદ્યાર્થીઓએ મુનશી સ્મૃતિની આગવી ઉજવણી કરી ત્યારે થયું કે મુનશીનું પુનરાવલોકન કરવાની જરૂરત છે જ.