ગુજરાત વિધાનસભાએ ‘ગુજકોક’ને નવેસરથી પસાર કર્યો તેની ગંભીરતા કમનસીબે ખાસ ચર્ચામાં આવી નથી. ઊલટાનું, આવા વિધેયકની કોઈ જરૂર જ નહોતી એવા અભિપ્રાયો ચમકતા રહ્યા.
મુદ્દો ભૂલાય છે
મૂળ મુદ્દો આતંકવાદને અંકુશમાં લેવાનો છે. ડાબેરી ધારાશાસ્ત્રી ગિરીશ પટેલે એવી દલીલ કરી કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં આતંકવાદ નથી રહ્યો તો પછી આવા કાયદાની શી જરૂર રહે છે? આ તર્ક ઠીક નથી. એકશ્વાસે તેનાં લક્ષણો અને અપલક્ષણો તારવામાં આવે છે તો યે એ દલીલ વાજબી ઠરતી નથી કે આતંકવાદીઓની પ્રવૃત્તિથી ગુજરાતનાં પ્રજાજીવનને ભયભીત બનાવવામાં આવે છે, તેની સામે કોઈ કાયદો હોવો જોઈએ નહીં! આ તો એવું થયું કે ભારતની સરહદે હમણાંથી કોઈ હિલચાલ નથી એટલે લશ્કર જ ન હોવું જોઈએ!
ગુજરાત સરહદી પ્રદેશ છે અને તેનો પડોશી દેશ એવો છે, જ્યાં આતંકવાદ અને જેહાદનાં ઠેર ઠેર કારખાનાં ચાલે છે. રાજસત્તા પર બેઠેલો પક્ષ, વિરોધ પક્ષો, લશ્કર, જેહાદી સંગઠનો અને તાલિબાનોએ પાકિસ્તાનને વેરવિખેર કરી નાખ્યું. આજે તેનું અર્થતંત્ર પણ પડી ભાંગ્યું છે. કરાચીને હમણાં અમેરિકી પત્રકારે ‘એશિયાનું બૈરુત’ ગણાવ્યું હતું. ક્રોસબોર્ડર ટેરરિઝમ જાણે કે પાકિસ્તાની શાસનના એજન્ડાનો જ એક ભાગ હોય તેવી રીતે પ્રોત્સાહન અપાય છે. આવા સંજોગોમાં ગુજરાત સાવધ ન રહે તો ભોગવવું પડે.
મુંબઈમાં કસાબ પહોંચ્યો અને તે માટે ગુજરાતનો દરિયાકિનારો ઉપયોગમાં લેવાયો હતો. દક્ષિણ ગુજરાતનો સમુદ્ર કિનારો આરડીએક્સ માટે જાણીતો છે. દેશવ્યાપી મુજાહિદ્દીનો - ગમે ત્યાં - પકડાય તો તેનાં ગુજરાતમાં સંપર્કો અને સંબંધો હોય છે. અક્ષરધામ પરનો હુમલો, અમદાવાદમાં ટિફીન બોમ્બના વિસ્ફોટો, મુંબઈમાં ગુજરાતી વ્યાપારી નાગરિકોને દહેશતમાં મુકવા માટેના વિસ્ફોટો... આ પૂર્વે થયેલી ઘટનાઓ દર્શાવે છે કે ગુજરાતમાં આતંકવાદ માટે તાલિબાનો સક્રિય છે જ.
આ કાયદો ન હોય તો યે, બીજા બધા કાનૂનોથી આતંકવાદની સામે પગલાં લઈ શકાય એવી પણ એક દલીલ છે, પરંતુ તત્કાળ અસર કરે તેવો એક વધુ કાયદો હોય તો તેની અસર અને પરિણામ આવ્યા વિના રહેતાં નથી. પોલીસ તંત્ર આરોપીને પકડવાના - સાબિત કરવાનાં વિલંબથી યે ઘણી વાર નિષ્ફળ જાય છે અને તેથી આતંકીઓને વધુ છૂટછાટ મળી જાય છે. આવાં કારણોસર પ્રસ્તુત કાયદો જરૂરી બની જાય છે.
ઉપયોગ-દુરુપયોગ
એક વધુ મુદ્દો આ પ્રકારના કાયદાના દુરુપયોગનો છે. આ એક જમાનાજૂની વાસ્તવિકતા છે. પોલીસ સત્તાવાળાઓ તેનો ક્યારેક દુરુપયોગ પણ કરે છે. મોટા ભાગે સત્તા પર બેઠેલાઓને રાજી રાખવા આવું થતું હોય છે. ૧૯૭૪માં મોરારજીભાઈ દેસાઈએ નવી દિલ્હીમાં અનશન પર ઉતરીને ‘મીસા’ (મેઇન્ટનન્સ ઓફ ઇન્ડિયા સિક્યુરિટી એક્ટ)ના દુરુપયોગનો વિરોધ કર્યો હતો. શ્રીમતી ઇન્દિરા ગાંધી ત્યારે વડા પ્રધાન હતાં. તેમણે મોરારજીભાઈને પારણાં કરાવીને ખાતરી આપેલી કે ‘મીસા’નો દુરુપયોગ કરવામાં નહીં આવે. થોડાક જ મહિના બાદ ઇમર્જન્સી લાગુ પાડવામાં આવી અને સંસદમાં બેઠેલા તમામ વિપક્ષી સંસદસભ્યો સહિત એક લાખને આ ‘મીસા’ હેઠળ જેલોમાં મોકલી દેવાયા તે કાયદાનો દુરુપયોગ જ હતો. ગુજરાત કોંગ્રેસ અત્યારે આ કાયદાનો વિરોધ કઈ રીતે કરતી હશે તે રામ જાણે!
એટલે કોઈ પણ કાનૂનનો દુરુપયોગ (પછી તે અટકાયતી ધારો હોય કે ઇન્ડિયન પીનલ કોડની કલમો હેઠળના આરોપો હોય) ન થવો જોઈએ તેની સાવધાની અને સમજદારી ‘ઉપરથી’ સાબિત થવી જોઈએ. શ્રીમતી ગાંધીએ જે. પી.ની અટકાયત પર ખેદ અને માફી જતાવીને છોડી દીધા હોત તો પોલીસતંત્ર પર પણ તેની એવી અસર થઈ હોત કે બીજા અનેકોને ખોટી રીતે પકડ્યા ના હોત. ગુજરાતમાં ભાવનગરની જેલમાં તે દિવસોમાં એક એવો આરોપી ખેડુનો કિસ્સો રૂબરૂ જોવા મળ્યો હતો જેણે, પડોશીમાં રહેતો સરપંચ કનડગત ન કરે તે માટે તેનાં ઘરની વચ્ચે દીવાલ બાંધવાનો પ્રયાસ કર્યો તો સરપંચે પોલીસને કહીને તેને ‘મીસા’ હેઠળ પકડાવી દીધો હતો!
લંડનના હાઇડ પાર્કમાં કવિ-નવલકથાકાર બર્નાર્ડ કોપ્સે જયપ્રકાશ નારાયણની જન્મતિથિ પર એક કવિતા સંભળાવી. તે થોડાક મહિને ભારતમાં આવી પહોંચી, પણ ઇમર્જન્સી અને સેન્સરશિપ હોવાથી કોણ છાપે? તેનો ગુજરાતી અનુવાદ કરીને અમે છાપ્યો હતો તો તે ‘કવિતાના રાજદ્રોહ’ની સામે આઇપીસીની સાતેક કલમો લગાડીને મારા પર કેસ દાખલ કરાયો હતો. ‘મીસા’ની અટકાયત ઉપરાંતનું આ બોનસ!!
એટલે મૂળ વાત કાયદાની ખરાબીની નથી, તેનો ઉપયોગ કેવો થાય છે તેની છે. રાજ્ય સરકાર જો આમાં ચુસ્ત સાવધાની રાખે તો આતંકવાદ-વિરોધી કાયદો ગુજરાતમાં આતંકી ખેલને ક્યારેય દેખાવા નહીં દે.
ગુજરાતનું કાશ્મીરી પંડિતો સાથે કનેકશન
માનવાધિકારની વાત આવી છે આ કાયદા સંદર્ભે, એટલે કાશ્મીરી પંડિતોની વ્યથાકથા પણ યાદ આવે. તેનું નિમિત્ત પણ છે કે ભારત સરકારે અઢી-ત્રણ લાખ હિજરતી પંડિતોને ‘વતનવિછોયાં’ની ખરાબ સ્થિતિમાંથી છૂટકારો અપાવીને કાશ્મીરમાં ફરી વસાવવાનું આયોજન કર્યું છે.
જવાહરલાલની પ્રશંસા ભલે થતી રહે, પણ કાશ્મીરમાં ૧૯૪૭માં જ પરિસ્થિતિ બગડી ગઈ તેમાં મુખ્ય જવાબદારી નેહરુની જ હતી. રાજવી હરીસિંહની ખિલાફ તેમને શેખ અબ્દુલ્લા પ્રજાકીય નેતા લાગ્યા. હરીસિંહે ના પાડી છતાં તેમની પરિષદમાં ભાગ લીધો. લોર્ડ માઉન્ટ બેટને મહેરચંદ મહાજનને કહ્યું કે કાશ્મીર પાકિસ્તાનને મળવું જોઈએ. તે પછી હરીસિંહ કંઈ જનાબ ઝીણાની સાથે હાથ મેળવવા માટે તૈયાર નહોતા. તેમની વિલંબનીતિ નેહરુને માટે શેખ-તરફેણનું કારણ બની ગઈ.
ભારતીય લશ્કરે કાશ્મીરમાં કબાઇલી આક્રમણને મારી હઠાવવાની શરૂઆત કરી દીધી હતી, પણ તે પહેલાં હરીસિંહના ભારત સાથે વિલયપ્રસ્તાવમાં જાણી જોઈને ઢીલ રખાઈ. છેવટે સરદારે વી. પી. મેનનને જાતે કાશ્મીર મોકલ્યા. એ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મા. સ. ગોળવલકરજી પણ હરીસિંહ મહારાજાને મળી ચૂક્યા હતા.
ભારતમાં વિલય ઐતિહાસિક નિશ્ચિતતા હતી છતાં જવાહરલાલ નેહરુએ ભારતીય લશ્કરને આગળ વધવા ના દીધું એટલે એક-તૃતિયાંશ કાશ્મીર પાકિસ્તાન હેઠળનું ‘આઝાદ કાશ્મીર’ તરીકે સ્થાપિત થયું. શેખ અબ્દુલ્લા અને તે પછીના રાજકીય આગેવાનોએ ‘કાશ્મિરિયત’ના નામે પંડિતોના પ્રભાવને સમાપ્ત કરવાના કીમિયા શરૂ કરી દીધા હતા. ૧૯૯૦માં તો હદ થઇ ગઈ, જમ્મુ-કાશ્મીરમાં દરેક પંડિતોના ઘરે પોસ્ટ લગાડાયાં કે ઓ કાફિરો! કાશ્મીર છોડો... પછી કત્લેઆમ અને બળાત્કારો થયા, ત્યારથી પંડિતો ઘરબાર છોડીને ભારતમાં બીજે વસવાટ માટે ચાલ્યા ગયા.
ઇચ્છાશક્તિ પરિણામ લાવશે
હવે કાશ્મીરમાં ભાજપ સરકારે પુનઃ વસવાટ માટે કેટલીક યોજનાઓ તો જાહેર કરી, પણ પીડીપી તેમાં કેટલો સહયોગ આપે છે તેની આતુરતાથી દેશના બીજા પ્રદેશોની જેમ ગુજરાતમાં યે રાહ જોવાઈ રહી છે. અમદાવાદ સહિત અનકે જગ્યાએ કાશ્મીરી પંડિતો વસી ગયા છે અને રોજગાર-ધંધામાં સામેલ થયા છે, પણ પોતાનું વહાલું વતન તો તેમને ય યાદ આવે છે. અમદાવાદ અને બીજે તેમના સંગઠનો પણ સક્રિય છે, એમ ટીવી ચેનલ પરની ચર્ચામાં શ્રીમતી કુસુમ કૌલે માહિતી આપી હતી અને આશા જતાવી કે કેન્દ્ર સરકાર ઇચ્છા-શક્તિ સાથે આ પ્રશ્નનો નિકાલ લાવશે.