આજકાલ રાષ્ટ્રીય સ્તરે ખીચડીનો મહિમા વિસ્તર્યો છે. મોટી કડાઈમાં ખીચડી પકવતા બાબા રામદેવની તસવીર તો લગભગ બધે જ પ્રકાશિત થયેલી છે. ખીચડી એટલે શું? તેના વિશે એક રમૂજ વીસ-ત્રીસ વર્ષ પહેલાં પ્રચલિત હતી. તે સમયના વડા પ્રધાનના ઉમેદવાર રાજીવ ગાંધી રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતા. એક ગામડામાં તેમનું ભાવભેર સ્વાગત કરાયું અને ભોજન માટે થાળી પીરસવામાં આવી. રોયલ પરિવારના રાજીવે બાકી બધી વાનગીઓ – શાક, અચાર, મરચું, દૂધ વગેરેની તો જાણ હતી પણ ‘વ્હોટ ઇઝ ધિસ?’ એમ એક ચીજ પર આંગળી ચીંધીને, બાજુમાં બેઠેલા પ્રદેશ-અધ્યક્ષને પૂછયું. પેલા મહાનુભાવે પટ્ કરતો જવાબ આપ્યોઃ ‘ખીચડી...’
‘ખીચડી?’ મહામહેનતે સાચો ઉચ્ચાર કરવા રાજીવે પ્રયાસ કર્યો અને પ્રશ્ન કર્યો. હિન્દુસ્તાની શુદ્ધ વાનગી કાં તો તેમના નવી દિલ્હી કે અલ્લાહાબાદ મહેલ સુધી પહોંચી નહોતી અથવા જુદા નામે અશોકા હોટેલમાં પીરસાઈ હશે!
‘ખીચડી? વ્હોટ ખીચડી?’
આનો જવાબ સૂઝયો તેવો આપવા પ્રમુખ પોતે જ મૂંઝાઈ ગયા. ઈટાલિયન ભાષામાં આને શું કહેવાતું હશે તેની કેમ ખબર પડે? એટલે અંગ્રેજી શબ્દ વાપર્યોઃ ‘સર, આને અમે ખીચડી કહીએ છીએ, ‘હોચપોચ’ ‘હોચપોચ!’
આ હોચપોચ કંઈ ખીચડીનો ખરેખરો અર્થ આપી શકે નહીં પણ રાજીવ ગાંધી સમજી ગયા કે કંઈક એક-બે વસ્તુ ભેગી કરીને રાંધવામાં આવ્યું હશે.
અત્યારે જો ભારતનાં જાહેરજીવનની - અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સંદર્ભે - જો ‘ખીચડી’નો અંદાજ બાંધવામાં આવે તો ઉમેદવારો, ભાષણો, નિવેદનો, મારામારી, આક્ષેપો, તિક્કડમબાજી વગેરેથી કંટાળો આવ્યો હોય તેમને ‘ખીચડી સમીક્ષા’ પસંદ પડશે.
જુઓને, બે-ત્રણ હજાર ઉમેદવારી પત્રકો ભરાયાં. બીજાં પણ ઉમેરાશે. ૨૭ નવેમ્બર પછી તેની તપાસ થશે. તેમાંથી તારવેલા ઉમેદવારો હશે, માન્ય પક્ષ હોય તેને તેનું ચૂંટણી ચિહન અપાશે. બાકી રહેલા ચિહનો અન્યને ફાળવવામાં આવશે. પણ વાત ત્યાં પૂરી થતી નથી. છેલ્લી ઘડી સુધી જાહેરાતો આવશેઃ ‘અમે ફલાણા ભાઈ કે ઢીંકડા પક્ષની સામેનું ઉમેદવારીપત્રક પાછું ખેંચીએ છીએ અને જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે તેમને મત આપીને જીત અપાવે...’
પછી જે ઉમેદવારો ઊભા હશે તે બે મુખ્ય પક્ષો - ભાજપ અને કોંગ્રેસ – ઉપરાંત જનતા દળ (યુ), રિપબ્લિકન, શિવ સેના, હિન્દુ સભા, એનસીપીના તો હશે જ, બીજાં કેટલાંક નવાં પક્ષ-નામો પણ સાંભળવા મળશે. એક બેઠક પર સરેરાશ પાંચથી સાત ઉમેદવારો તો હોય જ છે.
ડિસેમ્બરમાં તો મતદાન થઈ જશે અને ગાંધીનગર વિધાનસભામાં કોણ રાજ કરશે, કોણ વિપક્ષે બેસશે, કોણ હારશે, કોની ડિપોઝીટ જપ્ત થશે... તે વિગતો ‘સમાચાર’ બનશે. છેવટે વિધાયક દળ તેનો નેતા પસંદ કરે તે મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને પછી પ્રધાનમંડળ રચાશે.
એક મહિનાના આ ધમાસાણને ભદ્ર ભાષામાં તો ‘પર્વ’ કહેવામાં આવે છે, લોકશાહીનું પર્વ. એ વાત સાચી કે મતદાર પોતાની ઇચ્છા મુજબના ઉમેદવાર તેમજ પક્ષને શાસન કરવા આ અવસરે ચૂંટી કાઢે છે અને પાંચ વર્ષ સુધી તે પક્ષ શાસન કરે છે. જોકે અત્યાર સુધીમાં થોડાક અપવાદ સિવાય બાકી પાંચ વર્ષ સુધીનું સત્તારોહણ રહ્યું નથી. ઘણાં કારણોસર પરિવર્તન આવતું રહે છે.
‘ગુજરાત સમાચાર’ના વાચકો દૂર ઇંગ્લેન્ડમાં બેસીને ટીવી તેમજ અખબારી માધ્યમોથી કે પછી ટેલિફોન યા નેટ પર સ્વજનો દ્વારા માહિતી મેળવતા હશે. ગુજરાતી નાગરિક જ્યાં હોય ત્યાં તેને ગાંધીનગરમાં સરકાર કોની તેનો રસ રહે તે સાવ સ્વાભાવિક છે.
આ લેખમાં ચૂંટણીનાં ‘ખીચડી પર્વ’ની વાત કરીશું? આપણે ગુજરાતીઓ તો ખીચડીથી પૂરા પરિચિત છીએ. તરેહવારની ખીચડી આપણી અન્નપૂર્ણા, ગૃહિણીઓ બનાવે છે, ‘ડાઇનિંગ હોલ’માં પણ જૂદા પ્રકારની રેસિપી સાથે પીરસાય છે. હવે તો તેનાં મેક્સિકન – ચાઇનીઝ – ઇટાલિયન – ફ્રેન્ચ નામો પણ કોફી ટેબલ બૂક જેવા મેનુમાં વાંચવા મળે! પણ, આપણી અક્ષરધામની ખીચડીને કોઈ ન પહોંચે, હોં! ગાંધીનગરસ્થિત અક્ષરધામની પૂણ્યશાળી મુલાકાતે જાઓ અને ભગવાન સ્વામીનારાયણની જીવનલીલા નિહાળો તે પછી પાછા ફરતાં તેના અલ્પાહાર ગૃહમાં ખીચડી ખાવાનું ભૂલશો નહીં. જોકે હવે તો શહેરોમાં અનેક હોટેલો આ વાનગી બનાવે છે, ત્યારે સ્વર્ગસ્થ કવિ લાભશંકર ઠાકરના લેખનું શીર્ષક યાદ આવેઃ ‘સૌથી વહાલી મુંને ખીચડી...!’
વાત તો સાચી છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં અંતરિયાળ ગામડે જાઓ તો ત્યાં પણ મહેમાનગતિમાં ખીચડી અને દૂધ અવશ્ય મળે જ મળે. વૈદ્યરાજોના જણાવવા પ્રમાણે મગ-ચોખા-તુવેરની આ ઉત્તમ ભેળસેળ સ્વાસ્થ્ય માટે એકદમ મહત્ત્વની છે. તેમાં તીખાશ, ખટાશ, ગળપણ બધું ઉમેરી શકાય. મગ પોતે જ પાચક કઠોળ છે એટલે પેટની તકલીફ પણ પડે નહીં. એક સંશોધનકારે - હમણાંથી જેનો રાફડો ફાટ્યો છે અને કટિંગ-પેસ્ટિંગ કરામતનો ઇતિહાસ મળતો રહે છે - એવી ખોજ કરી છે કે દ્વારિકાધીશ ભગવાન શ્રીકૃષ્ણને રુકમણિના હાથની ખીચડી બહુ ભાવતી હતી અને સુદામો તાંદુલની પોટલી ભરીને મળવા આવ્યો ત્યારે તેને પણ ખીચડી ખવડાવી હતી! હવે, આ સંશોધન ક્યાંથી-કેવી રીતે થયું તેની આપણને ખબર નથી પણ વારતા છે રસિક, હોં! મથુરામાં જમુના કિનારે કાલીયદમન કરતાં પહેલાં શ્રીકૃષ્ણે મા યશોદાના હાથે ખીચડી ખાધી હતી એવું જો સંશોધન થશે તો તે પણ રસપ્રદ રહેવાનું!!
ગુજરાતમાં આ નવેમ્બર-ડિસેમ્બર પોતે જ ‘ચૂંટણી-પર્વ’ ‘ખીચડી-પર્વ’માં ફેરવાઈ ગયું છે. જાતભાતની આ ખીચડી છે, તે બનાવનારા પણ તરેહવારના રસોઈયા! કેટલીક વાનગી ચાખીએ.
‘ખામ’ ખીચડી
આમ તો ૧૯૮૫માં માધવસિંહ સોલંકી અને ઝીણાભાઈ દરજીએ ‘ખામ’ ખીચડી પકાવી હતી. બિચાડા બ્રાહ્મણ સનત મહેતા પણ તેમાં ફસાઈ ગયા હતા. હવે વારો ભરતસિંહ સોલંકી – અર્જુન મોઢવાડિયા - સિદ્ધાર્થ પટેલ – અહમદ પટેલનો છે, તેમણે ‘ખાપ’ ખીચડી તૈયાર કરી છે. ક્ષત્રિય – આદિવાસી - હરિજન – પટેલ એમ ‘દાણા’ ઉમેર્યા તો ખરા પણ જામતું નથી. પટેલોનો દાણો આ પાણીમાં જલદી ભળે તેવો નથી લાગતો! તો શું કરવું?
‘પોડા’ ખીચડી
...તો ઓબીસી ઉમેરીને બનાવો ને? આ હિકમત અલ્પેશ ઠાકોરે અજમાવી. બધાંને ગમી ગઈ એટલે કોંગ્રેસે ‘પોડા’ - પટેલ + ઓબીસી + દલિત + આદિવાસી એવું રાંધણ કર્યું, આમાં ‘એમ’ (મુસ્લિમ) મીઠું-મરચું નાખવાનું કોઈને સૂઝ્યું નહીં એટલે સરખેજની ગરીબ નવાઝ હોટેલોમાં પાટિયાં લટકાવી દેવાયાં કે અહીં ‘પોડા’ - ખીચડી મળશે નહીં કેમ કે તે જલદીથી બગડી જાય છે.
સેક્યુલર ખીચડી
આમ તો આ કાયમી ચીજ છે જેને કોઈ ગ્રાહક મળતો નથી એટલે પકવનારા જાતે જ બનાવીને મંદિર – મસ્જિદ – ગુરુદ્વારાની બહાર પીરસવા પહોંચી જાય છે. ત્યાંથી સીધા માઓત્સે તુંગ, કાર્લ માર્કસ વગેરે પાસે જશે... આ ખીચડીમાં માનવાધિકાર નામનો રસ ઉમેરવા છતાં મેળ પડતો નથી એટલે કેટલાક બિશપ-પાદરીઓને ફ્રેન્ચાઇઝી આપવામાં આવી. ગાંધીનગરના એક પાદરીએ જાહેર નિવેદન પણ ઠપકાર્યું કે રાષ્ટ્રવાદીઓને મત આપશો નહીં. અગાઉ ફાધર ફ્રેડરિક પ્રકાશ નામે સજ્જન આવું કરતા રહેલા, હવે બીજાનો ઉમેરો થયો છે પરંતુ આ ખીચડીનું કોઈ ગ્રાહક જ નથી!!
વિકાસ-ખીચડી
આ નરેન્દ્ર મોદી-બ્રાન્ડ ખીચડી છે. ૨૦૦૧થી તેની બોલબાલા છે. કહે છે કે દુનિયાના કેટલાક વડા પ્રધાનોને આ ખીચડી જીભે લાગી છે. ચીની વડા પ્રધાને તો ભારત-મુલાકાત પછી બીજિંગ જઈને તાબડતોબ ચીની સામ્યવાદના નવા દસ્તાવેજમાં ‘ખીચડી’ શબ્દનો ઉમેરો કરીને પોલિટિકલ પંડિતોને તેનું વિશ્લેષણ કરવા જણાવ્યું છે. ગુજરાતની ચૂંટણીમાં વિકાસ અને રાષ્ટ્રવાદ – એ બન્નેને એકબીજામાં વિલીન કરીને આ વાનગી બનાવવામાં આવી છે.
ખારી, ખાટી, તીખી, મીઠી, મસાલેદાર સ્વાદિષ્ટ ખીચડીનાં આ પર્વને ઊજવવા તમને ય આમંત્રણ છે!