ગુજરાતમાં ફરી અનામત આંદોલનનો અણસાર?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 29th July 2015 07:48 EDT
 
 

વિસનગર કંઈ બહુ જાણીતું કે મોટું નગર નથી, પણ ગુરુવારે - ૨૩ જુલાઈએ - ગુજરાતનાં બધાં છાપાંઓમાં પહેલા પાને ચમકી ગયું. વાત પાટીદારોને અનામતની સગવડો મળે તે માટેની હતી. કોઈ ‘સરદાર પટેલ સેવા દળ’ નામની સંસ્થાએ વોટ્સએપ પર સૂચના મુકીને આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. એક બીજું પાટિયું (બેનર) પાટીદાર યુવા એજ્યુકેશન કમિટી (પીવાયઇસી)નું હતું. તેના ‘નેતા’ મહેશ પટેલે મીડિયાને કહ્યું કે ગુજરાતમાં ૪૦ ટકાથી વધુ પાટીદારો છે. ગુજરાતના વિકાસમાં તેમનું ૮૦ ટકા પ્રદાન છે, પણ અમારા ચાર ટકાને જ નસીબે નોકરી છે. માટે અમને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ)માં સામેલ કરવા જોઈએ.

આની રજૂઆત જૂન મહિનામાં રાજ્યના કેટલાક ‘પટેલ’ પ્રધાનોને કરવામાં આવી. પછી મહેસાણામાં ત્રીજી જુલાઈએ મોરચો નીકળ્યો. મહેસાણા જિલ્લામાં ૪.૩૪ લાખ પટેલ મતદારો છે. ઉત્તર ગુજરાતની ૧૮માંથી ૧૨ ધારાસભા બેઠકોમાં પટેલ નિર્ણાયક બળ છે. રાજ્યમાં ૩૬ ટકા પટેલોને હવે લાગે છે કે અમે પણ ઓબીસીમાં કેમ સામેલ ન થઈ શકીએ? માધવસિંહ સોલંકીના સમયગાળામાં ચૌધરીઓનો ઓબીસીમાં સમાવેશ કરાયો હતો. હવે પહેલાં કડવા પાટીદારોના યુવાનોની રેલી નીકળી પછી કડવા-લેઉવા ભેગા થવા લાગ્યા છે. વિસનગરમાં વર્તમાન ધારાસભ્ય - જે ખુદ પટેલ છે - ઋષિકેશ પટેલનાં કાર્યાલયને સળગાવાયું. થોડાક મીડિયા પત્રકારોને ય માર પડ્યો. આયોજકોના કહેવા મુજબ અમારી રેલી તો શાંત અને અહિંસક હતી. આ તોફાન તો તે પછી અસામાજિક તત્ત્વોએ કર્યું હતું!

હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ‘પટેલોને ઓબીસી’ની માગણીને વેગ આપવા કોશિશ થઈ રહી છે. દેખીતી રીતે તો તેમાં કોઈ રાજકીય નેતા દેખાતો નથી, પણ પરદા પાછળ સાવ નિરાંત નથી. રાજ્યની વિધાનસભામાં મુખ્ય પ્રધાન સહિત ૪૨ પટેલ ધારાસભ્યો છે. કોંગ્રેસના ૭ પાટીદાર ધારાસભ્યો છે, ભાજપના ૩૪ છે. ૮ પ્રધાનો, ગુજરાતમાંથી લોકસભામાં ૫ સંસદ સભ્યો અને રાજ્યસભામાં એક પાટીદાર છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને મંત્રી પણ પટેલ છે.

શું ઓબીસી માટેની આ માગણી વાજબી છે? શું આ ચૌધરી વિરુદ્ધ પટેલનો ગજગ્રાહ છે? ગુજરાતમાં અગાઉ અનામતની તરફેણ અને વિરોધનાં પ્રબળ આંદોલનો થયાં છે. જસ્ટિસ બક્ષીના નેજા હેઠળ ‘બક્ષી બિરાદરી’માં અનામત મેળવવા માટેની જાતિઓનો ઉમેરો થયો હતો. બંધારણે તો દલિત અને આદિવાસી પૂરતી જોગવાઈ રાખી હતી, પણ કોંગ્રેસે ‘ખામ’ થિયરીને લાગુ પાડવા માટે ૧૯૮૩-૮૫માં જે ખેલ કર્યો તેણે ‘ઓબીસી’ નામે નવો વર્ગ પેદા કરી દીધો.

‘અધર બેકવર્ડ ક્લાસ’નો સમાવેશ અનામત જગ્યાઓ માટે શરૂ થયો. બાકી રહી ગયેલી ઘણી જાતિ કાં તો ‘લઘુમતી’ અથવા ‘ઓબીસી’માં ઉમેરો થવા માટે મેદાને પડી. રજૂઆતો થઈ. જૈનોએ દેશને ‘શ્રેષ્ઠી પરંપરા’ આપી હતી, તેમને ય લાગ્યું કે લઘુમતીમાં ગણાઈએ તો કેવું સારું! ચંદ્રશેખર વિજય મહારાજ અને બંધુત્રિપુટીએ આ ગલત માર્ગ પરથી પાછા વાળવા માટે લાખ કોશિશ કરીને જણાવ્યું કે આપણી ઉપાસના જૈનની છે, પણ કાયમ માટે હિન્દુ જ છીએ! પણ, છેવટે જૈનોને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ઉત્તર ગુજરાતમાં - બનાસકાંઠાના નાનાં ગામડાંઓમાં ખેતી કરતા બ્રાહ્મણોની હાલત જરીકે ય સારી નથી. અત્યંત દરિદ્રાવસ્થામાં જીવે છે, પણ તેમને પરંપરાગત રીતે ‘સામાજિક આર્થિક પછાત’ ન ગણી શકાય અને ‘લઘુમતી’ પણ કહેવાય નહીં!!

ખરી વાત એ છે કે વિકાસશીલ દેશમાં ‘પછાત’ લેબલથી ચાલતી અનામત વ્યવસ્થાએ ખતરનાક વિષમતા પેદા કરી છે. નાની પાલખીવાલા કહેતા કે મેરિટનું નિકંદન કાઢીને અનામત વ્યવસ્થાને બધે અપનાવવામાં આવે તો અસરકારક શિક્ષણ અને અસરકારક પ્રશાસન બન્ને લૂણો લાગશે. પણ આ વાત ન તો રાજકીય પક્ષોને ગળે ઉતરે છે, ના તથાકથિત ‘વિદ્વાન’ સમાજશાત્રીઓને, ન સેક્યુલરોને! તેઓ હજુ અનામતની, લઘુમતીની વાતો વાગોળ્યા કરે છે. જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા બહાર પાડવાની માગણી પાછળ કોઈ ‘શુભ કે પ્રજાકીય કલ્યાણ’નો હેતુ નથી, માત્ર ‘જાતિ આધારિત’ વોટ બેન્ક માટેનો ખેલ છે.

અનામતે પહેલાં દલિત અને વનવાસીઓને બાકીના ‘ઉજળિયાતો’થી નોખા પાડ્યા, એકબીજાના પ્રતિસ્પર્ધી દુશ્મન બનાવી મૂક્યા. પછી ‘ઓબીસી’ની જાતિઓને મળતા અનામતના લાભોથી દલિતો-આદિવાસીઓને લાગ્યું કે અમારામાં ભાગ પાડવાની આ તરકીબ છે. સરકારી નોકરીઓ માટે વી. પી. સિંહ સમયે આંદોલન શરૂ થયું હતું ત્યારે ‘માંડલ પંચ’ની ભલામણો તેનું નિમિત્ત હતી. અગાઉ નેહરુના જમાનામાં કાકાસાહેબ કાલેલકરનું (પ્રથમ) પંચ નિયુક્ત થયું હતું. તેમણે એ અહેવાલ પછી અફસોસ વ્યક્ત કરેલો કે ભારતને જાતિ આધારિત વિભાજન કરવાની આ અમારી ભૂલ હતી.

સવાલ આટલો સહેલો નથી. અસમ અને ઈશાન ભારતમાં મેં જોયું કે વનવાસી (ટ્રાઇબલ્સ) જાતિની યે કેટકેટલી ઉપજાતિઓ છે અને બધાંને એકસરખો લાભ નથી મળતો તેમાંથી અલગાવવાદ પેદા થાય છે.

ગુજરાતે અનામતની તરફેણ અને વિરોધનાં આંદોલનોનો અનુભવ લીધો છે. ૧૯૮૫નાં એવાં આંદોલનમાં તો પોલીસ હડતાળ પર ઉતરી ગઈ હતી અને આખ્ખું મહાનગર ખુલ્લેઆમ આગજની, દારૂના અડ્ડા અને જુગારની રાજધાનીમાં ફેરવાઈ ગયેલું! પછીથી તે આંદોલન અમુક અંશે કોમી પણ બની ગયું હતું.

ગુજરાતમાં આમ ગણો તો બે મુખ્ય કોમ - પટેલ અને ક્ષત્રિય ગણાતી. ભાઈકાકા રમૂજમાં કહેતા કે પટેલનો પ અને ક્ષત્રિયનો ક્ષ મળે એટલે ‘પક્ષ’ બને! હજુ તેના લીસોટા રહ્યા છે, પણ રાજકીય રીતે દલિત - આદિવાસી - ઠાકોર - કડવા પટેલ - લેઉવા પટેલ - કોળી - જૈન - આયર - મેર - વાઘેર... આવી વોટ બેન્કનો ઉમેરો થયો છે અને તેમાંથી લોકસભા - રાજ્યસભા - ધારાસભામાં પહોંચનારા પ્રતિનિધિઓ વધ્યા છે.

ઉત્તર ગુજરાતમાં શરૂ થયેલાં પાટીદાર આંદોલનનું એક કારણ તે સમાજના જુવાનિયાઓની બેકારી હોય એમ લાગે છે. વી. પી. સિંહ સમયનાં આંદોલનનો મુખ્ય મુદ્દો જ એ હતો કે અમોને વધુ ગુણાંક છતાં નોકરી કેમ નહીં? કેટલીક સરકારો તો ૫૦-૫૧ ટકા સુધીની અનામત જોગવાઈ કરી ચૂકી હતી. આને કારણે મેરિટ સાથે જોડાયેલા એક નાનકડા વર્ગને અન્યાય થયાની લાગણી થતી રહી છે. ચંદ્રશેખરે તે દિવસોમાં કહ્યું હતું કે જે નોકરીનું અસ્તિત્વ જ નથી તેને માટે આંદોલનકારીઓ લડે છે અને આત્મદાહ કરે છે.

બંધારણ નિર્માતાઓની ધારણા હતી કે એક સમય એવો આવશે જ્યારે દલિત-આદિવાસી પોતાના પગ પર ઉભા રહેતા વિકસિત સમાજમાં બદલાઈ જશે પછી અનામતની જરૂરિયાત જ નહીં રહે. બહુજન સમાજ પાર્ટીના કાંશીરામ પણ અનામતના વિરોધી હતા!

પણ વિષમતા વધી અને વિકાસમાં ‘વોટ બેન્ક’નું મહત્ત્વ ઘટ્યું નહીં. ‘પછાત’ રહેવાની જાણે કે હોડ શરૂ થઈ ગઈ છે!

ગુજરાતમાં પાટીદારો અનામત માગે તે ઘટના પોતે જ ચિંતાજનક છે. સામાન્ય રીતે પટેલો સંપન્ન છે. (૧૯૪૭ પહેલાં તેનો ઘણો મોટો વર્ગ ગરીબ હતો. પણ સૌરાષ્ટ્ર સરકારના જમીનદારી નાબૂદી કાયદા સહિત પછીથી અન્યત્ર જોગવાઈઓએ કિસાનની કાયાપલટ કરી નાખી. આજે સર્વ ક્ષેત્રે ‘પટેલ-પાવર’ અસ્તિત્વમાં છે.) પણ જો તેના એક નાનકડા વર્ગને એમ લાગતું હોય કે અમને સરકારી નોકરી મળતી નથી તો તે વિશે પગલાં વિચારવા જોગ છે, પણ માત્ર પાટીદારો માટે જ નહીં, રાજ્યના તમામ વર્ગ માટે. આપણે ‘બહુજન સુખાય’ નહીં, પણ ‘સર્વજન સુખાય’નો રસ્તો જ અપનાવવો રહ્યો.


comments powered by Disqus