આ લેખ લખી રહ્યો છું ત્યારે (૨૨ ઓગસ્ટ) અમદાવાદના રસ્તાઓ, દુકાનો, ઓફિસો, ટીવી ચેનલો અને અખબારોમાં ચર્ચાનો મુખ્ય વિષય ૨૫ ઓગસ્ટનો દિવસ છે! કેમ કાંઈ તે દિવસ ઇતિહાસનો યાદગાર છે? કોઈ સ્વાતંત્ર્યજંગની સ્મૃતિનો દિવસ છે? કોઈ રાજ્યની સ્થાપના કે મહાપુરુષ - નામે ગાંધી, સરદાર, સુભાષ સાથે સંકળાયેલો છે? શું કોઈ શહીદને અગાઉ તે દિવસે ફાંસી મળી હતી? કોઈ મોટી વૈજ્ઞાનિક શોધ ગુજરાતમાં થઈ હતી?
શું થયું હતું આ દિવસે કે આખ્ખાં ગુજરાતની નજર ૨૫મી ઓગસ્ટ પર છે અને સ્થાન અમદાવાદ છે? પાટીદાર અનામત સમિતિની તે દિવસે રેલી છે, સભા છે. સભાઓ તો અમદાવાદી મિજાજનો એક અનોખો અંદાજ છે. અહીં દાંડીકૂચ પૂર્વે સાબરમતીના મેદાનમાં મોટી સભા થઈ હતી. અહીં સ્વતંત્રતા પછી ૧૯૫૬માં ઇન્દુચાચા ગાજતા-ગરજતા હતા. અહીં ૧૯૬૫નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિમાની અકસ્માતમાં માર્યા ગયેલા મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાની મોટી શ્રદ્ધાંજલિ સભા થઈ હતી. અહીં નવનિર્માણ - કટોકટી વિરોધ - ૧૯૮૫ના અનામત વિરોધની ‘જંગી જાહેરસભા’ના યે દસ્તાવેજો છે.
રેલીઃ ગઈકાલની
આમ રેલી એ અમદાવાદની એક ધબકતી નસ છે, તેનો થડકાર-ધબકાર ચાલ્યા જ કરે છે. હવે બે દિવસ પછી પાટીદારોની અનામત માગણી સાથેની જનસભા થવાની છે. આ સભાએ અનેક પ્રકારનો ફફડાટ પેદા કર્યો છે, ક્રિયા-પ્રતિક્રિયા જનમાવી છે.
એક તો, સામાન્યપણે સુખી-સંપન્ન ગણાયેલો પટેલ ઓબીસીને અપાયેલા અનામતના જથ્થામાં પોતાનો ભાગ માગે છે.
બીજું, તેમની સાથે રઘુવંશી - બ્રાહ્મણ - ક્ષત્રિય - બ્રહ્મ ક્ષત્રિય - વણિક - સિંધી વગેરે પણ જોડાયા છે.
ત્રીજું, પ્રદેશના મુખ્ય પ્રધાન પટેલ છે, પ્રધાનમંડળમાં ઘણા પટેલો છે. ધારાસભ્યોમાં યે પટેલોનું મોટું જૂથ છે.
‘ખામ’ના ખેલથી શરૂઆત
અનામત જાણે કે ગુજરાતની પ્રજામાં ક્યાંક ને ક્યાંક તણખા અને ભડકો કરનારી સ્થિતિ બની ગઈ છે.
તેનો પહેલો લોહિયાળ તબક્કો ૧૯૮૧-૧૯૮૫ એમ બે વાર આવ્યો. તેનાં મૂળમાં તત્કાલીન મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી અને સનત મહેતા તેમ જ ઝીણાભાઈ દરજીની ત્રિપુટીએ પેદા કરેલી ‘ખામ’ થિયરી હતી. ૧૯૭૭માં શ્રીમતી ઇન્દિરા ગાંધીની ’૭૫ની કટોકટીનાં ફળ સ્વરૂપે કોંગ્રેસને જે કરારી હાર મળી તેથી ગુજરાતમાં કોંગ્રેસને બેઠા કરવાનો આ ચક્રવ્યૂહ હતો.
ઝીણાભાઈ દરજી સાથે, ૧૯૯૭ પછી, મારે અનેક વાર મળવાનું થયેલું. અમદાવાદ આવે તો અચૂક યાદ કરે અને ખેડૂતભવનમાં અમારી લાંબી ગપગોષ્ઠિ ચાલે. ત્યારે તેમણે સ્વીકારેલું કે સોશિયલ એન્જિનિયરીંગની વાત સાચી, પણ આ ‘ખામ’થી તો અમે અંદરોઅંદર લડી મૂઆ અને ખેલાડીઓને મોકો મળી ગયો! સનત મહેતા - તેમના અવસાનના દસ દિવસ પહેલાં - વ્હીલચેરમાં બેસીને વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા તેમને એનાયત થનારા ‘ગુજરાત પ્રતિભા એવોર્ડ’ માટે અમદાવાદ આવ્યા ત્યારે સભા પૂર્વે મેં તેમને પૂછયું હતુંઃ ‘તમારા પરિચય - અભિવાદનમાં ‘ખામ’નો ઉલ્લેખ કરવો જોઈએ?’ નેવું વર્ષના આ ઝુઝારુ નેતાના ચહેરા પર જે ખેદની લાગણી મેં જોઈ તેવી ક્યારેય જોઈ નથી!
‘ખામ’ એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમનું સંયુક્ત બળ! બાકીનાઓનું શું? બંધારણે કંઈ ‘બહુજન સુખાય’ની વાત તો કરી નહોતી, તેમનો આદર્શ તો ‘સર્વજન સુખાય’ હતો. બંધારણ રચના સમયનો એ દસ્તાવેજી કિસ્સો કાયમ માટે યાદ રાખવા જેવો છે.
આંબેડકર દીર્ઘદૃષ્ટા હતા
૧૯૫૦માં વસ્તીની દૃષ્ટિએ મોટા અંગ સમાન અનુસૂચિત જાતિ - જનજાતિ અને વિચરતી જાતિની ઉન્નતિ માટે અનામત જોગવાઈને બંધારણીય સ્વરૂપ આપવામાં બધા - નેહરુથી આંબેડકર અને આઝાદથી સરદાર - બધા સંમત હતા. સવાલ એ હતો કે આ જોગવાઈ કેટલાં વર્ષ સુધી રાખવી? સરદારે સૂચવ્યું કે આ જાતિઓનો સંપૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી જોગવાઈ જારી રાખવી અને ભાવિ પ્રતિનિધિઓને લાગે કે હવે આ પ્રજાનો સંપૂર્ણ વિકાસ થયો છે ત્યારે તેને રદ કરવાની જોગવાઈ પણ બંધારણમાં રાખવી.
ડો. આંબેડકરે શું કહ્યું?
તેમના જ શબ્દોમાં -
‘દલિતોનો સંપૂર્ણ વિકાસ થતાં ઓછામાં ઓછા ૨૫ વર્ષ થશે, અને ત્યારે આપણામાંના કોઈ હયાત નહીં હોઈએ. ભાવિ પ્રતિનિધિઓ અનામત જોગવાઈઓને રદ કરવા જેટલી હિંમત બતાવી શકશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. અનામતને લઈને પેદા થનારાં રાજકીય સ્થાપિત હિતોને કારણે ધીરે ધીરે અનામત પ્રથા કાયમી બનશે અને અંતે તો તે વિશેષાધિકારમાં પરિણમશે. તેથી બંધારણમાં આ જોગવાઈ એવી રીતે સામેલ કરવી જોઈએ કે સમયાંતરે જરૂર જણાય તો વધુ મુદત માટે વિધેયક લાવવું પડે.’
આમ પહેલાં ૧૦ વર્ષની મુદત પડી. ૧૯૫૦, ૧૯૬૦, ૧૯૭૦, ૧૯૮૦... સંસદમાં આ ઠરાવો થતા રહ્યા અને તેમાં બીજી જાતિઓ (અન્ય પછાત વર્ગ)ના ઉમેરણને નામ અપાયું - ઓબીસી, અધર બેકવર્ડ ક્લાસ.
ઓબીસીમાં કોને પછાત ગણવો તેની દરેક પ્રદેશમાં કોર્ટ સુધી ચર્ચા ચાલી છે. ચુકાદા પણ આવ્યા, છેલ્લો ચુકાદો રાજસ્થાનની ગુર્જર જાતિને પાંચ ટકા અનામત મળી તેને રદ કરતો ન્યાયાલયનો નિર્ણય છે.
માંડલનું મંડલમ્
માંડલ પંચ આ ‘ઓબીસી’નો નિર્ણાયક વળાંક રહ્યો. તેમનું નામ બિંદેશ્વરી પ્રસાદ માંડલ. ‘એક બિહારી, સબકો પડે ભારી’ જેવી ઉક્તિ તેમણે સાચી પાડી. મૂળ સંસોપા કૂળ, પણ પછી કોંગ્રેસ અને જનતા પક્ષમાં યે ગયા. ૧૯૬૮માં ૪૭ દિવસ (ફેબ્રુઆરી-માર્ચ) સુધી બિહારના મુખ્ય પ્રધાન રહ્યા. બિહારમાં ‘આયારામ-ગયારામ’ના ઉસ્તાદ કહેવાતા. ૧૯૭૭માં જનતા પક્ષમાંથી ચૂંટાઈને સાંસદ બન્યા ત્યારે બિહારમાં કર્પુરી ઠાકુરને અવરોધક ના બને તે માટે માંડલને ‘માંડલ પંચની ભલામણોના પંચ’ના પ્રમુખ તરીકે તેમને વડા પ્રધાન મોરારજીભાઈએ ગોઠવ્યા. ૧૯૭૯ની જાન્યુઆરીથી તેના પંચની શરૂઆત થઈ અને છેક વિશ્વનાથ પ્રતાપ સિંહ વડા પ્રધાન બન્યા ત્યારે જ તેમના પંચ-અહેવાલનું અમલીકરણ જાહેર કરવામાં આવ્યું. તુરંત દિલ્હી અને બીજે ભડકો થયો. યુવાનોએ આત્મદહન પણ કર્યાં. વી. પી. વધુ સમય વડા પ્રધાન ન રહી શક્યા.
બરાબર આવી જ તવારીખ ૧૯૮૧-૮૫માં ગુજરાતમાં માધવસિંહ સોલંકીના શાસનમાં નિર્માઈ હતી. ૧૯૮૦થી કોંગ્રેસને તેનો લાભ મળ્યો. એ ચૂંટણીમાં ૧૮૦માંથી ૧૪૦ બેઠકો મળી એટલે સાબિત થઈ ગયું કે અનામતનો ઝંડો ફળદાયી છે. એમની કેબિનેટમાં (૧૯૮૦-૧૯૮૫) એક પણ ‘પટેલ’ પ્રધાન નહોતો!
ગુજરાતમાં પણ...
અનામત વિદ્રોહનાં કારણોમાં આ અનામત ટકાવારી વધારવાનો મુદ્દો જ મુખ્ય હતો. ૧૯૭૨માં ન્યાયમૂર્તિ એ. આર. બક્ષીના વડપણ હેઠળ એક પંચ નિયુક્ત થયું હતું તેમાં પ્રા. સી. એન. વકીલ, ડો. તારાબહેન પટેલ વગેરે સભ્યો હતા. તેમણે નિયુક્તિ કરેલી ‘નિષ્ણાંતોની સમિતિ’માં જાણીતા વિદ્વાન આઈ. પી. દેસાઈ પણ હતા. તેમણે પછીથી લખ્યું કે શૈક્ષણિક - સામાજિક પછાતપણાને નક્કી કરવા તે સમયે મોજણી હાથ ધરવી તેવું નક્કી થયું હતું. તે મોજણીનો બીજો તબક્કો હાથ ધરી ન શકાયો. પરિણામે બક્ષીપંચે ‘જ્ઞાતિ’ (જાતિ)ને પછાતપણાનું એકમ ગણી.
આ પછી ૧૯૮૧માં ન્યાયમૂર્તિ રાણેનું તપાસપંચ રચાયું. તેમાં આઈ. પી. સભ્ય હતા. તેમણે પોતાનો તર્ક ચાલુ રાખ્યો. દરમિયાન રાષ્ટ્રીય સ્તરે માંડલ પંચે (જે નિમાયું હતું ૧૯૭૮-૮૦માં, જેના અહેવાલનું અમલીકરણ થયું ૧૯૯૦માં.) પણ ‘જાતિ’ના ભસ્માસુરને સમાપ્ત કરવાને બદલે તેને વધુ દમદાર બનાવી દીધો.
એટલે પાટીદારો કહે છે કે એક જાતિ તરીકે અમને ય ઓબીસીમાં સમાવિષ્ટ કરો. બીજી જાતિઓ યે આગળ આવી. દલિત-આદિવાસીની અનામત જોગવાઈને તો નુકસાન નથી, પણ ઓબીસીમાં જો પાટીદારોને સમાવવામાં આવે તો બીજી જાતિઓનું શું? આર્થિક રીતે પછાતપણું ઓછું યા વધારે તો બધી જાતિમાં છે. હમણાં કોઈકે લખ્યું છે કે સૌરાષ્ટ્ર અને બીજે બ્રાહ્મણને ‘ભીખમંગો’, ‘લોટમંગો’ કહેવામાં આવે છે. એટલે તે ‘આર્થિક પછાત’ છે, પણ ‘સામાજિક પછાત’ નથી! આપણે મૂળ વાત જ ભૂલી જઈએ છીએ કે આજની ઘડીએ જે આર્થિક રીતે પછાત છે તે આપોઆપ સામાજિક પછાતપણાના ઘેરામાં આવી જ જાય છે.
પાલખીવાળાએ કહ્યું હતું...
નાની પાલખીવાળાએ ૧૯૯૦માં એક વિચારોત્તેજક લેખ લખ્યો હતો તેમાં કહ્યુંઃ ‘કોઈ જાતિ સંપૂર્ણપણે પછાત નથી હોતી, પછાત તો લોકો હોય છે.’ આ વાત આજે ય સાચી છે. પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ થાય તો તે, અને અત્યારે જે સામાજિક-આર્થિક પછાતપણાનો પૂરો ફાયદો ઓબીસીમાં હોવાથી ઊઠાવી રહ્યા છે તે ચૌધરીઓ - બન્નેમાં સંપન્નતા ધરાવનારો મોટો વર્ગ છે. મુસીબત એ છે કે આ ‘ક્રીમી લેયરો’ અનામતનો દાવો હજુ છોડી શકતા નથી! ખરેખર તો અનામતની જોગવાઈ ધરાવનારી જાતિઓમાં જે આ લાભથી માતબર બની છે તેમણે જાતે જ જોગવાઈમાંથી ખસી જવું જોઈએ. એવું થવાને બદલે - જાતિની બાદબાકી નથી થતી, ઉમેરો થતો રહે છે. હવે જો આમ જ થાય તો આજે જે ૪૯ ટકા અનામત છે તે વધીને ૧૦૦ ટકાથી યે વધી જાય! આનંદો નાગરિકો, ભારતમાં પછી કોઈ અનામત વિહોણો નહીં હોય, બધા જ ‘પછાત’ હશે!
અફીણનાં ઝાડ પર દ્રાક્ષ આવવાની આશા રાખી શકાય નહીં. પ્રારંભે દલિત-આદિવાસીની અનામત હતી તેમાં પણ ખરેખર કેટલા ટકાનો - આ જોગવાઈઓથી - વિકાસ થયો, તેમણે જોગવાઈનો લાભ લેવો છોડી દીધો છે કે નહીં તેના સાચોસાચ આંકડા આપણી પાસે છે જ નહીં. પછી માંડલ પંચ અને વિવિધ પંચોના અહેવાલોનું અમલીકરણ થયું તેમાં કેટલા કરોડો (કે અબજો) રૂપિયા ખર્ચાયા તેનું વિકાસમાં પરિણામ આવ્યું કે નહીં તેની આધારભૂત માહિતી છે જ નહીં! નીતિ આયોગે બીજી પળોજણ પહેલાં આ પ્રયાસ કરવો જોઈએ.
ગુજરાતનું ચિત્ર કેવું છે?
ગુજરાતમાં પાટીદાર આંદોલનની પરિસ્થિતિ વિસ્ફોટક છે. મૂળમાં તો જુવાન છોકરા-છોકરીઓની લાગણીનો આ ઊભરો છે. તેમને સરકારી નોકરી જોઈએ છે (જે વાસ્તવમાં એટલી અસ્તિત્વમાં જ નથી!) તેને શિક્ષણમાં મેરિટના ભોગે અપાતી અનામતથી પોતાને અન્યાય થતો હોવાની તીવ્રતા છે. આંશિક રીતે તે સાચી પણ છે, પરંતુ હાલનાં શિક્ષણમાં ઘણો મોટો વિદ્યાર્થી વર્ગ ખાસ અભ્યાસ કર્યા વિના મબલક માર્કસ મેળવે છે તેવી યે હાલત છે તેમાં સ-વર્ણ, અ-વર્ણ, પછાતની કોઈ સરહદ નડતી નથી! ગુજરાતમાં શિક્ષણની મોટા ભાગની હાલત પેલી કહેવત ‘ધકેલ પંચા દોઢસો’ જેવી થઈ ગઈ છે.
આમાં પાટીદારોએ શરૂઆત કરી છે આંદોલનની. ‘અનામત આપો યા ગાદી છોડો’ આવી તેની માગણીને પ્રતિસાદ આપવા હજારો નહીં, લાખ્ખોની સંખ્યામાં સર્વત્ર સભાઓ થાય છે. તેનો નેતા - વીરમગામ પાસેનાં એક ગામડાનો શિક્ષિત યુવાન - હાર્દિક છે. હવે તે બોલે છે કે ‘અમે ગાંધીનો રસ્તો અપનાવ્યો છે, જરૂર પડ્યે ભગત સિંહનો પણ અપનાવીશું!’ એ લલકારે છે કે મુખ્ય પ્રધાન અમારાં ફોઇબા છે, તો આ ભાણિયા-ભત્રીજાઓની વાત તો સાંભળો! સરકારે તપાસ સમિતિ નિયુક્ત કરી તેના પ્રમુખ વરિષ્ઠ પ્રધાન નીતિન પટેલ છે. આંદોલનકારીઓ સાથે તેમની બેઠકો યોજાય છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી. મંત્રી પરિષદે વિચારણા કરી. કોરાબારીના નેતાઓનો વિમર્શ થયો. દરમિયાન આંદોલન તો વધ્યું. બીજે લાખેકની મેદની થઈ, સુરતમાં પાંચ લાખ થયા હવે ૨૫મીએ ૨૫ લાખની વાત થાય છે, એટલા ન થાય અને તેનાથી અરધા ભેગા થાય તો યે અમદાવાદની જન-સભામાં એ વિક્રમ હશે!
ગાંધીની જેમ યુવાનો ભગત સિંહનું નામ લેતા થાય એ સારી વાત છે, પણ ઉમેરવા જેવું એ છે કે ભગત સિંહે આખા દેશની - નાતજાત, કોમ, સંપ્રદાય વિનાની - આઝાદી માટે બલિદાન આપ્યું હતું. નવી જુવાન પેઢીને આપણી શાળા-મહાશાળાઓ, યુનિવર્સિટીઓ, સંસ્થાઓ આ વાત શીખવાડવામાં, અને તે દિશામાં પ્રેરિત કરવામાં - નિષ્ફળ ગઈ એટલે આ છોકરાઓ - બેશક, પોતાને લાગતા સાચાખોટા અન્યાયની ખિલાફ - જાય છે.
૨૫મી પછીનાં ‘અનામતી ગુજરાત’ની વાત આપણે આગામી અંકે કરીશું.