ગુજરાતમાં વિસ્ફોટક મુદ્દાઓની ખોટ છે, પણ...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 15th June 2016 08:39 EDT
 
 

આજકાલ ગુજરાતમાં ઓલ ક્વાયેટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ જેવી મોસમ પ્રવર્તે છે. મીડિયામાં પણ કોઇ ચોંકાવનારા મુદ્દાઓ નથી. રાજકીય અફવાઓનું વાવાઝોડું શમી ગયું છે. કુશળ પ્રધાનો અને સચિવો સંવાદદાતાઓને માનભેર ચા પીવડાવીને પાછા વાળે છે. આનંદીબેન જશે કે નહીં, જશે તો ક્યારે જશે, તેમની જગ્યા કોણ લેશે એ સવાલો ક્યાંય દેખાતા નથી. પ્રધાનો ઠાવકા મોઢે કહે છે કે અત્યારે તો અમારું વિકાસ પર્વ ચાલે છે, તેની વિગતો મેળવવી હોય તો ‘શ્રી કમલમ્’ (ભાજપાનું અમદાવાદ-ગાંધીનગરની વચ્ચેના રસ્તે આવેલું પ્રદેશ કાર્યાલય) જાઓ, ત્યાં વિગતો મળી રહેશે. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી હજુ પ્રધાનપદે ય ચાલુ છે તેમણે બેવડી કામગીરી બજાવવાની આવે છે. ભીખુભાઈ દલસાણિયા, ભરત પંડ્યા વગેરે કાર્યાલયમાં સક્રિય છે. કાર્યકર્તાઓએ શું અને ક્યાં બોલવું તેના શિબિરો પણ ચાલે છે.

ચૂંટણીનું નિશાન

એટલે કે પક્ષે ૨૦૧૭ની તૈયારી આરંભી દીધી! મુખ્ય પ્રધાન ગુજરાતમાં ચોતરફ પ્રવાસ કરી રહ્યાં છે અને નવી નવી યોજનાઓ, મહિલા સંમેલનો, વિકાસ કાર્યોનાં ઉદ્ઘાટનો વગેરે કરતાં રહ્યાં છે. તેમના પ્રવચનોમાં મુખ્ય ઝોક વિકાસકામોનો રહ્યો છે. રાજકીય ટીકાટિપ્પણીથી મોટા ભાગે દૂર રહે છે, પણ ક્યારેક કોંગ્રેસની ઝાટકણી કાઢે છે. હમણાં શાળા પ્રવેશોત્સવમાં દૂરદરાજનાં ગામડાંઓ સુધી પ્રધાનો - ધારાસભ્યો - નિગમોના અધ્યક્ષો - પક્ષના હોદ્દેદારો - સચિવો પહોંચ્યા અને શાળા-શિક્ષણને નજરોનજર નિહાળ્યું હતું. આ એક સારી વાત છે કે શાળા-પ્રવેશોત્સવ શિક્ષણ માટેનો માહૌલ સર્જવામાં ઉપયોગી થાય છે. બીજી તરફ જાન્યુઆરીમાં યોજાનારા વાઇબ્રન્ટની તૈયારી ચાલી રહી છે. સચિવોની સમિતિ તે કામ કરી રહી છે. તેને માટેના પ્રવાસો પણ થઈ રહ્યા છે. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગપતિઓ, નિવેશકો અને રાજકીય નેતાઓ - મુખ્ય પ્રધાનો સહિતના-ને આમંત્રિત કરાયા છે. સરકારને ભરોસો છે કે જેમણે વાયબ્રન્ટની શરૂઆત કરી હતી તે પૂર્વે મુખ્ય પ્રધાન હવે વડા પ્રધાન તરીકે આ કાર્યક્રમમાં હાજર રહેશે.

‘આપ’નો સળવળાટ

ચૂંટણીનાં નગારાં રાજકીય પક્ષોને જલદીથી સંભળાય તે સ્વાભાવિક છે. કોંગ્રેસે તેને માટે ‘જનતા દરબાર’ શરૂ કર્યા છે. આ ‘દરબાર’ શબ્દ કોઈ રાજાના મહેલમાં રચાતા દરબારની યાદ અપાવે તેવો છે. તેને બદલે સંવાદ વધુ સારો શબ્દ લાગે. જે હોય તે, કોંગ્રેસ આ રીતે - લાંબા સમયથી સત્તાનું વેકેશન ભોગવી રહી છે ત્યારે - સક્રિય થઈ હોય તેવું લાગે છે.

આની વચ્ચે ‘આપ’ નામે કેજરીવાલ પક્ષનો યે સળવળાટ શરૂ થઈ ગયો! કનુભાઈ કળસારિયા તેના અગ્રણી છે. હવે ‘આપ’ને લાગે છે કે વર્તમાન પરિસ્થિતિમાં મોકો મળશે. જોકે ‘આપ’ના દિલ્હી નેતાઓ ગુજરાતમાં કોઈ મોટી આશા રાખે તેવા ભ્રમમાં નથી. ગુજરાતમાં ‘આપ’નું ઉપરથી નીચે સંગઠનાત્મક માળખું નથી, પણ રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતો એક વર્ગ જુદાં જુદાં શહેરોમાં ‘આપ’નો રસ્તો અજમાવે તેવી શક્યતા છે. કચ્છ ભાજપના એક વરિષ્ઠ નેતા હમણાં કહી રહ્યા હતા કે બીજું કંઈ નહીં તો મત બગાડે તેટલું જોર તો ‘આપ’ જરૂર કરી શકે તેવી હિલચાલ ચાલે છે. ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટોને આ પક્ષ અનુકૂળ પડશે એમ માનવામાં આવે છે. પરંતુ આ બન્ને પક્ષો પોતાના નેતા - કાર્યકર્તાઓને સાચવી લેવાની લાંબા સમયની કુશળતા ધરાવે છે. અનેક રીતે વિચાર્યા પછી જ કાર્યકર્તા પક્ષ છોડતો હોય છે, અન્યથા નાના-મોટા અસંતોષને મનમાં રાખીને તે એવું પગલું ભરતો નથી.

‘આપ’ને બહુ બહુ તો સદાકાળ સેક્યુલર, મોદી-વિરોધી, સંઘ-વિરોધી એવો એક વર્ગ મળી રહે, જે નિવેદનો કરવામાં હોંશિયાર છે, પરંતુ આ બોલકા વર્ગનો નાગરિકો પર કોઈ પ્રભાવ નથી. ત્રીજા વિકલ્પ તરીકે ‘આપ’ અને તેના સમર્થકો સફળ થાય તેવું કોઈ વાતાવરણ નથી.

ગુલબર્ગ કાંડ - કેટલાક પ્રશ્નો

દરમિયાન ગુલબર્ગ હત્યાકાંડમાં આરોપીઓનો છૂટકારો અને સજા પર સુનાવણી - દલીલો ચાલી રહી છે. એ દલીલો પૂરી થયે સજાનાં વર્ષો કે સ્વરૂપ નક્કી થશે. કેટલાક કહે છે કે ફાંસી થવી જોઈએ, પણ બીજો વર્ગ જણાવે છે કે આ ઘટના ગોધરાની પ્રતિક્રિયા હતી, કાવતરું નહોતું. વળી અહેસાન જાફરીએ પોતે જ મકાનમાંથી ગોળીબાર કર્યા બાદ ટોળું ઉશ્કેરાયું હતું. આ ગોળીબારમાં યે કેટલાકનાં મોત થયાં હતાં. વકીલોની દલીલો આ મુકદમાને ન્યાય-અન્યાયની વ્યાપક સમીક્ષાનો મંચ બનાવી શકે છે. દલીલો સાંભળી લીધા પછી આ કેસનો ચુકાદો અપાશે. વાત ત્યાં પૂરી થઈ જવાની નથી. ઉપલી અદાલતમાં મુકદમો આગળ ચાલશે.

ગુણવંત શાહનું સન્માન

સાહિત્ય અકાદમીએ હમણાંથી ગુજરાતના કવિ - વિચારક - સર્જકોને સન્માનના સમારંભો શરૂ કર્યા છે. વિનોદ ભટ્ટ, માધવ રામાનુજ, ગુણવંત શાહનો તેવો સરસ કાર્યક્રમ થયો. જે કામ સાહિત્ય પરિષદ કરી શકતી નથી તે અકાદમીએ શરૂ કર્યું તે નોંધપાત્ર છે. માત્ર અકાદમીએ પોતાના વહીવટમાં ક્યાંય આશંકા ઊભી ન થવી જોઈએ એટલું કરવાનું બાકી છે.


comments powered by Disqus