રાજભવનમાં હમણાં પાંચમી ઓક્ટોબરે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ – સાહિત્ય – પત્રકારત્વના મહાનુભાવોને બોલાવ્યા અને ‘વર્તમાન પરિસ્થિતિમાં ગાંધીદર્શનનું ઔચિત્ય’ પર ચર્ચા અને ચિંતન માટે પ્રેરિત કર્યાં. રાજ્યપાલશ્રી પોતે પણ સ્વભાવે શિક્ષક અને કર્મે ચિંતક પણ છે. રાજભવનને તેમણે ‘રાજ’ ઉપરાંત ‘લોક’ ભવન પણ બનાવી દીધું છે. જે મહાનુભાવો ઉપસ્થિત હતા તેમાં ગુજરાતની યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, અધિકારીઓ પણ હતા. જેમણે ટૂંકાં (અને ક્યારેક લાંબાં) વક્તવ્યો આપ્યાં તેમાં સર્વશ્રી ડો. કુમારપાળ દેસાઈ, સ્વામી નિખિલેશ્વરાનંદ, અજય ઉમટ, કુલપતિ શશીરંજન યાદવ વગેરે હતા.
રાજ્યપાલે ગાંધી-વિભાવનાની સરસ વાત કરી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સદ્ભાવના અને સહમિલનના સ્વાનુભવને જણાવ્યો અને કહ્યું કે જાતિવાદના ભસ્માસૂરને નષ્ટ કર્યા વિના છૂટકો નથી. નિખિલેશ્વરાનંદ ગાંધી-વિવેકાનંદના સારગર્ભ ઉપદેશ અને આચરણ વિશે બોલ્યા. અજય ઉમટે આધુનિક પરિવેશમાં ગાંધીની પ્રસ્તુતતાના વિચારો જણાવ્યા. કુમારપાળ દેસાઈએ ગાંધી-ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર વિશે વિગતે વાત કરી.
મારે ‘વ્યક્તિ અને વ્યવસ્થા’ બન્ને બદલાય તો જ ગુણાત્મક પરિવર્તન આવે તેવી ભારતીય ભૂમિકાની વાત કરવી હતી. ગુજરાતમાં આ પ્રકારની ગોષ્ઠિનો આરંભ થયો તેને આંશિક ક્રિયાન્વયન (અમલીકરણ)માં બદલાવવા માટે ગાંધીને સમજવા પડે! સાચી રીતે સમજવા પડે! તેમની અનેક બાજુ એવી રહી કે તે ગળે ઉતરે નહીં. ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તેમણે સાવરકરની વિચારધારા, ‘ઇન્ડિયા હાઉસ’ અને શ્યામજી કૃષ્ણવર્માની પ્રવૃત્તિઓ, મદનલાલ ધીંગરાએ લોર્ડ કર્ઝન વાયલીનો જાહેરમાં કરેલો વધ અને તેના લીધે અપાયેલી ફાંસી, ફાંસી પૂર્વેનું તેનું અંતિમ નિવેદન – આ બધું ગાંધીજીને માટે આઘાતજનક હતું. ‘અસીમ દેશપ્રેમ’ને સ્થાને તેમણે તે સમયે જ ‘અહિંસા’ને અગ્રીમ ગણીને સ્થાન આપ્યું અને આ ઘટનાઓની પ્રતિક્રિયારૂપે, સમુદ્ર રસ્તે પાછા ફરતાં, જહાજમાં જ તેમણે પુસ્તક લખ્યું તે ‘હિન્દ સ્વરાજ’. મૂળ ગુજરાતીમાં જ તે લખાયું. તેમાં તેમણે ભારતમાં રેલવે, વીજળી, અદાલત વગેરે ન હોવાં જોઈએ એવો તર્ક આપ્યો છે. અંગ્રેજોનાં પૂર્વે ભારત વધુ અસરકારક હતું, પશ્ચિમી વિજ્ઞાન-સભ્યતા દેશનો દાટ વાળશે એવો આ પુસ્તકનો મર્મ છે, પરંતુ ગાંધીજીને સમજવા હોય તો તેમનાં જીવનનાં છેલ્લાં વર્ષોમાં જે વિચાર્યું તે ભારે મહત્ત્વનું છે. તેમના અંતેવાસી ડો. પ્યારેલાલે ૩૦ વર્ષના સાથ દરમિયાન ગાંધીને સાંભળ્યા, વિમર્શ કર્યો તેમાંથી નીપજેલું પુસ્તક ‘લાસ્ટ ફેસ’ છે. ‘પૂર્ણાહુતિ’ નામે ગુજરાતીમાં સરસ અનુવાદ થયો છે. મહાદેવભાઈની ડાયરીની જેમ, ૧૯૪૨ પછી (કેમ કે મહાદેવ દેસાઈનું યરવડા જેલમાં અવસાન થયું હતું) જે વિગતે નોંધ અને વિચારો અપાયા તે આ ચાર ગ્રંથોમાં સમાવિષ્ટ છે.
‘પૂર્ણાહુતિ’ ગાંધીજીની ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ની છેલ્લી વિદાય સુધીનો દસ્તાવેજ છે. તેમાં ‘ભાવિ સમાજરચનાની દિશામાં’ અને ‘લોકશાહીમાં વિકાસના રસ્તે પ્રગતિ’ના જે બે પ્રકરણો અપાયાં તેના ૩૦૦ પાનાં થવા જાય છે. ગાંધી અને અહિંસા, સત્યાગ્રહ, ભારત-વિભાજન, સમાજવાદ, મુક્ત અર્થતંત્ર, સંસદીય લોકશાહી, ગ્રામવિકાસ, પંચાયત રાજ, રાજકર્તાઓ અને પ્રશાસનઃ એમ વિવિધ વિષયો પર ગાંધી આટલાં ઊંડાણથી ભાગ્યે જ વ્યક્ત હશે.
ગાંધીજી વિશે ઘણાં પુસ્તકો લખાયાં, તેમાંના કેટલાંક મેં વાંચ્યા છે, તેમાં ખ્યાત માર્કસવાદી વિચારક હંસરાજ રહેબરનું ‘ગાંધી બેનકાબ’ અને લૂઈ ફિશરનું ગાંધીજી સાથેના દિવસોનું પુસ્તક પણ છે. રાજમોહનને વાંચવાના બાકી છે. મેં પણ એક પુસ્તક ‘ગાંધી - સરદાર – સુભાષ’ લખ્યું હતું, પરંતુ આ બધામાં પ્યારેલાલ વધુ આધિકારિક લાગ્યા છે. (બાકી તો ગાંધીને સંપૂર્ણ સમજવાની કોઈની સજ્જતા ક્યાં છે?) ખુદ અટલ બિહારી વાજપેયીએ ૧૯૭૬માં મને કહ્યું હતું કે ‘ગાંધી કો સમજને કા આધાર ‘પૂર્ણાહુતિ’ હૈ.’
‘ગાંધી’ ચૂંટણીમાં ગાજશે!
ગાંધીજીનાં દોઢસોમા વર્ષે આ વાત વિચારવા જેવી છે. ગાંધી જન્મ શતાબ્દી વખતે કવિ ઉમાશંકર જોશીએ કહ્યું હતુંઃ ‘ઓછામાં ઓછું આ વર્ષે એવું કરીએ. ગાંધીનું નામ ન લઈએ!’ આજની પરિસ્થિતિમાં તો એક, બે, ત્રણ, ચાર, પાંચ ગાંધી છે! મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને બેશક, પ્રિયંકા ગાંધી! પાંચ રાજ્યોની વિધાનસભા અને ૨૦૧૯માં લોકસભા ચૂંટણી દરમિયાન આ બધાંનાં ગાંધી - ગુણ – કીર્તનથી આકાશ છવાઈ જશે. રાહુલ – જેની પાસે ન તો ઇતિહાસનું કોઈ જ્ઞાન છે, ન સમજ – તેણે લંડનમાં આવીને જાહેરમાં કહી દીધું કે આરએસએસ અને મુસ્લિમ બ્રધરહુડ એકસરખા છે! ભલું હશે તો હવે કોથળામાંથી બિલાડું કાઢશે કે આરએસએસે ગાંધીજીની હત્યા કરાવી હતી. કદાચ, અગાઉ તેવું બોલ્યા તેનો મુકદમો ચાલી રહ્યો છે.
બીજી તરફ ભાજપે ગાંધીજીનાં દોઢસોમા વર્ષની ઉજવણી કરવાની શરૂઆત કરી દીધી. સ્વચ્છતા સપ્તાહ ગાંધી વિચારનો જ ભાગ છે. આમાં સાચુકલા ગાંધીને હાજર કરવાની મથામણ થવી જોઈએ. તેને માટે ઊજવણી શરૂ થઈ તેમાં કશું ખોટું નથી. વિચાર-વિમર્શ થશે. ગાંધી વિચારના અમલ માટેના કાર્યક્રમોનું આયોજન થશે. નવી પેઢી તેને સમજવા મથશે. મૂલ્યાકન પણ થશે. કોઈ મહાપુરુષનું ગુણ-કીર્તન જ થાય તે જરૂરી પણ નથી.
ગાંધીની સાથે જ સ્વામી વિવેકાનંદ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ડો. રામમનોહર લોહિયાના વિચારોનો આધાર પણ ચર્ચવા જેવો છે. ગાંધીવાદ નહીં, પણ ગાંધી દર્શન. એકાત્મક માનવવાદ નહીં, પણ એકાત્મ માનવદર્શન! આ વિચારધારાના માધ્યમથી ભારતમાં એકતા, એકાત્મતા, સમરસતા પેદા કરીને નવાં નવાં વિભાજનો ટાળવાંનો આ સમય છે. ‘રુરલ નકસલીઝમ’ કે ‘લેફ્ટિઝમ’ કે ‘સેક્યુલરીઝમ’ યા ‘સોશ્યાલિઝમ’ અને ‘રિવોલ્યુશન’ જેવા નારાથી ભારતને બચાવવાનો રસ્તો, ગાંધી, તમે છો!