ગુજરાતમાં કોંગ્રેસને હવે નવા પ્રમુખ મળ્યા. જોકે ભરતસિંહ સોલંકી કોંગ્રેસને માટે નવા નિશાળિયા નથી. માધવસિંહ સોલંકીના પુત્ર ઉપરાંત કોંગ્રેસમાં એક મહત્ત્વના નેતા તરીકે તેમણે સંસદ સભ્ય, કેન્દ્રીય પ્રધાન સહિતની ઘણી કામગીરી બજવી છે.
પણ ખરી કસોટી તેમને માટે છેલ્લાં ૧૦-૧૨ વર્ષોથી ક્રમશઃ વેરવિખેર થયે જતા પક્ષમાં નવા પ્રાણ ફૂંકવાની છે, તેમાં તેમણે કામિયાબ થવું હોય તો ચોવીસ કલાકના - પૂર્ણ સમયના - પ્રમુખ બનીને પ્રદેશ કાર્યાલયમાં ધૂણી ધખાવવી પડે.
ધૂણી ધખાવનારા નેતાઓ
આ ‘ધૂણી ધખાવવી’ શબ્દ ચમત્કૃતિ લાગે તે માટે પ્રયોજાયેલું વાક્ય નથી. ભૂતકાળમાં ગુજરાત કોંગ્રેસમાં એવા ઘણા નેતાઓએ સંગઠન બનાવવામાં જીવ પરોવ્યાનો ઇતિહાસ છે. માહિતી વિભાગમાં કામ કરી ચૂકેલા અને કોંગ્રેસમાં સક્રિય વિષ્ણુપ્રસાદ દવેએ ત્રીસેક વર્ષ પહેલાં ‘ગાંધી-સરદારની કોંગ્રેસ’ પુસ્તકમાં તેવો ઇતિહાસ આલેખ્યો હતો. તે સમયના, ગુજરાતના મહારથીઓ માટે ‘જૂની-નવી’ કે ‘સંસ્થા કોંગ્રેસ - ઇન્દિરા કોંગ્રેસ’ એવા ભાગલા પડ્યા નહોતા. થોડો ઘણો વિખવાદ તો પહેલેથી હતો. અરે, તમે અમારા નેતા નથી એવું સરદાર વલ્લભભાઈને સાહસપૂર્વક કહેનારા અમૃતલાલ શેઠ પણ અહીં ‘રાજસ્થાન રાજ્ય પરિષદ’ સંસ્થા થકી ગરજતા રહેલા! પછી ઇન્દુલાલ યાજ્ઞિકે ય એવી બગાવત કરી હતી. ઢેબરભાઈ કે મોરારજીભાઈ - એવો સવાલ ઘણો મોડો આવ્યો. તે પહેલાં સૌરાષ્ટ્રનાં રાજકારણમાં આરઝી હકુમતના સરસેનાપતિ શામળદાસ ગાંધીએ વિપક્ષી નેતા તરીકે ચૂંટણીમાં ઝૂકાવ્યું હતું.
કોંગ્રેસના આંતરકલહની યે એક પરંપરા રહી. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ-વિભાજનની લકીર ખેંચી ત્યારે કાંતિલાલ ઘીયા તેમના ટેકામાં નીકળ્યા, તેવા કચ્છના મહિપત મહેતા યે ખરા. સંસ્થા કોંગ્રેસના પ્રમુખ રહેલા હિતેન્દ્ર દેસાઈએ છેક ૧૯૭૪માં - જનતા મોરચા અને કોંગ્રેસ વચ્ચેના ચૂંટણી જંગનાં મતદાનના દિવસે જ - સંસ્થા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. થોડોક સમય અ-પક્ષ રહ્યા અને પછી ઇન્દિરા કોંગ્રેસમાં પ્રવેશ કર્યો, પણ ત્યાં તેમને ફાવ્યું નહોતું તેનો પ્રામાણિક સ્વીકાર એક વાર અમદાવાદની એમ. જે. લાયબ્રેરીમાં યોજાયેલાં તસવીર પ્રદર્શનના ઉદ્ઘાટન પછી ગપસપ દરમિયાન આ લેખકની સમક્ષ કર્યો હતો.
કોંગ્રેસનો સૌથી ખતરનાક સંઘર્ષ ગુજરાત વિધાનસભા દળના નેતા તરીકે ચીમનભાઈ પટેલ અને કાંતિલાલ ઘીયા વચ્ચેની નેતાપદની ચૂંટણીમાં થયો. તે સમયે જ ‘પંચવટી’ પ્રકરણ થયું અને ઇન્દિરા કોંગ્રેસ માટે શિરદર્દ જેવી આ ચૂંટણીમાં ચીમનભાઈ જીત્યા, મુખ્ય પ્રધાન બન્યા અને તેમણે પોતે લખેલી પુસ્તિકા પ્રમાણે ‘ગુજરાતમાં અનાજ અને તેલની તંગીના સમયે કેન્દ્ર સરકારે પૂરતી મદદ ના કરી એટલે મોંઘવારીવિરોધી આંદોલનને વેગ મળ્યો હતો.’
ચીમનભાઈ અને ઝીણાભાઈ
નવનિર્માણ આંદોલને ગુજરાતનાં રાજકારણમાં કોંગ્રેસને માટે સીધા ચઢાણની શરૂઆત કરી દીધી. ચીમનભાઈ મુખ્ય પ્રધાન પદે ટકી શક્યા નહીં, કિમલોપ પક્ષની સ્થાપના કરી અને લાંબા સમય પછી વળી પાછા ‘ગુજરાત જનતા દળ’ને કોંગ્રેસમાં ભેળવીને મુખ્ય પ્રધાન પણ બન્યા હતા... આ ઇતિહાસ પણ ગુજરાતનાં પેચીદા રાજકારણનો જ છે.
એમ તો ઝીણાભાઈ દરજીનાં અને માધવસિંહ સોલંકીની ‘ખામ’ થિયરીથી નારાજ રતુભાઈ અદાણી, વાડીલાલ કામદાર વગેરેએ એક ‘રાષ્ટ્રીય કોંગ્રેસ’ની સ્થાપના કરી હતી અને બીજાં થોડાંક વર્ષો પછી દિનેશ શાહ અને બીજા કેટલાકે એવો જ પ્રયોગ કર્યો હતો, તે યાદ કરવામાં મુશ્કેલી પડે એટલા બધા ધસમસતા પ્રવાહો ગુજરાતી રાજકારણમાં થતા રહ્યા છે!
ભરતસિંહ સોલંકી સમક્ષ જે કોંગ્રેસ છે તે લગભગ જર્જરિત ખંડિયેર જેવી છે. ૧૯૯૫ પછીથી ક્રમશઃ આ સ્થિતિ સર્જાઈ એમ કહી શકાય. એવું નથી કે પક્ષને માટે તદ્દન પ્રયાસો જ થયા નહીં, પણ જે રીતે એક પછી એક - પહેલાં જનતા મોરચો, પછી જનતા દળ, તે પછી વિશ્વનાથ પ્રતાપ સિંહનો પક્ષ અને છેવટે ભારતીય જનતા પાર્ટીએ સત્તા તરફ પ્રયાણ કર્યાં ત્યારે કોંગ્રેસની મુશ્કેલી વધી પડી.
અમરસિંહ ચૌધરી, ભૈરવદાન ગઢવી, પ્રબોધ રાવળ, શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા વગેરે પ્રમુખ તરીકે આવ્યા હતા, પણ તેમાંના કેટલાકનો તો પક્ષની અંદર જ એવો અનુભવ રહ્યો કે તેમની શક્તિ વેડફાઈ ગઈ. કેટલાક તેને માટે દિલ્હીમાં કોંગ્રેસની સર્વોચ્ચ નેતાગીરીને દોષ આપે છે, કેટલાક અહમદભાઈ પટેલ તરફ આંગળી ચીંધે છે, કેટલાક પસંદગી - નાપસંદગીનાં ચિત્રવિચિત્ર વલણોને જવાબદાર ગણે છે અને પ્રજાકીય લાગણીને પ્રકટ કરનારાં જનાંદોલનનો અભાવ પણ મુખ્ય કારણ ગણવામાં આવે છે. આમાં કાર્યકર્તા, નેતા અને પ્રજાનો ત્રિકોણ કાર્યક્રમને પાછળ રાખી દે તેવી રીતે દોરાતો રહે છે એટલે ય ઘણા નેતાઓએ ભાજપના ઊગતા સુરજ તરફ વળી જવાનું પસંદ કર્યું તે સ્પષ્ટ છે.
ભરતસિંહ શિક્ષિત પ્રમુખ છે. માધવસિંહના વારસદાર છે. ખેડા-આણંદમાં તેમની વોટબેન્ક પણ છે, પરંતુ મર્યાદિત વોટબેન્કના આધારે આજના સંજોગોમાં ભાજપની સામે મજબૂતીથી લડી શકાય તેમ નથી. તેને માટે નવી સંગઠનાત્મક શક્તિ, નવી રણનીતિ અને જનાંદોલનનું સાતત્યઃ આટલું જોઈએ તેવું ભરતસિંહ કરી શકશે કે કેમ તે મોટો સવાલ તેમને પોતાને ય ન થતો હોય તો જ નવાઈ! પરંતુ કોંગ્રેસમાં ભરતસિંહને સ્થાપિત કરવા પાછળ શંકરસિંહ વાઘેલાને નાકામિયાબ બનાવવાની વ્યક્તિગત તરકીબ હોય તો કહેવું પડે કે હરિ! હરિ!
વિધાનસભામાં ‘પ્રયોગ’
આ સંજોગોમાં ‘વિધાનસભામાં કોંગ્રેસ’નો પ્રયોગ વીતેલાં સપ્તાહે દેખાતો રહ્યો. ગૃહમાં સામસામા વાણીના બાણ છૂટે એ તો જાણે ઠીક છે, પણ માનનીય ધારાસભ્યો પોતે જ છોડ અને કુંડા તોડે, ફર્નિચર ઊથલાવે તેવાં દૃશ્યો પણ સરજાયાં. ‘અમને પૂરતા બોલવા દેતા નથી’ એવી પ્રતિક્રિયાનું આ પરિણામ હતું, પરંતુ પક્ષોથી ઉપર ઉઠીને ગંભીર રીતે વિચારવા જેવી વાત એ છે કે સંસદીય લોકશાહીમાં પ્રજાકીય મતથી ગૃહોમાં (માત્ર ગુજરાત નહીં, બીજે પણ) પહોંચનારા પ્રતિનિધિઓનું સ્તર જ ગબડી પડ્યું હોય તેવું નથી લાગતું? જો પક્ષોને પોતાને ય એવું લાગતું હોય તો ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી અને પછી જો જીતે તો ગૃહમાં કઈ રીતે વર્તવું, કઈ ભાષા પ્રયોજવી તેની તાલીમ આપવાનું શરૂ કરી દેવું જરૂરી છે, આ બોધપાઠ દરેક રાજકીય પક્ષે લેવો જોઈએ.
ચૂંટણીમાં અપલક્ષણોનું શું કરીશું?
હમણાં ગુજરાતી અખબારોએ (અને અમદાવાદથી પ્રકાશિત અંગ્રેજી અખબારોએ પણ) બે ‘ચૂંટણી જંગ’ને બહોળી પ્રસિદ્ધિ આપી. ટીવી ચેનલો તેમાં બાકાત ના રહી. એક ચૂંટણી રાજપથ કલબની હતી, બીજી સ્વામિનારાયણ સંપ્રદાય, વડતાલ વિશેની. આમ તો સામાન્ય ઘટનાની જેમ લેવી જોઈએ પણ બન્નેમાં કોઈ રીતે તીવ્રતા દેખાતી રહી. રાજપથ કલબના સભ્ય-સંચાલકોની ચૂંટણી તો જાણે વિધાનસભા જંગ હોય તે રીતે થઈ. ચૂંટણી પંચની આમાં હકુમત ન હોય એટલે હાઇ કોર્ટની દરમિયાનગીરી રહી. આખા શહેરમાં હોર્ડિંગ છપાયાં, અપીલો અને અહેવાલોથી રાજપથ કલબ જાણીતી બની ગઈ. બે પેનલોની વચ્ચે ધમાસાણ યુદ્ધ જ હતું, જાણે!
સવાલ એ છે કે નાનાં કે મોટાં એકમોમાં ચૂંટણી થવી એ સ્વાભાવિક લોકશાહી પ્રક્રિયા છે, પણ તેનો અતિરેક શું સૂચવે છે? શું આવાં એકમોમાં જીતવાથી કોઈ મોટી ‘સેવા’ કરવાની તક મળી જતી હશે? સવા છ કરોડ ગુજરાતીઓમાં એક રાજપથ કલબનું અસ્તિત્વ શૂન્યથી વધારે ટકામાં ગણી શકાય તેવું ન હોવા છતાં આટલો હોબાળો?
યુનિવર્સિટીઓમાં સેનેટ-સિન્ડિકેટની અને સહકારી સંસ્થાઓમાં હોદ્દેદારોની ચૂંટણી પણ હવે નાણાકીય દૂષણોથી ખરડાયેલી હોય છે, શું તેનાથી લોકશાહી મજબૂત બને છે? કે પછી...