ગુજરાતના મુખ્ય પ્રધાન ઇઝરાયલની મુલાકાતે જઈ આવ્યા તે સારું થયું. તેમની સાથે કાબેલ અફસરો પણ હતા. હવે ત્યાંની યોજનાઓની ખૂબી-ખામી સમજીને અહીં અમલીકરણ થાય તેવી અપેક્ષા રાખીએ.
ઇઝરાયલ-ગુજરાતના સંબંધો રાજકીય કરતાં પણ સાંસ્કૃતિક અને આર્થિક વધારે છે. ઇઝરાયલની ખેતી પાસેથી કચ્છી ખેડૂત ઘણું શીખ્યો છે. ટપક પદ્ધતિનો શ્રેષ્ઠ ઉપયોગ ઇઝરાયલી ખેડૂતો કરે છે (તેમને અનામત આંદોલન કરવાની જરૂરત જ નથી. એવા ‘નેતાઓ’નેય ત્યાંની પ્રજા પસંદ કરતી નથી.) દ્રાક્ષથી ખારેક સુધીના કચ્છી પાકમાં ઇઝરાયલની પણ ભૂમિકા છે. ઇઝરાયલે સમુદ્રનાં ખારાં પાણીને મીઠું બનાવવાની બાબતમાં આખી દુનિયામાં ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતમાં તેવું કરવા માટે કરોડો રૂપિયાની મદદ વિશ્વ બેંકે આપી હતી. ત્રીસેક વર્ષ પહેલાંની એ ‘યોજના’નું શું થયું તેની આપણને ખબર નથી. કદાચ ‘ધોળા’ નાણાંને ‘કાળાં’ બનાવવાની યોજનાનો અમલ થયો હશે!
અમરેલીથી ઉમરાળા અને અન્ય વિસ્તારોમાં દરિયાઈ ખારાશને લીધે લોકોનાં શરીર ખલાસ થતાં જાય છે. યુવા વયે માણસ ઘરડો લાગે છે એટલે આ મીઠા પાણીનો પ્રયોગ જલદીથી અને વ્યાપક રીતે થવો જોઈએ તે પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સમજાયું અને આ યોજના કાગળ પરથી અમલમાં આવી, તેને વધુ અસરકારક બનાવવા માટે વર્તમાન સરકારે વધુ સક્રિય થવું જોઈએ.
ગુજરાતમાં યહુદી પ્રજા
ગુજરાતે પારસીની જેમ યહુદી પ્રજાને વહાલ આપ્યું છે. કચ્છથી અમદાવાદ સુધી તેનાં ‘સિનેગોગ’ સ્થાપિત છે. બહુ ઓછી સંખ્યામાં યહુદીઓ ગુજરાતમાં હતા તેમાંના કેટલાંક કુટુંબો ઇઝરાયલ - રચના પછી ત્યાં ચાલ્યા ગયા છે. સંસ્કૃત વિદ્યા સાથે જોડાયેલા વર્ગને માટે ડો. સોલોમનનું નામ આદરણીય રહ્યું છે. સંસ્કૃતનાં આ વિદુષી યહુદી હતાં. આચાર્ય આનંદશંકર ધ્રુવ પછી હિન્દુ ધર્મની વિશદ્ વિચારણા તેમણે કરી હતી. સૌ. આરતીને તેના પીએચ.ડીના અભ્યાસ નિમિત્તે આ વિદુષીને મળવાનું થતું. ત્યારે મેં પૂછેલુંઃ ‘તમે ઇઝરાયલમાં વસવા નથી માંગતા?’ તો હસીને કહેઃ અરે, ના રે ભાઈ, મારે તો ધોળકા ભલું અને અમદાવાદ ભલું!’ એસ્થરબહેનના ઉત્તમ ગ્રંથો ગુજરાત સંસ્કૃત અકાદમી પુનઃ પ્રકાશિત કરવાનું વિચારી રહી છે જે અત્યારે દુર્લભ છે.
અને, રુબિન ડેવિડ? કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આ પ્રકૃતિપ્રેમી વિશારદે પ્રાણ પરોવ્યો હતો. વનરાજ સિંહથી માંડીને ખૂંખાર દીપડા, હાથી, મૃગ, વાંદરા, પંખીઓના તે ‘વાત્સલ્યમય પિતા’ હતા. તેમના પુત્રી ડો. એસ્થર સોલોમન ખ્યાત લેખિકા છે. લખે છે અંગ્રેજીમાં પણ તેના ગુજરાતી અનુવાદો થયા છે. હું એક્સપ્રેસ જૂથનાં ‘ચાંદની’નો સંપાદક હતો ત્યારે તેમનાં ગુજરાતી કાવ્યો તેમાં પ્રકાશિત કર્યાં હતાં.
ભારત-પાકિસ્તાન-ઇઝરાયલ
પાકિસ્તાનની સાથે યુદ્ધ થાય ત્યારે ઇઝરાયલ અચૂક યાદ આવે. એક વાર ડો. સુબ્રહ્મણ્યમ્ સ્વામીની સાથે વાતચીત થઈ તો તેમણે કહ્યું કે મારે ઇઝરાયેલી સુરક્ષા પ્રધાન મોશે ડાયાન સાથે વાત થઈ હતી. તેણે કહ્યું હતું કે જો અમને ત્રણ દિવસ માટે જામનગર સોંપવામાં આવે તો પાકિસ્તાની અણુ મથક પર આક્રમણ કરીને તેને સંપૂર્ણ નષ્ટ કરી દઈશું.
ઇઝરાયલે ચીન-પાકિસ્તાનના આક્રમણ સમયે ભારતને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આજે પણ તેનું સાતત્ય છે તેનાં કારણો ઇઝરાયેલી દૂતાવાસે પ્રકાશિત કરેલા પુસ્તકમાં છે. તેમાં લખ્યું છે કે દુનિયાભરમાંથી યહુદીઓને હાંકી કાઢવામાં આવ્યા, જાકારો અપાયો ત્યારે એકમાત્ર ભારત જ એવો દેશ હતો કે તેણે અમોને આવકાર્યા, માન આપ્યું અને નિવાસી બનાવ્યા.
એકસરખી વિરાસત
‘નેક્સ્ટ યર ઇન જેરુસલેમ’ એ યહુદી પ્રજાનો શક્તિ-શ્રદ્ધાપૂર્વકનો દીર્ઘ ઇતિહાસ છે. આજે ભારત અને ઇઝરાયલ બન્નેમાં લોકશાહી શાસન પ્રવર્તે છે. બન્ને માટે જેહાદી ઇસ્લામીઓ (ત્યાં પેલેસ્ટાઇનમાં અને અહીં કાશ્મીરમાં) સમાન શત્રુ છે. આતંકવાદ બન્ને જગ્યાએ છે. વિવાદ એક સરખો છે આ રીતે ઇઝરાયલ – ભારતની મૈત્રી મહત્ત્વની બની રહે છે. હિબ્રુ અને સંસ્કૃત ભાષાઓમાં કેટલો બધો સાંસ્કૃતિક ખજાનો પડેલો છે.
અમેરિકા અને અન્યત્ર સરકારો યહુદીઓને પર્યાપ્ત માન આપે છે. યહુદી પ્રજા પછી તેમને માટે મહત્ત્વની ગુજરાતી પ્રજા છે. બન્ને પુરુષાર્થી સમુદાયો છે.
ગુજરાતને માટે ઇઝરાયલનું મહત્ત્વ આ દિવસોમાં સરકારી મુલાકાતથી ચર્ચાના મંચ પર આવ્યું છે.
અસામાજિકતાનો ઉપાય શો?
હમણાંથી ગુજરાતમાં સામાજિક અપરાધના કિસ્સા વધી રહ્યા તે ચિંતાજનક છે. આમાં એકલો સરકારનો વાંક નથી. કાયદો અને વ્યવસ્થાનું કામ બેશક, તેનું છે પણ સમાજની ભીતરમાં જે પ્રવાહો ચાલી રહ્યા છે તેનું નિવારણ સંસ્કાર સિંચનમાં છે. નાણાંકીય ભૂખ અને વંશપરંપરાગત વિદ્વેષ તેમાં નડતરરૂપ થાય છે. સહિષ્ણુતા ઓછી થઈ અને મા-બાપો બેદરકાર થતાં યુવાવર્ગ નશો-જુગાર-હિંસાના માર્ગે ચડે છે. તેને માટેની ‘ગેંગ’ દરેક નગરમાં અસ્તિત્વ ધરાવે છે. ચાની કીટલી તેનાં હરતાં ફરતાં કાર્યાલયો છે. હુક્કા-બાર અને કેટલાક રિસોર્ટ તેમાં મોટો ભાગ ભજવતા હતા તેમાંથી હુક્કાબાર બંધ થયા છે, પરંતુ કેટલાક તેને ખાનગી ઘરોમાં ચલાવે છે. શરાબી અડ્ડા સામાન્ય બાબત છે, ત્યાં ‘પોટલી’ સહેલાઈથી મળે.
પોલીસનો એક ભાગ કર્તવ્યનિષ્ઠ છે પણ બીજો આમાં નાણાં પડાવે છે. અઢળક કમાણી કરનારા સંપન્ન પરિવારોના નબીરાઓ અસામાજિકતામાં મોખરે છે. ઝડપી સ્પીડથી વાહનો ચલાવવાથી માંડીને રિસોર્ટમાં નશો કરવો - તે બધું કરવા માટે પાણીની જેમ પૈસા ખર્ચે છે કેટલાક કિસ્સાઓમાં તો મા-બાપ પણ એવી જ અ-સામાજિક પ્રવૃત્તિમાં સામલે થયાના અહેવાલો હતા!
જેમ સંપન્ન વર્ગ એવી જ રીતે ગરીબીમાંથી પેદા થયેલી ગેરકાયદે આર્થિક પ્રવૃત્તિ પણ સક્રિય રહે છે ત્યારે બળાત્કાર, હત્યા, જુગાર, નશાખોરીના કિસ્સા વધે છે. સોશિયલ મીડિયા પણ આમાં ભાગ ભજવે છે. આવી અ-સામાજિક સ્થિતિને નષ્ટ કરવા માટે સમાજજીવનનાં વિવિધ પ્રભાવી પરિબળો-શિક્ષણ, સામાજ સંગઠનો, ધાર્મિક પુરુષો - એકત્રિત થાય તો કંઈક પરિણામો આવે.