ઓગસ્ટ અને શ્રાવણની જુગલબંધીના આ દિવસોમાં એક હિન્દી નવલકથાની વાત કરવી છે. ઘણા સમય પછી એક સારી નવલકથા હિન્દીમાં વાંચવાનો આનંદ થયો!
નવલકથાનું નામ છેઃ ‘JNU મેં એક લડકી રહતી થી.’ શીર્ષક પોતે જ સમગ્ર કથાવસ્તુને વ્યક્ત કરી દે છે. લેખિકા ડો. અંશુ જોશીએ આ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ‘સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ’માં ડોક્ટરેટની પદવી મેળવી છે. આકાશવાણી દિલ્હીના એફએમ ગોલ્ડ ચેનલ પર છ વર્ષ સુધી પ્રસ્તુતિ અને પટકથા લેખન કર્યું, અસંખ્ય સામયિકોમાં ચાળીસથી વધુ લેખો-શોધપત્રો લખ્યા. હવે પોતાના પરિવાર સાથે હૈદરાબાદમાં નિવાસ કરે છે.
નવલકથાનું મુખ્ય પાત્ર છે આકાંક્ષા. એક વરસાદી સવારે ટેરેસ પર ચાનો કપ લઈને તે પ્રકૃતિનો આનંદ માણી રહી છે. વૃક્ષ પરથી ઊડીને શુક-સમુહ દાણા ચણવા આવ્યો, મધુમાલતીની ભીની હવામાં ખુશબૂ હતી અને હાથમાં અખબાર! અહેવાલો જેએનયુના, જાતિ અને ભ્રષ્ટાચાર માટે ખ્યાત રાજકીય નેતાના ચરણવંદન કરતો જેએનયુનો છાત્ર-નેતા... અને આકાંક્ષાના ચહેરા પર સ્મિત સાથેની ‘પોતે જ્યાં શ્વાસ લીધા હતા તે જવાહરલાલ યુનિવર્સિટી’ની સ્મરણ-કેડી...
આ સ્મૃતિમાર્ગે જે પડાવ આવ્યા તેમાં ન જાણે કેટકેટલા પડાવ આવે છે - યુનિવર્સિટીમાં પ્રવેશની મુગ્ધતા, સપનાંઓનો સંગાથ, નવા મિત્રો, નવો માહૌલ, સ્વૈરવિહારનો પડછાયો, અલગ જિંદગીનો નશીલો સ્વાદ, મહત્વાકાંક્ષા, પીડા, આઘાત અને પ્રત્યાઘાત...
આકાંક્ષાની યુનિવર્સિટી-કથા આમ તો જાણે એક સીધી રેખા પર ચાલતી-દોડતી લાગે. પણ દેશવિદેશે મશહુર આ યુનિવર્સિટીનો પોતાનો અસબાબ છે. નેહરુજીએ સ્થાપેલી આ વિદ્યા-સંસ્થા પોતે સમાજ પરિવર્તનનો મુખ્ય સ્ત્રોત હોય તેવું માની બેઠેલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓથી કાયમ જીવંત રહી છે. ત્યાં દુનિયામાં બીજે જેનો મોહભંગ થઈ ચૂક્યો હોય તેવા ‘ક્રાંતિ’ના ભંગારના ડાબેરી સોદાગરોનો જમાવડો છે. તેમને માટે માર્ક્સ, લેનિન, માઓ-ત્સે-તુંગ, ફીડલ કાસ્ટ્રો, નકસલવાદ, કાશ્મીરની ‘આઝાદી’, માનવાધિકારનો ઝંડો, લાલ સલામ, બુર્ઝવા સમાજનો વિરોધ, સંપન્ન-વિપન્ન વચ્ચેનો વર્ગ વિગ્રહ, ભારતીય સેનાનો ધૂત્કાર, દલિત-પીડિતનું વર્ગવિહીન સમાજ સ્થાપન... આ બધા મુખ્ય મુદ્દાઓ છે, આચરણમાં તો તે લોકો જુલુસો કાઢે છે, બેનર્સ ફરકાવે છે, ઝીંદાબાદ-મુર્દાબાદના નારા લગાવે છે, હડતાળો પાડે છે, ચૂંટણીમાં સ્થાપિત થવા ઝઝૂમે છે...
મોટા ભાગના વિદ્યાર્થીઓને આ માહોલ નાપસંદ છે, પણ છેક યુનિવર્સિટીના સ્થાપનાકાળથી એવું પ્રતિપાદન કરાયું કે અહીં ‘પ્રગતિશીલ’, ‘ડાબેરી’, ‘ક્રાંતિકારી’ અધ્યાપકો અને તેમના છાત્રો દેશમાં ‘પ્રો-એસ્ટાબ્લિશમેન્ટ’ની ખિલાફ સંઘર્ષ કરીને નવું પરિવર્તન લાવશે. આમ કરવા માટે આ યુનિવર્સિટીમાં ભારે અનુકૂળતા છે. તદ્દન સામાન્ય ફી, સસ્તો નિવાસ, ભોજન, શિષ્યવૃત્તિ અને બીજી સગવડો મળે છે. કહેવામાં તો એવું આવ્યું કે જે પરિવારો સંપન્ન નથી, ગરીબ છે, ઉચ્ચ શિક્ષણની સવલતો માટે આર્થિક સાધનનો અભાવ છે તેમના સંતાનો અહીં ભણીગણીને વરિષ્ઠ પદે પહોંચશે.
પરિણામે જેએનયુની બે તસવીર નજર સામે છે. એક, ખરા અર્થમાં અહીં અભ્યાસ કરાવતા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ, જેમણે સંશોધન સહિતનાં ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિ મેળવી. અરે, અહીં અભ્યાસ કરી ચૂકેલા સંખ્યાબંધ છાત્રો ભારતીય સૈન્યમાં પણ સામેલ થઈને યુદ્ધ મોરચે પરાક્રમી સાબિત થયા છે.
પણ... જેએનયુનો એક બીજો ચહેરો છે. તે અલગાવવાદી છે, વિભાજક છે, વર્તમાન સ્વતંત્રતા - લોકશાહી - સૈન્ય – શાસન બધાંને ધિક્કારે છે અને ‘ક્રાંતિ’નાં સપનાં જુએ છે. તે કાશ્મીરમાં અલગાવવાદીઓ માટે મોરચા કાઢે છે, મોતને ભેટનારા સૈનિકોને બદલે આતંકવાદીઓના ઉત્સવ કરે છે, જેમને ફાંસી મળે તેને બિરદાવે છે, ‘દેશના ટૂકડા કરી નાખીશું’ એવા નારા લગાવે છે, યુનિવર્સિટી કેમ્પસમાં અલગાવ અને ધિક્કારનો માહોલ કાયમ રાખવા પ્રવૃત્ત છે, તેમને ‘આઝાદી’ જોઈએ છે...
આ જે બીજી છાવણી છે તેમાં છાત્રો તો કેવળ માધ્યમ છે, હથિયાર છે. પડછાયો તો બીજા કોઈનો છે, તે ફંડ આપે છે, પીઠ થપથપાવે છે, સંગઠનની ચૂંટણી લડાવે છે, ઉશ્કેરણી કરે છે.
આકાંક્ષાની ઉજ્જૈનથી દિલ્હી સુધીની પ્રથમ સફર પોતે જ સપનાંઓની સહેલગાહ જેવી છે. એક નવું મહાનગર દિલ્હી, તેની લીલીછમ હરિયાળીમાં નેહરુ યુનિવર્સિટી, તેનાં છાત્રાલયો, વર્ગો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો... મુગ્ધતા અને મહત્ત્વકાંક્ષા એક સાથે આકાંક્ષાના સંગાથી છે, અને પછી -
યૌવનના ઉદ્યાનમાં જે પુષ્પો ખીલે છે તેની સુગંધ સા-વ અલગ. બચપણ કે ગૃહસ્થી કે વૃદ્ધાવસ્થામાં તેની ઉપસ્થિતિ અસંભવ! ‘છોટી સી આશા, ઊડને કી આશા...’ જેવી મનોસૃષ્ટિ. આસપાસ-ચોપાસ બધું જાણે કે પોતાને અસીમિત સ્નેહ સાથે આલિંગનમાં લેવા બોલાવતું ન હોય! ‘વણદીઠેલી’ અને ‘નજર સામેની’ ભોમ પર બસ, દોડવું છે, દોડતાં રહેવું છે...
આકાંક્ષાએ આવો જ મુગ્ધ પ્રવેશ કર્યો અને પહેલા વળાંકે જ એવી દુનિયા મળી, જેને પામવા માટે તે બાકી બધું ભૂલી ગઈ. માતાપિતા, ભાઈ, સગાવહાલાં અને જેને માટે આવી હતી તે અભ્યાસ પણ! જે અધ્યાપકો મળ્યા, અને મિત્રો - તે બધા આવા ‘લાલ’ રંગે રંગાયેલા હતા. ‘ક્રાંતિ’ કરવી હતી તેમને. શોષણ કરતાં પરિબળોને નષ્ટ કરવા હતાં, એકસરખો હક્ક ધરાવતા અને ભોગવતા સમાજનું નિર્માણ કરવું હતું, ધર્મ – સંપ્રદાય – જાતપાત બધું ઉકરડો છેઃ બંધન – મુક્ત જિંદગી...
આકાંક્ષાએ ઉજ્જૈનમાં, અધ્યાપક માતા-પિતા અને ભાઈ સાથે કે કોલેજમાં જે ક્યારેય અનુભવ્યું નહોતું તે અહીં નજર સમક્ષ, ડગલે ને પગલે મળ્યું. શરૂઆતમાં તો તે સંકોચાઈ. તેના ‘દેશી’ પહેરવેશની સહેલીઓએ અને મિત્રોએ મશ્કરી કરી. પછી ‘ક્રાંતિ’ની સમજ આપતા વિદ્યાર્થીઓની સંગત થઈ. અહીં હોસ્ટેલોમાં કોઈ પ્રતિબંધો નહોતા, છોકરા-છોકરીઓ મુક્ત રીતે આવે, જાય, રાતે પણ સાથે રહેવામાં કોઈ બાધા નહીં.
આકાંક્ષાને આ બધું સમજતાં - પચાવતાં થોડી વાર લાગી પણ એક વાર ક્રાંતિ, નોમાન અને બીજા વિપ્લવી, સંગઠક છાત્ર-નેતાઓની મૈત્રી થઈ એટલે વેશ બદલાયો, માનસિકતા બદલાઈ. સિગારેટ, શરાબ, ગાંજો, અને પરાકાષ્ઠા જેવો પડાવ – સહશયન. આકાંક્ષાને તો ‘ક્રાંતિ’ નામે યુવક સાથે લગ્ન કરીને જીવનસંગિની બનવાનું સપનું હતું, હવે તે ‘ઉજ્જૈન-કન્યા’ નહોતી રહી, જીન્સ-કુર્તા, કાજળ આંજેલી આંખો, માથાના ખૂલ્લા ફરફરતા વાળ, કાનમાં સુવર્ણ-કુંડળ... યુનિવર્સિટી પરિસરમાં તે છવાઈ ગઈ. ચૂંટણીમાં ઉમેદવાર બની, જીતી ગઈ. ‘માર્કસવાદી વિચાર’ની વાહક બની. GSCASH (Sensitisation Committee Against Sexual Harresment) જેવી સમિતિ સાથે ખૂલ્લો વિમર્શ કર્યો.
‘બહનજી’નો ભૂતકાળ તેણે છોડી દીધો હતો. એક ‘સ્માર્ટ’, ‘મોડર્ન’, ‘રિવોલ્યુશનરી’ યુવતી બની ગઈ. ‘બુર્ઝવા’, ‘પ્રોલિટેરિએટ’, ‘ઇકોનોમી’, ‘કમ્યુનલ’, ‘રિએક્શનરીઝ’, ‘સેક્યુલર’, ‘ફેમિનિસ્ટ’, ‘ડેવલપમેન્ટ’, ‘સોસાયટી’, ‘હ્યુમન રાઇટ્સ’, ‘સામ્રાજ્યવાદી’, ‘વિસ્તારવાદી’, ‘ફ્યુડલ’, ‘પેટ્રિયાર્ક’... શબ્દોનો નિત્ય વપરાશ કરવા લાગી. ‘ડિબેટ’ એ અહીંનો મુખ્ય એજન્ડા. ‘ડિબેટિંગ સોસાયટી’ જ દેશમાં સમાનતા અને સમાજવાદનું સ્વર્ગ ઉતારી લાવશે એવો આગ્રહ. આકાંક્ષાને મોડેથી અનુભવ થયો કે શબ્દોના આ રંગીન ચોસલાં જ હતાં, અંદર તો જાતિ - જ્ઞાન – અહંકાર – દ્વેષ – સેક્સનો કાદવ ખદબદતો હતો!
આકાંક્ષાનો પહેલો પ્રેમી ‘ક્રાંતિ’ દેખાવે તો બુદ્ધિશાળી કર્મઠ છાત્ર-નેતા હતો, પરિવર્તનની ફિલસૂફી તેના હોઠ પર હતી, કુશળ સંગઠક હતો, તેના દરેક વિચારમાં હલબલાવી મૂકે તેવો ધાર હતી... આકાંક્ષાને તે ધીરે ધીરે બધું સમજાવતો ગયો. ‘અ વોક ઇન ધ ક્લાઉડ્સ’ ફિલ્મ જોવા સાથે લઈ ગયો (પહેલી વાર આકાંક્ષા કોઈ યુવકની સાથે એકલી ફિલ્મ જોવા ગઈ હતી) પછી રાત્રિ-સફરમાં પરસ્પર વાતો થઈ. ક્રાંતિએ પોતાના વિશે જણાવ્યું, પૂછયું. હેમંત કુમારનું ‘તુમ પુકાર લો...’ ગીત ગાયું, અને થોડીક ક્ષણો પછી તેની નિકટ આવીને ચૂમી લીધી. તેણે ક્રાંતિના ખભા પર માથું ઢાળી દીધું.
આ નવા પડાવના અંતહીન ભવિષ્યની તો ક્યાં પહેચાન હતી? સાથે શરાબ પીધો, નશો કર્યો, દેહબંધન પણ છૂટી ગયું... ગર્ભનિરોધક ગોળી પણ ક્રાંતિએ જ અપાવી. અને એક દિવસે, લાંબા અંતરાલ સુધી ન મળવાથી અજંપો અનુભવતી આકાંક્ષાને બીજા એક મિત્ર નોમાને તસવીરો આપી. જેમાં ચમચમાતી મારુતિ કારનાં દહેજ સાથે ક્રાંતિ ઉર્ફે આદિ વિશેષ પાંડેય પોતાની જાતિની એક ‘દુલ્હન’ સાથે ઊભો હતો!
મોહ જેટલો આકાશી હોય એટલો જ મોહભંગ જમીની હોય છે! આકાંક્ષાની હતાશા-દુરાશા તેને અધિક સ્વૈરવિહારી લાલસા તરફ દોરી ગઈ. છેવટે તેના ભાઈ આદિત્યને ખબર પડી, તેણે માતા-પિતાને જણાવ્યું. માની દૃઢતા પોતાની એકમાત્ર કન્યા-સંતાનના ભટકાવને સમાપ્ત કરવાની હતી તે આવી જેએનયુમાં. જેમણે ઉદ્દામ નશો કરાવ્યો તેવા અધ્યાપકને ય મળીઃ ‘તમારાં સંતાનો તો વિદેશોમાં ભણે છે, અહીં અમારા જેવા મધ્યમ વર્ગના મા-બાપોના સંતાનોને નશા તરફ ધકેલો છો?’ આકાંક્ષાએ પહેલાં તો માતાને કહ્યુંઃ ‘મારા વિશે નક્કી કરનારી હું જ, તું નહીં!’ એટલે માતૃશક્તિનો પરચો મળ્યો. એક તમતમતી થપ્પડ તેના ગાલ પર પડી. તેને ઉજ્જૈન લઈ ગઈ. નશાની ટેવ છૂટતાં વાર લાગી. પણ છેવટે તેને લાગ્યું કે ક્રાંતિ કરવાનો નશો અને મુગ્ધતાએ તેને બરબાદીના રસ્તે દોરી હતી... હા, તે ફરી વાર જેએનયુ ગઈ, પૂર્વ ‘આકાંક્ષા’ બનીને. અભ્યાસ કર્યો અને સિદ્ધિ તરફ વળી...
આ જુઓ તો એક સીધી સાદી કથા છે. ‘મુઝે પૂરા ચાંદ ચાહિયે’ હિન્દી નવલકથા એક રંગકર્મી સાહિત્યકારે લખી હતી તેનું સ્મરણ થઈ આવ્યું. અંશુ જોશીની કથાનાયિકા આકાંક્ષામાં, લેખિકાએ સ્વીકાર્યું છે તેમ સ્વાનુભવ અને સ્વાનુભૂતિનો પડછાયો છે, પણ આ જીવનકથા નથી. પોતાના અનુભવો વિશે અંશુ જોશી લખે ત્યારે જેએનયુનો ચહેરો વધુ સ્પષ્ટ થશે. પરંતુ અહીં સમગ્ર વાતાવરણ જેએનયુનું જ છે. કેટલાંક વર્ણન તેનાં સાક્ષી છેઃ
‘બીજું લેક્ચર વિમલ સરનું હતું. એ તુલનાત્મક રાજનીતિ ભણાવતા હતા. ધારદાર અંગ્રેજીમાં તેમણે જેએનયુની સંસ્કૃતિનાં વખાણ કર્યાં. અહીં મહાન માર્કસવાદી સંઘર્ષને કારણે ‘ઇન્ટેલેકચ્યુઅલ’ વાતાવરણ અને ‘પર્સનલ ફ્રીડમ’ સ્થાપિત થયાં છે તેને ‘કમ્યુનલ’ શક્તિઓ ખલાસ કરવા માટે સક્રિય છે.’
‘આ જુલુસ આપણને ક્રાંતિના માર્ગે લઈ જશે. અહીં આપણે મશાલ નહીં, દિલમાં જ્વાળા જગાવીએ છીએ. આપણે સરકારની સામે લડીને હક્ક મેળવવા છે.’ સદરે જણાવ્યું.
‘લે કર રહેંગે આઝાદી’, ‘કાશ્મીર માંગે આઝાદી’, ‘ખૂની સરકાર હોશમેં આઓ, હોશમેં તુમકો આના હોગા, વરના તુમ્હેં જાના હોગા’, ‘લાલ સલામ...’ નારા શરૂ થયા.
‘છેવટે ‘દેશ’ એટલે શું વળી? ભારતની સંકલ્પના અને આઝાદી નકલી છે. ભારતનું કોઈ અસ્તિત્વ જ નથી. આ તો અલગ – અલગ ‘દેશો’નો બનેલો છે. કઈ આઝાદી? કઈ એકતા? તું ગુલામ છે. ભાષાની ગુલામી, પરિવારની ગુલામી, સમાજની ગુલામી, દેશની ગુલામી... એક સારી છોકરી રહેવાનો બોજ ઉઠાવીને તું ચાલે છે’ મહેશે કહ્યું.
‘ક્રાંતિ બિહારના ચંદોલી જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકનો પુત્ર હતો. ત્રણ બહેનોનો ભાઈ, પોતાની બુદ્ધિશક્તિથી આગળ વધ્યો, આવતાં જ અહીં પાર્ટીનો કોમરેડ બન્યો. વિમલ સરનો માનીતો હતો, પોતાનું નામ ‘આદિવિશેષ પાંડે’ બદલાવીને ‘ક્રાંતિ’ રાખ્યું તે તેને માટે ‘શુદ્ધિકરણ’ હતું. શાદી-વાદીમાં માનતો નહોતો. આદમી અને ઔરત એક સરખાં છે એમ કહેતો. લગ્ન તો સ્ત્રીનાં શોષણ માટેની ચાલ છે. તે શરાબ પીતો, છોકરીઓ સાથે ઘૂમતો. પહેલીવાર ‘દેશી’ વેશમાં આકાંક્ષાને જોઈ તો કહે, ‘થોડું વધારે કાજળ આંજવું જોઈતું હતું, ભરતનાટ્યમની ડાન્સર લાગે છે...’ આકાંક્ષાને તેણે બદલાવી. પહેલાં વાઈન પછી શરાબ પછી નોન-વેજ, પછી...
આકાંક્ષાને અંદેશો તો હતો, અને જોયું પણ ખરું કે છાત્ર-યુનિયનની ચૂંટણી જીતવા તે જાતિવાદનો ઉપયોગ કરતો હતો, પંડિત અને મુસ્લિમનો અલગ અલગ વ્યવહાર તેણે કામે લગાડ્યો હતો. શરૂઆતમાં આકાંક્ષાને લાગ્યું કે આ તો મહાન ભવિષ્ય માટેનાં પ્રાસંગિક હથિયારો છે. તે કહેતોઃ ‘કોમરેડનો કોઈ ધર્મ નથી હોતો’. આકાંક્ષાનો હાથ પકડીને તેણે કહ્યુંઃ હું તને પ્રેમ કરું છું. શેષ ક્રાંતિને સંપૂર્ણ બનાવવા મને સાથ આપીશને?
અમેરિકી બ્રાન્ડની લેવાઇસ જીન્સ, માર્લબોરો સિગારેટ, કોકની ચુસકી, કટ્ટર જાતિવાદ, બ્રા-બર્નિંગ ફેમિનિઝમ અને બગાવતના શબ્દોની ભરમાર...
એક દલિત યુવક કમલ આકાંક્ષા સહિતની મિત્રોને એક વાર કહે છેઃ મોનિકા, આપણી સાથે આ કોમરેડો શું કરી રહ્યા છે જાણે છે? એ ઠીક છે કે તારા ગામમાં તને શોષણનો અનુભવ થયો હશે પણ એવું કદાપિ થયું છે ખરું કે તારે તહેવારો મનાવવાના બંધ કરવા પડ્યા હોય? હવે અહીં જેએનયુમાં શું થઈ રહ્યું છે. તેઓ કહે છે કે દૂર્ગાપૂજા ઉજવવી જોઈએ નહીં, તે ધાર્મિક ઝનૂની કોમવાદ છે! તેઓ આપણને કહી રહ્યા છે કે તમે મહિષાસુરના વંશજ છો. ડાબેરીઓ જાણીજોઈને આપણને - દલિતોને - મુખ્ય ધારાથી અલગ કરી દેવાનું કામ કરે છે. કડવાશભરી દે છે દિમાગમાં. ગામડામાં દીપોત્સવી-હોળી-રક્ષાબંધન ઉમંગભેર મનાવતાં તેમને શીખવાડવામાં આવે છે કે રામાયણ–મહાભારત દલિતવિરોધી છે. દુર્ગા વિશે અપમાનજનક વાત કરાય છે, તેણે મહિષાસુરને ધોખાબાજીથી મારી નાખ્યો હતો. આપણી ‘દલિત આઇડેન્ટિટી’ છે, ‘દલિત સંઘર્ષ’, ‘દલિત ક્રાંતિ’ જેવા શબ્દોની ફેશન ચલાવે છે અને અંદરખાને શોષણ કરે છે!’
આકાંક્ષાનો અસીમ સાથેનો નવો પડાવ, તેના તમામ ભ્રમનિરસન પછીનો સુગંધિત અધ્યાય બની રહ્યો તેનાં વર્ણન સાથે આ નવલકથા પૂરી થાય છે. દસ પ્રકરણ અને છેલ્લાં બે પાનાં જાણે કે કોઈ નાટ્ય-પ્રસ્તુતિનું ફીનાલે. તેમાં પણ છેલ્લી પંક્તિઓ કાવ્યની -
ઇતને કિતને સપને ઔર દો મુઠ્ઠી નીંદ
પલકોં ઝૂલે મેં પલતે હૈં
મન કે ડબ્બોમેં રખ્ખે ખુશીઓં કે મુરબ્બે
ઉમ્મીદોં મેં પલતે હૈં!
એક કપ ચાય ઔર કુછ બિસ્કિટ
ચીની કમ ઔર પત્તી જ્યાદા
આજા બૈઠ કે ગપ્પે કરેં
દોનોં બાંટે આધા-આધા
તું અપની રૌ મેં બહતી હૈ
મૈ અપની લૌ મેં જલતી હૂં
મુઝ મેં તું, તુઝમે મૈં હું
બોલ, જિંદગી ક્યા કહતી હૈ!
અંતિમ વાક્ય આપણી યે ખુશીની લહેરખીને પ્રસરાવે તેવી છેઃ ‘આકાંક્ષા કી આકાંક્ષા પૂર્ણ હો ગયી થી...’