સમુરાઈ શબ્દ તો જાપાનીઝ છે, પણ દુનિયાભરના સંઘર્ષવીરો માટે તે વપરાય છે. ગુજરાતી સાહિત્યમાં એવા ઘણા નામો છે જે સાહિત્યના સમુરાઈ હતા, તેમાંથી બે સર્જકો વિશે વાત કરવી છે.
બન્ને હતા શબ્દ-નાવડીના નાવિક, હલેસાં પણ નિજ પુરુષાર્થથી બનાવ્યા અને સાહિત્ય તેમજ પત્રકારત્વની યાત્રાએ નીકળી પડ્યા. બન્નેનું નજરે ચડે તેવું લક્ષણ એ હતું કે તેમના વિચારવામાં અને જીવવામાં કોઈ અંતર નહોતું. એ યુગ જ આદર્શોના રોમાંચનો હતો. સંઘર્ષનો હતો. સંસારસાગરના ઉછળતાં મોજાં કેવાં શંખ-છીપલાં કિનારે ઠાલવે છે, તેની તેમને ખબર હતી એટલે ક્રિયા અને પ્રતિક્રિયા, આચાર અને વિચાર, સંવાદ અને વિવાદ, સંઘર્ષ અને સમન્વય, આગ અને આંસુ... બધું સ્વીકારી લીધું. મનુષ્ય જગતની એક રંગોળી પૂરીને ભેટ આપવાની ખેવના. એટલે તો ‘સામાન્ય’માંથી ‘અસામાન્ય’ને નીપજાવવું અને તે ય શબ્દો થકી એ નિશ્ચય હતો. જ્યાં જેટલું બોલવું-લખવું એટલું જ વ્યક્ત કર્યું. તેનાથી લેખનની ગરિમા તો ઉજળી થઇ, પણ આપણા જેવા વાચકોને તો અન્યાય જ થયો. કેટલું બધું ગોપિત રાખ્યું તેમણે?
હા, હું ઝવેરચંદ મેઘાણી અને જયભિખ્ખુની જ વાત કરી રહ્યો છું. આપણે આ બન્ને વિશે જેટલા પરિચિત છીએ એ તો નદીની સપાટીએ દેખાતી હિમશિલા છે. મેઘાણીના પુત્રો મહેન્દ્ર, વિનોદ કે જયંત મેઘાણી અને જયભિખ્ખુના કુમારપાળ દેસાઈ - બન્નેને પોતાના પિતાની જીવનસામગ્રી એકત્રિત કરવામાં આવો જ અનુભવ ના થયો હોય તો જ નવાઈ!
મૂલ્યાંકન અઘરું છે. કયા માપદંડથી તેમના જીવન વિશે વાત કરવી જોઈએ?
બન્ને હતા તો વણિક. આમ તો અ-ક્ષત્રિય કહેવાય, પણ તેમની કલમે પારાવારની લડાયક બુલંદીનો અહેસાસ કરાવ્યો. હમણાં કર્નલ જી. ડી. બક્ષીનું એક પુસ્તક વાંચતો હતો. તેમણે સુભાષચંદ્ર બોઝને ભારતીય સમુરાઈ કહ્યા છે. શું મેઘાણી અને જયભિખ્ખુ ગુજરાતી સાહિત્યના એવા સમુરાઈ ગણી શકાય? બન્ને વણિક, પણ ક્ષત્રિય અને બ્રાહ્મણ પણ ખરા. જ્ઞાનના ગુરુશિખર તરફનું આરોહણ કરનારને જો બ્રાહ્મણ કહેવાયો હોય તો શબ્દ અને સંશોધનના માધ્યમથી તત્વ સુધીની ડૂબકી મારનાર આ બન્ને સર્જકો બ્રાહ્મણ હતા. સાહિત્યનો શબ્દબ્રહ્મ સંગોપવાની તેમની કોશિશ રહી, સાહિત્યના વિવિધ સ્વરૂપોને જીવનના આરાધ્ય માટે પ્રયોજવા એ સામાન્ય વાત નથી. નવલકથા, નવલિકા, કવિતા, લેખ, નાટક, આત્મકથ્ય, ઈતિહાસ... બધા સ્વરૂપો અજમાવ્યા.
હવે વાત સ્થળ વિશેષની. આમ તો એ સ્થૂળ સંજ્ઞા કહેવાય. વ્યક્તિ ગમેત્યાં જન્મે અને રહે ત્યાં તે લેખન કરી શકે. પરંતુ કેટલીક વાર સ્થળ-વિશેષ પણ અગત્યની ભૂમિકા ભજવે છે અને એક ચમત્કાર બનીને આવે છે. એક યશ-સ્તંભ બની જાય છે. તેના વિના તે સર્જકની ઓળખ અધુરી જ રહી જાય!
થોડાંક ઉદાહરણો આપું. કાઠિયાવાડ અને કચ્છના દરેક ગામડાના પાદરે પાળિયા કેમ હશે? સતીઓની દેહરી ત્યાં જ કેમ? કેમ ગરવા ગિરનારને જ બ્રહ્માંડના સમગ્ર અધ્યાત્મનું કેન્દ્ર માનવામાં આવે છે? પાટણ જતાં જ અસ્મિતા શબ્દ ઘૂંટાય. ઇતિહાસના વિદ્યાર્થીને આજે વિસ્મય થાય છે કે ગાંધીજીએ દાંડીને જ શા માટે ઐતિહાસિક યાત્રા માટે પસંદ કર્યું હશે? સરદારનું કૌવત બારડોલીની સાથે જ કેમ જોડાયું? નડિયાદને સાક્ષર ભૂમિ હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું કેમ? ચરોતર દેશ-વિદેશે તમામ ક્ષેત્રે જાણીતું કેમ રહ્યું? ગાંધીજીનો સત્યાગ્રહ રાજકોટમાં જ નિષ્ફળ કેમ થયો? નર્મદનું સુરતમાં હોવું તે પણ એક ભૌગોલિક મહત્ત્વ નથી? આ સવાલોનો જવાબ એટલો કે દરેક ભૂમિનો આગવો અંદાજ હોય છે. અમદાવાદમાં તો દરેક પોળની ખાસિયતો છે!
મેઘાણી, જયભિખ્ખુના જીવનમાં યે આવું સ્થળ વિશેષનું માહાત્મ્ય રહ્યું તે રસપ્રદ કહાણી છે. બોટાદ એવું નગર છે, ત્યાં આ બન્ને લેખકો જુદા જુદા સમયે રહ્યા હતા. બોટાદના નાગલપરા ઝાંપે બાલાભાઈ એટલે કે જયભિખ્ખુના શૈશવને તેમના માસીએ સાચવ્યું એ ઘટના તેમના પરિવાર પ્રેમનું પરિબળ હતું. માસીના પતિદેવ સટ્ટો ખેલવામાં તારાજ થયા ત્યારે સંસાર ધર્મને રસ્તે ઉદ્યમ થકી માસીએ જીવનને મજબૂત બનાવ્યું. બાળક બાલાભાઈના ચિત્તમાં એ સુસ્થાપિત થયું અને તેમની કથા, નવલકથા, વાર્તા, લેખોમાં તેમજ પોતાની જિંદગીમાં તેનો સુંદર પડછાયો નિર્માયો.
અને બોટાદમાં મેઘાણી? મુંબઈમાં બધી વ્યવસ્થા હતી છતાં તેમણે કહ્યું: ‘મુંબઈ મારી મા ના બની શકે.’ બોટાદમાં પછીના ઘણા વર્ષો રહ્યા અને છેલ્લો શ્વાસ પણ ત્યાં જ લીધો. આ નાનકું નગર તેમના સાહિત્ય, પત્રકારત્વ અને જીવનના ઉતર-ચડાવની જ કહાણી છે. પત્ની દમયંતી સાથેના જીવનસંસાર અને પરિભ્રમણ બન્ને એક સમાંતરે દોડતા રહ્યા. પત્ની પ્રત્યેના અનહદ વહાલને તેમના પત્રો વ્યક્ત કરે છે. જેલમાંથી બન્ને વચ્ચે સંકેતની ભાષાના એ પત્રો છે. એક ઠંડીગાર રાતે બોટાદ સ્ટેશન સુધી દોડતા આવીને તેમનો કોટ આપે છે... પણ દમયંતીબેનની કરુણતા તેમના આપઘાતમાં વ્યક્ત થઇ તેના અનહદ વિષાદમાં પિતા મેઘાણી સંતાનોના માતા-પિતા બન્ને બની રહ્યા. પુત્રવધુ મુંબઈ છોડીને બોટાદ આવીને રહેવાની હતી તો તેને પત્ર લખીને આકરી જિંદગીની સજ્જતા માટે પ્રોત્સાહિત કરી.
તેમનો ઈરાદો બોટાદમાં જ એક નાનકડું મકાન બનાવવાનો હતો. કવિનું મકાન! આ પણ એક સંવેદનશીલ કથા જ હોય ને? તત્કાલીન પત્રકાર કે સાહિત્યકાર માટે પોતાનું ઘર બનાવવું એટલે આર્થિક સાહસ જ હોય. સદ્ધરતા તેને માટે છેલ્લા ક્રમે રહે. (ભાવનગરના વિદ્વાન વિજયરાય વૈદ્યે તો તમામ ઘરેણા વેંચી કાઢીને પોતાનું સામયિક ચલાવ્યું હતું) પંચોતેર રૂપિયા સુધીના વેતનનો છેલ્લો આંકડો એકસો પચીસ થયો, તેને માટે રાતદિવસ કલમના મજુર બન્યા. બીમારીને નોતરું આપ્યું, લખતા જ રહ્યા એટલે આંગળા થીજી ગયા. હરસનો રોગ થયો, રક્તચાપ વધ્યો... અને છતાં છેલ્લી નવલકથા ‘કાલચક્ર’ લખીને પૂરી કરવાના ઓરતા રહ્યા, તેનું સાક્ષી બોટાદનું મકાન હતું. બીજો કોઈ દેશ હોત તો ‘સર્જકના ઘર’ તરીકે તેને સુંદર સ્મારકમાં બદલી નાખ્યું હોત, પણ... આપણે તો વિસ્મૃતિથી અભિશાપિત પ્રજા.
જયભિખ્ખુ અને મેઘાણીના આ સંઘર્ષો ગુજરાતી સાહિત્યને સમજવામાં આપણને મદદ કરે છે.