ગુજરાત સાહિત્ય અકાદમી અને તેની સાથે સંસ્કૃત, સિંધી, ઉર્દુ, હિન્દી અને કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે આવ્યા પછી એવો અનુભવ દૃઢ થયો કે ગુજરાતનાં સાહિત્ય આકાશે નવા નવા તારલિયા પોતાનો ચમકાર બતાવી રહ્યા છે!
આઠમી જુલાઈએ અમદાવાદના કર્મા કાફે સભાખંડમાં એક સરસ કાવ્યોત્સવ યોજાઇ ગયો. (આ ‘કર્મા’ વિશે ય રસપ્રદ કહાણી છે. ગાંધીજી દ્વારા સ્થાપિત નવજીવનનો આ એક ભાગ છે. ત્યાં શુદ્ધ – સાત્વિક – મનગમતું સ્વાદિષ્ટ ખાણું અને નાસ્તો મળે છે. અઠવાડિયાનાં છેલ્લા દિવસોમાં સાંજે અહીંની રસોઈનો સ્વાદ ચાખવા લોકો ઉમટે છે. સુંદર ભોજનખંડમાં ચારે તરફ સેલ્ફમાં પુસ્તકો ગોઠવાયેલાં છે. અલ્પાહાર કે ભોજન કે ચા-કોફી પીતાં તમે તેનું વાંચન કરી શકો.) ‘નવજીવન’ના મૂળમાં સ્વતંત્રતા પછી ઠાકોરભાઈ દેસાઈ, રામલાલ પરિખ, ધીરુભાઈ દેસાઈ, બાબુભાઈ પટેલ વગેરે હતા. મોરારજીભાઈનું માર્ગદર્શન મળતું. પછી નિયામક જિતેન્દ્ર દેસાઈ આવ્યા. મુદ્રણકળાના નિષ્ણાત. તેમની આ વારસદારી પુત્ર વિવેક દેસાઈએ સંભાળી છે. મૂળ જીવ તસવીરકારનો, પણ નવજીવનનાં રૂપરંગ બદલાવીને આધુનિક સ્વરૂપ આપવામાં વિવેક દેસાઈનું મહત્ત્વનું પ્રદાન છે. ક્યારેક ચોખલિયા ‘ગાંધીજનો’ સાથે બાખડવું પણ પડે છે. એક વાર ‘નવજીવન’નાં એક પુસ્તક પર ચક્રનું ચિત્ર હતું તે જોઈને વિદ્યાપીઠના તે સમયના કુલપતિ ભડકી ઊઠ્યા ને કહ્યું કે ચક્ર તો હિંસાનું પ્રતીક ગણાય! જોકે વિવેકનો અદભૂત વિવેક નવજીવનનાં સંવર્ધનનો છે એટલે આવી ટીકા ટિપ્પણી પર ખાસ નજર કરે તેમ નથી.
એક સરસ સમારંભ
અમરેલીનાં કવિ પારુલ ખખ્ખરની ‘કલમને ડાળખી ફૂટી’ ગઝલ સંગ્રહના લોકાર્પણ માટે રાજકોટ – અમરેલી - સુરત – ભાવનગર અને બીજેથી તેમના પરિચિતો આવ્યા. ખ્યાત વિવેચક ડો. ઉષાબહેન ઉપાધ્યાયે રસદર્શન કરાવ્યું. કળાસેવી રમણિકભાઈ ઝાપડિયા સુરતમાં સરસ પ્રભાવી ચિત્રકલા સંસ્થા ચલાવે છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો. કવિ વિનોદ જોશી, લક્ષ્મી ડોબરિયા અને બીજા મંચ પર ખીલ્યા. એક વાર નહીં, બે વાર ગઝલ અને ગીતથી સૌને ન્યાલ કરી દીધા. ગોપાલી બૂચ હવે અ-જાણ્યું નામ નથી, તેનું સંચાલન કવિતાની છાબમાંથી થોડાં થોડાં ફૂલો વેરવા સાથેનું હતું.
પારુલ ખખ્ખર કોણ છે? તેના જવાબમાં આજે આ વાત આગળ વધારવી છે. દરેક જમાને સાહિત્યમાં નવું ઉમેરાતું રહે છે. ગોખલામાં સુપ્રતિષ્ઠ પૂરોગામીઓ અને થનગનતા નવા ચહેરાઓઃ આ બન્ને સાહિત્ય-સંસ્કૃતિથી એક સાથે દેખાતી વિરાસત છે. બન્નેની ઉપસ્થિતિ સમાજને સાંસ્કૃતિક સૌરભ આપે છે. અગાઉની પેઢી નર્મદ – દલપતરામ – ગોવર્ધનરામની હતી. પછી કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, રમણલાલ દેસાઈ, ગુણવંતરાય આચાર્યની પંક્તિ ઉમેરાઈ. આનંદશંકર ધ્રુવ, ગોવર્ધનરામ ત્રિપાઠી, વિજયરામ વૈદ્ય, બળવંતરાય ઠાકોર, મણિલાલ દ્વિવેદી, નરસિંહરાવ દિવેટિયાનાં સાક્ષરત્વનો ચમકાર થયો. કલાપી, કાન્ત, બાલાશંકર આવ્યા. પછી ઉમાશંકર, સુંદરમ્, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. સાથે પન્નાલાલ, પેટલીકર, ઝવેરચંદ મેઘાણી ઉમેરાયા. તે પછીની કે લગોલગ પેઢીમાં - યશવંત શુકલ, ઉશનસ, જયંત પાઠખ, હરિશ્ચદ્ર ભટ્ટ, ચુનિલાલ મડિયા, જયંતિ દલાલનાં નામો ઉમેરી શકાય. રઘુવીર ચૌધરી, લાભશંકર, ચીનુ મોદી અને પ્રખર સૂર્ય સરખા સુરેશ જોશી.
આ બધાં પણ હવે જૂના અને સુપ્રતિષ્ઠ નામો જ ગણાય ને? રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડિરિયા, રમેશ પારેખ, મિસ્કીન... – પછીની પેઢી?
અત્યારનાં નામોમાં હવે ઉમેરણ થઈ રહ્યું છે - તેમાંના કેટલાંકના માંડ બે-ત્રણ પુસ્તકો છપાયાં હશે. ‘કલમને ડાળખી ફૂટી’ તો પારુલ ખખ્ખરનો પહેલો ગઝલ સંગ્રહ છે. રઘુવીર ચૌધરીએ સરસ પ્રસ્તાવના લખી છે. તેની ગઝલોમાં કાઠિયાવાડની સુગંધ છે. માત્ર શબ્દો નહીં, તેની પાછળનો માહોલ પણ આપોઆપ રચાઈ જાય. જુઓ આ પંક્તિઃ
‘થયું છે અવતરણ એવું,
ધમાકેદાર શબ્દોનું,
પીગળશે આજ પાણા રે,
કલમને ડાળખી ફૂટી!’
સૌરાષ્ટ્રમાં ‘કોઈ બોલે તો પાણા - પથ્થર – વાગે’ એવું વારંવાર કહેવાયું છે એ સાવ સાચું નથી. શબ્દની શક્તિ બેવડી હોય છે - યુદ્ધ અને શાંતિની. પુણ્યપ્રકોપ અને દિલાસાની. જૂનાગઢના ઉપરકોટ પરથી, પ્રિય પતિ ખેંગારની હત્યા બાદ, ઝનૂની આક્રમક સિદ્ધરાજ જયસિંહ તેનું અપહરણ કરવા સક્રિય થયો ત્યારે તેજસ્વિની રાણકદેવીએ ૨૬ કરોડ વર્ષ જૂના ગિરનારને ઠપકાર્યોઃ
ગરવો ગઢ ગિરનાર,
વાદળથી વાતું કરે,
મરતાં રા’ખેંગાર,
ખરેડી ખાંગો નવ થિયો?
લોકકથા અદભૂત રીતે સંધાન રચે છે. બે પંક્તિના આટલા દોહાથી આખ્ખો પર્વત ખળભળવા માંડ્યો. કરાલકાળ ભેખડો તૂટી, શિલાઓ ધસમસવા લાગી, અરે, આ તો વિનાશ સર્જશે એવું લાગતાં ‘માનો જીવ’ ધરાવતી રાણકે ગિરનારને પાછો વાળ્યોઃ
‘મા પડ મારા આધાર,
ચોસલાં કોણ ચડાવશે?
ગયો ચડાવણહાર,
જીવતાં જાતર આવશે!’
શબ્દની શક્તિ વિશે પારુલ ખખ્ખરના આ કાવ્યોત્સવમાં કેટલીક વાત કરવાનો મને મોકો મળ્યો. કહું કે અકાદમીને સાહિત્યનાં સંવર્ધનમાં રસ છે, વિસર્જનમાં નહીં. વિવાદમાં જરીકેય મન નથી, સંવાદ અમારો હેતું છે. બીજી સાહિત્ય સંસ્થાઓએ પણ આવું કરવું જોઈએ તો નવાં ફૂલ ખીલશે.
ગુજરાતી કવિતામાં - અને અમુક અંશે વાતોમાં - એવી નવોદિત શક્તિ દેખાવા લાગી છે. રાધિકા પટેલ, ગોપાલી બૂચ, ભાર્ગવી પંડ્યા, નૈયા, કાજલ શાહ, લક્ષ્મી ડોબરિયા, પારુલ બારોટ, નેહા મહેતા, અનિલ ચાવડા, શિલ્પા દેસાઈ, છાયા ત્રિવેદી... આ તો હોઠે ચડેલાં થોડાંક જ નામો છે. એવાં બીજાં ઘણાં છે. હરદ્વાર ગોસ્વામી, લતા હિરાણી, ઉષાબહેન ઉપાધ્યાય, અંકિત ત્રિવેદી વગેરે નવાં નામોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે તે મોટી વાત છે.
દુર્ભાગ્યે સાહિત્ય-વિવેચનમાં આવો માહૌલ દેખાતો નથી. આમ કેમ? એ સવાલ સુપ્રતિષ્ઠ વિવેચકોએ પોતાને પૂછવા જેવો છે. સર્જકતામાં ગઝલ અને ગીત સિવાયનાં સ્વરૂપોનો યે મિજાજ વરતાવો જોઈએ.