બ્રિટિશ ગુજરાતીઓએ લોકશાહીના વૈભવને અને જાગૃતિને છાજે તેવી રીતે મતદાન કર્યું અને શૈલેષ વારા, પ્રીતિ પટેલ જેવા પ્રતિનિધિ બન્યાં અને પાર્લામેન્ટમાં પહોંચ્યા તેનો ‘હરખ’ ગુજરાતને ન થાય તો જ નવાઈ! છેલ્લાં કેટલાક સમયથી ‘બ્રિટનમાં ગુજરાત’ની ચર્ચા સુપેરે ચાલી ત્યારે સૌપ્રથમ ચૂંટાયેલા એમ. પી. દાદાભાઈ નવરોજીનું સૌને સ્મરણ થઈ આવ્યું. નવસારી એટલે દાદાભાઈ અને જમશેદજી બન્નેની જન્મભૂમિ.
હમણાં અમેરિકાથી એક અધ્યાપક યુવાન ‘ગુજરાતે પારસી સમાજને કેવી રીતે આત્મસાત્ કર્યો’ તેનો શોધનિબંધ લખવા છેક અહીં સુધી દોડી આવ્યો હતો. યોગાનુયોગ તે દિવસોમાં જ તેણે ‘નવરત્ન નવસારી’નો સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો એટલે તેની સંદર્ભ સામગ્રી અને બીજી ચર્ચા કરવા અમદાવાદમાં મને મળ્યો.
‘સ્થળાંતરો’ અને ‘સ્થળાંતરિતો’ની સમસ્યાનો ગુજરાતને બેવડો અનુભવ છે - એક, કેન્યા, યુગાન્ડા સહિત જે રીતે ગુજરાતીઓએ સ્થળાંતર કરવું પડ્યું તે, બીજો, પારસી સહિતના સ્થળાંતરિત સમુદાયોને ગુજરાતે ઉદારચિત્તે સમાવી લીધા તે. એમ તો ૧૯૪૭માં ભારત-પાકિસ્તાન વિભાજન થતાંવેત ધોરાજી, જૂનાગઢ, માણાવદર, બાંટવા, જેતપુર, ઉપલેટા, પાલનપુર વગેરેના સમુદાય - પાકિસ્તાન જવા હિજરત કરી ગયો હતો. એ જ રીતે સિંધથી સિંધી હિન્દુઓએ હિજરત કરીને ભારત આવવાનું નક્કી કરવું પડ્યું હતું. એ. ડી. ગોરવાલા, રામ જેઠમલાણી, લાલ કૃષ્ણ અડવાણી વગેરે તેમાં હતા.
પરંપરા જૂની છે
ઇંગ્લેન્ડમાં ગુજરાતીઓમાં સૌથી પહેલવેલા ઝળકેલા ત્રણ પારસીઓ - દાદાભાઈ નવરોજી, શાપુરજી સકલાતવાલા અને મેડમ ભિકાઈજી કામા હતા. પણ ઉદ્યોગપતિ ગોદરેજ બ્રિટનમાં રહીને ક્રાંતિ પ્રવૃત્તિમાં સામેલ હતા અને ‘કચ્છી’ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા તેમ જ કંથારિયાના બેરિસ્ટર સરદારસિંહ રાણાના તેઓ સંગાથી હતા તે વાત ઓછી જાણીતી છે.
અત્યારે ગુજરાતીઓનો બ્રિટિશ રાજનીતિમાં દબદબો હોવાના અહેવાલો ગુજરાતીઓ રસપૂર્વક અને ઝીણવટથી તરાશે છે. લોર્ડ પદવીથી વિભૂષિત મેઘનાદ દેસાઈ, ભીખુ પારેખ, નવનીત ધોળકિયા, ઉપરાંત કરણ બિલિમોરિયા અને બીજા નામો હોઠે ચડે છે. હવે સંસદીય પ્રભાવમાં કેમરન સરકાર ગુજરાતીઓ સહિત ભારતીયોને નજરઅંદાજ કર્યા વિના સક્રીય થઈ હોય તો તે ગુજરાતને માટે ય ઘણી આનંદની વાત છે. પ્રીતિ પટેલને તો પ્રધાનપદ મળ્યું છે. શૈલેષ વારાનો પ્રભાવ જાણીતો છે. વિશ્વ ગુજરાતી સમાજે તે બન્નેને અભિનંદ્યા છે.
તાપ અને ઉત્તાપ
જૂન મહિનાનો પ્રવેશ આમે ય તાપ અને ઉત્તાપથી જ થાય છે. મે મહિનો આખો ભારે ગરમીમાં પસાર થયો. તેની શરૂઆત તો ઘણી પહેલા થઈ ગઈ હતી. મૌસમના બદલાતા મિજાજથી એવું જ લાગે કે આખાં વરસ દરમિયાન ઉનાળાનું સામ્રાજ્ય જ વધુ રહે છે, શિયાળો અને ચોમાસું આવે ત્યાં તો ચાલ્યાં જાય!
જોકે, આ વખતે બિન-મૌસમી વરસાદ દેખા દેતો રહ્યો. તેનો કોઈ ફાયદો નથી. જૂન મહિનાની દસમી પછી ચોમાસુ પ્રવેશ કરે તેમાં પણ વરસાદી દેવતા ઇન્દ્ર મહારાજ કંજુસી બતાવશે એવો હવામાન શાસ્ત્રીઓનો વરતારો ચિંતા પેદા કરે તેવો છે. એ તો સારું થયું કે નર્મદાનો વિવાદ અમુક અંશે પતી ગયો, બંધની ઊંચાઈની મંજૂરી અપાઈ એટલે નહેરો દ્વારા કચ્છ-ગુજરાતને પાણી મળતાં શરૂ થયાં. હજુ તેની કેનાલો અને પાણી વિતરણનું પડકારભર્યું કામ ઘણું કરવાનું બાકી છે તેને માટે સરકાર, સમાજ અને વહીવટી તંત્રે સંયુક્ત બનીને આયોજન તેમ જ અમલીકરણ કરવાં પડશે.
ઉનાળો એટલે પરીક્ષા પછીનાં પરિણામો અને વેકેશનોની ઋતુ! જેમને જેટલું પરવડે એવા સ્થાનોએ ધસારો થાય. સહેલગાહે ઉપડે તે જ સહેલાણી કહેવાય ને! સાપુતારા - આબુ જાણીતાં એટલે અમદાવાદી માણેકચોક જેવો માહૌલ ત્યાં અચૂક જોવા મળે. બીજા પરિવારો દક્ષિણ અને ઉત્તર ભારત પહોંચે છે, અને બીજા કેટલાક - સ્વિત્ઝર્વેન્ડ, મોરેશિયસ, ફ્રાન્સ સુધી ઊડે છે.
પરિણામો અને પ્રવેશ
જૂનમાં જ પરિણામો આવવાનાં શરૂ થઈ ગયાં એટલે તે પછીની પળોજણ ‘પ્રવેશ’ મેળવવાની છે. કોલેજો - યુનિવર્સિટીઓની સંખ્યા હવે ઠીક ગણાય એટલી છે, મોટા ભાગે તબીબી - ઇજનેરી - એકાઉન્ટ - આઇટીની બજાર છે. આમાં ‘ડોનેશન’નો વાવટો યે ફરકે છે. શાળા - મહાશાળા - કોલેજોમાં ‘એડમિશન’ માટેનો ધસારો શરૂ થઈ ગયો. ક્યાં, કેવું અને કેટલું ભણાવાય છે એ પ્રાથમિકતા નથી, ‘પ્રતિષ્ઠિત’ સંસ્થાનાં પાટિયાં તરફ પહેલાં નજર નાખવામાં આવે એટલે સરકારી સ્કૂલ અને કોલેજો તેમાં છેલ્લા ક્રમમાં આવે.
આમે ય અપવાદોને બાદ કરતાં યુનિવર્સિટીઓએ પણ પોતાનું વિદ્યાકીય તેજ ગૂમાવ્યાને ય ત્રીસ-ચાળીસ વર્ષ તો થઈ ગયાં! હવે ‘ઉત્તમ વાઇસ ચાન્સેલર’ એ ભૂતકાળનો વિષય થઈ ગયો, તેમના નસીબે યુનિવર્સિટીઓમાં વિદ્યા સિવાયના કામમાં નિપુણ મોટા ભાગના અધ્યાપકો, તેમનાં યુનિયનો, સેનેટ-સિન્ડિકેટનું તદ્દન નિરર્થક રાજકારણ, વિદ્યાર્થીઓનાં યુનિયનો અને વહીવટનો પડછાયો... આ બધું જ આવે છે. જેમનાં નામો સાથે આ યુનિવર્સિટીઓ જોડાયેલી છે તે નર્મદ, હેમચંદ્રાચાર્ય, સરદાર, સયાજી રાવ અને હવે નરસિંહ મહેતા કે ગુરુ ગોવિંદ વગેરેમાં નામ-સ્મરણને અજવાળે તેવું વિદ્યાકીય વાતાવરણ ઊભું કરવાનો ઘણો મોટો પડકાર આ દસકામાં જવાબ માંગશે. તેને માટે આખું ગુજરાત - અહીંનું અને વિદેશોનું - એકઠું થાય, સરકાર અને સમાજ સાથે પ્રવૃત્ત થાય એ પણ એટલું જ જરૂરી છે. દોષારોપણનો આ સરળ મામલો નથી, ઊકરડો ઉલેચવાનો છે. સ્વચ્છતા અભિયાનની અહીં ખાસ જરૂર છે.
આવા અભિયાન માટે - ગમેતેટલી કથળી ગયેલી પ્રથામાં પણ - આશાનાં કિરણો અને કારણો તો પડ્યાં જ છે. હમણાં દસમું ધોરણ, વિજ્ઞાન પ્રવાહ, બારમાની પરીક્ષા વગેરેમાં પ્રથમ આવનારાઓમાં શ્રમજીવી પરિવારની, મુખ્યત્વે વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. બે મુસ્લિમ કન્યાઓ પણ તેમાં સામેલ છે. એક વિદ્યાર્થી આંખે જોઈ શકતો નથી. બીજીને પડોશીઓએ ભણાવી! કેટલીક છોકરીઓએ ટ્યુશન રાખ્યા વિના જ આ સિદ્ધિ હાંસલ કરી છે. આનો અર્થ એ કે કન્યાઓ હવે બધી દિવાલો તોડીને આગળ વધવા લાગી છે. બીજો નિષ્કર્ષ એ કે આવો વર્ગ વિસ્તરે તે માટેનું આયોજન જરૂરી છે.