ગુજરાતીઓએ યાદ કર્યા પન્નાલાલ પટેલને...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 07th May 2018 08:34 EDT
 
 

સાતમી મે એટલે પન્નાલાલ-સ્મૃતિ દિવસ. સાહિત્ય અકાદમી અને ઓમ કમ્યુનિકેશને સાથે મળીને અમદાવાદમાં આ સ્મૃતિ પર્વ ઊજવ્યું ત્યારે પન્નાલાલનાં પુત્રવધુ ડો. દૃષ્ટિ ભરતભાઈ પટેલે સ્મરણો વાગોળ્યાં. મણિલાલ પટેલ અને અજયસિંહ ચૌહાણે પન્નાલાલની ટૂંકી વાર્તા અને નવલકથા પર વિગતે વાત કરી. મનીષ પાઠકે કહ્યું કે જેમ એક આખું સપ્તાહ આત્મકથાનાં દોઢસો વર્ષની કેટલીક આત્મકથાઓ વિશે ઊજવણી કરી તેવું જ પન્નાલાલનું છે. ૧૦૭ વર્ષ પૂર્વે જન્મ્યા હતા. રાજસ્થાનની છાયા હેઠળનાં માંડલી ગામમાં. પિતા નાનાલાલ પટેલ. નાનાલાલને ગામ આખું ‘નાનશા’ના નામે ઓળખે. માતા હીરાબા. સાતમી મે ૧૯૧૨ જન્મદિવસ.

પછી?

શાળા-અભ્યાસનો અભાવ

અભ્યાસ તો ક્યાંથી? ઇધરથી ઉધર. માંડલી અને ઈડર. પાંચ વર્ષના પન્નાને ‘ભણાવવા’ માટે એક સાધુ જયશંકરાનંદ લઈ ગયેલા. ઇડરમાં આઠ ચોપડી સુધી તો ભણ્યા. ચૌદમા વર્ષે ડુંગરપુરમાં દારૂની ભઠ્ઠી પર નોકરી મળી. ત્યાંથી સાગવાડા ગયા, ત્યાં પણ દારૂના ગોદામમાં મેનેજર. રાજીનામું આપીને અમદાવાદ આવ્યા. ટ્યૂશનો શરૂ કર્યાં, બજારમાં ફેરા ફાંટા કરવા પડ્યા. વળતરમાં રહેવા-જમવાની સગવડ મળી. અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીમાં ‘ઓઇલ મેન’ તરીકે પસંદ કરાયા.

લેખન માટેનો દિવસ પ્રારંભ થયો ૧૯૩૬માં. પન્નાલાલે વારંવાર તે દિવસ યાદ રાખ્યો હતો. ઇડરમાં સાથે ભણતા ઉમાશંકર જેઠાલાલ જોશી મળ્યા. સાથે ત્રિભુવનદાસ લુહાર ‘સુંદરમ્’ હતા. બન્નેનાં નામ સાહિત્ય ક્ષેત્રે ઝળહળતાં હતાં. પહેલાં પન્નાલાલે કવિતાઓ લખી, ‘સુંદરમ્’ને બતાવી. કંઈ જામી નહીં એટલે પૂછયુંઃ વાર્તા લખું? ‘સુંદરમ્’ કહેઃ ‘કરી જુઓ.’ ને લખાઈ ‘શેઠની શારદા’. પછી નવલકથા ‘ભીરુ સાથી’. ઝવેરચંદ મેઘાણીને ‘ફૂલછાબ’નાં ભેટ પુસ્તક તરીકે કોઈક નવલકથા જોઈતી હતી. પન્નાલાલે લખીઃ ‘મળેલા જીવ!’ અને પછી ‘માનવીની ભવાઈ.’ આ બન્ને યશકીર્તિદા બની ગઈ.

ગુજરાતને ધરતીની ધૂળનો અવાજ મળ્યો. છપ્પનિયા દુકાળનાં ભીષણ દિવસોમાં પાંગરતી પ્રણય – વિરહ – વિષાદ – વિવાદની કથા ‘મળેલા જીવ’. એ દિવસોમાં તેના પરથી ફિલ્મ બની હતી, ‘ઉલઝન.’ ૧૯૪૭માં પન્નાલાલને ક્ષય થયો. એ દિવસોમાં તેની અસરકારક દવા જ ક્યાં હતી? એક તરફ શ્રી અરવિંદનો યોગ અને ત્રણ-ચાર સપ્તાહમાં લખાયેલી ‘માનવીની ભવાઈ.’ ૧૯૫૦માં તેને શ્રેષ્ઠ નવલકથાનો રણજિતરામ ચંદ્રક મળ્યો. ૫૦ વર્ષ સુધીમાં તેમણે ૫૯ નવલકથાઓ, ૨૯ વાર્તાસંગ્રહો, વિપુલ પ્રમાણમાં લેખો, બાળ સાહિત્ય અને નાટકો આપ્યાં. પૌરાણિક પાત્રો જીવતાં કર્યાં.

અડધી સદીના સર્જનમાં, ‘વળામણા’ - ૧૯૪૦થી શરૂઆત થઈ. પછી ‘મળેલા જીવ’, ‘ભીરૂ સાથી, ‘યૌવન, ‘સુરભિ’ (તેના પર તો ફિલ્મ બનવાની હતી તે ડબ્બામાં ગઈ!), ‘માનવીની ભવાઈ’ (૧૯૪૭), ‘ભાંગ્યાના ભેરૂ’, ‘ઘમ્મરવલોણું’, ‘પાછલે બારણે’, ‘ના છૂટકે’, ‘ફકીરો’, ‘નવું લોહી’, ‘પડઘા અને પડછાયા’, ‘મનખાવતાર’, ‘અમે બે બહેનો’, ‘કરોળિયાનું જાળું’, ‘આંધી અષાઢની’, ‘મીણ માટીનાં માનવી’, ‘નગદ નારાયણ’, ‘પ્રણયનાં જૂજવાં પોત’, ‘કંકુ’ (તેના પર કાંતિલાલ રાઠોડે સરસ ફિલ્મ બનાવી અને પટકથા પન્નાલાલે પોતે જ લખી), ‘અજવાળી રાત’, ‘અમાસની અલ્લડ છોકરી’, ‘ગલાલ સંગ’, ‘પાર્થને કહો ચડાવે બાણ’, ‘કૃષ્ણજીવન લીલા’, ‘શિવપાર્વતી’, ‘ભીષ્મ બાણશય્યા’, ‘કચ-દેવયાની’, ‘દેવયાની-યયાતિ’, ‘પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા’, ‘સત્યભામાનો માનુષી પ્રણય’, ‘ભીમ-હિડિમ્બા’, ‘અર્જુનનો પ્રણય પ્રવાસ’, ‘કૃષ્ણની પટરાણીઓ’, ‘સહદેવ-ભાનુમતી’, ‘કુબજા અને કૃષ્ણ’... આ યાદી પણ અધૂરી છે.

વિવિધતા

નવલકથાના વિષયોની વિવિધતા તો જુઓ. અંતરિયાળ ગામડું, વિલસતું નગર અને પુરાણ-પ્રાચીન વાતાવરણ – ત્રણેય પર ‘અ-ભણ’ ગણાયેલા પન્નાલાલે કલમ અજમાવી છે. નવલકથા અને વાર્તા તેમનો પ્રિય વિષય. પણ પન્નાલાલે તો કાવ્યો પણ લખ્યાં છે. લાગે લોકગીત, પણ છે પન્નાલાલની કલમ. અદ્દલ રાજસ્થાની રંગમાં આ કવિતા -

ઓરી થારો જોબનો

કાંઈ થનક-થનક થાય,

એસી કલીરો ઘાઘરો

થાની ઠોકર દેતી જાય

જોબન ઝૂલ્યાં ઘાઘરે

કાંચળિયે ફોર્યાં જાય

રસિયાં હરખે જોઈને

થારો કળિયે જીવ કપાય!

છોરાં ખેલે ખેલણે

કાંઈ મોટા જોબન સંગ,

બૂઢાં કરમે લાકડી

વા રંગ સંગરો ઢંગ?

‘અનંગને’ જેવું સોનેટ તેમણે કઈ રીતે રચ્યું હશે? આજેય કવિઓ આવાં સ્વરૂપને ઉતારવાની હિંમત કરતા નથી, ગીત – ગઝલ – અછાંદસ જ સહેલાં પડે ને? પન્નાલાલ મૂળભૂત રીતે સર્જકતાનો જીવ હતા. બીજું કંઈ ન લખ્યું હોત ને ‘વળામણા’ કે ‘માનવીની ભવાઈ’ કે ‘મળેલા જીવ’ જ લખી હોત તો યે સાહિત્યાકાશે ઝળકતા રહ્યા હોત. છેલ્લાં વર્ષોમાં તેમને જ્ઞાનપીઠનું પ્રથિતયશ સન્માન મળ્યું.

સાવ આપણાં જ પાત્રો

વિશ્વ નવલકથાઓ એ કેટલાંક શ્રેષ્ઠ પાત્રો સર્જ્યાં છે. પન્નાલાલની ‘માનવીની ભવાઈ’માં એવાં પાત્રો છે માલી, રાજુ અને કાળુ. લગ્ન એકને ત્યાં, પ્રણયની આછીપાતળી રેખા બીજે, ભૂખ અને ભીખનાં તીડ ઉતરી પડ્યાં છપ્પનિયા દુકાળમાં તેમાં આ કથા જે રીતે વિસ્તરે છે, આપણે પોતે ઈશાની ડુંગરાનાં આ જર્જરિત, ઝૂઝારૂ અને સુખદુઃખના વાયરા ઝીલતા ગામડાં અને ગ્રામજનોમાં ભળી જઈએ તેવું લાગે.

આપણાં ગુજરાતનાં સાહિત્યનું ઘરેણું પન્નાલાલઃ તેની સુંદર સ્મૃતિની લહાણી અમદાવાદનાં આંગણે થઈ તે મોટી સાહિત્યિક ઘટના ગણાશે.


comments powered by Disqus