આ લેખ સાથે બોક્સમાં રજૂ કરાયેલા હસ્તાક્ષરો કોના છે અને જેમને સંબોધન કરાયું છે તે કોણ એ કહી શકશો?
રવીન્દ્રનાથ ટાગોરે આ પત્ર આપણા ગુજરાતી ક્રાંતિકાર બેરિસ્ટર સરદારસિંહ રાણાને ૯ મે ૧૯૩૯ના રોજ પારિસથી લખ્યો હતો. રવીન્દ્રનાથ ખ્યાત ખરા પણ હજુ ક્યાંક તેમની અટક વિષે ગરબડ થયા કરે છે. કોઈ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ‘ટાગોર’ને બદલે ‘ઠાકુર’ છપાયું તો વિરોધ પક્ષના નેતાએ તેને મોટી ભૂલ ગણાવતું નિવેદન ઠપકારી દીધું! બીચારા શિક્ષણ અધિકારીઓએ ભૂલ સ્વીકારીને સુધાર પણ કરાવી દીધો! આમાં બન્ને તરફે માત્ર અ-જ્ઞાન કે માહિતીનો અભાવ જ સ્પષ્ટ છે. પાઠ્યપુસ્તકમાં જો ‘ઠાકર’ લખાયું હોય તો તે ભૂલ ગણાય કે ‘ઠાકોર’ લખાયું હોય તો તે પણ ખોટું હતું, પણ ‘ઠાકુર’? અરે, રવીન્દ્રનાથનો વંશજ મૂળમાં ‘ઠાકુર’ જ હતો, પછી કાં તો અંગ્રેજોને ભારતીય નામો બોલતાં તકલીફ પડતી હતી એટલે યા નવા યુગના સંકેત તરીકે ‘ઠાકુર’નું ‘ટાગોર’ થઈ ગયું અને નોબેલ પારિતોષિક મળ્યું તેથી ‘ટાગોર’ જ બ્રાન્ડ થઈ ગયું! પછી પેલા બિચારા વિપક્ષી નેતાનો શો દોષ, તેને તો ભણવામાં ટાગોર જ આવ્યું હશે ને?
આવું બીજું પણ ઘણું છે. શરદચંદ્ર ચેટરજી તે મૂળ ચટ્ટોપાધ્યાય. શ્યામાપ્રસાદ મુખરજી એ મુખોપાધ્યાય. સુભાષચંદ્ર બોઝ એટલે બસુ અને આપણા નગર-નામો, કેમ્બે તે ખંભાત. બરોડા તે વડોદરા. બોમ્બે એટલે મુંબઈ. પૂના? ના, પૂણે. દક્ષિણનાં તો ઘણા ખરાં નગરોનાં વિકૃત થયેલાં નામો ત્યાંની પ્રજાએ બદલાવી નાખ્યાં છે. બેંગલૂરુ તેનો હમણાંનો નમૂનો છે. જોકે આપણા કેટલાક વિદેશસ્થિત સજ્જનો પોતાનું ‘સ્વદેશી’ નામ ભૂલીને નવું પણ પસંદ કરે છે. ચૂંટણી દરમિયાન ‘હુઆ તો હુઆ...’ની જાણીતી થઈ ગયેલી ઉક્તિના ગુજરાતી બુદ્ધિમાન સામ પિત્રોડા તેનું એક ઉદાહરણ છે.
તો, ભાષાનું તો આ સ્વરૂપ રહેવાનું જ છે. કેટલાક શબ્દો ભૂંસાય છે, કેટલાક ઉમેરાય છે, કેટલાકને નવું સ્વરૂપ મળે છે. પણ, જ્યારે ભાષાને રાજકારણનું માધ્યમ બનાવવામાં આવે ત્યારે ઘર્ષણ પેદા થાય છે. હમણાં વળી દક્ષિણમાં ઉહાપોહ શરૂ થયો કે હિન્દી અમારી ભાષા નથી, તે થોપવામાં આવી રહી છે. ઉત્તર ભારતવિરોધી હિન્દી આંદોલન લાંબા સમય સુધી ચાલ્યું હતું તેમાં પ્રદેશની ભાષાઓની પસંદગીનો સવાલ હતો. ત્રિભાષી ફોર્મ્યુલા તેમાંથી આવી. વિદ્યાર્થી અને નોકરિયાત માટે માતૃભાષા, અંગ્રેજી અને હિન્દી એમ ક્રમમાં સ્થાપિત કરવામાં આવી હતી. દક્ષિણને અંગ્રેજીની સામે વાંધો નહોતો, હિન્દી સામે ખરો!
દ્વવિડ પ્રજાના મૂળ સંસ્કૃતમાં પડ્યાં છે છતાં રાજકાણીઓએ હિન્દી-વિરોધનું હથિયાર ઉગામ્યું, ઠેર ઠેર આંદોલનો થયાં હતાં. જોકે રાજાજી, કવિ સુબ્રમણ્યમ્ ભારતી, કામરાજ, સરોજિની નાયડુ જેવા નેતાઓ રાષ્ટ્રીય આંદોલનમાં દક્ષિણ ભારત-વાદી હોવા છતાં હિન્દીનો ઉપયોગ કરતા જ રહ્યા. આજે પણ સામાન્ય અનુભવ તો એવો જ રહ્યો છે કે ભલે હિન્દીને દૂર રાખવાના પ્રયાસો થયા હોય, સામાન્ય નાગરિક, રીક્ષાવાળો, ટેક્સી ડ્રાઇવ કે વેપારી - કાચુપાકું હિન્દી બોલે તો છે જ. હમણાં હું આંધ્ર પ્રદેશના વિજયવાડા-અમરાવતી ગયો હતો. આંતરરાષ્ટ્રીય કાવ્યોત્સવ યોજાયો હતો. વિમાનમથકેથી જે કારમાં પહોંચ્યો તે ડ્રાઇવર સડસડાટ હિન્દીમાં જ બોલતો હતો. મને કહેઃ ‘સાહેબ, ગાંધીની ભાષા તો બરાબ બોલવી જ જોઈએ ને?’ તેને માટે ગાંધીજી અને દેશ-ભાષા એક સમાન હતાં! કાવ્યોત્સવમાં પણ વિભિન્ન ભાષાઓ – અસમની ગારો, મધ્ય પ્રદેશની અવધી, કાશ્મીરી, સિંધી વગેરેમાં કાવ્યપઠન થયાં ત્યાં હિન્દી અશ્પૃશ્ય કે અ-જાણી નહોતી.
ખરી વાત એ છે કે ૧૯૫૦માં રાજ્ય બંધારણ ઘડાયા પછી હિન્દીની રાષ્ટ્રની ભાષા તરીકે જે જોસ્સાથી આગળ ધપાવવાની તીવ્રતા જોઈએ તે રાજકાણીઓએ અપનાવી નહીં. બીજું, જે પ્રશાસન હતું તે બ્રિટિશ વારસાનું હતું એટલે ત્યાં અંગ્રેજીની બોલબાલા હતી. ન્યાયતંત્રમાં તો આજે પણ માનનીય ન્યાયમૂર્તિઓને મોટા ભાગે હિન્દી બોલવામાં તકલીફ નડે છે. ગુજરાતમાં તો કેટલાક ઓફિસરો ‘તુમ’ અને ‘આપ’માં કશો ફરક જોતા નથી. હજુ ઘણાખરા ‘આતંકવાદી’ બોલી શકતા નથી, ‘આંતકવાદી’ જ બોલે છે!
હિન્દીને મહત્ત્વ ન આપવામાં હિન્દીભાષી વિદ્વાનોનો ફાળો ઓછો નથી. નિરાલા, દિનકર, પ્રેમચંદ, મહાદેવી વર્મા, હજારી પ્રસાદ દ્વિવેદી, માખનલાલ ચતુર્વેદી વગેરેએ તો સહજ-સરળ ભાષાના પ્રયોગથી હિન્દીને સમૃદ્ધ બનાવી, પણ પંડિતોએ તેને અતિ મુશ્કેલ આડંબરી ભાષામાં ફેરવી નાખી. સંસદમાં કેટલા લાંબા સમય સુધી ભારતીય બંધારણનો હિન્દી અનુવાદ નહોતો. વિજ્ઞાન-ટેક્નોલોજીના પારિભાષિક શબ્દકોશ નહોતા. આપણા તમામ નીતિ-નિયમો અંગ્રેજીમાં જ રહેતા.
એક રસપ્રદ ઘટના નોંધવા જેવી છે કે મંગલ પાંડે સહિતના ૧૮૫૭ના વિપ્લવીઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી તે કોર્ટમાં અંગ્રેજીનું જ પ્રચલન હતું, સજા ભોગવનારા પણ તે સમાજના નહોતા! આજે હવે આંશિક સુધારો થયો છે. અગાઉ રાષ્ટ્રપતિ મહોદય સ્વાતંત્ર્ય દિવસ કે પ્રજાસત્તાક દિવસે ભારતના ગરીબ – વંચિત – કિસાન – પીડિતોને ‘રાષ્ટ્રજોગું’ સંબોધન કરતા તે અંગ્રેજીમાં જ રહેતું! હા, એટલું જરૂર નોંધવું જોઇએ કે દરેક વડા પ્રધાનોએ લાલ કિલ્લાથી હિન્દીમાં જ ઉદબોધન કર્યું છે.
૧૯૭૭માં કેન્દ્રમાં પ્રથમ વાર જનતા પક્ષની સરકાર રચાઈ ત્યારે યુનોમાં વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયીએ હિન્દીમાં પ્રવચન કર્યું હતું. ૧૯૫૦થી ૧૯૭૭ - ૨૭ વર્ષ સુધી ત્યાં ગયેલા નેતા - વક્તાઓએ અંગ્રેજી ભાષા જ પસંદ કરેલી. તેમને હિન્દીનું જ્ઞાન નહીં હોય અથવા સામ્રાજ્યવાદી અંગ્રેજીથી તેઓ અંજાયેલા રહ્યા હશે? કોણ જાણે! વિદેશોથી - અમેરિકા અને ઇંગ્લેન્ડને બાદ કરતાં - જે વડા પ્રધાન અને રાષ્ટ્રપ્રમુખ ભારત આવે છે તેઓ તમામ રાજનયિક સ્તરે પોતાની રાષ્ટ્રભાષામાં વાત કરે છે. આપણે તો હજુ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકૃતિ આપવામાં યે સંકોચાઈએ છીએ!
શાસકીય ગુલામી તો સમાપ્ત થાય છે, પણ માનસિક ગુલામી નિજી અસ્મીતાને ય ભૂલાવી દે છે.