પદ્મભૂષણ-પ્રાપ્ત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ વળી ટોપલીમાં બેઠેલા સાપને છંછેડ્યો છે. વિવાદ અને કોઈ તર્ક વિનાનો વિવાદ જ્યારે છેડવામાં આવે ત્યારે આવું બને છે. ગુજરાતમાં ગુહાના તાજેતરનાં એક ‘ટ્વિટ’ પર ખાસ્સી પ્રતિક્રિયા પેદા થઈ છે. ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહેવું પડ્યું કે કેટલાંક તત્ત્વોને વિભાજનમાં જ રસ પડે છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ વિરોધ કર્યો કે ગુજરાતની સંસ્કૃતિને જાણ્યા-પરખ્યા સિવાયનાં વિધાનમાં કોઈક મેલો ઇરાદો હોવો જોઈએ.’
તેમની અને બીજા ઘણા નિરીક્ષકોની, નાગરિકોની આવી આશંકા સાચી છે. રામચંદ્ર ગુહાએ એવી ટ્વિટ કરી કે ગુજરાત સાંસ્કૃતિક રીતે અને બંગાળ આર્થિક રીતે પછાત છે. વિધાન તેમનું નથી. ફિલિપ સ્પ્રેટ (કે સ્પ્રાટ)નું છે. ગુહાએ માત્ર અવતરણ મૂક્યું અને પોતાની છદ્મ શરારતનો પરિચય આપ્યો.
એક નાગરિકે લખ્યું છે કે બીજા કોઈ - મહારાષ્ટ્ર જેવા - પ્રદેશ વિશે આવું લખાયું હોત તો ત્યાં પ્રચંડ વિરોધ થયો હોત.
ગુજરાતને ‘ઝેર પી જવાની’ આદત છે, ઇતિહાસ કહે છે કે તેને કારણે વિક્ષોભ કે આવેશ વિના ગુજરાત સર્વ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે.
હા, સાંસ્કૃતિક ગુજરાતનો નકશો તો પુરાણ-પ્રાચીન છે. અર્વાચીન ઇતિહાસ મુજબ પણ ૫૦૦૦ વર્ષ જૂની સાંસ્કૃતિક યાત્રા છે. લોથલ - ધોળાવીરા, ઘૂમલી, લાંઘણજના પુરાતત્વીય પ્રમાણો, શ્રી કૃષ્ણનો દ્વારિકાનિવાસ, દ્વારિકાધીશ અને સોમનાથ મહાદેવની મહત્તા, અષ્ટાવક્ર ગીતાનું જ્યાં અષ્ટાવક્ર નિર્માણ કર્યું અને જ્યાં ગાયત્રી મંત્ર સર્વપ્રથમ રચાયો; તે આ ગુજરાતનો સંસ્કૃતિ-વૈભવ છે.
લોથલ એક જમાનામાં આંતરરાષ્ટ્રીય મથક હતું. મધ્યકાળમાં વિશ્વભરની સંપર્ક-ભાષા ગુજરાતી રહી હતી. વિનાશથી નિર્માણ એ ગુજરાતનો મહામંત્ર છે. અર્વાચીન કવિ વીર નર્મદે તેને પોતાના અમર ગીતમાં વ્યક્ત કર્યો છેઃ ‘જય જય ગરવી ગુજરાત!’ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પણ જાણે છે કે ગુજરાતે સંસ્કૃતિ અને સંવાદના મહાપુરુષો પેદા કર્યા અને સ્વાતંત્ર્યનાયકો પણ!
મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, દાદાભાઈ નવરોજી, કવિ નર્મદ, માદામ કામા... કેવાં કેવાં નામો? અરે, શિવાજી જન્મે સહ્યાદ્રીમાં અને તેનું હાલરડું અમારો કાઠિયાવાડી કવિ રચે છેઃ ઝવેરચંદ મેઘાણીનું ‘શિવાજીનું હાલરડું!’
રામચંદ્ર ગુહાને ગુજરાતી ભાષા તો ક્યાંથી આવડે? આવડતી હોત તો તેણે ફિલિપ સ્પ્રેટનાં મહોરાં હેઠળ ગુજરાતને આવી ગાળ દીધી ના હોત કે ગુજરાત પછાત છે, સંસ્કૃતિ તેનામાં નથી!
ગુજરાતમાં સંસ્કૃતિધારા ના હોત તો સ્વામી સહજાનંદ અયોધ્યાને છોડીને અહીં આવ્યા ના હોત. અરે, જે બંગાળનું ગુહાએ નામ લીધું છે તે બંગાળથી યુવા સન્યાસી સ્વામી વિવેકાનંદે ગુજરાત ભ્રમણ ના કર્યું હોત. સ્વામીને શિકાગો ધર્મપરિષદમાં જવાની પ્રેરણાનું બીજ જેતલસરના સ્ટેશન માસ્તરે આપ્યું હતું!
ગાંધીની દાંડીકૂચ, ‘બારડોલાઈઝ્ડ ઇન્ડિયા’ માટે જાણીતું બારડોલી સત્યાગ્રહ, દેશ માટે જાણીતા ‘નેહરુ ચાચા’ની સામે પોતાના ‘ઈન્દુ ચાચા’ ઊભા કરીને થયેલું મહાગુજરાત આંદોલન, વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચાર વિરોધનું ચલાવેલું નવનિર્માણ અને જ્યારે ગુહા બ્રિટિશ ક્રિકેટની વાતો લખવામાં મગ્ન હતા ત્યારે કટોકટી અને સેન્સરશિપની ખિલાફના આંદોલનમાં ગુજરાતે ભજવેલો ભાગ...
હા, એ આંદોલનમાં સક્રિય નરેન્દ્ર મોદી આજે દેશના વડા પ્રધાન છે. ગુહાએ વારંવાર તેમને નાપસંદ કર્યા છે અને નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધ માટે તો આંદોલનમાં જોડાયા હતા. અમદાવાદ યુનિવર્સિટીમાં તેમને ઇતિહાસ (આવો ઇતિહાસ?) ભણાવવો હતો પણ વિદ્યાર્થીઓ ચેતી ગયા. યુનિવર્સિટીના મેનેજમેન્ટને રજૂઆત કરી એટલે યુનિવર્સિટીએ વિવેકપૂર્વક ગુહાને ના પાડી બસ, મૂળ કારણ આટલું જ. એક વાર ગાંધી - સાવરકર - ગોડસે વિવાદમાંયે તેમણે પોતાની કોલમમાં રોષ ઠાલવ્યો અને આક્ષેપો પણ કર્યાં.
લોકશાહીમાં વિચાર, સ્વાતંત્ર્ય મહત્ત્વનું છે એટલે તેવું કરે તેમાં વાંધો નહીં પણ ગુજરાત સંસ્કૃતિવિહિન છે એવું કહેવાની જરૂર હતી ખરી? ખરી વાત એ છે કે ઇતિહાસના નામે અનર્થકારી લેખનનો અપપ્રયોગ શરૂ થયો છે. ઇતિહાસના વૈશ્વિક અભ્યાસીઓ કહે છે કે વામપંથી વ્યૂહરચનાનો એક ભાગ છે કે સમાજને વિભાજન તરફ લઈ જવો. કમનસીબે ભારતવિરોધી પશ્ચિમી પરિબળો પણ તેમાં સામેલ થયાં છે.
જેનું વિધાન ગુહાએ ટાંક્યું તે ફિલિપ સ્પ્રેટ બ્રિટિશ લેખક હતો, ભારતીય મહિલાને પરણેલો. ૧૯૩૦માં કમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલનો કટ્ટર સભ્ય બન્યો. બ્રિટિશ સામ્યવાદી વિચારક રજની પામદત્તના ભાઈ કિલેમેન્ટ દત્તે તેને ભારતમાં સામ્યવાદને મજબૂત કરવા માટે મોકલ્યો, પણ વિપરીત પરિણામ આવ્યું. મેરઠ ષડયંત્રમાં બીજા સામ્યવાદીઓ સાથે તે પકડાયો ને જેલમાં હડાહડ સામ્યવાદવિરોધી બની ગયો! અમેરિકાવાદી અખબાર ચલાવ્યું. મૂડીવાદનો પ્રવકતા બન્યો! રશિયાના ફીનલેન્ડ પરના આક્રમણનો વિરોધ કર્યો એટલે સામ્યવાદીઓએ તેને તડીપાર જાહેર કર્યો હતો. નેહરુની સમાજવાદી નીતિનો તે કટ્ટરવિરોધી હતો. સીતારામ ગોયેલના જાણીતા પુસ્તક ‘જિનેસીસ એન્ડ ગ્રોથ ઓફ નેહરુઇઝમ’ની પ્રસ્તાવના તેણે લખી છે. નેહરુ વિશે તેણે લખ્યુંઃ ‘હી ઇઝ મોર ક્મ્યુનિસ્ટ!’ કાશ્મીરની ખીણને સ્વતંત્ર કરવાનો તે આગ્રહી રહ્યો. ૧૯૭૧માં કેન્સરના રોગને લીધે તે મૃત્યુ પામ્યો.
ગુહાએ તેનું વિધાન ‘ટ્વિટ’ કર્યું તેને માત્ર નુકતાચેની ગણવી? જવાબ ‘ના’માં આવે છે. પણ આને લીધે તેનું ઇતિહાસકાર હોવું પ્રશ્નચિહ્ન બની ગયું છે. પોતાના વિચારો અને પ્રતિબદ્ધતા હોય તો પણ ઇતિહાસ-લેખનમાં પૂર્વગ્રહ કે પક્ષપાત મોટા દુશ્મનો છે. મુસીબત એ છે કે આજકાલ ‘આવા પૂર્વગ્રહો સાથે લખવું તેને ‘તટસ્થતા’નું બિરુદ અપાય છે!