ઘટના ઉનાની, પડઘો દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 27th July 2016 07:58 EDT
 
 

જૂનાગઢ જિલ્લાના ઉના જેવા નાનકડા નગર પર રોજેરોજ નેતાઓના ‘દલિત-પ્રેમ’ માટેના પ્રવાસો-મુલાકાતોને મજાકમાં ‘પોલિટિકલ ટુરીઝમ’ તરીકે ઓળખાવાઈ, પણ તેની પાછળનો ઇરાદો વિચારવા જેવો છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ભાજપની સરકાર જો લાંબો સમય ટકી રહે તો કોંગ્રેસ અને કમ્યુનિસ્ટોને ભારે ફટકો પડે તેમ તેઓ ગભરાઈને વિચારી રહ્યા છે. કોંગ્રેસ ખતમ થાય તેમાં માયાવતી, શરદ યાદવ, લાલુ પ્રસાદ અને મુલાયમ સિંહને જરીકેય વાંધો નથી, પણ ભાજપના સમોવડિયા થઈને આ પક્ષોએ પોતાનું અસ્તિત્વ સાબિત કરવું છે એટલે મુદ્દા તો જોઈએ.

ઉનામાં દલિતોને ગાયના ચામડાં ઉતારવા સમયે કથિત ‘ગૌરક્ષકો’એ (ગૌરક્ષા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદે ઘસીને ના પાડી દીધી છે કે આમાં અમે ક્યાંય ચિત્રમાં નથી. એક નિવેદન પ્રમાણે, દલિતોને મારનારાઓની કાર પાછળ શિવ સેનાનું પાટિયું લાગ્યું હતું.) ઢોરમાર માર્યો અને તેની સીડી-ડીવીડી ઉતારી તે મીડિયામાં પહોંચતા વિસ્ફોટ થયો. આ મારનારાઓ બેહરમીથી દલિતોને પીટતા હતા, તેમની પાસેના ડંડા પોલીસ-ટાઇપના હતા... આ દૃશ્ય જોઈને કમકમાટી આવે અને ગુસ્સો પણ પેદા થાય કે અરે, આઝાદીનાં આટલાં વર્ષેય આપણે આવી ખતરનાક અને શરમજનક પ્રથાના, માનસિકતાના શિકાર છીએ?

ગુજરાતની કમનસીબી

એવું નથી કે પહેલો કિસ્સો છે. આ પહેલાં ગોલાણા હત્યાકાંડ થયો હતો. જેતલપુરના કૂવામાં શકરા નામના દલિતને ફેંકી દેવાયો હતો. સુરેન્દ્રનગર અને ભાવનગરની પાસે હિજરતો થઈ હતી. થાનગઢમાં ગોળીબાર થયો હતો. બધુ કંઈ એકસરખું નથી હોતું. સૂકા ભેગું લીલું પણ બળી જાય અને અસામાજિક તત્ત્વોની લડાઈને ય દલિત અત્યાચારનું નામ આપી દેવાય.

ઉનામાં સ્થાનિક પોલીસ કેવીક શક્તિશાળી હોય? સૌરાષ્ટ્રના એવા ઘણા નગરો-ગામડાંઓમાં ‘દાદાઓ’ અને ‘લુખ્ખાઓ’નો છડેચોક ત્રાસ હોય છે, પોલીસ કાં તો ડરતી હોય અથવા તેને છૂપો ટેકો આપે અથવા તો પોતે જ અ-સામાજિક બની જાય. આવા ભયજનક વાતાવરણની સામે ૪૦ વર્ષ પહેલાં હેમાબહેન આચાર્ય નામનાં દૂબળાં-પાતળાં પણ સ્વભાવે ઝાંસી રાણી જેવી લડાયકતા રાખનારા મહિલાએ ‘ગૂંડાગીરી વિરોધી’ સંગઠન ઊભું કર્યું હતું. તેના લીધે સૌરાષ્ટ્રમાં ઘણી બહેન-દીકરીઓ પર થતી છેડછાડ અને બળાત્કારના કિસ્સા ઘણા ઓછા થઈ ગયેલા. હવે તો કોઈ રાજકીય પક્ષ કે માનવાધિકારની ટોળીઓને આવું ઠોસ કામ કરવું નથી, બસ નિવેદનિયા ચળવળ ચલાવવી છે! ઉનામાં કંઈક આવું જ બન્યું.

લોકસભામાં માયાવતીએ ઘટનાના આઠ દિવસ પછી મુદ્દો ઊઠાવ્યો. ગુજરાત સરકારે પગલાં તો લીધાં હતાં, પણ આટલો મોટો હોબાળો થશે તેની કલ્પના નહોતી. રજનીકાંત પટેલ જેવો ભલોભોળો નિષ્ક્રિય પ્રધાન ગૃહખાતું સંભાળી શકે નહીં એટલું સરકારને ક્યારેય સૂઝ્યું નહીં તે નવાઈની વાત છે. કાયદો અને વ્યવસ્થા એવી ચીજ છે જેમાં ઘટનાના બનતા પહેલાંનો અણસાર અને પગલાં જરૂરી હોય છે. તેને બદલે તબેલામાંથી ઘોડો નાસી જાય પછી પગલાં લેવા જેવું બને ત્યારે મામલો વધુ વિસ્તરે છે.

સિક્કાની બે બાજુ

ઉનામાં મુખ્ય પ્રધાન જાતે ગયાં, દલિત પ્રધાન રમણલાલ વોરા તેમની સાથે હતાં. તે દરમિયાન સૌરાષ્ટ્રમાં તોફાનો અને દેખાવો એક સાથે શરૂ થયાં. અમરેલીમાં તો ખરેખર કાયદો-વ્યવસ્થા જાળવવા આવેલા હેડ કોન્સ્ટેબલ પંકજ અમરેલિયા પોલીસ વાનમાંથી ઉતરે ત્યાં તેના પર હુમલો થયો, તે ઢળી પડ્યા અને મૃત્યુ થયું. આમાં હુમલાખોર પકડાયો તેને રાજકોટ હોસ્પિટલમાં અરવિંદ કેજરીવાલ મળી આવ્યા! અમરેલિયાનો આખો પરિવાર પ્રામાણિકતા અને નિષ્ઠાથી કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ સેવામાં સામેલ છે, પણ ઘણા દિવસો સુધી મરનારની પત્ની અને બાળકોને મળવા કોઈ રાજકીય આગેવાન ફરક્યો નહોતો!

બંધના નામે તોડફોડ, હુમલા, આગ, પત્થરબાજી ચાલ્યાં તેને ‘ઉના ઘટનાની પ્રતિક્રિયા’ કહીને બેસી રહેવું એ મોટી આત્મવંચના છે. જેઓ તોફાનો કરે છે, બંધ પાળે છે, હત્યા કરે છે તેમણે બાબાસાહેબ આંબેડકરનાં એ વિધાને યાદ રાખવું જોઈએ કે બંધારણ ઘડ્યા પછીના પ્રથમ ભાષણમાં તેમણે બંધ - ધરણાં - અસહકારને ‘અરાજકતાનું વ્યાકરણ’ કહ્યું હતું!

ખરેખર તો ગુજરાત અને ભારતે સાચા અર્થમાં તંદુરસ્ત લોકશાહી તરફ આગળ વધવું હોય તો આ પ્રકારના ઉશ્કેરાટ પેદા કરતા કાર્યક્રમોને ટાળવા જોઈએ. વિરોધના નવા રસ્તાઓ ઊભા કરવા જોઈએ. પ્રશ્નો તો દુનિયાના દરેક દેશોમાં હોય છે, બધે આવી હિંસક ક્રિયા-પ્રતિક્રિયા થતી નથી. જ્યાં થાય છે તેને માનસિક અને રાજકીય રીતે પછાત અને ગેરજવાબદાર દેશ ગણવો પડે તેમ છે. ભારત હજુ તેવી જ યાદીમાં છે.

સંતુલનથી મૂલ્યાંકન

આવી યાદીમાં રહેવાની કસરત રાજકીય પક્ષોની શરૂ થાય છે. ઉના સોરઠ જિલ્લાનું નાનકડું ગામ છે. અહીંથી દીવ જવાય એટલા પૂરતું જાણીતું છે. દવે નામના એક લાલ ટોપી ધારી સમાજવાદી આ ગામમાં કાયમ સક્રિય રહ્યા અને ૧૯૭૭માં જનતા સરકાર આવી ત્યારે ધારાસભ્ય બનવાની તક મળી હતી. આ સિવાય આ વિસ્તારમાં બીજી કોઈ રાજકીય જાગૃતિ નથી. અહીં દલિતો પર ૧૯ (પોલીસ ચોપડે નોંધાયા તે ગણતરીથી) લોકોએ દલિતો પર ત્રાસ ગૂજાર્યો અને તે ય ‘ગાય’ના નામે!

ગાય પવિત્ર છે, કુદરતનું શ્રેષ્ઠ પ્રાણી છે, તેની હત્યા થવી ન જોઈએ એ વાત જેટલી સાચી તેટલું જ એ કડવું સત્ય છે કે ગાયની જાળવણી રખેવાળી કરવામાં ઘણા ઓછા પડીએ છીએ. મહાનગર અમદાવાદ અને ગાંધીનગર આવ્યા છોને તમે? નિરાંતે ગાય-બળદો રસ્તા પર ધામા નાખીને બેઠા હોય છે! પછી રસ્તે રઝળતી ગાયો પર ગાય મારવાનો ધંધો કરનારાઓની નજર જાય એટલે તે ઉપાડીને કતલખાને લઈ જાય. કેટલીક જગ્યાએ સ્થાનિક ગૌરક્ષકો ભેગા થઈને તેવી મરવા જતી ગાયોને બચાવી લે છે.

હિન્દુ સમાજની એક ખાસિયત ગૌશાળાઓની છે. ઠેર ઠેર ગૌશાળા બંધાય છે. પાંજરાપોળ શબ્દ હવે પ્રચલિત રહ્યો નથી. પરંતુ ગૌસંવર્ધન માટે હજુ ઘણું ઘૂટે છે. આવા સંજોગોમાં ઉનામાં ‘ગાયને મારી નાખ્યાની’ અફવા-માત્રથી આવું બન્યું. પોલીસ ત્યારે ક્યાં હતી, કેટલી હતી, શું કર્યું એ મોટા સવાલો છે. ગોંડલમાં ‘ગુજરાત બંધ’ના નામે એક પટેલ યુવાનને દેખાવકારોએ મારી નાખ્યો તેવી જ ઘટના આ દલિતોને માર મારવાની ઉનાની કહેવાય. ત્રાજવામાં સંતુલન એ સમાજની પારાશીશી છે. ન્યાય બધાંને મળવો જોઈએ.

રાજકીય ખેલ

બીજી મહત્ત્વની વાત ઉના-ઘટનામાંથી નીકળી તે દલિતોના નામે રાજકારણની છે. દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસ-નેતા રાહુલ ગાંધી, સામ્યવાદી એ. રાજા, સમાજવાદી જનતા દળના શરદ યાદવ, આ બધાંને ઉના યાદ આવી ગયું! માયાવતી ન આવ્યાં, પણ લખનૌ - દિલ્હીમાં અને કોલકતામાં મમતા બેનર્જીએ ઉના-ઘટનાને નામે નિવેદનો કર્યાં. કેજરીવાલે ગુજરાતમાં આવીને ‘આપ’ના આગેવાનો સાથે ગપસપ કરી. શરદ યાદવે પણ તેવું કર્યું. કોંગ્રેસ દલિતોના પ્રશ્ને ભાજપને ઘેરવાની કોશિશમાં તો છે, પણ ઉનામાં હુમલાખોરોમાંના લગભગ બધા ઓબીસી છે.

માધવસિંહ સોલંકીએ ૧૯૮૫માં ઓબીસીની તરફેણ કરીને અનામતનું ભૂત પેદા કર્યું હતું તેથી ‘આપ’ના પટેલો કોંગ્રેસ પર ભરોસો મૂકવા તૈયાર નથી. ગુજરાતમાં અત્યારે ‘આપ’, સામ્યવાદી પક્ષ, જનતા દળ કોઈનો યે પ્રભાવ નથી. લડાઈ ભાજપવિરુદ્ધ કોંગ્રેસની રહેવાની તેમાં પાટીદારોની ભૂમિકા સમરાંગણને ઘાટ આપે તેવી છે. અત્યારે હાર્દિક પટેલ પોતે જ કોઈ સ્પષ્ટ વલણ ધરાવતો નથી. અમારી કાર્યપદ્ધતિમાં ફેરફાર કરીશું અને તેવર એના એ રહેશે એમ જેલમાંથી છૂટીને તેણે કહ્યું હતું.

ઉદયપુરમાં તે પ્રેસ-પ્રતિનિધિઓને મુલાકાતો આપે છે તો રાષ્ટ્રીયસ્તરનાં આંદોલનની યે વાત કરે છે. તેની પાછળ ગુજરાતમાં ‘આપ’માં સંખ્યાબંધ નેતાઓ ફૂટી નીકળ્યા છે. (નવનિર્માણ આંદોલનમાં આવું જ બન્યું હતું.) તેઓ પોતાની રીતે નિવેદનો કરે છે. એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે અમે નવો પક્ષ બનાવીશું! ઓબીસી અને પાટીદાર, ઓબીસી અને દલિત, પાટીદાર અને દલિત - એવી સંગઠિત એકતાની વાતો તો થઈ રહી છે, પણ બધું હવામાં છે. આમાંથી ૨૦૧૭ની ચૂંટણીમાં શું નીપજશે તે કહી શકાય નહીં.

અધૂરામાં પૂરું, ડો. આંબેડકરના વારસદાર પ્રકાશ આંબેડકરને નવસર્જન નામની સંસ્થાના દલિત નેતા માર્ટિન મેકવાન લઈ આવ્યા. આંબેડકરને આમાં આરએસએસનો હાથ દેખાયો! મહાન પૂર્વજના નામે તેમના અનુગામી વારસદારો સ્થાપિત થવા મથતા હોય ત્યારે આવું બને. રાહુલ ગાંધીએ દલિતની રકાબીમાં ચા તો પીધી પણ ઉત્સાહમાં આવીને રાજકોટની હોસ્પિટલમાં એવી મહિલાને મળ્યા અને ફોટો પડાવ્યો જેને પીડિતો સાથે કોઈ લેવાદેવા નહોતાં. કેટલાક કેસ પણ તેના પર થયા છે. કેજરીવાલની સાથે ફરનારી ‘આપ’ કાર્યકર્તાએ બ્રાહ્મણવિરોધી નિવેદન કરતાં તેના પર પોલીસ ફરિયાદ થઈ એટલે ‘આપ’માંથી સસ્પેન્ડ કરાયેલી મહિલા હતી! તિક્કડમબાજી અને કેજરીવાલની જુગલબંદી ગુજરાતમાં પણ જોવા મળી હતી.


comments powered by Disqus