આણંદ-વિદ્યાનગરમાં યોજાયેલા બે કાર્યક્રમોમાં જવાનું બન્યું, તેમાંનો એક તો આપણા આ સાપ્તાહિકમાં સાડા ત્રણ દસકાથી સક્રિય કોકિલાબહેનનાં પુસ્તક ‘એક જ દે ચિનગારી’નાં લોકાર્પણનો હતો. કોકિલાબહેનનો પ્રત્યક્ષ પરિચય તો ઘણો મોડો - ૨૦૦૮માં કૃષ્ણકાંત વખારિયા અને સવજીભાઈ વેકરિયાની સાથે લંડનના ટૂંકા પ્રવાસે જવાનું થયું હતું ત્યારે જ - થયો, પણ એમનું વ્યક્તિત્વ એટલું ખૂલ્લાં આકાશ જેવું અને સહજ મધુરતા સાથેનું, કે જાણે વર્ષોથી આત્મીય પરિચય હોય તેવું અનુભવાયું.
લંડનમાં મીડિયા-મુલાકાત તેમણે લીધી ત્યારે તેમણે પૂછેલા પ્રશ્નોમાં પત્રકારત્વની વિશેષતાઓ નજરે ચડી હતી. તેમને પત્રકારત્વ તરફ પ્રેરિત કર્યાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના સૂત્રધાર સી. બી. પટેલે. આ પુસ્તક પણ તેમના આગ્રહથી જ થયું તે વાત સંપાદક ડો. બળવંત જાનીએ કરી. બળવંતભાઈ ‘ગ્રીડ’ સંસ્થા ચલાવે છે અને ‘ડાયસ્પોરિક’ આકાશને આંબવાનો પુરુષાર્થ કરતા રહ્યા છે. આ બધાના આગ્રહ અને કોકિલાબહેનનાં પત્રકારત્વને નવાજવાની ઇચ્છાને લીધે, વિપરિત સંજોગોમાં પણ, આણંદ-વિદ્યાનગરના આ કાર્યક્રમમાં સહભાગી થયો. ચરોતરના આગેવાનો પોતાની ‘વાસદ-પુત્રી’ની સિદ્ધિને અભિનંદવા આવ્યા હતા. એચ. એમ. પટેલનાં પુત્રી ડો. અમૃતા પટેલ પણ ઉપસ્થિત હતાં.
જનતા પક્ષના ધૂંવાધાર પ્રચારના દિવસોમાં - લોકતંત્રની સુરક્ષાના માહોલમાં એચ. એમ. પટેલની લોકસભા માટે ઉમેદવારી સમયે જાહેર સભા સંબોધવા હું ગયો હતો તે યાદ આવ્યું. સરદાર યુનિવર્સિટીમાં મીડિયાનો અભ્યાસક્રમ શરૂ થાય અને તે હું સંભાળું એવી તેમની હાર્દિક ઇચ્છા હતી. યુનિવર્સિટીનાં પ્રાંગણમાં આવેલાં કાર્યાલયે તેમને વારંવાર મળવાનું થતું. ભાઈકાકાને ય પહેલીવાર અહીં મળેલો. ૧૯૬૭માં તો તેમણે ગુજરાત કોંગ્રેસ સરકારના પાયા હચમચાવી નાખ્યા હતા. ‘અમુલ’-ખ્યાત ડો. કુરિયનની લાંબી મુલાકાત આણંદમાં અમુલ ભુવનમાં થઈ ત્યારે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી મા. સ. ગોળવલકર (શ્રી ગુરુજી) સાથેના સંબંધની રસપ્રદ વાતો કરી હતી. પણ, આ સભામાં મેં ‘આણંદનાં આકર્ષણ’ની એક ઐતિહાસિક ઘટનાને તાજી કરી તે ૧૮૫૭માં લોટિયા ભાગોળે કંપની સરકાર સામે લડેલા, આણંદના મુખી ગરબડદાસ પટેલના આંદામાન-કારાવાસની હતી. શ્રોતાજનોને અતીતથી આજ વચ્ચેના આ સંધાનની ચર્ચા સ્પર્શી ગઈ.
લંડનમાં બેસીને પત્રકારત્વનું ખેડા કરતાં આ બે સાપ્તાહિકો અને તેમાં કાર્યરત પત્રકારોને યાદ અપાવી કે તમારી પાસે ‘ડાયસ્પોરિક જર્નાલિઝમ’નો તેજસ્વી વારસો છે. લંડનમાં ૧૯૦૫માં પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ શરૂ કરેલું ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ‘ઇન્ડિયન ઓપિનિયન’, મેડમ કામા - વીરેન્દ્રનાથનાં બે તેજસ્વી અખબારો ‘વન્દે માતરમ્’ અને ‘મદન તલવાર’, કેનેડામાં લાલા હરદયાળની ‘ગદર પાર્ટી’નાં અખબારોની સાથે ગુજરાતી છગન ખેરાજ વર્માનું ગુજરાતીભાષી અખબાર ‘ગદર’ (આ છગન ખેરાજ વર્મા ભારતીય સ્વાતંત્ર્યજંગમાં ફાંસીના માચડે ચડનાર એકમાત્ર ગુજરાતી પત્રકાર હતો.) કૃષ્ણલાલ શ્રીધરાણીનું અમેરિકાસ્થિત આંતરરાષ્ટ્રીય પત્રકારત્વ અને તેમનાં બે પુસ્તકો ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ અને ‘વર્લ્ડ વિધાઉટ વાયોલન્સ’ (આ બન્ને પુસ્તકો ઘણાં વર્ષો પૂર્વે - છપાયેલાં, હવે અપ્રાપ્ય છે તે ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત કરી રહી છે). બર્મામાં આઝાદ હિન્દ ફોજનાં અખબારો તેમજ ‘બર્મા સમાચાર’... આ ઉદાહરણો વિદેશોમાં ભારતીય પત્રકારત્વનાં ઐતિહાસિક ઉદાહરણો છે. આધુનિક ગુજરાતી પત્રકારત્વનું વિદેશે ખેડાણ થઈ રહ્યું છે તેનું સંવર્ધન કરવા અકાદમી પણ પ્રયાસ કરે છે તે વાત સૌને પસંદ પડી.
આણંદ-વિદ્યાનગરના આ કાર્યક્રમ પછી ફેબ્રુઆરીનાં પ્રથમ સપ્તાહમાં એક પરિસંવાદમાં જવાનું પણ થયું તે ‘ડાયોસ્પોરિક સ્પિરીટ’ને કેન્દ્રમાં રાખીને આયોજિત થયો હતો.
૨૭મીનો બીજો કાર્યક્રમ અમદાવાદમાં હતો, રેખા પટેલનાં ત્રણ પુસ્તકોનો. કાવ્ય, વાર્તા અને લેખોઃ એમ વિવિધ સ્વરૂપોનું તેમણે ખેડાણ કર્યું તેનું સરસ અભિવાદન થયું. સર્વશ્રી બળવંત જાની, સી. બી. પટેલ, પૂર્વ રાજદૂત કે. એચ. પટેલ, દિગંત સોમપુરા, ડો. ઉષા ઉપાધ્યાય, ડો. નીરજા ગુપ્તા, ડો. સુધા ચૌહાણ – બધાં બોલ્યાં. પુસ્તકો વિષે પત્રકારત્વનું અને સાહિત્યનું ઋણ ચૂકવવાનો મારે માટે અવસર હતો.
ચરોતર ગુજરાતનો એક અલગ અને આગવો પ્રદેશ છે. તેણે અર્થકારણ, સમાજકારણ અને સાહિત્ય એમ ત્રણેમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ તો ખરા જ, વસોના દરબાર ગોપાળદાસ દેસાઈ અને ભક્તિબાઃ બન્ને સ્મરણીય લોકશાસકો હતા. લગભગ તમામ સમાજસેવકો અહીં સક્રિય રહ્યા તેમાં રવિશંકર મહારાજનું નામ હોઠે ચડે. આણંદથી બહુ દૂર નહીં તેવાં નડિયાદે સાક્ષરો આપ્યા છે. ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, ઇન્દુલાલ યાજ્ઞિક, બાલાશંકર કંથારિયા... કેટલાં નામો સાહિત્ય અને સાર્વજનિક જીવનનાં આકાશમાં ઝળહળતાં નક્ષત્રો બની રહ્યાં તે વાત વારંવાર પ્રજા સમક્ષ – નવી પેઢી સુધી - પહોંચવી જોઈએ.
૨૬મીનો રાજ્યસ્તરનો ઉત્સવ મહેસાણામાં હતો. ચરોતરની જેમ મહેસાણા જિલ્લો પણ ગુજરાતી મિજાજનો પરિયાચક છે. તેનોયે પોતાનો ઇતિહાસ છે. વિસનગર, વિજાપુર, વડનગર, ઊંઝા, બેચરાજી, કડી, ખેરાલુ, સતલાસણા, મહેસાણા, જોટાણા અને ગોઝારિયાઃ આટલા તાલુકા આ જિલ્લામાં છે. બધા એકબીજાથી આગવી પરંપરાના.
આજોલ સંસ્કારતીર્થ અને ૧૮૫૭ના સન્યાસી વિપ્લવીનું સ્થાનક. અસોડામાં સિદ્ધરાજે બંધાવેલું શિવાલય. બેચરાજી પરમ માતૃશક્તિ સ્થાનક. ભાંડુમાં સપ્તમાતૃકા. ગોઝારિયાનું કિનખાબ જાણીતું અને ૧૯૦૫માં વડોદરાથી ક્રાંતિકારી અરવિંદ ઘોષ અહીં ગુપ્ત મુલાકાતે આવ્યા હતા! કડીને તો સ્વાતંત્ર્યજંગ દરમિયાન ‘મહેસાણાનું બારડોલી’ કહેવાતું! ઊંઝા માતા પાર્વતીના ‘ઊમિયા સ્વરૂપ’નો સાક્ષાત્કાર કરાવે. કડવા પટેલોનાં તે કુળદેવી છે. મીનળદેવીએ હીમાલા ગામે આશ્રય લીધો હતો. વડનગર વડા પ્રધાનની જન્મભૂમિ. તોરણ અને તાનારીરી ઉપરાંત ભગતસિંહના શહીદ સાથી ભગવતીચરણ વહોરા - દુર્ગા ભાભીના પૂર્વજો આ ગામના હતા. વડનગર સૌથી પૌરાણિક નગર છે. આનર્તપુર, આનંદપુર, સ્કંદપુર, અર્કસ્થલિ અને ‘વૃદ્ધનગર’ આટલાં નામોમાંથી પસાર થયેલું છે! વિસનગર વિશળદેવે બંધાવ્યું અને મેસાજીનું ‘મે’સાણા’!! અરે, વાલમ નામે ગામડાંમાં નરસિંહ મહેતાની કુંવરબાઈનું મામેલું થયું હતું!
આધુનિક ગુજરાતમાં આ જિલ્લાને ‘રાજકીય પ્રયોગશાળા’ માનવા તરફ કેટલાક રાજકીય પંડિતો દોરાયા, પણ હકીકત એ છે કે આનંદીબહેન – નીતિન પટેલના આ જિલ્લાની બીજી ઘણી ખાસિયતો છે. ગુજરાતના દરેક વિસ્તારોનું આવી લક્ષણ વિવિધ તસવીર છે. તેને પારખ્યા વિના મૂલ્યાંકન થઈ શકે નહીં.