ચારે તરફ ચૂંટણી જંગમાં મતદારનું બ્રહ્માસ્ત્ર!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 01st December 2020 06:20 EST
 
 

બિહાર પછી પણ ભારતમાં ચૂંટણીનો વાયરો ચાલુ છે. ડિસેમ્બરની ઠંડીમાં કાશ્મીરે સ્થાનિક વિકાસ પરિષદોમાં મોટા પાયે મતદાન કર્યું તેમાં બે નવી નવાઈની વાત હતી. એક તો, આતંકવાદીઓનો ડરામણો માહોલ હતો ત્યાં મોટા પાયે મતદાન માટે બુરખાધારી મહિલાઓ બહાર આવી. બીજી વાત એ બની કે પોતાના સ્વાર્થ માટે જાણીતી તમામ પ્રાદેશિક પાર્ટી મહેબુબા અને અબદુલ્લાના વડપણ હેઠળ એકજૂટ થઈ, કોંગ્રેસે પણ તેમની સાથે હાથ મેળવ્યો. આ નેતાઓ છે જેમણે ‘ત્રિરંગો નહીં ફરકાવીએ...’, ‘ચીનની મદદથી ૩૭૦મી કલમ દૂર કરાવીશું...’ જેવી ઉશ્કેરણી કરી છે. કોંગ્રેસને હવે હારેલી બાજી ગમે તે રીતે પાછી જીતવી છે એટલે પેલાઓએ ત્રણ જ બેઠક આપી તો તે પણ લઈ લીધી! આ બધાનો કાશ્મીરની ૩૭૦ કલમથી નારાજ પ્રજા દ્વારા વળતો જવાબ મતદાનમાં મળી જશે.

મતદાને બિહારમાં ખરો રંગ જમાવ્યો. છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓરિસા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગણમાં ૮૫ બેઠકો પર પેટા ચૂંટણી થઈ. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં કોંગ્રેસ છોડી ગયેલા ધારાસભ્યો માટે ‘ગદ્દાર’ હોવાની ચળવળ કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં કરી તો ખરી, પણ કોઈ યારી મળી નહીં. મધ્ય પ્રદેશમાં રાજમાતા વિજ્યારાજે તો જનસંઘ-ભાજપના સ્તંભ હતા. પણ પુત્રને કોંગ્રેસ પસંદ પડી. પૌત્ર જ્યોતિરાદિત્ય પણ પિતાના પગલે શરૂઆતમાં કોંગ્રેસી જ હતા, કમલનાથ-શૈલીનું રાજકારણ ફાવ્યું નહીં એટલે કોંગ્રેસ છોડી. તેની સાથે બીજા ૨૨ પણ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં આવ્યા. મધ્ય પ્રદેશ અને ગુજરાત, કોંગ્રેસની ઇમારતના દરવાજા ખોલીને નીકળી ગયેલાઓને કારણે પેટા-ચૂંટણીઓ આવી હતી.

જોકે રાજસ્થાન, કર્ણાટક, ઝારખંડમાં ભલે એકથી ચાર બેઠકોની ચૂંટણી થઈ, સરકાર અને પક્ષોને માટે નિર્ણાયક રહી. તેની સાથે જ વાલ્મિકીનગર, કન્યાકુમારી, તિરૂપતિ અને બેલગામમાં સંસદીય બેઠકોની લડાઈ રહી. એ પણ નોંધવા જેવું કે નાગાલેન્ડમાં બે સ્થાનિક પક્ષો (અલબત્ત ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષના ટેકાથી)ના ઉમેદવારો જ ત્રણ પેટા-ચૂંટણીમાં ઊભા હતા.

આ પ્રથમ તબક્કો થયો. હવે ૨૦૨૧નું વર્ષ આવશે. લગભગ એપ્રિલ-મે મહિનામાં બીજી પાંચ રાજ્ય સરકારો માટે મતદાન થશે. અસમ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પોંડિચેરી નવી સરકારોની રાહ જોઈ રહ્યાં છે. કશ્મકશ પશ્ચિમ બંગાળમાં રહેશે. કોંગ્રેસથી વિખૂટા પડીને ડાબેરી મોરચાને પડકારનાર મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં લગભગ ભાગલાની સ્થિતિ છે. કોંગ્રેસ તદ્દન નબળી હાલત ધરાવે છે. ડાબેરીઓની ફરી વાર સરકાર બનાવાની કોશિશ છે અને ભાજપ આ બધાને માટે શક્તિશાળી પડકાર બની રહેશે. એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે જનસંઘ-જન્મદાતા ડો. શ્યામાપ્રસાદ મુખરજી બંગાળના જન-નાયક હતા. જનસંઘ તે સમયે બહુ સફળ ના થયો. હા, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ડો. મુખરજી પછી ડો. દેવપ્રસાદ ઘોષ પસંદ થયા હતા.

૨૦૨૧ના પાંચ રાજ્યોમાં પોંડિચેરી કોંગ્રેસ શાસિત રહ્યું, અસમમાં ચમત્કારિક રીતે સર્વાનંદ સોનોવાલના મુખ્ય પ્રધાન પદે રાજ્ય સરકાર ચાલી રહી છે. વિદેશી ‘ઘુસણખોરી’ની મોટી સમસ્યાનો આ પ્રદેશ છે. અને વિદેશી નાગરિક્તાનો પ્રશ્ન વર્ષોથી છે.

કેરળ સામ્યવાદીઓનો ગઢ હતો, હવે ‘ડાબેરી’ અને કોંગ્રેસ સહિતના ‘લોકશાહી’ મોરચામાં લગભગ તમામ પક્ષોની ગાંઠનું રાજકારણ ચાલે છે. બિહારમાં ભલે સામ્યવાદી પક્ષોની સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું હોય, અહીં કેરળમાં તેવી શક્યતા નથી. રાજકીય ધ્રુવીકરણનો અદ્દભુત નકશો કેરળમાં જોવા મળે! સંઘર્ષ એટલો તીવ્ર છે કે, આરએસએસના કેટલાક કાર્યકર્તાઓની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. તમિળનાડુમાં જયલલિતા અને કરુણાનિધિના પડછાયે ડીએમકે અને એઆઈએડીએમકેમાં બીજી હરોળની નેતાગીરી સ્થાપિત થઈ ચૂકી છે. ત્યાં પણ સ્થાનિક પરિબળો પ્રમુખ ભાગ ભજવી રહ્યા છે.

આ તો થઈ આપણા દેશની વાત. દુનિયાભરમાં ૫૦થી વધુ દેશોમાં આગામી વર્ષે ચૂંટણી જંગ ખેલાશે. ટ્રમ્પ-બાઇડેનની ‘જીવલેણ’ કહી શકાય તેવી ચૂંટણી પછી હવે આ દેશમાં પૂર્વ શાસન ચાલુ રાખવું કે નહીં, અને નવું નેતૃત્વ કોનું પસંદ કરવું તેને માટે મતદારો નિર્ણય કરશે. ક્યાંક પ્રમુખશાહીની સામે પ્રજા રણે ચડી છે, ક્યાંક અણગમતો પ્રમુખ અને તેનો પક્ષ ના પસંદ છે, ઘણી બધી સરકારોમાં પક્ષ અને વડા પ્રધાન માટે નિર્ણય આવશે.

સત્તાનું પુનરાવર્તન પણ પ્રજાકીય મુદ્દાઓ પર આધારિત રહેશે. કોરોના મહામારી, કથળતું અર્થતંત્ર, બેરોજગારી અને મૂળભૂત અધિકારો - આટલા મુદ્દાઓ રહેવાના છે.

આફ્રિકા હવે અંધારિયો દેશ નથી રહ્યો. આફ્રિકન પ્રજા પર બ્રિટિશ સામ્રાજ્યવાદે ઘણાં વર્ષો શાસન કર્યું, પછી જે સરકારો આવી તેમાં ઈદી અમીન જેવા સરમુખત્યારો પણ ફાવ્યા. પરંતુ અકંદરે હવે લોહિયાળ સંઘર્ષો પાર કરીને આફ્રિકન દેશો પોતાની રાજકીય શૈલીને વિકસાવી રહ્યા છે. ૨૦૨૧માં ઇથોપિયા, દક્ષિણ સુદાન, મોરોક્કો, છાડ, ગાંબિયા, લિબિયા, સાઓ તોમિન, કોંગો, ઝાંબિયામાં સરકારો કેવી બને તેને માટે ચૂંટણી યોજાશે. દક્ષિણ આફ્રિકામાં મ્યુનિસિપલ ચૂંટણી ભારે મહત્ત્વની છે, કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજ્યના નિર્ણયે માથાભારે વગદાર સ્થાનિક પક્ષોને બહાવરા બનાવી દીધા એવું દક્ષિણ આફ્રિકામાં પણ થશે.

અમેરિકા ઉપખંડમાં ત્રિનિદાદ, ટોબેગો, સાલ્વાડોર, એન્ટિગુઆ, બાર્બુડા, હોન્ડ્રમ, પેરૂ, ઇક્વાડોર, સેન્ટ લુસિયન, મેક્સિકો, આર્જેન્ટિના, ફોકલેંડ, પેરુગ્વે, નિકારાગુઆ, યુકોન, ચિલી, બેલ્જિયન, કેનેડામાં ચૂંટણી થવાની છે, ૨૦૨૧નું વર્ષ એ રીતે ‘મતદાનનું વર્ષ’ ગણાશે.

... અને એશિયામાં?

બેશક, ઘણાં દેશો પ્રજામતની કસોટીએ ચઢવાના છે! કઝાકિસ્તાન, ઇરાન, જાપાન, ઈઝરાયેલ, સિરિયા, ઉઝેબેકિસ્તાન અને વિયેતનામ તેમાં મુખ્ય દેશો છે.

એ જ રીતે યુરોપમાં પોર્ટુગલ, કોસોવાન, ડચ, બલ્ગેરિયા, અલ્બેનિયા, લંડન એસેમ્બલી, સ્કોટલેન્ડ, નોર્વેજિયા, રશિયા, ચેકોસ્લોવેક્યિા, ઇસ્ટોનિયા, જર્મન ફેડરલ, બલ્ગેરિયા, જ્યોર્જિયામાં ચૂંટણી થશે. સામ્યવાદી રશિયાએ આમાં ઘણાં પર પંજો વિસ્તાર્યો હતો, પણ ચેકોસ્લોવેક્યિા, બલ્ગેરિયા વગેરેમાં પ્રજાકીય વિદ્રોહ પછી નકશો બદલી ગયો. એકલુંઅટુલું ઓસ્ટ્રેલિયા પણ ચૂંટણી માટે તૈયાર છે!

વિશ્વના તખતા પર આગામી વર્ષે યોજાનારાી આ ચૂંટણી, અંતે તો લોકોની પીડા અને મહત્ત્વકાંક્ષાને ઓછાવત્તા અંશે વ્યક્ત કરશે. હા, ચૂંટણી જ લોકતંત્રમાં સર્વેસર્વા છે એવી દંતકથાને પાછળ રાખીને વ્યક્તિ અને વ્યવસ્થાના સાર્વજનિક જીવન તરફ જવાનો આપણા ઉપનિષદીય વિચારકોએ જે માર્ગ બતાવ્યો તેના તરફ ભલેને ધીમી ગતિએ પણ, વિશ્વના અજંપાયુક્ત દેશોએ દોરાવું પડશે. સામ્યવાદ કે મૂડીવાદ આધારિત લોકશાહી કે વિચારધારા અને રાજ્ય વ્યવસ્થાઓ જર્જરિત થઈ ગઈ છે.


comments powered by Disqus