ચાળીસ વર્ષે રાજકીય દુર્ઘટનાનું કડવું સ્મરણ?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Saturday 23rd June 2018 06:02 EDT
 
 

ચાળીસથી વધુ વર્ષ પહેલાંની, ભારતીય લોકશાહી પર પ્રહાર કરનારી રાજકીય દુર્ઘટનાનું સ્મરણ છે, તમને?

બરાબર ૧૯૭૫ની ૨૫-૨૬ જૂને કેન્દ્રમાં રાષ્ટ્રપતિના આદેશ મુજબ ‘બંધારણની જોગવાઈ મુજબ’ સમગ્ર દેશમાં આંતરિક કટોકટીની જાહેરાત કરી દેવામાં આવી હતી.

હતી તો તે બંધારણ મુજબની. બંધારણકર્તાઓએ દેશ પર આંતર-બાહ્ય જોખમ આવે ત્યારે આ કટોકટી લાગુ પાડી શકાય તેવી જોગવાઈ રાખી હતી. ૧૯૬૨માં ચીની આક્રમણ સમયે ‘બાહ્ય કટોકટી’ લાદવામાં આવી હતી, તો ૨૫-૨૬ જૂને ‘આંતરિક કટોકટી’ જાહેર કરવામાં આવી.

કટોકટી એટલે શું એ દેશમાં સામાન્ય નાગરિકને તો ઠીક, અખબારો - ન્યાયતંત્ર – રાજકીય પક્ષોને ય પૂરેપૂરી ખબર નહોતી. ખુદ કોંગ્રેસમાં પણ આ જ હાલત હતી! એટલે તો ૨૬ જૂનની ‘કટોકટી’ પછી તુરંત જાણીતા રેડિકલ હ્યુમનિસ્ટ ન્યાયવિદ્ વી. એમ. તારકુંડેએ દિલ્હીમાં અખબારોના તંત્રી-માલિકોની બેઠક યોજીને કાયદાની સમજણ આપી કે કટોકટીની વિરુદ્ધ પણ લખી શકાય છે.

પણ માને કોણ?

૨૫મીની રાતે જ દિલ્હીનાં અખબારોનું વીજ-જોડાણ કાપી નાખવામાં આવ્યું. ‘મધરલેન્ડ’ના તંત્રી કે. આર. મલકાણીની ધરપકડ થઈ, ભારતભરમાં ૩૦૦ પત્રકારોને પકડી લેવામાં આવ્યા. એ. ડી. ગોરવાલા જેવા સિનિયર બ્યુરોક્રેટ રહી ચૂકેલા પત્રકાર (જે એકલા હાથે ચાર પાનાનું ચોપાનિયું ‘ઓપિનિયન’ બહાર પાડતા, પણ એવું અખબાર કે જે દિલ્હી-દરબારના વરિષ્ઠો અને જાણીતા પત્રકારો, રાજનીતિજ્ઞો પણ વાંચતા.)ના અખબાર પર ડિપોઝીટની જોરતલબી કરવામાં આવી, પોસ્ટ કરવાનો પરવાનો પાછો ખેંચી લેવાયો. જ્યારે વયોવૃદ્ધ પારસી રજની કોઠારી તો કોંગ્રેસના વિભાજન પછી ઇન્દિરાજીની કુટનીતિના સલાહકાર ગણાતા. ‘સેમિનાર’માં તેમણે ‘કટોકટીઃ એક યુગાન્ત?’ લેખ લખ્યો તો ખાનગીમાં સૂચના આપવામાં આવી કે થોડા સમય માટે વિદેશ-પ્રવાસ કરી આવો, નહીંતર...

આ ‘નહીંતર...’નો અર્થ એક જ હતો - ‘મીસા’ હેઠળ કારાવાસ. કુલદીપ નાયરે પ્રેસ કલબમાં સેન્સરશિપનો વિરોધ કરતો ઠરાવ કરાવ્યો તો પોલીસ અફસર આવીને પકડી ગયા! દેશમાં એવાં ઘણા બધાં સાપ્તાહિકો અને નાના અખબારોના છાપખાનાં સુદ્ધાં જપ્ત કરાયાં. વિક્રમ, વિવેક, તરુણ ભારત, યુગધર્મ, સ્વસ્તિકા, મધરલેન્ડ, પાંચજન્ય, ઓર્ગેનાઇઝર જેવાં અખબારોનો આખેઆખો સ્ટાફ ‘મીસા’વાસી બન્યો.

આમાં સરકારની વિરુદ્ધ કટોકટી સામે અવાજ ઊઠાવે કોણ? લાલ કૃષ્ણ અડવાણીનું તે સમયનું જગજાણીતું વાક્ય છે કે સરકારે તો પત્રકારત્વને માત્ર નીચા નમીને ચાલવાનું કહ્યું હતું, તેઓ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા ઘૂંટણિયે પડી ગયા!

જોકે સા-વ એવું નહોતું પણ સેન્સરશિપ એવી વાહિયાત રીતે લાદવામાં આવી - જેમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટરો અખબારોમાં શું છપાય, શું ન છપાય તે નક્કી કરતા સેન્સર અધિકારીઓ હતા. દિલ્હીની મજાક એવી હતી કે એક ઘોડાગાડી ચલાવતા ટાંગાવાળાનો ઘોડો બરાબર ચાલતો નહોતો તો ચાબુક ફટકારીને કહ્યુંઃ ‘અરે, ઇન્દિરા કી ચાલ ચલ!’ ગાડીમાં બેસનારાએ તુરત પોલીસને ફરિયાદ કરી અને ગરીબ ટાંગાવાળો ‘મેઇન્ટેનન્સ ઓફ ઇન્ડિયા સિક્યુરિટી એક્ટ’ અર્થાત્ ‘મીસા’ હેઠળ જેલભેગો કરી દેવાયો. ‘અરે, મેં તો ઇન્દિરાજી જે કરી રહ્યાં હતાં તેનાં વખાણ કર્યાં હતાં...’ પેલાએ દલીલ કરી પણ આ તો પોલીસ!

મુંબઈમાં ‘વિવેક’ નામનાં મરાઠી સાપ્તાહિકમાં એક વિદ્વાને આદિવાસીઓના રીતરિવાજો પર લેખ લખ્યો, પછી સેન્સર ઓફિસે ગયા. છાપવાની મંજૂરી મળી ગઈ ત્યાં અચાનક પેલા અફસરની નજર એક વાક્ય પર ગઈ. વાક્ય એવું હતું કે ‘આદિવાસી પરિવારમાં એવો રિવાજ છે કે કોઈ સારા પ્રસંગ માટે બહાર જવાનું થાય અને ઘરના વડીલ તે માટે જવા નીકળે ત્યારે કોઈ વિધવા સામી મળે તો અપશુકન માનીને ઘરે પાછા વળે છે.’ આ વિધાન રદ કરવાનું ફરમાવવામાં આવ્યું! કોઈ ટીકા ટિપ્પણીની જરૂર છે ખરી?

સેન્સરશિપ અને કટોકટીની જુગલબંદી હતી. ૧,૧૦,૦૦૦ લોકોને પકડીને ક્યાં પુરવામાં આવ્યા તે છાપી શકાતું નહીં. આમાં જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, પીલુ મોદી, ચંદ્રશેખર, મોહન ધારિયા, એસ. એમ. જોશી, અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, બાળા સાહેબ દેવરસ વગેરે પણ હતા. પછી જેલથી જેલ પત્રવ્યવહાર રહ્યો તેને લીધે, અને જે.પી.ને પે-રોલ માટેની વકીલોની જહેમતથી થોડા ખબર બહાર આવ્યા. અમદાવાદથી દાંડી સુધી સરદાર વલ્લભભાઈનાં પુત્રી મણિબહેન પટેલે કટોકટી-વિરોધી યાત્રાની યોજના કરી હતી તે સમાચારો અખબારોમાં તો આવ્યા જ નહીં.

આ બંધિયાર અવસ્થામાં ‘ભૂગર્ભ પત્રો’ શરૂ થયાં. રશિયામાં સામ્યવાદી સરમુખત્યારીની સામે આવાં ‘સેમિઝદાત’ પત્રોએ મોટી લડાઈ કરી. કેટલાયે જેલમાં ગયા અને ગોળીએ દેવાયા. (એલેકઝાન્ડર સોલ્ઝેનિત્સીનની દસ્તાવેજી નવલકથા ‘ગુલાગ આર્કીપિલેગો’ આની વિગતો માટે વાંચી જવી જોઈએ. ખાસ તો, કીડી મરે તેને માનવધિકાર ભંગ ગણીને ભારત સરકારની ખિલાફ વિરોધ કરવામાં આવે કે નાણાં પાછાં આપ્યા વિના જ ‘એવોર્ડ વાપસી’ કરવામાં આવે અને જેએનયુમાં ‘આઝાદી-સંમેલનો’ થાય તેમણે આ મહા-કથા અવશ્ય વાંચવી જોઈએ. સોલ્ઝેનિત્સીનને તેને માટે નોબેલ પારિતોષિક પણ અપાયું હતું.)

ભારતમાં સ્વાતંત્ર્ય જંગ સમયે આવું ભૂગર્ભ સાહિત્ય પણ અસ્તિત્વમાં હતું. ઝવેરચંદ મેઘાણીનાં ગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ જપ્ત કરાયું તેની ભૂગર્ભ આવૃત્તિ થઈ હતી. કટોકટી દરમિયાન આવાં ૧૦૦ જેટલાં અખબારો (પત્રિકાઓ) શરૂ થયાં. ઇંગ્લેન્ડ-અમેરિકામાં રહીને રામ જેઠમલાણી, સુબ્રહ્મણ્યમ્ સ્વામી, મકરંદ દેસાઈ અને અંજલિ પંડ્યાએ કટોકટી-વિરોધી ચળવળની સાથે સમાચાર-પત્રિકા બહાર પાડેલી. પછીથી મકરંદ દેસાઈએ તેનું સંપાદન ‘ધ સ્મગલર ઓફ ધ ટ્રુથ’ નામે પ્રકાશિત કરેલું. ચાળીસ વર્ષ પૂર્વેની આ સાહસિક તવારિખ માટે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલાં ‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તક વાંચવાજોગ છે.

તત્કાલીન સમયે ભૂગર્ભ-પ્રવૃત્તિ માટે જે થોડાક ભૂગર્ભ-નેતાઓ બહાર રહ્યા, સરકાર તેમને પકડી શકી નહીં, તેમાંના મુખ્ય સૂત્રધારોમાં નરેન્દ્ર મોદી પણ હતા. એ ક્યારેય પકડાયા નહીં, તેની દાસ્તાન આ પુસ્તકમાં છે. એમ. વી. કામથનાં તેમનાં પરનાં પુસ્તકમાં એ કિસ્સો પણ નોંધાયો છે કે ‘ભાવનગર જેલમાં ‘સાધના’-તંત્રી વિષ્ણુ પંડ્યા અને જનસંઘ-નેતા શંકરસિંહ વાઘેલાને કેટલીક બાબતો માટે મળવું જરૂરી હતું તો નરેન્દ્રભાઈ છૂપા વેશે, જેલમાં જઈને તેમને મળી આવ્યા હતા!’

કટોકટી વિશે આપણે ત્યાં ઘણું લખાયું છે. કુલદીપ નાયર, જનાર્દન ઠાકુર, ચંદ્રશેખર, ડી. આર. માંકેકર, જસ્ટિસ શાહ તપાસ પંચનો અહેવાલ, લાલ કૃષ્ણ અડવાણી વગેરેનાં પુસ્તકો તેમાં મુખ્ય છે. ગુજરાતીમાં નરેન્દ્રભાઈનું ‘સંઘર્ષમાં ગુજરાત’ જાતઅનુભવની ગાથા છે, તે હિન્દીમાં પણ પ્રકાશિત થયું છે. જેલવાસ દરમિયાન ખ્યાત ધારાશાસ્ત્રી ચન્દ્રકાંત દરુએ ‘લોકતંત્ર અને બંધારણ’ પર પુસ્તક લખ્યું તેનો હું સાક્ષી છું. મારું ‘મીસાવાસ્યમ્’ હવે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પુનઃ પ્રકાશિત થઈ રહ્યું છે તે એ દિવસોની જેલ અને જેલ બહારની કહાણી છે, આ પુસ્તકને સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર સન્માન પ્રાપ્ત થયું હતું.

લોકતંત્રને પાછું ધકેલી દેતી આ ઘટના શા માટે થઈ? શું તેમાં દેશ ‘આંતરિક વિગ્રહમાં ફસાઈ ન જાય’ તેવી ચિંતા કારણરૂપ હતી? શ્રીમતી ગાંધીએ તો વારંવાર એવું કહ્યું. પણ ગુજરાતમાં જનતા મોરચાની વિદાય, અલ્હાબાદ કોર્ટનો ચુકાદો મોટાં કારણો નહોતાં? જે રીતે કટોકટીનાં બે વર્ષો ભારતના નાગરિકે - તેના માનવ અધિકારો છીનવાઈ ગયા તેવા સંજોગોમાં - ભય અને ભ્રમમાં વિતાવ્યા તેનું શું?


comments powered by Disqus