ચીન સાથેની મંત્રણાનો સાતમો દોર પૂરો થયો. હવે શું?
આમ તો ‘સબ ભૂમિ ગોપાલ કી’ અને ‘જય જગત’ આદર્શ સૂત્રો છે પણ વાસ્તવિકતા એ છે કે દુનિયાનો દરેક દેશ, બીજા દેશ સાથે સરહદથી વિભાજિત થાય છે અને સરહદ પરનાં યુદ્ધો ચાલ્યા જ કરે છે. બધે નહીં પણ ઘણા દેશોમાં ‘સળગતી સરહદો’ અસ્તિત્વમાં છે.
ભારતને માટે પણ સ્વતંત્રતા પછીની સ્થિતિ મુજબ ચીન અને પાકિસ્તાન વચ્ચેનાં સીમાયુદ્ધો થયાં હતાં અને ભવિષ્યે નહીં જ થાય એવી કોઈ સંભાવના નથી.
ભારતની પડોશી દેશો સાથેની સરહદોનો અંદાજ મેળવવા જેવો છે. ૧૯૪૭માં ભારતનાં ભાગલા પડ્યા એટલે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીમાંકન સ્થાપિત થયું. બર્મા (મ્યાનમાર) ૧૯૩૭ સુધી ભારતનો ભાગ હતો એટલે તે સમયના ‘બ્રિટિશ ઇન્ડિયા’ની સરહદો છેક થાઈ દેશ અને મલાયાને સ્પર્શતી હતી.
ખંડિત ભારતના ભાગ્યમાં ત્રણ આંતરરાષ્ટ્રીય સરહદો આવી. એક પશ્ચિમ બંગાળ અને તે સમયનાં પૂર્વ પાકિસ્તાન વચ્ચે, બીજી અસમ-ત્રિપુરા અને પૂર્વ પાકિસ્તાનની સાથે અને ત્રીજી મ્યાંમાર-બર્મા સાથેની પરંપરાગત સરહદ.
પશ્ચિમ ભારતમાં રેડક્લિફ એવોર્ડને લીધે પંજાબ વિભાજિત થયું. સરદાર ભગતસિંહ, લાલા લજપતરાય અને અમૃતા શેરગિલનું લાહોર તેમજ પંજાબ પાકિસ્તાનને મળ્યું. અમૃતસરની આસપાસનું પંજાબ ભારતને મળ્યું. ગુજરાતીઓનું માનીતું સિંધ પશ્ચિમ પાકિસ્તાન હેઠળ આવ્યું અને નાનું રણ તેમજ મોટું રણ ખંડિત થયાં. ૧૯૬૫નાં યુદ્ધમાં પાકિસ્તાને કચ્છના છાડબેટ અને બીજે આક્રમણ કર્યું હતું. કચ્છ ટ્રિબ્યુનલના ચુકાદાથી છાડબેટ પાકિસ્તાનને મળ્યું. બનાસકાંઠાની સરહદેથી ભારતીય લશ્કરે થરપારકર નગરપારકર સુધીનો પ્રદેશ મેળવ્યો પણ કરાર મુજબ પાછો સોંપવો પડ્યો. ભારત-પાકિસ્તાન યુદ્ધ પછીની આ સરહદો પર ‘કચ્છ સત્યાગ્રહ’ થયો હતો. પણ, સરહદ પરિવર્તનનો મોકો ના મળ્યો!
આમ ગણો તો આ માત્ર રાજકીય સાર્વભૌમત્વ પૂરતી સરહદો છે. એક કચ્છી માડૂને માટે હજુ કરાચી તેના ગામતરાંનો દેશ છે, અમૃતસરનો પંજાબી લાહોરને એટલું જ વહાલ કરે છે. શરણાર્થી સોઢા રાજપૂતો અને દલિતો પારકરની ગલીઓને યાદ કરે છે. બંગાળ અને બાંગલાદેશ સાંસ્કૃતિક બંધન સાથે જીવે છે.
વિજયવાડામાં મળેલા એક સાહિત્યકાર સંમેલનમાં બાંગલા દેશથી આવેલા પ્રા. નુરૂલ હસને મને કહ્યું કે અમારે માટે ટાગોર અને શરદબાબુ આજેય પ્રિય લેખકો છે. ચટ્ટગ્રામમાં ફાંસી પર શહીદ થનાર માસ્ટરદા સૂર્યસેનની પ્રતિમા ઊભી છે. કચ્છના બન્નીના ચરવાહા માટે છાડબેટ, કંજર કોટ, ‘રામ કી બજાર’ જવું સરળ હતું. હવે ‘રામ કી બજાર’નું પાકિસ્તાને નામ ફેરવીને ‘રહીમ કી બજાર’ કરી નાખ્યું છે ને સરહદ પરના થાંભલા જડાઈ ગયા. સરક્રીક પર - જ્યાં પાકિસ્તાન હજુ પણ પોતાનો દાવો કરે છે ત્યાં - સીમાવર્તી સ્તંભ મેં જોયા છે. પાકિસ્તાન તેને બીજું ‘છાડબેટ’ બનાવવા માગે છે કેમ કે અહીં પેટ્રોલિયમનો પારાવર જથ્થો પેટાળમાં છે.
તિબેટની પોતાની સાર્વભૌમ સત્તા હતી. ૧૯૦૪ના લ્હાસા કરાર પ્રમાણે તિબેટ ભારતનો ભાગ હતો. પણ ૧૯૫૦ પછી ચીને પોતાનો સામ્રાજ્યવાદી ચહેરો દેખાડ્યો એટલે એલએસી (લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) અને એલઓસી (લાઈન ઓફ કન્ટ્રોલ) એવી બે સરહદી રેખાઓએ ચીન-પાકિસ્તાન ભારતની વચ્ચે ઘૂસણખોરી, ગોળીબાર અને આક્રમણની લોહિયાળ સરહદોની પંરપરા સર્જી છે.
આમાં એક નામ વારંવાર ચમકતું રહ્યું છે - ‘મેકમોહન લાઈન’. ચીન હવે ઘસીને તે સ્વીકારવાની ના પાડે છે. ૧૯૬૨નું ચીની આક્રમણ આ ‘મેકમોહન’ના ઈન્કાર સાથેનું રહ્યું. કોણ હતો આ ‘મોહન’ નહીં, પણ ‘મેકમોહન’? તે બ્રિટિશ ભારતનો વિદેશ સચિવ હતો. આખું નામ હેનરી મેકમોહન.
૧૯૧૪માં તેણે સિમલામાં સરહદ વિવાદ ઉકેલવા માટે મંત્રણા કરી. તેમાં તે સમયનાં તિબેટયન પ્રતિનિધિ લોચેન સાત્ર હતા. યાદ રાખવા જેવું છે કે તે સમયે તિબેટ ચીનનો ભાગ નહોતું. ૮૯૦ કિલોમીટર (૫૫૦ માઈલ) તેમાં નિશ્ચિત કરવામાં આવી પણ પછી આ સમજૂતી લગભગ કચરાટોપલીમાં ફેંકી દેવાઈ હોય એવું લાગ્યું. છેક ૧૯૩૫માં બીજા બ્રિટિશર ઓલાફ કાઓરેને લાગ્યું કે મેકમોહન લાઈન ઘણી સ્પષ્ટ છે. એલેસ્ટર લેમ્બનાં પુસ્તક ‘અ સ્ટડી બિટવીન ઇન્ડિયા-ચાઈના-તિબેટ’માં લગભગ ૬૫૦ પાનામાં આ હરોળની વિગતો આપવામાં આવી છે. પણ ચીને તે સ્વીકારવાની ઘસીને ના પાડી છે. તેને માટે તિબેટ ચીનનો ભાગ છે. એટલે તવાંગ સહિતનું અરુણાચલ ચીનનું છે એવો દાવો આજે પણ કરે છે!
એક વાર તો ૧૪મા દલાઈ લામાની પાસે કહેવડાવ્યું કે અરુણાચલ ચીન-તિબેટનો ભાગ છે. પછી ૨૦૦૭માં તેમણે સુધારો કર્યો કે ના, આ વિસ્તાર ભારતનો ભાગ છે. મેકમોહન હરોળને માન્ય કરવી જોઈએ.
હવે આ એલઓસી અને એલએસીની પરિસ્થિતિ શી છે? એલએસી એ વાસ્તવિક સરહદી અંકુશ સીમા છે. ત્યાં ૫૦થી ૧૦૦ કિલોમીટરના અંતરે બંને દેશોનું સૈન્ય, તેની ‘પોસ્ટ’ સાથે હોય છે. લડાખ-ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશને આ ‘વાસ્તવિક હરોળ’ અડકે છે. એલઓસી - લાઈન ઓફ કંટ્રોલ લગભગ ૭૭૬ કિલોમીટરની છે.
પરંતુ આ તો ‘કાગળ પરની’ સ્થિતિ. વાસ્તવિકતા તો એ છે કે ચીની સૈન્ય અને પાકિસ્તાની સૈનિકો આમાનું કશું માન્ય કર્યા વિના ઘૂસે છે, ગોળીબાર કરે છે, છાવણી ઊભી કરે છે, રસ્તા અને બંધ બનાવે છે. પોતાને અનુકૂળ હોય તેવી મોસમમાં હિલચાલ કરે છે. હમણાં ચીનની પિપલ્સ આર્મીના સૈનિકો ભારતીય છાવણીને ‘સમજાવે’ છે કે પાછા ચાલ્યા જાઓ. અહીં કડકડતી ઠંડી પડે છે, તમે નાકામિયાબ થશો.
અલબત્ત, ભારતીય સૈન્યની આજની હાલત ૧૯૬૨ જેવી નથી. ભારત સરકાર તે સમયે દ્વિધાયુક્ત ઊંઘમાં હતી. તેની ઝીણામાં ઝીણી વિગતો બંધારણવિદ્ એ.જી. નુરાનીએ ૧૯૬૩માં લખેલા પુસ્તકમાં આપવામાં આવી છે. અત્યારે ભારત ચીનનો સામનો કે ઉકેલ કરવામાં નિષ્ફળ ગયું છે તેવો દાવો વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કર્યો છે. પણ આ ક્રમિકા જુઓ, તે ચીને ૧૯૬૨માં કરેલા આક્રમણની છે. ૨૫ જુન, ૧૯૫૫થી તેની શરૂઆત થઈ. ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૫૯, ૧૯૬૦, ૧૯૬૧, ૧૯૬૨ સુધી તે ચાલુ રહ્યું.
ઓક્ટોબર ૧૯૬૨માં તો વ્યાપક આક્રમણ થયું, જ્યારે કવિ પ્રદિપે લખવું પડ્યું, લતા મંગેશકરે ગાવું પડ્યુંઃ ‘જબ દેશ મેંથી દિવાલી, વે ખેલ રહે થે હોલી...’ આક્રમણોનો ભોગ બનેલા સ્થાનોમાં બારાહોતી, દમઝાન, નેલાંગ, સિપકી-લા, વાલોંગ, ખુનાર્ક ફોર્ટ, અકસાઈ ચીન, લોહિત, સાંગચા માલ્લા, લાપથાલ, પેગોંગ સરોવર, ખિન્ઝીમાને, લોંગ્જુ, કોંગકા-લા, તક્તસંગ ગોમ્પા, જેલ્પા-લા, હોટ સ્પ્રિંગ્સ, ચુશુલ, કેમોકર્પોલા, ન્યાંગઝૂ, દમ્બુ ગુરુ, રોઈ, ચીપચત્ય, સુમ્દો, સ્પાંગરુ, ગલવાન ખીણ, થાંગલા એમ એક પછી એક કબજે કરવામાં આવ્યાં હતાં.
ચીનનો ભારતીય જમીન પરનો કુલ દાવો ૫૦,૦૦૦ વર્ગ માઈલનો છે તેમાં ૧૪,૦૦૦ વર્ગ માઈલ લદાખ-જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં અને ૩૨,૦૦૦ વર્ગ માઈલ પૂર્વોત્તર ભાગમાં છે. વળી, હિમાચલ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ કેટલોક ભાગ તેણે ‘પોતાનો’ ગણાવ્યો છે...
આ છે સરહદ પરના હાલના ચીન-ભારતના હાલહવાલ. યુદ્ધપૂર્વેની સ્થિતિ પણ ઘણી કઠિન છે. ભારતીય સેનાની દેશભક્તિ અસીમ છે. ૧૯૬૫માં તેણે પાકિસ્તાનને બોધપાઠ ભણાવ્યો હતો. તેવું ચીનની સામે પણ કરી શકે છે.
પણ કૂટનીતિ અને સરહદી લડાઈ - એ બેમાં સંપૂર્ણ સાવધ રહીને આ આંતરરાષ્ટ્રીય શતરંજ ખેલવી પડે. સદ્ભાગ્યે, વર્તમાન ભારત સરકાર અનેક મોરચે ચીનને મહાત કરવામાં સફળતા મેળવીને આગળ વધી રહી છે.