ગીતા પ્રેસઃ ગોરખપુરથી ગુજરાત
હમણાં ગુજરાતના વિવિધ સ્થાનોએ જવાનું બન્યું ત્યાં એક જ પ્રશ્ન વારંવાર સાંભળવા મળ્યો: ‘શું ગીતા પ્રેસ બંધ થવાનું છે?’ તો પછી ‘કલ્યાણ અને તેના વિશિષ્ટ અંકોનું પ્રકાશન બંધ થશે? અને ગીતા દૈનંદિની (ડાયરી) હવે દર વર્ષે નહીં મળે?’
સવાલો મહત્વના હતા. ભારતીય પત્રકારત્વમાં ‘કલ્યાણ’ સામયિકનું આગવું સ્થાન રહ્યું છે. એવું કોઈ ઘર નહી હોય જ્યાં આ ધાર્મિક સામયિક નહીં પહોંચ્યું હોય, એવું જ ગીતા પ્રેસના પ્રકાશનોનું છે. શબ્દશ: કરોડોની સંખ્યામાં ગીતા, મહાભારત, પુરાણો, ઉપનિષદો, ભક્ત ચરિત્રો, સંસ્કૃત ધાર્મિક કાવ્યો, ઋષિ-મુનિઓ અને અવતારોના આધિકારિક ચરિત્રો, ભક્તિ કાવ્યો અને કથાઓ, કર્મકાંડ વિધિવિધાનો... આ બધું ગોરખપુરના ગીતા પ્રેસમાં છપાતું રહ્યું અને દેશે-વિદેશે પહોંચ્યું છે.
ધાર્મિક પત્રકારત્વ એક નોંધવા જેવું સ્વરૂપ છે. ઇસ્લામ, ઈસાઈ, બૌદ્ધ સંપ્રદાયોમાં તેના ઉપદેશો પ્રચારિત કરવાની ઘણી મોટી સગવડો છે. બાઇબલ શીખવાડતા મફત અભ્યાસક્રમો વર્ષોથી ચાલે છે. છેક કિશોર વયમાં મેં પૂનાથી ‘વોઈસ ઓફ પ્રોફેસી’ નામની સંસ્થા પત્રાચારથી આવો અભ્યાસ કરાવતી તે કર્યો હતો. હજુ તેનું પ્રમાણપત્ર સચવાયેલું છે! હિંદુ ધર્મના સામયિકો વિવિધ પંથ અને ઉપાસનાના મુખપત્રો તરીકે પ્રકાશિત થાય છે. આર્ય સમાજ, સ્વામીનારાયણ અને તેના જુદા જુદા ફાંટાઓ, જૈન, બૌદ્ધ, શીખ અને અગણિત મઠ, મંદિર, ઉપ સંપ્રદાયોના સામયિકો બહાર પડે છે. પણ કેટલાંક માત્ર સમગ્ર ધાર્મિકતા સાથે જોડાયેલા તેવા ગુજરાતી સામયિકોમાં મંગલ સંદેશ, પરમાર્થ, જનકલ્યાણ વગેરે નામ હોઠે ચડે છે. બાકીના અલગ અલગ સમ્પ્રદાય અથવા સંતો-મહારાજો-આશ્રમોના ભક્તો પૂરતા મર્યાદિત છે. વિપશ્યના જેવા આંતરિક પ્રયોગો અને બ્રહ્માકુમારી, શ્રી શ્રી રવિશંકરજી, કૃષ્ણમૂર્તિ, જગ્ગી ગુરુ, મહેશ યોગી વગેરેના વિચારો અને પ્રવૃત્તિ આપતા સામયિકોની એક અલગ પરંપરા છે. એમ તો આસારામ આશ્રમનું પણ એક મુખપત્ર છે!
પરંતુ કલ્યાણ સામયિક અને ગીતા પ્રેસે જે અણથક અને અસરકારક કાર્ય કર્યું છે તે અભૂતપૂર્વ છે. ૧૯૨૩ની ૨૯ અપ્રિલે ગોરખપુરથી આ ભગીરથ કાર્ય શરૂ થયું તેમાં હનુમાન પ્રસાદ પોદ્દાર અને જય દયાલ ગોયંકા આ બે સમર્પિત મહાનુભાવોનું ઐતિહાસિક પ્રદાન હતું. બન્ને મારવાડી સંપન્ન પરિવારના સંતાનો. કોલકાતામાં તેમની વ્યાપારી પેઢી હતી પણ યુવાન હનુમાન પ્રસાદ તો ક્રાંતિના રંગે રંગાયા. જેલ ગયા. છૂટ્યા પછી તેમને લાગ્યું કે હિંદુ અસ્મિતાના પ્રાચીન આદર્શો લોકો સુધી મોટી સંખ્યામાં પહોંચાડવા જ જોઈએ એટલે ગોરખપુરમાં ગોવિંદ ભવન ઉભું કર્યું.
કલ્યાણ સામયિક અને આધિકારિક ધાર્મિક ગ્રંથોનું પ્રકાશન શરૂ કર્યું. વિશ્વના કોઈ પણ ખૂણે વિદ્વાન કે સંશોધક કે કથાકાર અને યુનિવર્સીટીઓને રામાયણ, મહાભારત, ભાગવત, આદી શંકરનું સાહિત્ય, સંતોના ચરિત્ર, ધાર્મિક સ્થાનોની વિગતો, ઉપનિષદો અને તેનું ભાષ્ય જોઈતા હોય તો ગીતા પ્રેસ જ યાદ કરવા પડે તેવી પ્રતિષ્ઠા અને પુરુષાર્થ આ મારવાડી સજ્જનોએ દાયકાઓ સુધી કર્યો છે.
૧૯૨૩માં સ્થપાયેલા આ પ્રકાશન ગૃહને વિશ્વના સહુથી મોટા સ્થાનનું ગૌરવ પ્રાપ્ત થયું છે એટલું જ નહીં, પણ તેના પ્રકાશનો સહુથી સસ્તા છે. કરેલા ખર્ચ કરતા પણ સસ્તા ભાવે તેનું વેચાણ થાય છે. ભગવદ્ ગીતા ચાર રૂપિયામાં? હા. ગીતા પ્રેસનું આ પ્રકાશન છે. બધા જ પુસ્તકો સસ્તી કિંમતે આપવા પાછળનો આશય વધુ લોકો સુધી ખરું ધાર્મિક સાહિત્ય પહોંચે તેવો છે. જયદયાલ ૧૯૬૫માં અવસાન પામ્યા અને પોદ્દાર ૧૯૭૧માં સ્વર્ગવાસી થયા. તેમના આ અદ્દભુત કાર્ય માટે ભારતરત્ન સમ્માન મળવાનું નક્કી હતું, પણ તેમણે વિનમ્રતાપૂર્વક ના પડી. હવે કેટલોક વર્ગ એવો પ્રચાર કરી રહ્યો છે કે તેઓ ગાંધી-હત્યામાં સામેલ હતા અને હવે ગીતા પ્રેસ બંધ થવામાં છે!
ગીતા પ્રેસના વર્તમાન ટ્રસ્ટી અચ્યુતાનંદ મિશ્રા સાથેની વાતચીતમાં આ તદ્દન વાહિયાત પ્રચારનો છેદ ઉડાડવામાં આવ્યો છે. વડોદરા સયાજીરાવ યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગના અને પછી ઝારખંડ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયમાં સેવા આપી ચૂકેલા ખ્યાત લેખક ડો. સંતોષ તિવારીએ આ અંગે એક લેખ લખ્યો છે. શ્રી તિવારીને હું અંગત રીતે જાણું છું. કોઈ પણ વિષય પર તે પૂર્વગ્રહ અને પક્ષપાત વિના સંશોધન કરતા રહ્યા છે. પ્રસ્તુત લેખમાં તેમણે આપેલી વિગતો રસપ્રદ છે.
તેમણે લખ્યું છે કે અહીં રોજની ૫૦,૦૦૦ પ્રતો છપાય છે. અત્યાર સુધીમાં ૬૦ કરોડ પુસ્તકો લોકોના હાથમાં પહોંચ્યા છે. કેટલાંક પુસ્તકોની ૮૦ આવૃત્તિ થઇ છે! ૧૫ ભાષાઓમાં અનુવાદ અને પ્રકાશનો થતા રહ્યા છે. એકલા હિન્દી કલ્યાણની ૨.૧૫ લાખ પ્રતો છપાય છે. આ ગૃહની પાસે ૩૫૦૦ હસ્તપ્રતો અને ગીતાના ૧૦૦ ભાષ્યોની એક ગેલેરી કરવામાં આવી છે. ૨૦૦થી વધુ કર્મચારીઓ છે, કલ્યાણમાં કોઈ જાહેરાત લેવાતી નથી, ન સરકારી અનુદાન લેવાય છે.
કલ્યાણના વિશેષાંકોની અનોખી પરમ્પરા છે, એકદમ સસ્તા ભાવે ૧૦૦૦ જેટલા પાનામાં કોઈ એક જ વિષય (જેમ કે તીર્થો, શક્તિ, જ્યોતિષ, ઉપનિષદ, સ્ત્રીશક્તિ વગેરે) પર અધિકૃત લેખો પ્રકાશિત થાય છે. દરેક વર્ષે તેવો વિશેષાંક ભાર પડે છે. એવા ઘણા અંકો મારા સંદર્ભ માટે સંગ્રહિત કર્યા છે. ગીતા પ્રેસ કોઈ પણ અવરોધ વિના અવિરત ચાલુ છે એ જવાબ સહુને આપ્યો અને આજે આ કોલમમાં તેનું પુનરાવર્તન!
ગુજરાત સરકારની રોજેરોજની વિકાસ જાહેરાતો, અમિત શાહના કાર્યક્રમો, કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન પદ વિશેની ચર્ચાઓ, આદિવાસી યાત્રાઓ, બેટી બચાવ યાત્રા, વિધાનસભામાં જસ્ટિસ શાહ તપાસ પંચ અહેવાલનો હંગામો, દિલ્હીમાં વડા પ્રધાને ગુજરાતના સંસદ સભ્યોની લીધેલી બેઠક, મુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખના ભોજન સમારંભો, કાર્યકર્તા મહાસંમેલન, વિશ્વ હિંદુ પરિષદનું હિંદુ સંમેલન, કોંગ્રેસે ઉમેદવારો માટે કરેલું સંમેલન અને દરેક મત વિસ્તારમાં પ્રભારીની નિયુક્તિ, હું મુખ્ય પ્રધાન પદની સ્પર્ધામાં નથી એવી શંકરસિંહ વાઘેલાની જાહેરાત અને પછી બીજી જાહેરાતમાં ‘કોંગ્રેસનો કોઈ નેતા સ્પર્ધામાં નથી’ એવું વક્તવ્ય, ગુજરાતની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની વ્યવસાયિક ધોરણે લેવાનારી મદદ...
આ તમામ પ્રવાહો માત્ર છેલ્લા ૧૦-૧૨ દિવસના જ છે. અને તેમાંથી હવા ઉભી થઇ છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી આવી રહી છે. વહેલી એટલે કેટલી વહેલી? તેનો જવાબ જૂન મહિનામાં છે, પણ ડિસેમ્બર એ મુદત પૂરી થવાનો મહિનો છે અને ભાજપ એવું કહી રહ્યો છે કે ચૂંટણી સમયસર થશે, વહેલી નહીં. પણ ટીવી અને અખબારો તેમજ રાજકીય પક્ષોના કાર્યાલયો ધમધમવા લાગ્યા છે. રોજ કોઈને કોઈનું નિવેદન અને રોજ પ્રાઈમ ટાઇમમાં જીવંત ચર્ચાઓ. જોકે મોટા ભાગની ટીવી ચર્ચામાં બે કે વધુ પક્ષો બોલવાના મોકાને વસૂલ કરવા માટે એકબીજાની સામે આક્ષેપોમાં આ સમય પસાર કરી દે અને ત્રીજા કોઈ સમીક્ષક કે પત્રકાર બેસાડ્યા હોય તેનો વારો ઓછો જ આવે. છતાં અનુભવ એવો રહ્યો છે કે આવી ચર્ચામાં અંતરિયાળ ગામડા સુધીનો નાગરિક રસ લેતો થયો છે ને તેમાંથી પોતાની રીતે આકલન કરતો હોય છે.
હમણાં એક સિનિયર પ્રધાનને ચૂંટણીની સંભાવના વિશે પૂછ્યું તો કહે કે અંગત રીતે હું વહેલી આવે એવા કોઈ અણસાર જોતો નથી, પણ જો આવે તો પૂરેપૂરી તૈયારી છે. આમ જો અને તો વચ્ચે વિધાનસભા ચૂંટણીનો મંચ રચાઈ રહ્યો છે. જૂનમાં જો કાળઝાળ ગરમી પડે તો? આ સવાલ પણ કેન્દ્રમાં છે. એક વાત નક્કી કે ભાજપે ઉત્તર પ્રદેશમાં ૩૦૦ તો ગુજરાતમાં ૧૫૦ એવો ‘ટાર્ગેટ એજન્ડા’ જાહેર કરીને તૈયારીને માનસશાસ્ત્રીય માહોલમાં ફેરવી દીધી છે. આ આંકડો ભાજપના કર્યક્ર્તામાં એક પ્રકારનો અને કોંગ્રેસમાં બીજા પ્રકારનો ઝંઝાવાત પેદા કરવામાં સફળ થઇ ગયો!