અબ્દુલ સત્તાર એધી. કરાચી જાઓ ને કોઈ પણ ગલીના ચૌરાહે પૂછો એટલે સાંભળવા મળે ‘જનાબ સા’બ તો મસીહા હૈ હમારે...’ શનિવાર, નવમી જુલાઈની ઢળતી બપોરે તેમનું અવસાન થયું ત્યારે ૮૮ વર્ષના હતા. પાકિસ્તાની અખબારોએ પહેલા પાને છાપ્યું કે પાકિસ્તાને તેના મધર ટેરેસા ગુમાવ્યા છે. કરાચીમાં તેનું એધી ફાઉન્ડેશન દીનદુખિયા, લાચાર, ત્યજાયેલા, અને અનાથ લોકોનું આશ્રયસ્થાન મનાતું. સાઠ વરસ પહેલા તેમણે આ આશ્રયસ્થાન ઉભું કર્યું ત્યારે મામુલી રકમ અને બીબીનો સહારો બે જ વસ્તુ હતી.
જોતજોતામાં આ એધી હોમ સેવા અને સુશ્રુષાનું થાનક બની ગયું. કરાચી અને સિંધમાં દુખિયારી, તરછોડાયેલી અને નિરાધાર સ્ત્રીઓના પગલા એધી હાઉસ તરફ વળતા. ભારતીય યુવતી ગીતા જેને વાચા નહોતી તેને અહીં આશરો મળ્યો તે હમણાં દેશ પાછી વળી છે ને પોતાના મા-બાપને શોધી રહી છે.
આ સેવા કેન્દ્રની નામના ઘણી મોટી છે. ક્રિકેટર ઇમરાન ખાને યાદ કર્યું છે કે ૨૬ વરસ પહેલા મારે મોટી રકમ દાન આપવી હતી ત્યારે પહેલું નામ એધી હોમનું જ યાદ આવ્યું. મનિલામાં યોજાયેલા મોટા આંતરરાષ્ટ્રીય સમારંભમાં જનાબ એધીને મેગેસેસ અવોર્ડ અપાયો ત્યારે દુનિયાને આ ફકીર સેવાભાવીની ખબર પડી. તેમના અવસાનનો શોક સરકાર, સેના અને પ્રજાએ પાળ્યો. ૧૦ હજારથી વધુ લોકો અંતિમ સફરમાં જોડાયા અને કરાચીના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા.
એધીની અંતિમ ખ્વાહિશ શું હશે એ તો કોણ કહી શકે? તેમનાથી થોડાક નાના બિલ્કીસ બાનુએ શોહરની આખી જિંદગી જોઈ છે. બે સંતાનો પણ છે. અમદાવાદની ‘સેવા’ સંસ્થાના ધ્વજ્ધારી ઇલાબહેન ભટ્ટ યાદ કરે છે કે આપણા આ ગુજરાતીને હું ત્રણેક વાર મળી છું. મેગેસેસ અવોર્ડ મળ્યો તે સમારંભમાં હું પણ હાજર હતી. બિલ્કીસ બાનુએ પતિ જનાબ એધીની કેફિયત ગુજરાતી ભાષામાં રજૂ કરી અને મેં તેનો અનુવાદ શ્રોતાઓ સમક્ષ અંગ્રેજીમાં કર્યો. બીજા કોઈ તો ગુજરાતી ક્યાંથી સમજે?
જનાબ એધીના દિલ અને દિમાગમાં ગુજરાતીપણું હતું તે વાત કરવા આજે આ કોલમમાં લખવાનું વિચાર્યું છે. ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું અને અલગ પાકિસ્તાન થયું ત્યારે જનાબ એધી ૨૦ વર્ષના હતા અને આખું કુટુંબ બાંટવામાં રહેતું. એ વખતના સોરઠ (હવે જૂનાગઢ જિલ્લો)નું આ પારીસ ગણાતું. વૈભવી શહેરના નિવાસી મુખ્યત્વે મુસ્લિમ ખોજા અને હિંદુઓ. જૂનાગઢ, બાંટવા, સરદારગઢ, કુતિયાણા, બાબરિયાવાડ, પાજોદ, માંગરોળ, માણાવદર... આ બધા બાબી, ખાન અને શેખના હસ્તગત રજવાડા હતા. જૂનાગઢના નવાબ મહાબત ખાને દિવાન શાહનવાઝ ખાન ભુટ્ટોની સલાહ માનીને પાકિસ્તાનની સાથે રાજ્યને જોડી દેવાનો બાલિશ નિર્ણય કર્યો. માણાવદર, બાંટવામાં તેવું જ બન્યું.
જનાબ મોહમ્મદ અલી જિન્નાહ ધોરાજી પાસેના પાનેલી ગામ સાથે બાપદાદાના કારણે જોડાયેલા. આમ સૌરાષ્ટ્રના બે સંતાનો - એક ગાંધી અને બીજા જિન્નાહ... દેશ વિભાજનમાં સામસામે હતા. ગાંધી તો બોલી પણ ગયા કે મારી લાશ પર પાકિસ્તાન થશે. તત્કાલીન કોંગ્રેસ વિષે તેમનો ભ્રમ તૂટ્યો અને પક્ષે ભારતના ભાગલા સ્વીકાર્યા. આઝાદ હિંદના પ્રથમ સ્વાતંત્ર્ય દિવસે રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા પર ફરક્યો ત્યારે ગાંધી એ ઉજવણીમાં હાજર નહોતા.
ભારત-પાકિસ્તાન ભાગલાનું પ્રથમ સ્વાભાવિક પણ ખતરનાક પરિણામ હતું હિજરત. પહેલા તો જૂનાગઢને અલ્લાહ ભરોસે છોડીને તેનો નવાબ જ ભાગી ગયો. કેશોદ વિમાનમથકે બન્યું એટલું સોનું ઝવેરાત, બીબી બચ્ચા, તબીબ અને પ્રિય શ્વાન સમુદાયને લઈને નવાબે કરાચી તરફ ગમન કર્યું ત્યારે એક કહાની એવી પણ છે કે વિમાનમાં જગ્યા ખૂટી તો એક બેગમને જ છોડી દીધી!
સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ઇલાકાઓમાં રહેતા કેટલાક મુસ્લિમોએ હિજરત કરી તેમાં એધી અને તેમના બીબી, મા-બાપ, ભાઈ, બેન વગેરે પણ હતા. બસ, એધી ગયા તે ગયા. પાછા ક્યારેય ભારત કે તેમના જન્મસ્થાન બાંટવા આવ્યા જ નહીં. શું આ દર્દ તેમને કાયમ રહી ગયું હશે? ૧૯૯૬માં પાકિસ્તાનથી ગુજરાતીઓનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાત અને મુંબઈ આવેલું. રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાની સરકારે તેમની વ્યવસ્થા કરી આપી અને સ્વાગત કાર્યક્રમો પણ થયા હતા. આ પ્રતિનિધિ મંડળમાં બાંટવાના જ એક જનાબ પોલાની પણ હતા. કરાચીમાં તેમનો ટ્રાવેલિંગનો વ્યવસાય પણ જીવ પત્રકારનો, એટલે ‘મેમણ ન્યૂઝ’ નામે સામયિક પ્રકાશિત કરે. આ ગુજરાતી સામયિકમાં પાકિસ્તાનના ગુજરાતી મુસ્લિમ કવિઓ, લેખકો, શાયરો લખતા. મોટા ભાગના સૌરાષ્ટ્રથી ૧૯૪૭માં વતનવિછોયા થયા હતા એટલે પોતાની બચપણની માટી યાદ આવે. આથી કવિ તરીકે તખ્લ્લુસમાં પોતાના ગામનો નિર્દેશ કરે, જેમ કે બાટવિયા, જેતપુરી, કુતિયાનવી, પાલનપુરી, જૂનાગઢી...
જનાબ પોલાનીએ મને કહ્યું હતું કે જો શક્ય બને તો મારી જન્મભૂમિ બાંટવા જરૂર જવું છે. જનાબ એધી પણ કહેતા હતા કે જરૂર જજો. બીજા શાયર કચ્છ જવા માંગતા હતા. આ વતનની માયા જ હતી ને? ઇલાબહેન ભટ્ટે એધીની વાત યાદ કરતા એક સરસ સ્મરણ કર્યું.
એક વાર ‘સાર્ક’ની સમિતિ કરાચીમાં યોજાઈ તો ઇલાબહેન તેના સભ્ય હોવાથી ગયા હતા. જનાબ એધી મળ્યા અને કાઠિયાવાડનું ભીનું સ્મરણ કરતા કહ્યું: ‘બાંટવા ભૂલાતું નથી... દુનિયાભરમાં ભલે ફરીએ, પણ આપણા વતન જેવું ક્યાંય નહીં, હોં?’ ઇલાબહેનને તેમણે ‘અસ્સલ ગુજરાતી થાળી’ માટે ઘરે આવવાનો આગ્રહ પણ કર્યો હતો!
શું તેમની અંતિમ ખ્વાહિશ બાંટવાની ધૂળ અને શેરીઓ પામવાની યે હશે? આવું અનુમાન કરવામાં અતિશયોક્તિ નથી. દૂર-દેશાવરમાં સ્થાયી થઇ ગયેલા ગુજરાતી નિવાસીઓ ગુજરાતને ભૂલતા નથી, ભૂલી શકતા નથી. એવું જ એધીનું હોઈ શકે.
હવે તો આ નગર બદલાઈ ગયું છે. વિભાજન સમયે જ સિંધથી આવેલા સિંધીઓની વસાહતોને અલગ અલગ જગ્યાએ વસાવવામાં આવી તેમ બાંટવાના મકાનો મળ્યા, જ્યાં પહેલા મેમણ પરિવારો રહેતા હતા. સિંધી ભાઈઓને એ વાતથી ખોટું ના લાગવું જોઈએ કે આ આલિશાન ઈમારતોને તેઓ સરસ રીતે જાળવી શક્યા નહીં અને ગંદી છાવણીઓ જેવી કરી નાખી.
૧૯૫૫ની આસપાસ મારી કિશોર વયમાં બાંટવા જવાનું થતું કેમ કે તેનાથી ચાર કિલોમીટર દૂર માણાવદર આવેલું છે. વિભાજન સમયે મારા માતા-પિતા ભાઈઓ માણાવદરમાં રહેતા હતા. મારી ઉંમર તો માંડ બે વર્ષની, પણ મજાકમાં હું કહું છું કે થોડો સમય (માણાવદર નવાબે પાકિસ્તાન સાથે જોડાયાની જાહેરાત કરી અને કેપ્ટન બનેસિંહના નેતૃત્વમાં સૈનિકી ટુકડીએ ગામનો કબજો લીધો ત્યાં સુધી) પાકિસ્તાની નાગરિક પણ રહ્યો છું!
અમે કિશોર વયમાં બાંટવા ચાલીને જતા. શાપુરથી કુતિયાણા સુધીની મીટર ગેજ રેલ લાઈન હતી, તેમાં દસ પૈસા ટિકિટ હતી. હવે તો આ રેલ જ કોઈ પ્રભુને ફરી સ્થાપિત કરવાની યાદ નથી આવતી અને સંસદ સભ્યો કે ધારાસભ્યો પણ ભૂલી ગયા છે. બાંટવામાં ધોબી નાકા પાસે જનાબ એધીનું મકાન હતું. આ મકાન મેં જોયું હતું, હવે તો ત્યાં ઈંટ ચૂનાની બિલ્ડીંગો બની ગઈ. જૂની જાહોજલાલીમાં મકાનોના સ્થાપત્ય પણ મહત્ત્વના રહેતા, હવે તેવું નથી. છતાં હજુ એક મકાન જર્જરિત અવસ્થામાં ઉભું છે એવો અહેવાલ છે. જલ્દીથી તે પણ તોડી પાડવામાં આવશે ને ત્યાં નવું મકાન થઇ જશે. નગરો અને મકાનોનું યે બદલાતું નસીબ હોય છે.
ગુજરાતી તરીકે ગૌરવ લઇ શકાય તેવા કેટલાંક નામો પાકિસ્તાનમાં પણ જડી આવે, એમાં એધી પ્રથમ આવે. પ્રથમ વડા પ્રધાન ચુન્દરીગર અમદાવાદના હતા. હબીબ બેક નામે સમગ્ર પાકિસ્તાનમાં બેંક વ્યવસાય શરૂ કરનારા હબીબ પણ સોરઠના રહેવાસી હતા. સ્વામીનારાયણ મંદિર કરાચીમાં છે તેનો પુજારી સૌરાષ્ટ્રનો છે એમ કોઈકે માહિતી આપી હતી. ક્રિકેટર બેગ ગુજરાતી હતો. હમણાં પાકિસ્તાનમાં ક્રિકેટનો ઈતિહાસ પુસ્તક લખાયું છે તેમાં એક આખું પ્રકરણ સોરઠી ક્રિકેટરો વિશે છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટનું નામ ગજવ્યું હતું. માણાવદર નવાબ પોતે ક્રિકેટના ખેલાડી હતા, હોકીને પ્રોત્સાહન આપેલું. શ્રેષ્ઠ સ્ટેડિયમમાં ગણના થાય તેવું એક સ્ટેડિયમ નવાબે બંધાવેલું તે કોઈ જાળવી શક્યું નહીં એટલે માણાવદરમાં ખંડેર બની ગયું... એધી બાંટવા જઈ શક્યા હોત તો તેણે આ બધું પણ જોવાનું આવ્યું હોત!