શા માટે તસલીમા?
અને, તે પણ ‘તસવીરે ગુજરાત’ કોલમમાં, જેમાં મુખ્યત્વે ગુજરાતને કેન્દ્રમાં રાખને લખાતું રહ્યું છે.
પણ કારણ છે, તસલીમાને યાદ કરવાનું. દુનિયાના તખતા પર પોતાની નવલકથાઓ, આત્મકથા, કવિતા અને નિબંધો ઉપરાંત બે-બાક મંતવ્યોથી આદર અને ઊહાપોહ સર્જનાર આ બાંગલાદેશી સર્જકને ૨૦૧૩માં, ગુજરાતમાં સ્થાયી થવા માટેનું આમંત્રણ આ લેખકે આપ્યું હતું!
એ દિવસોમાં ચારેતરફથી તેની ખિલાફ આલોચનાનો કાદવ ઉછાળવાાં આવી રહ્યો હતો. બાંગલા દેશમાં તેનાં મસ્તક માટે કે જીવતી યા મરેલી મેળવવા માટે ફતવા પર ફતવા ચાલુ હતા. અદાલતમાં તેની સામે આરોપો ઘડાયા હતા. જલદીથી આ મહિલાને પીંજરામાં પૂરીને જેલભેગી કરવા કટ્ટરવાદીઓ થનગની રહ્યા હતા. ઘરબાર, માતા, માલમિલકત, નોકરી, બધું છોડીને તે ભારત આવી, તો પશ્ચિમ બંગાળના સાહિત્યકારોના એક વર્ગે તેની સામો મોરચો માંડ્યો. દુનિયામાં માનવાધિકારના ઝંડા ફરકાવતા ડાબેરી મોરચાની સરકારે પણ તેને સ્થાયી થવાની ના પાડી દીધી. ભારત સરકાર પણ નનૈયો દાખવતી હતી. જ્યાં તસલીમા સભા-ગોષ્ઠિમાં જાય ત્યાં કટ્ટર મઝહબીઓ દંગલ મચાવતા રહ્યા. પરિણામે સાવ ગુપ્તનિવાસમાં તેને રહેવું પડ્યું. સુરક્ષાકર્મીઓના પડછાયે આ ‘નિર્વાસિતા’ (આ નામે તેની એક નવલકથા-આત્મકથા પણ છે.) દિવસો વીતાવતી હતી.
એ દિવસોમાં કોલકાતાના ‘સમય પ્રવાહ’ હિન્દી સાપ્તાહિકના સંવાદદાતા સાથે મારે વાતચીત થઈ. તેમણે તસલીમાને ફોન પર પરિચય કરાવ્યો ત્યારે તસલીમાને ગુજરાતમાં આવીને, વસી જવાનું આમંત્રણ મેં પાઠવ્યું. તેની સ્તબ્ધતા તો હતી જઃ ગોધરાકાંડથી બહુ ગાજેલા ગુજરાતમાં, મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના શાસન હેઠળનાં ગુજરાતમાં આવીને વસવાટ કરવાનું આમંત્રણ, અને તે પણ સંઘ-વિચારથી પ્રતિબદ્ધ ‘સાધના’ સાપ્તાહિકના પૂર્વ તંત્રી દ્વારા? કદાચ, પહેલી વાર તેનેય એ ખાતરી થઈ કે જેમને કોમવાદી તરીકે વગોવવામાં એક મોટો વર્ગ જોડાયેલો છે, તે તદ્દન વાહિયાત આક્ષેપોથી બદનામીનો પ્રચાર ફેલાવે છે. હિંદુ સમાજની સહિષ્ણુતા અને વ્યાપકતા વિશે તસલીમાનાં વારંવાર વિધાનો આવે છે. તેની ‘અસ્વીકાર’ કવિતામાં તો અખંડ ભારતનો નિર્ભેળ અવાજ છેઃ
‘ભારત કંઈ કાગળનો ટૂકડો નથી કે જેને અખબારી કાગળના ટૂકડાની જેમ, ફાડીને ફેંકી દેવાય. ૧૯૪૭ એવો શબ્દ છે, જેને હું ભૂંસી નાખવા માગું છું. મને ભારતવર્ષે આપી છે ભાષા અને વિચારની સમૃદ્ધિ. મારા મોત પછી મને પ્રિય કોલકાતામાં દફનાવજો... આખી જિંદગી ભલેને મને ઇન્કારી હોય, મોત પછી મને કબૂલ કરશે.’
‘ફેરા’ નવલકથાનો આ વિસ્ફોટ જુઓ. ‘(પૂર્વ પાકિસ્તાન)માંથી ઉર્દુવાળા મુસ્લિમોને તો ભગાડી મૂકાયા હતા પણ પોતાના વતનમાંથી હિંદુઓને બોરિયાં-બિસ્તરાં સાથે કેમ ભાગી જવું પડ્યું? માની લીધું કે આ મુસ્લિમોની ‘હોમલેન્ડ’ છે, પણ ખરેખર તો આ દેશ બંગાળીઓનો હતો. ૩૦ લાખ બંગાળીઓએ પોતાના લોહીથી તેનું સિંચન કર્યું છે. જેમણે ભારતના ભાગલા પાડ્યા, જેમણે મુસ્લિમોના ‘હોમલેન્ડ’ને સ્થાપિત કર્યું, જેમની કૂટનીતિને લીધે હજારો નિવાસીઓએ મુલક છોડીને હિજરત કરવી પડી તેવા લોકોના ગાલ પર ૧૯૭૧નાં યુદ્ધે થપ્પડ મારી છે. એ યુદ્ધે (ભારત-બાંગલા) સાબિત કરી બતાવ્યું કે બાંગલા દેશ મુસ્લિમોનો નહીં, બંગાળીઓનો છે! અહીં મઝહબ મોટો નથી, ઊંચાઈએ તો ભાષા વિરાજિત છે!’
ગુજરાતની સાહિત્ય-સંસ્થાઓનો ‘સુષ્ઠુ’ અને ‘આત્મરતિ’નો સ્વભાવ તસલીમા જેવાં - લગભગ કાજી નઝરુલ ઇસ્લામ કે શરદબાબુની નજીક જેવા - વ્યક્તિ વિશે વૈચારિક પરિસંવાદ કે ગોષ્ઠિ કરતાં રોકે છે. આ સ્ત્રી માત્ર બગાવતી નથી, ઉત્તમ સર્જકતા અને પરિવર્તનનો પ્રચંડ અવાજ બની ચૂકી છે. મૂળ વાત તસલીમા નાસરિન. ૨૫ ઓગસ્ટ ૧૯૬૨માં જન્મ થયો. મૈમનસિંહ, બાંગલા દેશમાં. (ભારતીય ક્રાંતિકારોની યે સ્વાધીનતા પૂર્વે આ કર્મભૂમિ નગર રહ્યું છે). માતા ઈદુલ આરા (તેના વિશે એક પુસ્તક પણ તસલીમાએ લખ્યું છે). પિતા ડો. રજબ અલી. મૈમનસિંહમાં શિક્ષણ મેળવ્યું, ડોક્ટર બની. ૧૯૮૨માં રુદ્ર મોહમ્મદ સાથે લગ્ન થયાં તે ચાર વર્ષ પછી તૂટ્યા. પછી નયી નૂલ ઇસ્લામ ખાનને ૧૯૯૦માં પરણીને તે દાંપત્યજીવન એક વર્ષ ટકી શક્યું. ત્રીજું લગ્ન ૧૯૯૧માં થયું, મીનાર મનસુરની સાથે. પણ સ્વાધીન તસલીમા તેમાં યે સફળ થઈ નહીં.
સરકારી તબીબ તરીકે ય કામ કર્યું. તે સમયે જ તેણે કલમ હાથમાં લીધી. મહિલાને ઇસ્લામ મઝહબના નામે કુંઠિત કરી દેવામાં આવી છે. તેવા લેખો લખ્યા. સરકારે તેવું લખવા પર મનાઈ કરી તો નોકરી છોડી. કવિ-વિચારક-નવલકથાકાર તરીકે આગળ વધી. કેટલાક અનુવાદો પણ કર્યા.
તેના કાવ્ય સંગ્રહો ‘આ દુઃખ, આ જીવન’, ‘મને મુક્તિ આપો’, ‘બન્દિની’, ‘મને વધુ પ્રેમ આપજો’ વગેરે આવતા એક ઉત્તમ કવિયિત્રી તરીકે તેની ગણના થવા લાગી. વાર્તાઓ પણ લખી. પણ ૧૯૯૪માં ભારત-બાંગલા દેશ યુદ્ધ પછી કટ્ટરવાદીઓએ બાંગલા દેશમાં રમખાણો મચાવ્યા. હિંદુ બંગાળીઓએ પહેરલા કપડે દેશ છોડવાની ફરજ પડી. ત્યારે તેણે ‘લજ્જા’ નવલકથા લખી. તેણે દેશમાં હલચલ મચાવી દીધી. દેશદ્રોહી, ઇસ્લામવિરોધી તેમજ ભારત-તરફી હોવાનો વંટોળ પેદા કરવામાં આવ્યો. પણ તેની કલમ અટકી નહીં.
‘લજ્જા’ પછી ‘ફેરો’, ‘શોધ’, ‘ફ્રાંસિસી પ્રેમી’, ‘બે ઔરતોના પત્રો’, ‘બ્રહ્મપુત્રના કિનારે...’ આ નવલકથાઓ લખી. દુનિયાભરના સાહિત્યકારોએ તેને વખાણી. નિબંધ સંગ્રહોમાં ‘ઔરતના હક્કમાં’, ‘નષ્ટ કન્યા, નષ્ટ ગદ્ય’, ‘નાનાં-નાનાં દુઃખ’, ‘ઔરત કોઈ દેશ નથી’નો સમાવેશ થાય છે. તસલીમાએ તેની પોતાની જીવનકહાણી સાત ખંડોમાં લખી છે. ‘મારા બચપણના દિવસો’, ‘ઉત્તાલ હવા’, ‘દ્વિખંડિત’, ‘તે અંધારા દિવસો’, ‘મને મારા ઘરે લઈ જાવ’, ‘ક્યાંય કશું જ નહીં’, ‘નિર્વાસન’ તે (મૂળ બંગાળીમાં) લખાઈ છે. હિંદી અનુવાદો પણ થયા.
નારી અને નાગરિક સ્વાધીનતા માટે દુનિયાના વિવિધ દેશોએ તેને સન્માનિત કરી છે. આનંદ સન્માન, ફ્રાંસની સરકારનું સર્વોચ્ચ માનવાધિકાર સન્માન, ફ્રાંસમાં જ ડી એલ ‘એડિટ દ નાંત્સ’, સ્વીડનનું કુર્ત દુખોલ્સ્કી સન્માન, અમેરિકામાં હેલ્મેન-હેમિટ સન્માન, હ્યુમન રાઇટ્સ વોચની નવાજેશ... નોર્વે, બેલ્જિયમ, જર્મની, ગ્રેટ બ્રિટન, યુનેસ્કો, પશ્ચિમ બંગાળ, ન્યૂ યોર્ક, પારિસ, સ્પેન, લકઝમ્બર્ગ... આ યાદી પણ અધૂરી છે. ચારે તરફ તસલીમા તસલીમા છે!
તેના પાત્રોમાં સ્વયં તો છે જ, બાંગલા દેશના નાગરિકો છે, વિદેશીઓ છે, બંગાળીઓ છે, પીડિત નારી અને અધિકારવાદી પુરુષ છે. બાંગલાદેશની સરિતા, ગલીઓ, પહાડો, બજારો, સમુદ્ર, ગામડાં, નગરોનું આલેખન છે. પ્રવાસકથામાં તે દેશે-વિદેશે અભિવ્યક્તિ થાય છે. તસલીમાએ જરીકેય અફસોસ વિના સ્વીકાર્યું છે કે તેની ચાર-છ પેઢી પૂર્વે તેઓ હિન્દુ હતા... પોતાના સમાજમાં, એક કન્યા તરીકે તેણે બળાત્કારોને વેઠવા પડ્યા હતા. તેનું કડવું સ્મરણ આત્મકથામાં કર્યું છે. કદાચ એ કુંઠાએ તેના, લગ્નજીવનને વધુ ટકવા દીધું નહીં.
લેખક મહિલાની પ્રતિક્રિયાનો સિલસિલો અવિરત રહ્યો. માતા-પિતાના સંબંધોમાં દરાર હતી. પીર-ફકીરોનો તસલીમાએ કરેલો અનુભવ પણ બે-બાક નોંધાયો છે. મઝહબ પ્રત્યેની વિતૃષ્ણા આવી દુર્ઘટનાઓમાંથી જન્મે ત્યારે વીરલ વ્યક્તિત્વનું ઘડતર થતું હશે? તસલીમા તેવું વ્યક્તિત્વ છે.
૧૯૯૨માં ભારતમાં બાબરી વિવાદ ઢાંચો તૂટ્યો તેની પ્રતિક્રિયા રૂપે ઢાકામાં દંગા શરૂ થઈ ગયા. તસલીમાએ ડોક્ટર તરીકે ક્ષત-વિક્ષત લાશો જોઈ અને ‘લજ્જા’ નવલકથાનો જન્મ થયો. ૧૯૯૩માં બાંગ્લાદેશે તેના પર પ્રતિબંધ મૂક્યો ત્યાં સુધી તો તેની સાત આવૃત્તિ અને ૬૦,૦૦૦ નકલોનું વેચાણ થઈ ચૂક્યું હતું! ફ્રાંસના બૌદ્ધિકોને લીધે બાંગલા દેશ સરકારે તેના વીઝા મંજૂર કરવા પડ્યા, પણ તે દિવસથી (આઠ ઓગસ્ટ, ૧૯૯૪થી) તસલીમા જલાવતન બની ચૂકી છે. તે બાંગ્લાદેશ જઈ શકે તેમ નથી. કટ્ટરવાદીઓ અને કોર્ટ - બંને તેના ‘સ્વાગત’ માટે તૈયાર છે. પણ આ ‘સ્વાગત’ કેવું છે તેની તેને ખબર છે?
હમણાં તેના જીવન અંગે અને સાહિત્ય પરનું એક નવું પુસ્તક ‘તસલીમાઃ સંઘર્ષ ઔર સાહિત્ય’ હાથમાં આવ્યું. તેની આત્મકથામાંના તમામ ખંડ મારાં વાંચનાલયમાં નજર સામે છે. તસલીમાને આપણૌ સૌના સલામ!