જિંદગીથી મૃત્યુઃ વાજપેયીના શબ્દોમાં...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 21st August 2018 07:02 EDT
 
 

અટલ બિહારી વાજપેયીની પૂણ્ય સ્મૃતિ મોરિશિયસમાં?

હા. આ રાજપુરુષ જેટલા ભારતના હતા એટલા જ વિદેશોમાં પણ પ્રિય રહ્યા તેનું ઉદાહરણ નજર સામે હતું. અગિયારમું વિશ્વ હિન્દી સંમેલન ૧૮થી ૨૦ ઓગસ્ટ સુધી પોર્ટ લૂઈસના ‘કવિવર તુલસીદાસ નગર’ના સભાખંડમાં હતું. ત્યાં ઔપચારિક ભાષણોની પૂર્વે જ હજાર જેટલા દર્શકો અને મંચ પર પ્રતિષ્ઠિત મોરિશિયસના વડા પ્રધાન સહિત સૌએ ઊભા થઈને વાજપેયીજીને અંજલી આપી, અને પછી ‘દીપ જ્યોતિ નમોસ્તુતે’ની પરિશુદ્ધ પ્રાર્થના મોરિશિયસ કન્યાઓના કંઠે વહી ત્યારે મનોમન એક વિચાર સ્ફૂર્યોઃ ‘આ કવિ-રાજનેતાનું સ્મરણ દરિયાપાર, પર્વતોથી વિંટળાયેલા આ અત્યંત રમણીય દેશની પ્રજાનો પ્રતિનિધિ વડા પ્રધાન – તેમના જ શબ્દોમાં, ‘ધ ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર’-ને વંદન કરી રહ્યો હતો અને વિશ્વના ૧૨ જેટલા દેશોથી આવેલા હિન્દી-પ્રેમી સાહિત્યકારો (ભારતમાંથી આવનારાઓમાંનો મોટો ભાગ નિરાશ કરે તેવો લાગ્યો.) વાજપેયી અને તેમની કવિતાઓને પણ સ્મરી રહ્યો હતો.

કઈ રચનાઓ તેમની?

દિલ્હીમાં એક ખ્યાત વિવેચક વિષ્ણુ ખરેએ દૈનિક પત્રમાં ‘વાજપેયીને હું કવિ માનતો નથી’ એવા શીર્ષકે લેખ લખ્યો હતો એક વાર. યોગાનુયોગ તે દિવસે હું દિલ્હીમાં હતો. એક તંત્રી સાથે વાતચીતમાં મેં લેનિનની સમાધિથી માંડીને જન્મદિવસ – કાવ્યોનાં ઉદાહરણો આપ્યાં તો તેમણે કહ્યું, ‘તમે એક લેખ આપો.’ એ જ દિવસે લખાયો અને છપાયો, તેનું શીર્ષક જરાક નુકતેચીની કરતું હતુંઃ ‘વિષ્ણુ ખરે અટલજીને કવિ નથી માનતા, વિષ્ણુ પંડ્યા તેમને કવિ માને છે!’

‘મેરી અનુભૂતિ’ ફિલ્મમાં વાજપેયીજી સાથેની વારંવારની ચર્ચા-ગોષ્ઠિ દરમિયાન આ કાવ્યો વિશે વધુ પરિચિત થવાયું. ઘણા વર્ષો સુધી તે - મનાલી, શ્રીનગર, દિલ્હી, લખનૌ કે બટેશ્વર – હોય ત્યાં પોતાના જન્મદિવસ પર અચૂક કવિતા લખતા. એક વાર તો કટોકટી દરમિયાન ‘એમ્સ’ (ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ) દિલ્હીમાં સા-વ એકાંતિક ઓરડામાં નજરકેદ હતા ત્યારે લખી. બીમારીને લીધે બેંગલૂરુ જેલથી તેમને ખસેડવામાં આવ્યા હતા. સૌથી ઉપરના માળે એક કમરામાં, ચોતરફ પોલીસ અને કોઈને મળવાની મનાઈ. સવારના ચાર – સાડા ચાર વાગે અને બાજુના રૂમમાંથી રોવા-કકળવાનો અવાજ સંભળાય. ત્યાં મૃતદેહોને રાખવામાં આવતા. સગાવહાલાં આવે, લાશ જોઈને હૈયાફાટ ક્રંદન કરે. ત્યારે અટલજીએ લખી કવિતાઃ

અંતર રોયે, આંખ ન રોયે

ધુલ જાયેંગે, સ્વપ્ન સંજોયે,

છલના ભરે વિશ્વમેં

કેવલ સપનાં હી તો સચ હોતા હૈ!

દૂ...ર કહીં, કોઈ રોતા હૈ!

બીજી એક મૃત્યુદર્શી કવિતા અમેરિકાની હોસ્પિટલમાંથી. અટલજીના જ શબ્દોમાં -

‘એ રાત ભૂલાતી નથી. સાત સમંદર પાર, મિત્રો-સ્વજનોથી દૂર અમેરિકામાં હોસ્પિટલના એક કમરામાં પડ્યો હતો. બીજા દિવસે સવારે ઓપરેશન, ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે પચાસ-પચાસ ટકાની શક્યતા, કાં ઇસ પાર, અથવા ઉસ પાર! જીવી જવાય અથવા આંખો મીચી જવાની. હું હતો સા-વ નિતાન્ત એકાકી. કોઈને મારી મનોસ્થિતિનો અંદાજ જ ક્યાં હતો? દેશ માટે હજુ ઘણાં કાર્યો કરવાનાં બાકી હતાં. આમ અચાનક મોત આવશે? મનુષ્ય જન્માંતરનાં વસ્ત્રો જીર્ણ થાય એટલે બદલાય એ દેહનું સત્ય, પણ આ તો અ-કાળ મૃત્યુ?

મેં અનુભવ્યું કે મોતની આ અનધિકાર ચેષ્ટા છે. ભય નહોતો જરીકેય, અવાજ હતો... પડકાર હતો, આહવાન હતુંઃ

બાત ઐસી નહીં કિ

કોઈ ગમ નહીં,

દર્દ અપને-પરાયે

કુછ કમ ભી નહીં,

પ્યાર ઈતના પરાયોસે

મુઝ કો મિલા,

ન અપનોં સે બાકી

હૈ કોઈ ગિલા,

હર ચુનૌતી સે

દો હાથ મૈંને કિયે

આંધીઓંમેં જલાયે

હૈ બુઝતે દિયે!

આ કવિતાની પ્રારંભિક પંક્તિ દૃશ્યાવલિના પ્રારંભ જેવી છેઃ

ઠન ગઈ!

મૌત સે ઠન ગઈ!!

જુઝને કા મેરા કોઈ ઇરાદા ન થા,

મોડ પર મિલેંગે ઇસ કા વાદા ન થા,

રાસ્તા રોક કર, વહ ખડી હો ગઈ,

યોં લગા જિંદગી સે બડી હો ગઈ!

વાજપેયીની શ્રેષ્ઠ કવિતાઓ બીજી ઘણી છે પણ તેમને અણધારી વિદાય જરીકેય મંજુર નહોતી તેનો સમુદ્ર–ધ્વનિ આ કાવ્યમાં વ્યક્ત થાય છેઃ

મોત કી ઉમ્ર ક્યા? દો પલ ભી નહીં,

જિંદગી - સિલસિલા, આજ કલ કી નહીં,

મૈં જી ભર જિયા, મૈં મન સે મરું

લૌટ કર આઉગા, કૂચ સે ક્યોં ડરું?

વાજપેયી-જીવનનો સૌથી મોટો અર્થ ‘પડકાર’માં પડેલો છે. સાર્વજનિક જીવનમાં જે દિવસો ભય-ભ્રમ અને હતાશાના હતા ત્યારે, કટોકટીના દિવસોમાં તેમણે લખ્યુંઃ ‘હમ ટૂટ શકતે હૈ, મગર ઝૂક નહીં શકતે!’ આ મૃત્યુ-કાવ્યમાં પણ તેવો જ પડકાર છેઃ

તું દબે પાંવ, ચોરી-છિપે સે ન આ,

સામને વાર કર, ફિર મુઝે આજમા.

મૌત સે બેખબર, જિંદગી કા સફર

શામ હર સુરમઈ, રાત બંસી કા સ્વર.

આજ ઝકઝોરતા તેજ તુફાન હૈ,

નાવ ભંવરોકી બાંહો મેં મહેમાન હૈ,

પાર પાને કા કાયમ મગર હૌસલા,

દેખ તૂફાં કા તેવર, તરી તન ગઈ

મૌત સે ઠન ગઈ!

અટલજીને પ્રિય હતો, જન્મ દિવસ. પણ વડોદરા જેલમાં મીસાવાસીઓને લખેલા પત્રમાં (૬ જાન્યુઆરી ૧૯૭૭) તેમણે લખ્યુંઃ જન્મદિવસ આનંદનો દિન છે કે આત્માલોચનનો, તે હજુ સુધી નક્કી કરી શક્યો નથી. જિંદગીનું એક વર્ષ ઓછું થયું તેનો અહેસાસ કે એક વર્ષ વધી ગયું તેનો આહલાદ?

તેમના જન્મદિવસ (૨૫ ડિસેમ્બર ૧૯૬૦)ની કવિતા છે - ‘જીવન બીત ચલા.’ તેમાં -

હાનિ - લાભ કે પલડોં મેં,

તુલના જીવન વ્યાપાર હો ગયા,

મોલ લગા કર બિકને વાલોં કા

બિના બિકા બેકાર હો ગયા!

બીજી જન્મ-તિથિ રચનામાં ‘સપનોં સે મીત, બિખરા સંગીત, ઠિઠક રહે પાંવ, ઔર ઝીઝક રહી સાંજ, જીવન કી ઢલને લગી સાંજ!’ એવી અભિવ્યક્તિ છે. ત્રીજી કારાવાસ દરમિયાન હોસ્પિટલમાંઃ

‘તન પર પહેરા, ભટક રહા મન,

સાથી હૈ કેવલ સૂનાપન,

બિછુડ ગયા ક્યા સ્વજન કિસી કા?

કૃન્દન સદા કરુણ હોતા હૈ!’

એકસઠમા વર્ષે ‘નયે મીલકા પત્થર’ની શરૂઆત, નયે મીલ કા પત્થર પાર હુઆ, કિતને પત્થર શેષ ન કોઈ જાનતા, અંતિમ કૌન પડાવ, નહીં પહચાનાતા, અક્ષય સૂરજ, અખંડ ધરતી, કેવલ કાયા જીતી-મરતી, ઇસ લિયે ઉમ્ર કા બઢના ભી ત્યોહાર હુઆ, નયે મીલ કા પત્થર પાર હુઆ!’

એક વધુ જન્મ દિવસ કવિતા ‘મોડ પર’ તો સદૈવ પત્રકાર-લેખક ખુશવંત સિંઘે પોતાની પ્રિય રચના ગણાવી હતી, તેની શરૂઆત આવી છેઃ

મુઝે દૂર કા દિખાઈ દેતા હૈ

મૈં દિવાર પર લિખા પઢ શકતા હું

મગર હાથ કી રેખાએં નહીં પઢ પાતા...

પણ ‘મન કી ગાંઠે’માં બચપણનો સ્મૃતિવૈભવ છે. કદાચ, સૌથી છેલ્લી લખાયેલી જન્મદિવસ કવિતા ‘આઓ, મન કી ગાંઠે ખોલે...’ છે, ઉત્તમ રચના. તેમાં સુંદર વર્ણન છે.

સાંસો કે સરગમ પર

ચલને કી ઠાની,

પાની પર લકીર-સી,

ખુલી ઝંઝીર સી,

કોઈ મૃગતૃષ્ણા

મુઝે બાર-બાર છલતી

નયી ગાંઠ લગતી!

અને ફિલસૂફ કવિની આ અંતિમ પંક્તિઃ

જૈસી કી તૈસી નહીં

જૈસી હૈ, વૈસી સહી

કબીરા કી ચદરિયાં

બડે ભાગ મિલતી!

નથી ગાંઠ લગતી!


comments powered by Disqus