રૂપાયતન, જૂનાગઢમાં વ્યાખ્યાનનો વિષય તો સૌરાષ્ટ્રની સ્વાતંત્ર્ય ચેતના હતો. આયોજક હેમંત નાણાવટીને બરાબર ખબર કે આ વક્તાને ઈતિહાસની વાત કરવાનો મોકો આપશું તો જામશે. ગિરનારની ગોદમાં હજુ બે દિવસ પહેલાં જ જૂનાગઢ મુક્તિ દિવસ ઉજવાયો હતો. દેશની આઝાદીનાં દિવસ ૧૫મી ઓગસ્ટ પછી બે મહિને જૂનાગઢ મુક્ત થયું અને આરઝી હકુમતનો પ્રયોગ સફળ થયો.
જૂનાગઢ માણાવદરના નવાબોએ પોતાની બેવકૂફીને લીધે રાજ્ય છોડીને કરાચી ઉચાળા ભર્યા, તે વાતને આજે ૬૦થી વધુ વર્ષ થઇ ગયા છતાં જૂનાગઢની ગલીઓ, ઈમારતો, ઉપરકોટ, બહાઉદ્દીન કોલેજ... તમામ સ્થાનો હજુ એ દિવસોની સ્મૃતિને જૂનાગઢવાસી માટે તાજી રાખે છે. જોકે રૂપાયતનના આયોજકોને તેના નેટ પર એક મિત્રે એવું સૂચવ્યું હતું કે વિષ્ણુ પંડ્યાએ આંતરિક કટોકટી સામે સંઘર્ષ કરીને ગુજરાતમાં ઈતિહાસ રચ્યો હતો તે તેમની પાસે સાંભળવા જેવો હતો..
પણ વિષય સ્વાતંત્ર્યની ચેતના એટલા માટે ઉચિત હતો કે તે કાર્યક્રમ સ્વર્ગસ્થ રતુભાઈ અદાણીની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળાનો હતો. રતુભાઈનું સ્મરણ જૂનાગઢમાં ના હોય તો ક્યાં હોય? આરઝી હકુમતમાં તેઓ પણ એક સેનાની હતા અને તેની સ્મરણ કથા તેમણે લખી છે.
મૂળ રચનાત્મક કામના માણસ પણ સ્વાતંત્ર્ય પછીનો સમય જ એવો આવ્યો કે સહુ રાજકારણમાં પડ્યા. સાંસદ અને ધારાસભ્ય અને પ્રધાન બન્યા. પહેલા સૌરાષ્ટ્ર સરકાર પછી ગુજરાત્ત સરકારમાં રતુભાઈ પ્રધાન રહ્યા. ગુજરાત રાજ્યની રચના પછી પ્રથમ સરકારમાં ત્રણ કોંગ્રેસ નેતાઓ અને તે ય સૌરાષ્ટ્રના - મોટી જવાબદારી સંભાળતા હતા તે ડો. જીવરાજ મહેતા, રસિકલાલ પરીખ અને રતુભાઈ.
ગુજરાત કોંગ્રેસમાં પહેલી સરકાર દરમિયાન જ સંગઠન અને સરકાર વચ્ચે તડાં પડ્યા. ઠાકોરભાઈ દેસાઈ (કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ)ના નેતૃત્વમાં જીવરાજ મહેતાનો સખત વિરોધ કરાયો. પક્ષના જ ધારાસભ્યો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા તૈયાર હતા! સંજીવ રેડ્ડીનું સૂચન હતું કે દસ વર્ષથી વધુ કોઈએ સત્તા ભોગવવી નહી. જીવરાજ મહેતાને તેના બલીના બકરા બનાવાયા અને તેમની સાથે રતુભાઈ અને રસિકલાલ બંનેએ રાજીનામાં આપવા પડ્યા.
રતુભાઈ આમ તો સેવા ક્ષેત્રમાં હતા, પણ રાજકારણ છોડ્યું નહોતું. ૧૯૭૪માં નવનિર્માણ આંદોલન દરમિયાન તેમને સીડી પરથી ફેંકી દેવાની કોશિશ થઇ હતી. માધવસિંહ સોલંકી, ઝીણાભાઈ દરજી અને સનત મહેતાએ ‘ખામ’ થિયરી અપનાવીને કોંગ્રેસને સત્તા પર લાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આ સમયે એકમાત્ર કોંગ્રેસી રતુભાઈએ ખુલ્લી રીતે વિરોધ કરીને કહ્યું હતું કે આ ‘ખામ’નો પ્રયોગ ખતરનાક છે અને તેનાથી ગુજરાતમાં વિભાજીત પરિસ્થિતિ સર્જાશે. આ રતુભાઈ એક વાર એવું બોલી ગયા કે ઈન્દિરાજી ઈચ્છે તો હું કુવામાં છલાંગ મારવા તૈયાર છું. પણ સોલંકી-શૈલીથી નારાજ રતુભાઈ અને બીજા નેતાઓએ અલગ રાષ્ટ્રવાદી પક્ષ રચ્યો તેમાં ભાગ લેવા શેખ અબ્દુલ્લા પણ આવ્યા હતા. કોંગ્રેસની સમાંતરે બીજી કોંગ્રેસ ઉભી કરવાનો એ પ્રયોગ સફળ થયો હોત તો?
આ જો અને તો.. પણ તવારીખની વિડમ્બના છે. નહીં તો એક સમયે જવાહરલાલ જેમને પસંદ કરતા હતા અને ગુજરાતમાંથી મોરારજીભાઈનું સ્થાન ઢેબરભાઈને મળે તેવું ઇચ્છતા હતા તે ઢેબરભાઈ ઇન્દિરાજીના પગલાઓમાં સંમત નહોતા, નારાજ પણ હતા. નેહરુ પછી ઢેબરભાઈ... એવું કોંગ્રેસમાં સમીકરણ ચાલ્યું એટલે મોરારજીભાઈ અને ઢેબરભાઈ વચ્ચે મતભેદો ઉગ્ર બન્યા હતા.
રતુભાઈએ અક્ષયગઢમાં આરોગ્યની પ્રવૃત્તિનો અને અમદાવાદમાં મોટી હોસ્પિટલનો મહત્ત્વનો પ્રયોગ સફળ બનાવ્યો હતો. દીઠું મેં ગામડું જ્યાં...થી માંડીને આરઝી હકુમતની કહાનીના તેમના લખેલા પુસ્તકો આજે તો ન જાણે ગ્રંથાલયના ક્યા ખૂણે ધૂળ ખાતા હશે! પણ આ આરઝી હકુમતના સેનાનીઓ પછીથી ગુજરાતના રાજકારણના ખેલંદા બન્યા હતા તે પણ રસપ્રદ અધ્યાય છે. આરઝી હકુમતના ‘સર સેનાપતિ’ શામળદાસ ગાંધી પછીથી કોંગ્રેસના કટ્ટર વિરોધી બન્યા, ચૂંટણી લડ્યા અને હાર્યા. તેમનું મુંબઈથી પ્રકાશિત અખબાર ‘વંદે માતરમ’ વિરોધ પક્ષની ભૂમિકા ભજવતું રહ્યું.
જૂનાગઢ મુક્તિ સાથે સંકળાયેલા પુષ્પાબહેન મહેતા સરકારમાં પ્રધાન, સાંસદ અને નારી કલ્યાણના મોભી રહ્યા. ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણી જનતા સરકાર વખતે જૂનાગઢથી લોકસભામાં ચૂંટાયા. આરઝી હકુમતના બીજા બે સમાજવાદી નેતા - જશુ મહેતા અને સનત મહેતા પછીથી કોંગ્રેસમાં જોડાયા. ચન્દ્રસિંહ ભાડવા દરબાર સૌરાષ્ટ્ર સરકારની સામે વિપક્ષે રહ્યા. એ જ રીતે હરિસિંહ ગોહિલ જનસંઘના પ્રદેશ પ્રમુખ બન્યા. એક ગુણવંતરાય પૂરોહિત અમરેલી નજીક બાબાપુરમાં રચનાત્મક કાર્ય કરે છે. વાઘણિયાના રાજવીના મોટર ડ્રાઈવર તરીકે કામ કરતો ભૂપત પણ આરઝી હકુમતમાં સક્રિય હતો. આ પછી ઘોર અન્યાયનો અનુભવ કરીને બહારવટું ખેડ્યું. પોલીસને હાથ લાગ્યો નહીં અને પાકિસ્તાન ચાલ્યો ગયો. હમણાં જીતુભાઈ ધાધલે ‘એક હતો ભૂપત’ નામે સરસ દસ્તાવેજી પુસ્તક લખ્યું છે.