શું કોઈ એક ગીતથી યુવા વિદ્યાર્થીઓની આંખોમાં તેજ-લકીર દેખાઈ શકે? શું તેઓ ભારે ઉત્સુક્તાથી કહે કે અમને આ ગીતનો, તેના કવિનો અને સ્વતંત્રતા માટેના અણનમ યુદ્ધનો ઈતિહાસ કહો...
વીતેલા સપ્તાહે આવો પ્રસંગ સર્જાયો તે છેક નવી દિલ્હીની જેએનયુ અર્થાત્ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં! હા, વિનાયકરાવ સાવરકરની ૨૬ ફેબ્રુઆરીની જન્મજયંતીને પુણ્યસ્મરણમાં બદલવા માટે જેએનયુના વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા!
અરે, આ તો અફઝલ-પ્રેમી નારા સંભળાય છે તે પરિસર! અહીં કાશ્મીરની આઝાદીની માગણી કરતાં પોસ્ટર્સ પણ જોવા મળે. ધૂંવાધાર ભાષણોમાં વિવેકાનંદની આલોચના, ‘ગોડસે-ભક્તો’ની નિંદા અને નરેન્દ્ર મોદી-અમિત શાહને ‘હિટલર’ તરીકે ઓળખાવતી જૂલુસ-કહાણીઓથી જેએનયુ ગાજતી-ગરજતી રહે છે. આમાં કન્હૈયો એકલો નેતા નથી, બીજા ઘણા છે. કેટલાક કાશ્મીરથી પણ આવ્યા છે, બિહાર-બંગાળ પણ ખરાં. મેં પૂછ્યું કે ગુજરાતી છોકરા-છોકરીઓ ખરાં? તો ‘ના’ જવાબ મળ્યો એટલે ગૌરવ થયું કે ‘ક્રાંતિ’ની ‘ભ્રાંતિ’ પેદા કરીને અલગાવની આંધી સર્જવાની મહત્ત્વાકાંક્ષામાં આપણો યુવાન સામેલ નથી. હા, કોઈક વાર ડાબેરી હોવાનો દાવો કરનારો એકાદ ગુજરાતી અધ્યાપક જેએનયુના ખર્ચે આમંત્રિત થાય છે ખરો!
જેએનયુમાં વીતેલા સપ્તાહે ત્રણ દિવસ રહેવાનું થયું. ઘણા ઉત્તમ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને મળવાનું થયું. ગુજરાતીમાં જેમની નવલકથાનો અનુવાદ ‘જેએનયુમાં આકાંક્ષા’ પ્રકાશિત થયો છે તેનાં લેખિકા ડો. અંશુ જોશી આંતરરાષ્ટ્રીય સંબંધોનું અધ્યાપન કરાવે છે. તે અને તેમના પિતા જશવંત કેઈનઃ બંને આ યુનિવર્સિટીમાં ભણ્યા છે. કેટલાક વિદ્યાર્થી નેતાઓ પણ મળ્યા. તેમાંના કેટલાક અનુસ્નાતક છે, પીએચ.ડી. કરે છે, દૂરસુદર પ્રદેશોમાંથી આવે છે અને અહીંની હોસ્ટેલોમાં રહે છે. વિશાળ પરિસરમાં ફેલાયેલી આ યુનિવર્સિટીમાં વિદ્યા અને મોકળાશ બંનેનું વાતાવરણ છે. અભ્યાસ અને રહેવા-જમવાનું મામૂલી ખર્ચે મળે છે. છતાં હમણાં સામાન્ય ફી વધી તેનો ઉહાપોહ થયો, આંદોલન થયાં. પણ આ તો નિમિત્ત છે માત્ર. હેતુ જુદો છે.
આ યુનિવર્સિટી સ્થાપિત થઈ ત્યારે જ શાસક પક્ષને મદદ કરવાના વળતર તરીકે અહીં ‘ડાબેરી વિચારો’નું કેન્દ્ર બને તેવું આયોજન કરવામાં આવ્યું અને એ પરંપરા સાવ નાબુદ થઈ નથી. સીપીએમ અને ડાબેરીઓનું આ થાણું છે. અધ્યાપકો પણ મોટા ભાગના આ રસ્તે ચાલે એટલે ઈતિહાસ, સમાજશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય સંબંધો, રાજ્યશાસ્ત્ર, સાહિત્યમાં ઈરાદાપૂર્વકની ભેળસેળ કરનારા વિદ્વાનો સક્રિય રહે, વિદ્યાર્થીઓને ‘ભારત એક છે જ નહીં’ એવા આશયથી તો ભણાવવામાં આવે જ, બીજા દેશોમાં છોકરા-છોકરીઓ કેવા મુક્ત છે, જીવનશૈલી બેબાક છે, સિગારેટ, શરાબ, સેક્સઃ બધાનો વરવો અંદાજ આપતી ઘટનાઓ પારાવાર છે.
જેએનયુ દિવસની જેમ રાત્રે પણ વિહાર કરે, વૃક્ષોની નીચે નાના-નાના ઢાબાઓ, ચાની કીટલી પર મહેફિલ જામે, હોસ્ટેલમાં ‘ડીનર’ પછી છાત્રોની નુક્કડ સભાઓ પણ થાય. આનો સૌથી મોટો ગેરલાભ ડાબેરી પરિબળો - પરદાની પાછળ અને પ્રત્યક્ષ ઊઠાવે છે. જુઓ, યુનિયન નેતા કન્હૈયા કુમારને તો તેણે સામ્યવાદી બિરાદર નેતા પણ બનાવી દીધો. બીજા પણ તેવી રાહ જોઈ રહ્યા છે અને તેને માટેનાં નિમિત્તો મળતાં જાય છે.
આ યુનિવર્સિટીએ ઘણા ઉત્તમ નિષ્ણાતો પણ આપ્યા છે - રાજકારણથી પ્રશાસન સર્વત્ર તેઓ કામ કરી રહ્યા છે. એટલે જો આને ડાબેરી વિચારધારાનું એપી સેન્ટર બનાવવામાં ના આવે તો એક શ્રેષ્ઠ અભ્યાસધામ, વિદ્યાધામ બની શકે તેવી અપાર શક્યતાઓ પડી છે. એવું ના થાય તો વિભાજન અને અલગાવના પરિબળો તેને પોતાનો અડ્ડો બનાવીને જંપશે.
ફેબ્રુઆરીના ઠંડાગાર છેલ્લા દિવસોમાં આ પ્રત્યક્ષ નિહાળવાનું બન્યું. ખબર પડી એટલે એક રાત્રે ગોષ્ઠિનું આયોજન થયું. યોગાનુયોગ તે વીર સાવરકરની પુણ્યસ્મૃતિનો દિવસ હતો. પરિસરના એક નાનકડા સભાખંડમાં, સામાન્ય ટેબલનો મંચ અને ઝાખું અજવાળું. યુવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ નજરે ચડે તેવો હતો. તેમણે ગીતો ગાયાં, વક્તવ્ય આપ્યાં. એક વિદ્યાર્થી સાવરકર પર પીએચ.ડી. કરી રહ્યો હતો. છેક દક્ષિણ ભારતથી ભણવા માટે આવ્યો હતો, તેણે જીવનચરિત્રની કેટલીક વિગતો કહી. ડો. અંશુનો આગ્રહ હતો કે સાવરકરનાં ગીતને સમજાવવાથી શરૂઆત કરો અને સાંપ્રત પડકાર વિશે કહેજો. કલાકેક વ્યાખ્યાન થયું. વ્યાખ્યાન તો શું, સંવાદ જ હતો. આ છાત્ર ચહેરાઓ પર અપાર ઉત્સુક્તા હતી, જોશ હતું, મૂંઝવણ પણ હતી.
સાવરકરને સજા થઈ – બે જનમટીપની - ત્યારે તેણે રચેલું મરાઠી કાવ્યા ‘અનાદી મિ, અનન્ત મિ... અમર્ત્ય મિ મહાન’નું પઠન કર્યું, અને સુધીર ફડકેથી અટલ બિહારી વાજપેયી સુધી તે ગીતની કેવી અસર રહી, તે કહ્યું. વાજપેયીએ તો અમેરિકામાં તેમના ઓપરેશન સમયે ૫૦-૫૦ ટકા જીવવાની શક્યતા હતી ત્યારે ‘મૌત સે ઠન ગઈ...’ કાવ્ય રચ્યું તેમાં સાવરકરના પેલા કાવ્યનો પ્રભાવ હતો એ વાત કરી તો યુવકોની આંખોમાં આંસુ અને તેજ બંને દેખાયાં. એક વિદ્યાર્થીએ તો પછીની વાતચીતમાં ટિપ્પણી કરી કે કોઈ નેતા એમ કહે કે હું સાવરકર નથી, તો તે સાચું જ છે. સાવરકર જેટલી યાતના અને દેશભક્તિ સુધી તે ક્યાંથી પહોંચી શકે?
ખરી વાત સાચુકલા પરિપ્રેક્ષ્યમાં સમાજ, દેશ અને વ્યક્તિ વિશે વિચારવાની, જાગૃત થવાની છે. વિચારધારાઓનાં, ‘ક્રાંતિની’ ભ્રાંતિના જે જાળા બાઝ્યાં છે - સિત્તેર વર્ષથી, તેને દૂર કરવાનો પડકાર છે. જેએનયુના વિદ્યાર્થીઓના એક મોટા વર્ગને સાવરકરનું ‘અનાદિ મૈં, અનન્ત મૈં, અવધ્ય મૈં મહાન...’ ગીત ગમતું હોય (જેને સુધીર ફડકે અને લતા મંગેશકરે સ્વર આપ્યો છે. સુધીર ફડકેના સ્વરમાં તો, અહીં અમદાવાદની એક નાનકડી જગ્યાએ, આ લેખકે પ્રત્યક્ષ સાંભળ્યું છે.) તો આશાના કિરણ અને કારણ બંનેનું અસ્તિત્વ છે એમ જરૂર અનુભવાશે.