વળી પાછી વાત ‘ગાંધીહત્યામાં આરએસએસ’ની ઉપડી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કોર્ટને તો એવું કહ્યું કે આરએસએસ દ્વારા ગાંધીજીની હત્યા થઈ નથી. મેં તો એવું કહ્યું હતું કે આરએસએસના કેટલાક લોકોએ ગાંધીજીની હત્યા કરી હતી!
શા માટે રાહુલ ગાંધીએ આવો ‘ક-સમયનો મુદ્દો’ ઉપાડ્યો હશે? એના જાતભાતના જવાબો ખુદ કોંગ્રેસ પક્ષમાંથી જ આવે છે. એક જૂથ દિગ્વિજય સિંહ અને કપિલ સિબ્બલનું છે. સિબ્બલ તો આ મુદ્દે તેમના વકીલ પણ છે. વકીલોનો ખેલ અજબ-ગજબનો હોય છે, એક જ કેસમાં બે વકીલો સામસામે હોય એ તેનો વ્યવસાય થયો અને વકીલમંડળની ઓફિસમાં એ જ બન્ને વકીલ સાથે બેસીને ચા પાણી પીએ એ તેની બિરાદરી થઈ! ઘણી વાર તો કેસમાં આરોપી-ફરિયાદીને છેડા સુધી લઈ જઈને સમાધાન કરાવવામાં આવે ત્યાં સુધીમાં તો પેલા ફરિયાદી-આરોપીના ખિસ્સા સાવ હળવાં થઈ જાય છે. આજકાલ સુપ્રીમ કોર્ટમાં સહુથી વધુ, તગડી ફી લેનારા વકીલોની એક લોબી છે. રાજકારણમાં આવેલા વકીલોમાં સિબ્બલ, ચિદમ્બરમ્, રામ જેઠમલાણી, અભિષેક મનુ સિંઘવી, અરુણ જેટલી અને બીજા ઘણા ‘નામાંકિતો’ છે. સુબ્રહ્મણ્યમ્ સ્વામી પણ કેસો લડે છે.
રાહુલને અત્યારે ગાંધી-વધ યાદ આવ્યો એ તેની રાજકીય પુખ્તતાનો અભાવ છે કે આવી જ તેની આદત છે? યાદ છે, પોતાના જ પક્ષના વડા પ્રધાને પસાર કરાવેલાં વિધેયકને તેણે જાહેરમાં ફાડી નાખ્યું હતું? આવું તે કેમ કરે છે?
આ સવાલોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મુદ્દો ઉમેરાયો છે. રાહુલને - તેના રાજકીય સલાહકારોએ - રસ્તો દેખાડી દીધો છે કે કોંગ્રેસ જ ગાંધીજીની વારસદાર છે. તેનો રસ્તો આપણો રસ્તો છે. આ સામેવાળા છે - ભાજપવાળા એ તો ગાંધીવિચારથી વિપરિત છે. સાવરકર અને ગોડસેના ઉપાસક અને અનુયાયી છે.
૧૯૪૮ની જાન્યુઆરીની ૩૦મીની પહેલાં અને પછીની જાહેરજીવનની સ્થિતિનો નકશો તરાશવાની કોઈને ય ફૂરસદ નથી કે દાનત નથી એટલે તે સમયના આક્ષેપો, જવાહરલાલના પ્રવચનો, ગાંધીહત્યાના મુદ્દામાં ખડા કરાયેલા આરોપીઓ, ચુકાદો અને પછી સંઘ-વિરોધી કોંગ્રેસ નેતાઓની પ્રવૃત્તિ, આટલું ધ્યાનમાં રાખીને ફેંકાફેંક કરવામાં આવે છે. સરદારનો પત્રવ્યવહાર તેમાં કામે લગાડાય છે તે ‘પસંદગી’ના ફકરા પૂરતો.
ગાંધીહત્યા વખતે આરએસએસ પર પ્રતિબંધ આવ્યો ત્યારે સરદારે જે જણાવ્યું અને પછી ન્યાયપ્રિય સરદારે પૂરતી તપાસ કરાવીને સાફસાફ કહ્યું કે ગાંધીહત્યામાં સંઘનો કોઈ જ હાથ નથી તેમાંથી શરૂઆતનાં વિધાનોનો જ ઉપયોગ કરવામાં આવે છે. એ વાત સાચી કે જવાહરલાલના દિમાગમાં સંઘ પ્રત્યે ભારોભાર તિરસ્કાર હતો. પોતાની જાતને એ ‘પ્રગતિશીલ’, ‘ઉદારવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ ગણતા હતા અને તેવા માપદંડથી બીજાને જાતે જ માપીને નક્કી કરી લેતા હતા. તેમને મન તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ પુરુષોત્તમદાસ ટંડન હિન્દુવાદી હતા, રફી અહમદ કિડવઈ અને વી. કે. કૃષ્ણમેનન બિનસાંપ્રદાયિક હતા!
પ્રથમ પ્રધાનમંડળમાં ગાંધીજીએ ના કહ્યું હોત તો આંબેડકર અને ડો. મુખરજીને પ્રધાનમંડળમાં તેમણે લીધા ના હોત. કાશ્મીરમાં રાજા હરિ સિંહને સમજાવીને સાથે રાખવાને બદલે તેમણે કટ્ટર અલગાવવાદી શેખ અબ્દુલ્લાની પીઠ થાબડી હતી. (પછીથી તે જોખમી પુરવાર થઈ, પણ બુંદ સે બિગડી હોજ સે નહીં આતી.) આજે કાશ્મીરમાં કટ્ટર અલગાવવાદનું વૃક્ષ છે તેના મૂળમાં શરૂઆતનો અબ્દુલ્લા પરિવાર અને તેની મહત્ત્વાકાંક્ષા છે એ વાત નગારા પર દાંડી પીટીને ડો. મુખરજીએ કહી હતી. તેની સજા મુખરજીને મળી. શ્રીનગરમાં તદ્દન રેઢિયાળ સારવારથી જેલમાં જ તેમણે જીવ ગુમાવ્યો.
ગાંધીહત્યા નથુરામ ગોડસેએ કરી, તે ‘કટ્ટર હિન્દુ’ હતો એટલે ભારતના ભાગલાનો વિરોધ કરનારા તમામ પરિબળો ગાંધીહત્યામાં સામેલ છે એમ વારંવાર ઠસાવી દેવાયું. સાવરકર હિન્દુ મહાસભાના નેતા હતા તેમને ય પકડવામાં આવ્યા. આરએસએસ પર પ્રતિબંધ મુકી દેવાયો. એટલું જ નહીં, પૂનાના અને મહારાષ્ટ્રના ચિત્તપાવની બ્રાહ્મણો ગાંધીવિરોધી છે એમ ગણાવીને તે સમયના સમાજવાદીઓ અને કોંગ્રેસે તેમના ઘરો પર હુમલા કર્યા, બાળી નાખવામાં આવ્યા. વેદ મૂર્તિ પંડિત સાતવલેકર સંઘમાં જતા હતા એટલે તેમનું ઘર - કેન્દ્ર - ગ્રંથાલય બાળી નંખાયા. સાતવલેકરે મહારાષ્ટ્ર છોડીને ગુજરાતના પારડી ગામમાં આવીને રહેવું પડ્યું.
આ બધું ઇરાદાપૂર્વક ભૂલાવી દેવામાં આવ્યું. કોંગ્રેસમાં પણ બે ભાગલા જ હતા. ‘સંઘના કાર્યકર્તા કંઈ દેશદ્રોહી નથી’ એવું સરદારે જાહેરમાં કહ્યું હતું. સ્વામી વિવેકાનંદ શિલા સ્મારકના સૂત્રધાર એકનાથ રાનડે પ્રતિબંધ સમયે ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાની હાજરીમાં સરદારને મળ્યા હતા, તે અહેવાલ આખી દંતકથાને ધ્વસ્ત કરી નાખી તેવો છે, તે જાણી લઈએ.
‘એકનાથ રાનડેની પ્રથમ મુલાકાત - ૧૯૪૯માં - મસુરીના બિરલા હાઉસમાં થઈ. ઘનશ્યામદાસ બિરલા ત્યારે હાજર હતા. સરદાર આક્રમક મિજાજમાં હતા એમ લાગ્યું. દસ મિનિટ સુધી સરદારે સંઘ સામે અનેક પ્રકારના હિંસક કૃત્યોના આક્ષેપો કરતું વલણ અપનાવી રાખ્યું, એ પૂરું થતા એકનાથ રાનડેએ તેમને પછયુંઃ ‘આપ ખરેખર આ આક્ષેપોને સાચા માનો છો? મહાત્માજીની હત્યા સાથે સંઘને ખરેખર સંબંધ છે એવું પણ તમે માનો છો?’
સરદારે કહ્યુંઃ ના, પણ આ હિંસાને શક્ય બનાવનારી માનસિક ભૂમિકા સર્જાય તેવું વાતાવરણ નિર્માણ કરવા માટે સંઘ જવાબદાર છે.
ત્યારે એકનાથ રાનડેએ જણાવ્યુંઃ ‘અમે, રા. સ્વ. સંઘમાં છીએ એ બધા, અખંડ હિન્દુસ્તાનમાં માનતા હતા. અમે વિભાજનના વિરોધી હતા. એનો અર્થ હિંસાને પોષણ આપનારી મનોભૂમિકા નિર્માણ કરવી એવો થતો હોય તો હું એ અપરાધનો સ્વીકાર કરીશ.’
આગળ બોલતાં તેમણે કહ્યુંઃ ૧૯૪૨ની હિન્દ છોડો ચળવળ પછી પણ સમગ્ર દેશમાં ઘણી હિંસા થઈ હતી. લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. આ જ માપદંડ મુજબ તો તેને માટે કોંગ્રેસને જ જવાબદાર ગણાવી શકાય કેમ કે તેણે એક પ્રકારનું માનસિક વાતાવરણ સર્જ્યું હતું!’
એકનાથજીએ સાફ સાફ કહ્યુંઃ મહાત્માજીની હત્યા પછી શ્રી ગુરુજી સહિત હજારો સંઘ-કાર્યકર્તાઓને ગિરફતાર કરાયા. ખૂનનો આરોપ મુકાયો. તેમાંથી વ્યાપક હિંસા ફાટી નીકળી અને મહારાષ્ટ્રમાં વ્યાપક હિંસા - આગ - હત્યાના બનાવો બન્યા, તે પણ ઉપરોક્ત ધોરણ અનુસાર આ તમામ હિંસાની ‘માનસિક ભૂમિકા’ રચવા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવી શકાય.
સરદાર મૌન રહ્યા, પણ બિરલા વ્યાકુળતાથી બોલી ઊઠ્યાઃ ‘તમે કોની સાથે વાત કરી રહ્યા છો તેનો તમને ખ્યાલ હશે જ.’
એકનાથ રાનડેએ પ્રત્યુત્તર પણ આપ્યોઃ જો કંઈ અનુચિત લાગ્યું હોય તો આનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી.
એકનાથ રાનડે જવા માટે ઊઠ્યા ત્યારે સરદારે ફરી મળવા જણાવ્યું.
ફરી વાર મસુરીમાં જ સરદાર - એકનાથ રાનડેની મુલાકાત થઈ. તેમને સરદાર જાણે કોઈ જુદી જ વ્યક્તિ હોય તેમ લાગ્યું. આ વખતે તેમનો મિજાજ જુદો જ હતો. તેમણે પૂછયુંઃ ‘તમે શું વિચાર્યું? સંઘ પર અત્યારે પ્રતિબંધ છે, પણ આવા પ્રતિબંધો કંઈ શાશ્વત હોતા નથી. કોંગ્રેસ પર પણ પ્રતિબંધ મૂકાયેલો. આવા પ્રતિબંધો કોઈ સંસ્થાને નાબૂદ કરી શકતા નથી. વહેલા યા મોડા દૂર થવાનો જ છે. સવાલ એ છે કે પછી શું?’
કોંગ્રેસના મહાનાયક સંઘના ભવિષ્યની ચિંતા કરી રહ્યા હતા, આ તેમના ઉદારવાદી નાયકતત્ત્વનું પ્રમાણ હતું. નેહરુ આવું ન કરી શક્યા હોત.
એકનાથ રાનડેએ સંઘની ભૂમિકા સમજાવી. સંઘ હિન્દુ સંગઠન છે અને હિન્દુ સંસ્કૃતિમાં માને છે તે સ્પષ્ટ કર્યું. ત્યારે સરદારે પૂછયુંઃ હું બીજી રીતે વિચારું છું એવું તમને લાગે છે?
એકનાથ રાનડેઃ કોંગ્રેસના બધા લોકો આપની જેમ વિચારતા હોય એવું અમને લાગતું નથી.
સરદારઃ ‘હું જે આજે કહું છું તે કાલે આખી કોંગ્રેસ કહેશે. પંડિત નેહરુ જેવા બે-પાંચ ‘ભાઈઓ’ જુદી રીતે વિચારે છે. તેઓ સંગઠન અને સંસ્કૃતિની વાતથી ઉશ્કેરાઈ જાય છે. એ પણ ઠેકાણે આવશે. પણ, તમે મારા હાથ મજબૂત કરશો?’