ડો. મુખર્જીને જેલમુક્ત કરાવવા ગુજરાતી ધારાશાસ્ત્રી જમ્મુ કોર્ટમાં પહોંચ્યા...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 02nd September 2019 06:01 EDT
 
બેરિસ્ટર ઉમાશંકર ત્રિવેદી
 

‘આદિ શંકરાચાર્ય જેમ કાશ્મીર ગયા તે રીતે ગુજરાતનાં દ્વારિકામાં આવ્યા અને શારદાપીઠની સ્થાપના કરી! આ કંઈ ઓછું સાંસ્કૃતિક બંધન છે?’ વિચાર કરતાં કરી મૂકે તેવો સવાલ ચર્ચા દરમિયાન આવ્યો.

ચર્ચા ચાલી રહી હતી, વર્તમાન કાશ્મીર સાથેના ગુજરાતના તાંતણાની. અમદાવાદમાં એક સ્થાને જાહેર કાર્યક્રમ નહોતો, પણ જે મર્યાદિત સંખ્યામાં એકઠા થયા તે નિસબત ધરાવતા મહાનુભાવો હતા. રાજકીય વિશ્લેષકો, અધ્યાપકો, રાજ્યશાસ્ત્રીઓ, પત્રકારો અને વિદ્યાર્થીઓ, એકાદ-બે ‘લિબરલ્સ’ પણ હતા જે વર્તમાન પરિસ્થિતિથી અસંતુષ્ટ હતા અને એવું માનતા હતા કે કાશ્મીરમાં માનવાધિકારનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. પ્રજાના પ્રતિનિધિઓ જેલોમાં છે, દમન ચાલે છે... તેઓ મોટા ભાગે બીબીસીના અહેવાલોનો આધાર લેતા હતા!

પણ ચર્ચા હતી કાશ્મીર-ગુજરાતના સંબંધો વિશે એટલે એક વિદ્વાને વાત કરી, આદિ શંકરની. વાત તો તેમની સાચી હતી, પૂર્વજોની પાસે સાંસ્કૃતિક દૃષ્ટિ અને દૃષ્ટિકોણ હતા એટલે તો સમગ્ર ભારતને નજરમાં રાખીને જ તેઓ તમામ પાસાં વિશે વિચાર કરતા, અમલીકરણ કરતા. નહીં તો કાલડી, કેરળનો બ્રાહ્મણ યુવક હિમાલય અને ગુજરાત શાનો આવે? અયોધ્યામાં જન્મેલા ભગવાન સહજાનંદ સ્વામી સૌરાષ્ટ્રના કાઠી દરબારોની વચ્ચે નીતિ અને ધર્મની વાણી સંભળાવવા માટે કેમ આવે? ગુરુ નાનકે છેક કચ્છનાં લખપતમાં ગુરુદ્વારા શા માટે સ્થાપવું પડે? ગુરુ ગોવિંદસિંઘના જે બલિદાની ‘પંજ પ્યારા’ હતા, તેમાંનો એક મોહકમસિંઘ છેક બેટ દ્વારિકાના છીપા (કાપડ રંગનાર) કુટુંબનું સંતાન હતો! (આજે પણ બેટ દ્વારકામાં તેમનું જન્મસ્થાન અને ગુરુદ્વારા ઊભાં છે.) સ્વામી વિવેકાનંદે દક્ષિણેશ્વરથી આવીને ગુજરાત-યાત્રા કેમ કરી હતી? કોલકાતાના બંગપુરુષ સુભાષચંદ્ર બોઝ પ્રથમ વાર કોંગ્રેસ-પ્રમુખ બન્યા હતા, ૧૯૩૮માં, હરિપુરા-ગુજરાતમાં.

ગફલતોનો શિકાર

આ તો થોડાંક જ ઉદાહરણો છે. પણ પ્રાચીનથી અર્વાચીન સમયમાં એકબીજાની સાથે પ્રદેશો બંધાયેલા હતા. સરદાર વલ્લભભાઈએ કાશ્મીરના ભારત-વિલયમાં મહત્ત્વનો ભાગ પણ ભજવ્યો. દુર્ભાગ્યે, ‘કાશ્મીર પંડિત’ જવાહરલાલ નેહરુના આંતરરાષ્ટ્રીય ‘ઉદારવાદ’ અને નેતૃત્વની છૂપી ઝંખનાને લીધે કાશ્મીરનો એક ભાગ પાછો લેવાનો રહી જ ગયો, અને વાત યુનો સુધી પહોંચી. આ ‘જગતકાજી’ વૈશ્વિક સંસ્થાઓ જાણેઅજાણે અન્યાય કરી બેસે છે કેમ કે તેમને સમસ્યાનું ભૌગોલિક-પારંપારિક જ્ઞાન હોતું નથી.

૧૯૬૭માં કચ્છનો છાડબેટ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે પાકિસ્તાનને સોંપી દીધો તે સા-વ હડાહડ અન્યાય હતો અને છે. કચ્છના રાજપરિવારના મહારાજા કુમાર હિંમતસિંહજીને કેટલાંક વર્ષો પહેલાં ભૂજમાં મળવાનું થયું ત્યારે તેમણે છાડબેટ અને સીરક્રિક પરાપૂર્વથી ભારતનાં હતાં તેના દસ્તાવેજી પ્રમાણો બતાવ્યાં હતાં, પણ આ ટ્રિબ્યુનલો!

એક મજાકની છતાં ગંભીર વાત મેં પિતાજી પાસેથી સાંભળી હતી. તેઓ માણાવદર નવાબી સ્ટેટના શિક્ષણાધિકારી હતા. જૂનાગઢની જેમ માણાવદર નવાબે પણ ભારતને બદલે પાકિસ્તાનની સાથે સ્ટેટનું જોડાણ જાહેર કરી દીધું, પછી થયો આરઝી હકુમતનો જંગ! છેવટે, સરદારની દૃઢતાના કારણે બન્ને નવાબી રાજ્યોનું ભારત-સંઘમાં વિલીનીકરણ થયું ત્યારે યુનોના પ્રતિનિધિ મંડળો તપાસ માટે આવ્યા હતા... હવે તેમને તો જૂનાગઢ શું, માણાવદર શું તેની કોઈ ખબર નહીં. (પછી ૨૬ કરોડ વર્ષ જૂના ગીરનાર, રા’ખેંગાર અને રાણકદેવી, નરસિંહ મહેતા અને સોમનાથનું દેવાલય.... આવી બધી સાંસ્કૃતિક ખબર તો ક્યાંથી હોય?) અરે, સ્થળનામનાં ઉચ્ચારમાં યે મુશ્કેલી પડે. માણાવદરને બદલે મેનેવેડર, મેન-વડાર, મનવડર, જનાગડ, જેનાગડ, સોરથ, વરાવલ, પ્રોભાસપેટન... આવા ઉચ્ચારો કરે! વાસ્તવિકતા એ છે કે આવા પ્રશ્નો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉકેલી શકાય નહીં, વધુ ગૂંચવાય.

‘પોક’ની પોકળતા

કાશ્મીર પ્રશ્ને આવું જ કોઈક બફાઈ રહ્યું છે. ‘પોક’ કહેતા ‘પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર’ (કેટલાક વળી તેને ‘આઝાદ કાશ્મીર’ પણ કહે છે) અને ભારતીય કાશ્મીરની વચ્ચે ભાગલા કઈ રીતે થઈ શકે? પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનું નિર્માણ થયું ત્યારે બંગ-લેખક શંકરે લખ્યું હતું. ‘આ પાર બાંગલા, ઓ પાર બાંગલા!’ ૧૯૪૭માં ‘બૃહદ બંગાળ’ની ચળવળ ચાલી તેની પાછળ આ કારણ હતું. ડો. શ્યામાપ્રસાદ જેવાને લાગ્યું કે પાકિસ્તાન વધુ જોર કરે તો પૂર્વ અને પશ્ચિમ બંગાળ બન્નેને તે હડપ કરી જશે, એટલે તેમણે ભારત હેઠળનાં બંગાળને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કાશ્મીરનું ‘પોક’ પણ પૂર્વ-પશ્ચિમ કાશ્મીરનું બંગાળ જેવો જ ભાવાત્મક પ્રશ્ન છે. ‘પોક’માં હવે પાકિસ્તાનની વિરુદ્ધમાં ઉહાપોહ શરૂ ગયો છે. એમ તો બલોચિસ્તાનને ક્યાં પાકિસ્તાનની સાથે ભળવું હતું? ખાન અબ્દુલ ગફારખાને તો કહ્યું પણ ખરું કે તમે અમને વરુના મોંમાં ધકેલી દીધા! કોંગ્રેસે શા માટે તે સમયે બલોચિસ્તાન માટે ભારત-વિલયનો આગ્રહ કર્યો નહીં એ મોટો સવાલ છે કેમ કે ત્યાં ધારાસભામાં તો કોંગ્રેસની બહુમતી હતી! આસામમાં વિષ્ણુરામ મેઘી અને બારડોલોઈ જેવા નેતાઓ હતા એટલે આખું આસામ પાકિસ્તાનમાં જતાં જતાં અટકી ગયું, છતાં થોડોક ભાગ તો ગુમાવ્યો. હવે ત્યાંથી જ ઘૂસણખોરો આવે છે!

ડો. મુખર્જી અને બેરિસ્ટર ત્રિવેદી

કાશ્મીરમાં ૧૯૫૨ પછી જે સત્યાગ્રહ થયો અને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન લેવાયું ત્યારે પણ ગુજરાત એ ઐતિહાસિક આંદોલનમાં અલગ રીતે મહત્ત્વનું સ્થાન ભોગવતું હતું એ યાદ રાખવા જેવું છે.

ડો. મુખર્જીના નજીકના સાથીદાર હતા જનસંઘ-નેતા હતા બેરિસ્ટર ઉમાશંકર ત્રિવેદી. જનસંઘના સંસદ સભ્ય હતા. મુખર્જીની સાથે કાશ્મીર ગયા હતા અને તેમને શેખ અબ્દુલ્લાએ જેલમાં મોકલ્યા તેની ખિલાફ હેબિયસ કોર્પસની અરજી બેરિસ્ટર ત્રિવેદીએ જમ્મુની કોર્ટમાં દાખલ કરી હતી, જે દિવસે તેનો ચુકાદો આવવાનો હતો (બેરિસ્ટર ત્રિવેદીએ હોસ્પિટલમાં ડો. મુખર્જીને મળીને કહ્યું કે આવતીકાલે તમે જેલથી મુક્ત થશો એવો ચુકાદો આવશે, પણ એ દિવસે જ મુખર્જી અણઘડ ડોક્ટરની અધૂરી સારવાર સાથે મૃત્યુ પામ્યા.)

બેરિસ્ટર ત્રિવેદી ગુજરાતના સ્વનામધન્ય કવિવર ઉમાશંકર જોશીના સગાસંબંધી થતા હતા, એ પણ આજે તો કોને યાદ હોય? મને સ્વયં કવિએ આ વાત કરી હતી!

કાશ્મીર સાથેના ગુજરાત-સંબંધની આવી કંઇકેટલી ઘટનાઓ છે, પછી ૩૭૦મી કલમની નાબુદી ગુજરાતી ગૃહ પ્રધાન અને વડા પ્રધાનના હાથે થાય તો ગુજરાતી નાગરિક હર્ષની લાગણી અનુભવે તેમાં નવાઈ શી?


comments powered by Disqus