૨૦૨૦માં ચીને ફરી વાર વિસ્તારવાદી પ્રવૃત્તિ ચલાવી એટલે એ વાત સાચી છે કે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધની શબપરીક્ષાનો એક લાંબો દોર ચાલ્યો છે. શ્રી દલવી, શ્રી માંકેકર, શ્રી કૌલ, શ્રી કુલદીપ નૈયર વગેરેનાં પુસ્તકોએ એ યુદ્ધમાં થયેલી ભૂલોના હિમાલયને શબ્દોમાં ઉતાર્યો છે. છતાં પ્રશ્ન હજી એવો ને એવો જ છે - કોણ જવાબદાર હતું એ પરાજયના કલંક માટે? પંડિત નેહરુ? કૃષ્ણમેનન? લશ્કરી અધિકારીઓ? વિદેશ મંત્રાલય? ગુપ્તચર તંત્ર? કે પછી આપણામાં કેફની જેમ આવેલી શાંતિના કબૂતર ઉડાડ્યા કરવાની વૃત્તિ?
હમણાં શ્રી બી. એન. મલિકે પણ એક પુસ્તક આપ્યું છે. શ્રી મલિક ભારતીય ગુપ્તચર તંત્ર (ઇન્ટેલિજન્સ બ્યૂરો)ના એ ગાળા દરમિયાન સર્વોચ્ચ અધિકારી હતા. સમગ્ર જાસૂસી તંત્ર એમના હાથમાં હતું.
ત્યાર પછી આ પુસ્તક બહાર પડ્યું છેઃ ‘નેહરુ સાથેનાં વર્ષો - ચીની વિશ્વાસઘાત’ (માય યર્સ વિષ નેહરુ - ધ ચાઇનીઝ બિટ્રેયલ)
આ પુસ્તકનાં કેટલાંક તારણો રસપ્રદ છે તે આ રહ્યાંઃ
• શ્રી વી. કે. કૃષ્ણમેનને શસ્ત્રાસ્ત્રો બનાવવામાં ખૂબ મહેનત લીધી હતી. યુદ્ધ વખતે સૈનિકો પાસે જે શસ્ત્રો હતાં તેને માટે સૈનિકો અધિકારીઓ જવાબદાર હતા.
• ચીન ૧૯૫૪થી જ ભારતનો ભૂભાગ હડપવા તત્પર હતું. વળી, લડાખ અને નેફાની સીમા પહેલેથી જ નક્કી નહોતી. ૧૫ વર્ષ સુધી આપણે એના પર ધ્યાન જ ન આપ્યું.
• જાસૂસી તંત્રે ચીનની બધી ઘૂસણખોરી અને વૃત્તિનો અહેવાલ સરકારને પહેલેથી જ આપ્યો હતો, પણ સેનાના અધિકારીઓ સતર્ક નહોતા. ૧૯૫૯થી જ ચીને યુદ્ધની તૈયારી કરવા માંડી હતી, પણ આર્મી હેડ ક્વાર્ટરે ધ્યાન જ આપ્યું નહીં. ખુદ સ્થળ-સેનાપતિ જનરલ થીમૈયા પણ ચીન સાથે યુદ્ધનો વિચાર કરી શકતા નહોતા.
• મેં (શ્રી મલિકે) જો પહેલેથી જ ચીનાઓએ બનાવેલી અક્ષયચીનની સડકના મહત્ત્વ વિશે વડા પ્રધાનને જણાવી દીધું હોત તો પહેલેથી કંઈક ચોક્કસ પગલાં લેવાયા હોત.
• ઓગસ્ટ ૧૯૬૨માં જનરલ કૌલ અને વી. કે. કૃષ્ણમેનન વચ્ચે મતભેદ શરૂ થઈ ગયો હતો તે એટલી હદે કે બંને અરસપરસ વાતો પણ કરતા નહોતા. કૌલ રજા પર ચાલ્યા ગયા હતા. મેં (મલિકે) શ્રી કૌલને રજા પરથી બોલાવવા અનેક વાર માગણી કરી પણ તે માન્ય રાખવામાં આવી નહિ.
• જનરલ કૌલે છ વર્ષથી કોઈ રજા લીધી નહોતી. તેઓ સેનાની કાર્યવાહીમાં મગ્ન હતા. તેમની પુત્રી બીમાર થઈ એટલે સારવાર માટે કાશ્મીર જવું પડ્યું. એમની રજા જનરલ થાપર અને કૃષ્ણમેનને મંજૂર કરી. ૧૯૬૨માં ખુદ સુરક્ષા પ્રધાન અને વડા પ્રધાન પણ વિદેશયાત્રા પર ચાલ્યા ગયા. મેનનને મેં (મલિકે) કહ્યું હતું કે દેશ પર ખતરો છે. તેઓ માન્યા નહીં. દુશ્મનો આ વાત જાણતા હતા. ૧૨ ઓક્ટોબરે ચીનાઓ ઘૂસી આવ્યા ત્યારે નેહરુ કોલંબો યાત્રા પર ચાલ્યા ગયા. તેમણે જતાં જતાં કહ્યું હતું કે મૈં સૈન્યને આદેશ આપી દીધો છે કે ચીનાઓને હાંકી કાઢે. ચીનાઓ એવી ધમકીથી ડરે તેમ નહોતા! પરિણામ એ આવ્યું કે નેહરુજીની એ ચેતવણી પછી આઠ દિવસમાં જ ૨૦૦૦ માઈલ લાંબી સરહદ પર ચીનાઓએ જબ્બર આક્રમણ કર્યું.
• જનરલ થાપર અને જનરલ કૌલે ૧૯૬૧થી સૈન્ય પર ધ્યાન આપ્યું હતું. પરંતુ સીમા પર પોલીસ ચોકીઓ જ હતી, સૈનિક ચોકીઓ નહીં. યુદ્ધના એક વર્ષ પૂર્વે સપ્ટેમ્બર ૧૯૬૧માં અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવાયો કે ચીનાઓ આગળ ન વધે. એવો આપણે પ્રયત્ન કરીશું. એ દરમિયાન તો ચીનાઓએ ૭૦૦૦ માઈલ લાંબા ઈવાકા પર કબજો મેળવી લીધો નહોતો.
• ભારતીય સેનાએ દૌલતબેગ-ઔલ્દી અને તેની નજીકની ચોકીઓને પાછળ હઠાવવાની સલાહ આપેલી. એનું કારણ એ હતું કે એ સમયે એ ચોકીઓની રક્ષા કરવાની કોઈ જ તૈયારી નહોતી! લડાખમાં સડકનો રસ્તો માત્ર ૨-૩ મહિના જ ખૂલતો હતો. અને સામગ્રી હવાઈ જહાજથી પહોંચાડાતી હતી. જ્યારે ચીનાઓ પૂરી રીતે સજ્જ હતા.
આ બધા તારણો પરથી સમજાય છે કે શ્રી મલિક સરકારની બેદરકારીને તો ધ્યાનમાં લે છે પણ બહુ કુખ્યાત બનેલા શ્રી કૌલનું બચાવનામું પણ પેશ કરે છે. એટલું જ નહીં, પણ પોતાના હાથ નીચેના ગુપ્તચર તંત્રને પણ તેમણે સતર્ક બતાવ્યું છે.
વાસ્તવમાં જનરલ હેંડરસન બ્રુક્સનો જે અહેવાલ તૈયાર થયો તે આ યુદ્ધ વિશે બધાં દોષિત અંગોને ખુલ્લાં પાડે તેમ છે. સરકારે તે હજી લગી બહાર પાડ્યો નથી. પરંતુ વિવિધ પત્રકારોની માહિતીઓ બહાર આવી તે શ્રી બ્રુક્સ અહેવાલમાં જાસૂસી તંત્રને જ સૌથી વધુ જવાબદાર ગણાવે છે.
બીજી તરફ, શ્રી કુલદીપ નૈયરનું તાજેતરમાં બહાર પડેલું પુસ્તક નિર્દેશે છે કે જ્યારે કુલદીપ નૈયર વી.કે. કૃષ્ણમેનનને મળ્યા. એને પૂછ્યું કે તમે તમારું મોં કેમ બંધ રાખો છો? તો શ્રી મેનને કહ્યું કે હું મોં ખોલવા માગતો નથી, કેમ કે હું વડા પ્રધાનને દોષિત ઠેરવવા માગતો નથી.
હિમલાયી ભૂલે કેવા કેવા વિસંવાદો અને ઢાંકપિછોડાઓ સર્જ્યા છે?
આવી ભૂલોને માનવા કે લોકોની વચ્ચે જવા સરકાર પણ તૈયાર નથી હોતી અને કેટલીક બાબતો છૂપાવે છેઃ
‘માહિતી આપવી જાહેર હિતમાં નથી.’
આવો જવાબ વાંચવા આપણી આંખ ખૂબ ટેવાઈ ગઈ છે; સંસદમાં જ્યારે જ્યારે કોઈ નવી માહિતી માટે, કોઇ ચિંતા પ્રેરે તેવી ઘટના પર, કોઈ કોઈ રાષ્ટ્રીય ખતરા વિશે પ્રશ્નોની ઝડી વરસાવવામાં આવે છે ત્યારે પ્રધાનશ્રી ઠાવકા મોંએ પ્રત્યુત્તર આપી દેતા હોય છેઃ ‘જવાબ આપવો જાહેર હિતમાં નથી.’
આ તો થઈ સરકારે જ્યાં સુધી સૌથી વધુ પ્રજાકીય વાચાનું માધ્યમ બનવાનું હોય છે તે સ્થળ - સંસદની વાત; પણ સરકારી ઓફિસોમાં તો પ્રધાનના જવાબથીયે ચાર ચાસણી ચઢી જાય તેવી ‘ગોપનીયતા’ની છાપ લાગેલી હોય છે અને તેમ છતાં એવું ન માનશો કે માહિતીઓ બહાર પડતી જ નથી હોતી!
પ્રશ્ન આ સમજવા જેવો છેઃ શી જરૂર છે આવી ગોપનીયતાની? શું સાચેસાચ જે બાબતો છૂપાવવા જેવી હોય છે તેને બાદ કરીને બીજી વિગતો તંત્ર બહાર પાડી દે તેટલું સ્વસ્થ કે પ્રામાણિક રહ્યું છે ખરું? અથવા તો, જે ખરેખર ગોપનીય દસ્તાવેજો વગેરે છે તે શું ઘણા છૂપા રુસ્તમો દ્વારા પડોશી દુશ્મન દેશોના હાથમાં પહોંચી જતા નથી? ચંદીગઢ એવા પરદેશી જાસૂસોની નગરી તરીકે જાણીતું છે. આસામમાં ખાદી બોર્ડનો ઉપાધ્યક્ષ તામીર એક પ્રધાનની જ કારમાં સીમા સુધી જઈ, મહત્ત્વના દસ્તાવેજો લઈને પાકિસ્તાન ભાગી ગયો હતો. આપણે ત્યાં બનાસકાંઠાના કેટલાક સરકારી નકશાઓ આવી રીતે ગુમ થયાની ઘટના ધારાસભામાં ચર્ચાઈ ચૂકી છે.
તો પછી શો અર્થ છે આ ગુપ્તતાનો? આપણે ત્યાં આ ગુપ્તતાને ચીરી નાખે એવું જલદ માધ્ય એક છે - નિર્ભીક સમાચારપત્રો. પણ તેમાંના અપવાદોને બાદ કરતાં બીજાં પત્રો તો, કોઈ સ્વાર્થ સિદ્ધ કરવા અધિકારી કે પ્રધાને આપેલી માહિતીને ‘સ્કૂપ’ બનાવી મૂકે છે. અખબારી દુનિયામાં તેને ‘ઇન્સ્પાયર્ડ લીક’ ની નિશાની અપાય છે.
પશ્ચિમ બંગાળમાંથી એક ભૂતપૂર્વ પ્રધાન અને એક સંસદસભ્યને પાકિસ્તાનની જાસૂસી માટે પકડવામાં આવ્યા એ પહેલાં એ સમાચાર પશ્ચિમ બંગાળના અખબારમાં ચમકેલા. ત્યાર પછી ઊહાપોહ થયો અને બંનેને પકડવામાં આવ્યા. મારા એક સામ્યવાદી મિત્ર કહેતા હતાઃ ‘આ કિસ્સો જરૂર ‘ઇન્સ્પાયર્ડ લીક’ હોવો જોઈએ, નહીંતર આટલા વર્ષની જાસૂસીનો છેક અત્યારે ભાંડો ફૂટે?
જે હોય તે, પણ અખબારોની હિંમતમાં વિવેકભાન મૂકવા ખાતર ગુપ્તતા ભંગનો કાયદો આપણે ત્યાં અમલમાં છે તે ‘સરકારી ગુપ્ત-સંહિતા, ૧૯૩૩’ છેક બ્રિટિશ કાળની જ દેન છે! સરકારી કર્મચારીઓ આને કારણે ડરતા હોય છે તે સ્વાભાવિક છે. એટલે નિવૃત્ત કર્મચારી પણ ગુપ્ત વિગતો રજૂ નથી કરતો હતો.
કાનૂનનું પાલન એ જરૂરી વાત છે ખરી, પણ એક એથી મોટો સવાલ છે કે સરકારી બેદરકારીના ઇતિહાસને પણ ગુપ્તતાના કાયદા હેઠળ છૂપાવવામાં આવે એ ક્યાં સુધી બરાબર છે?
આપણે ત્યાં ચીન-ભારત યુદ્ધ થયું. ભારતીય સૈન્ય કઈ રીતે હાર્યું એની તપાસ થઈ અને ‘હેન્ડરસન-બ્રુકસ અહેવાલ’ તૈયાર થયો. ૧૯૬૨ને દસ વર્ષ વીતી ગયાં પછી પણ અહેવાલ પ્રકાશિત થયો નહોતો. ઘણાએ માગણી કરી કે આ અહેવાલ જો ખુલ્લો પડે અમને જાણ થાય કે ભારતીય પ્રજાના પસીના પર પોસાતું ભારતીય લશ્કર, તેના અધિકારીઓને કારણે ખત્તા ખાઈ ગયું હતું કે પછી દિલ્હી દરબારના દેવતાઓની નીતિનું પરિણામ હતું?
મજા એ છે કે હમણાં એક બ્રિટિશરે લખેલા પુસ્તકમાં તે લેખકે ખુલ્લેઆમ જાહેર કર્યું કે મેં જે અવતરણો લીધાં છે તે ‘હેન્ડરસન-બ્રુકસ તપાસ પંચ’ના અહેવાલમાંથી લીધા છે! ‘સરકારી ગુપ્તતા’ સામે આ જબરો પડકાર હતો, પણ સરકારે કહ્યું કે એ વાત બરાબર નથી. તો પછી કઈ વાત બરાબર છે? તેના સમર્થનમાં આ અહેવાલ બહાર પાડો ને! તો જવાબ મળ્યો ‘એ અહેવાલ બહાર પાડવો સાર્વજનિક હિતમાં નથી!’
‘સાર્વજનિક હિત’ની આ માયાજાળ ભેદીને કેટલાક હિંમતબાજોએ જે વિગતો દુનિયા સમક્ષ પેશ કરી તેનું એક ઉદાહરણ તો પાકિસ્તાનનના એંગ્લો-ઇન્ડિયન પત્રકાર શ્રી માસ્કહરાન્સ પણ છે. પાકિસ્તાની સરકારે તો પોતાના હેતુઓ બર લાવવા ‘સરકારી પત્રકારો’ની ટુકડીને પૂર્વ બંગાળમાં મોકલી હતી, તેમાં માસ્કહરાન્સના હૃદયનો અવાજ રુંધી ન શકાયો, ને પાકિસ્તાનમાંની પોતાની સમસ્ત કારકિર્દીનો ત્યાગ કરીનેય તેણે એ અવાજને વાચા આપી દીધી!
ડેનિયલ એલ્સબર્ગ - એ હવે તો અનેકોની જીભે ચડી ગયેલું નામ થઈ ગયું, એવો સાહસિક અધ્યાય તેણે અમેરિકામાં રચ્યો છે. અગિયાર-અગિયાર અમેરિકી સમાચારપત્રોને વિયેટનામના યુદ્ધ અંગે અમેરિકી સરકારની બદદાનતને ચીરતી, ૪૭ ભાગની કહાણી મોકલી આપીને આ પ્રાધ્યાપકે કમાલ કરી નાખી! પોતે વિયેટનામ યુદ્ધ અંગે અમેરિકી સરકારનો સલાહકાર હતો, પણ પછી દિલ ડંખ્યું અને જ્હોન્સનના સુરક્ષાપ્રધાન મેકનામારાના આદેશથી તૈયાર કરેલા આ દસ્તાવેજો જ તેણે ખુલ્લા પાડી દીધા.
‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ - ‘ધ વોંશિગ્ટન પોસ્ટ’ વગેરેએ તે ધડાધડ છાપ્યા પણ ખરા અને સરકારી ખફગી વહોરી લીધી! આત્મસમર્પણ કરનારા ડેનિયલે સ્પષ્ટ કર્યું છે કે આ અહેવાલ પ્રકાશિત કરવાથી વિયેતનામ યુદ્ધ બારામાં આત્મપ્રવંચનાનો દોર ખતમ થાય તો મને ભલે ગમે તે સજા થાય - એનો મને રંજ નહીં હોય. પરંતુ સરકારી ભૂલોના ઇતિહાસને ગોપનીય દસ્તાવેજની સંજ્ઞા આપીને તેને પ્રજાથી છૂપાવવામાં આવે એ કેટલી હદે ઉચિત છે?
પ્રશ્ન પૂછ્યો તો એ અમેરિકી પ્રાધ્યાપકે, અને તે પણ અમેરિકી તંત્રને. પણ આ સવાલ આપણી સરકારને, આપણા સંદર્ભોમાં પૂછવા જેવો નથી? ખાસ કરીને, સંકટની કાલિમા ઘેરાઈ રહી છે ત્યારે પ્રજાહિત કઈ પરિસ્થિતિમાં અને કંઈ નીતિમાં છે એ પ્રવંચનાને છોડી દઈને નક્કી કરવાનું કામ સરકારનું નથી? આજે - ચીનની નવી આક્રમક નીતિના સમયે - પણ આ અહેવાલ અત્યંત મહત્ત્વનો બની જાય છે. (‘સમયના હસ્તાક્ષર’ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે તેમાંનો એક લેખ).