સાવ અનાયાસ થઈ આ દાંડીદર્શના. ઓગસ્ટ ક્રાંતિ આખો દેશ ઊજવી રહ્યો હોય ત્યારે આ તીર્થ સુધી દોરાઈ જવાનું મન થાય જ થાય. ૧૯૩૦માં, રાષ્ટ્ર આખું જ્યારે હતાશ અને વિમૂઢ થઈને, નાસીપાસ અવસ્થામાં બેઠું હતું ત્યારે ગાંધીજીએ ચપટી મીઠાને પ્રતીક બનાવી દઈને ફરી એક વાર જનચેતનાનો જુવાળ આણ્યોઃ એ એક ઐતિહાસિક ઘટના તો ખરી, પ્રજાસમૂહની માનસિકતાનો રસપ્રદ અધ્યાય પણ છે. રાષ્ટ્રીય મહાસભાના - પંડિત જવાહરલાલ સહિતના નેતાઓને - લાગતું હતું કે બાપુને આ શું સૂઝયું છે? અમદાવાદની સાબરમતીથી દાંડી સુધી જઈને મીઠું પકવવાથી કોઈ રાષ્ટ્રીય સંગ્રામ ઊભો થાય ખરો? અમને - મને અને આરતીને મોકો મળ્યો ૧૯૯૨માં.
પણ તેમ થયું. લોકોની મહત્ત્વાકાંક્ષા અને પુષ્ણપ્રપોકનું નિમિત્ત બની ગયું - ચપટી મીઠું. બ્રિટિશ સરકારની મતિ મુંઝાઈ ગઈ હતી - દાંડીના સમુદ્રકિનારે ગાંધીજી અને તેમના સાથીઓએ કાનૂનભંગ કરીને મીઠું પકવ્યું તોયે પોલીસે તેમની ધરપકડ કરી નહીં!
દાંડીથી થોડેક દૂર કરાડી નામનું નાનકડું ગામડું છે. સમુદ્રકિનારે તો કાદવકીચડ અને નિર્જનતા, લોકોનાં ટોળેટોળાં ધસી જાય તો બધાંને મુશ્કેલી પડે એટલે ગાંધીજી એક નાનકડી ઝૂંપડી બાંધીને કરાડીમાં રહ્યા અને ત્યાં જ વાઇસરોયને પેલો સુખ્યાત પત્ર લખ્યો જેમાં ધારાસણાની ધાડનો સ્પષ્ટ સંકેત હતો.
આજે એ જગ્યાએ ગાંધીસ્મૃતિનું સ્મારક ઊભું છે. શિક્ષણ અને રચનાત્મક કામોની માંડણી થઈ છે. શાંતિ સેનાના ગુજરાતના અધ્યક્ષ રાઉતજી સમગ્ર સંકુલને સંભાળે છે. આશાવાદી અને નિખાલસ મનુષ્ય – ઉત્તર પ્રદેશના છે, ગુજરાતી બની ગયા છે. યોગાનુયોગ દોઢ દિવસ લગી, વૃક્ષો અને ઘાસથી છવાયેલા આ હરિયાળા સ્થાને રહેવાનું બન્યું, અને તે પણ પરિવર્તનના મહત્ત્વાકાંક્ષી યુવકો સાથે! આજ અને આવતીકાલ અમારી ચર્ચા-વિલોવણનો વિષય હતો. સ્થળકાળ ભૂલીને સંધાન રચાતું હતું, વિચારના પુલને બાંધવા તરફ! એના વિના વિકલ્પ ક્યાં છે?
- અને દાંડી?
જ્યાં ગાંધી રહ્યા હતા, જ્યાં મીઠું પોટલીમાં બાંધીને લઈ ગયા હતા એ જગ્યા આજે તો સ્મારકમાં પળોટાઈ ગઈ છે. ‘અહીં એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ મીઠું પકવીને બ્રિટિશ સરકારને પડકારી હતી...’ એ શબ્દો વાંચતા ઇતિહાસ આંખ સામે ખડો થયોઃ એ પણ ભારત હતું, ને આજનુંયે ભારત -
કેમ એવું બન્યું કે ક્રાંતિકારોની દેશભક્તિથી તરબતર સશસ્ત્ર ધાડોનું સ્થાન હર્ષદ મહેતાઓ, કૃષ્ણમૂર્તિઓ, નીરવ મોદીઓની લાલચુ બેંકધાડે લીધું? ૧૯૪૨માં ‘ભારત છોડો’નો આટલો વ્યાપક અવાજ ગાજ્યો, તે જોતજોતામાં પચાસ વર્ષ ‘ભારત બચાવો’ની દયનીય અને બહાવરી મુદ્રામાં પલટાઈ ગયો, કેમ?
ઇતિહાસ નિર્દેશ્યાં પ્રશ્નચિહ્નો થથરાવી મૂકે છે. માંડ દોઢેક હજારની વસતિ હશે. પ્રયોગપરસ્ત ખેડૂત સોમભાઈએ માહિતી આપી કે સમુદ્રના પાણીની વચ્ચે સહેલાણીઓને માટે આધુનિક ‘રિસોર્ટ’ બાંધવાનો ગુજરાત સરકારનો વિચાર છે અને તે માટે પરદેશી એજન્સીઓ સાથે વાત પણ થઈ છે. સ્મારકની સાવ નજદીક એક મકાન ઊભું છે - સૈફી મંઝિલ. સરકાર અહીં માહિતી ખાતું અને મ્યુઝિયમ ચલાવે છે. અમે પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી, મકાન બંધ હતું. થોડાંક બાળકો મેદાનમાં રમતાં હતાં, ખુલ્લા આકાશતળે આ મકાન પણ જાણે, અતીતને સંઘરીને બેઠેલા મૌનીમુનિ જેવું જ લાગ્યું!
પાછા ફરતા વિચારવંટોળે સ્થાન લીધુંઃ શું પાછલા દિવસો ભૂંસાઈ જવાને માટે જ સર્જાયેલા હોય છે? જે પળે અહીં રચાયો હશે સંઘર્ષ, તેનું એવું ને એવું પુનરાવર્તન તો ક્યાંથી થાય? ઘટના આગળ દોડી જાય છે, પાછળ રહી જાય છે કેવળ સંકેતો અને સ્મૃતિચિહ્નો.
તેના આધારે વર્તમાન ઘડી શકાય કે માત્ર આપણાં છિદ્રો ઢાંકવાનાં જ તે નિમિત્તો બને છે?
દાંડી કે સાબરમતી, ગોવાલિયા ટેન્ક કે લાલ કિલ્લોઃ શેષ રહી ગયેલાં સ્મારકોનો હાથ પકડીને બેઠા થઈ શકાય એવી શક્તિ તો આપણે ગુમાવી દીધી એટલે અપરાધબોધથી કેવળ સ્વાતંત્ર્ય સમારોહો ઊજવ્યા કરીએ...
નવતર પેઢીની આંખમાં તો તેના અસ્તિત્વની ઓળખાણ છે. નવસારી પાછા ફરતાં એક રમણીય સ્થાને આયોજક સાથીઓ લઈ ગયાઃ પ્રવેશતાંવેંત જાપાનીઝ પદ્ધતિમાંથી જન્મેલી પ્રાકૃતિક સુંદરતા વીંટળાઈ વળે. ખળખળ વહેતા પાણીના નાનકડા ધોધ અને ઝરણાં, હરિયાળાં વૃક્ષો અને છોડની વનરાજી અને મોકળાશને બરાબર સજાવીને બેઠેલું મકાનનું સ્થાપત્ય.
આ ધબકાર અનુભવતું ‘ગૃહ કોનું છે? પરસાળમાં જ સૌથી વધુ નિર્દોષ ચહેરાઓ દેખાય છે. હા, જગત તેને માનસિક ખોડખાંપણવાળાં બાળકો તરીકે પહેચાને છે. બહેરાં, મૂંગા, માનસિક રીતે હણાયેલાં સંતાનો. આ તેમની શાળા છે અને આ તેમનો નિવાસ પણ. નામ મમતા મંદિર અને બીજી ઓળખાણો પણ ખરી. પ્રવીણચંદ્ર સવજીભાઈ કોઠારી બહેરાં-મૂંગા વિવિધલક્ષી વિદ્યાલય. ચી. ન. પરીખ મમતા મંદિર, દાંડી રોડ પરનું આ શૈક્ષણિક કેન્દ્ર દક્ષિણ ગુજરાતમાં એકલું અને અનોખું છે. દૂર છેવાડેનાં ગામોથી આવેલા, ખામી અનુભવતાં બાળકો અહીં ભણે છે, રહે છે. તેમનો અભ્યાસવર્ગ જોયા પછી લાગ્યુંઃ ખરેખર આ બધાં ઊણપવાળાં છે, કે આપણે? થોડાક જ સંકેતોમાં તે આસાનીથી પોતાની દુનિયા રચી લેતા હતાં અને જે ઉમળકાથી હાથ મિલાવતા અને નજર માંડતા હતા એ તેમની ઉષ્માનો અહેસાસ હતો.
સંસ્થાની નાનકડી ઇંટથી લીલાછમ છોડ લગીની જાતે ચિંતા કરનારા મહેશ કોઠારી અલગારી જીવ છે. અલગારી અને સમર્પિત. માણસને કેન્દ્રમાં રાખતી પ્રવૃત્તિ વિના ચાલે નહીં એટલે ત્રીસથી વધુ વર્ષ પૂર્વે આ સંસ્થા સ્થાપી. અમેરિકન દૂતાવાસના ચાર્લ્સ મહસ્ટથી માંડીને જપાનીઝ ઉદ્યાન નિષ્ણાતોને બોલાવી લાવ્યા. જીવનના સંઘર્ષનો ભાર ન લાગે બાળકોને એવું વાતાવરણ રચવાની તેમની તમન્ના - તત્કાલીન રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ ખાતમુહૂર્ત કર્યું. રામકથાકાર મોરારિબાપુ શાળાનું ઉદઘાટન કરવા આવ્યા. અમેરિકી એલચીએ પોતાને ગમતી બાબત – પુસ્તકાલયને ખુલ્લું મૂક્યું. બાણુનાં વર્ષથી પ્રવૃત્તિ વિસ્તરી અને મંદબુદ્ધિ ગણાયેલાં બાળકોને અહીં રહેવા માટેનું ઘર મળી ગયું.
મહેશ કોઠારી કહેતા હતા કે હજુ મોટો ઉદ્યાન બનાવવો છે. પુનર્વસન સંકુલનેય તેમાં સમાવી લેવાશે. ભૂતકાળમાં સર્વોચ્ચ અને વર્તમાનમાં સક્રિય રાજકારણ અને કામદાર પ્રવૃત્તિમાં કાર્યરત મહેશભાઈનો કંઈને કંઈ નવું અને જીવંત એવું કરતાં રહેવાનો સ્વભાવ છે. જાપાનમાં ક્યારેક બૌદ્ધ ધર્મના અંતઃસ્તત્વનો પરિચય કરી લીધો હતો એ જીવના દૃષ્ટિકોણમાં કામ લાગે છે. નેતા-મહાનેતાઓ તો આવ્યા કરે છે, એમનું પણ સ્વાગત હો, પણ કાર્ય આ નાના નાના માનવધર્મી દ્વીપ ઊભા કરવાનું.
કોણ કહેશે કે આ નાનકડાં કામો છે? સંસ્થાઓ રચાતાવેંત તેનો આત્મા હણાઈ જાય છે. તંત્ર ત્યાં ગોઠવાઈ જાય છે ને પછી તેની ચીલાચાલુ પ્રથાઓ અને અસ્તિત્વની ચાડી ખાતાં સ્મારકો જેવી દશા બની જાય છે. આમાંનું બધું જ અહીં ગેરહાજર જોઈને નવાઈ તો લાગી, આનંદ પણ થયો.
એક રીતે આ બધું પેલી દાંડીયાત્રાનાં સંદર્ભમાં જ રહ્યું, રચના અને વિનષ્ટતાઃ બે છેડા હવે એકબીજામાં ભળી ગયા છે. સંવાદ અને વિસંવાદ વચ્ચેની ભેદરેખા પારખવી મુશ્કેલ થઈ ગઈ છે. નામે સામ્યવાદ જ નહીં, જીવનશૈલી નામે લોકશાહીના પણ ચીંથરેચીંથરાં ઊડવા માંડ્યા. પ્રણાલિકાઓ ધ્વસ્ત અને અરાજકતાનું આગમન. તમામ સ્તરની અનૈતિકતાઓના અરણ્યમાં નૈતિક શક્તિને શોધવી ક્યાં? વિમૂઢ હોય તો માત્ર યુવા પેઢી છે. રસ્તો શોધવા મથે તોયે તે મળે તેમ નથી. પાછળ જુએ તો અંધારામાં સ્મારકના થાંભલા ઊભા છે, માર્ગ પ્રશસ્ત કરી શકે તેમ નથી અને વર્તમાનથી ભવિષ્ય લગીનો માર્ગ?
૧૯૯૨ના ભારત વિશે, દાંડીના સમુદ્રકિનારાને ઘેરી વળેલા સાંજના અંધકારના સામીપ્યે, કંઈક ઓળખ આપવાની શક્તિ શબ્દોમાં તો ક્યાંથી હોય? બસ, આશ્વાસન એટલું જ કે ઘરદીવડાઓ તો ઝગમગે છે, હજુ ત્યાં પેલો ફૂંફાડો મારતો પવન પહોંચ્યો નથી. શું એવી જ પરિસ્થિતિ દેશ અને સમાજને ચેતનાનો અગ્નિ અર્પિત કરી દેતી હશે? કોણ જાણે!
આજે તો વડા પ્રધાનના ‘ઇતિહાસ બોધ’નો પ્રકાશ ફેલાવતું દિવ્ય-ભવ્ય સ્મારક નિર્મિત થઈ ચૂક્યું છે. નવસારી-નિવાસી મિત્ર આસિફ બરોડાવાલા કહેતા હતા કે આવો તો આ સ્મારક જોવા જઈએ. સમય જ તે મુલાકાત નક્કી કરશે!